તાલિબાનના ડરથી છુપાતાં અફઘાનિસ્તાનનાં મહિલા ક્રિકેટરોની આપવીતી

    • લેેખક, જ્યોર્જ રાઇટ
    • પદ, બીબીસી ન્યૂઝ

એસલ અને તેમનાં સાથી મહિલા ક્રિકેટરો છુપાઇ ગયાં છે, કેમ કે તાલિબાન કાબુલમાં મહિલા ક્રિકેટ ટીમને શોધી રહ્યું છે. એસલ તેમનું અસલી નામ નથી.

એસલ કહે છે, "ક્રિકેટ કે બીજી કોઈ પણ રમતનાં મહિલા ખેલાડીઓ અત્યારે સલામત નથી. કાબુલમાં સ્થિતિ બહુ ખરાબ છે."

"અમારું વૉટ્સઍપ ગ્રૂપ છે, તેમાં રોજ રાત્રે અમે સમસ્યાઓ વિશે ચર્ચા કરીએ છીએ અને આગળ શું કરવું તેની યોજના અંગે વિચારીએ છીએ. અમે સૌ હતાશ છીએ."

ઑગસ્ટના મધ્યમાં કાબુલમાં તાલિબાને કબજો કર્યો તે પછી એસલ ભાગ્યે જ ઘરની બહાર નીકળ્યાં છે. શહેરમાં રહેતી અન્ય ક્રિકેટરોને કેવી રીતે નિશાન બનાવાઈ, તેની વાત તેઓ કરે છે.

એસલ કહે છે, "જે ગામમાં તેઓ ક્રિકેટ રમતી હતી, ત્યાંના કેટલાક લોકો તાલિબાન સાથે કામ કરી રહ્યા છે."

"તાલિબાનના લોકો કાબુલમાં આવી ગયા ત્યારે આ તેમણે ખેલાડીઓને ધમકી આપી હતી કે, 'ફરી ક્રિકેટ રમતાં દેખાશો તો આવીને મારી નાખીશું'."

તક્વા, એવું નામ ધારણ કરનાર અન્ય એક મહિલા ક્રિકેટર વર્ષોથી અફઘાન ક્રિકેટ ટીમમાં રમે છે. કાબુલ પર તાલિબાનનો કબજો થયો, ત્યારે દેશ છોડીને નાસી જવામાં તેઓ સફળ થયાં હતાં.

તેઓ પકડાઈ ન જાય એ માટે જુદાં-જુદાં ઘરમાં સંતાતાં ફરતાં હતાં. તાલિબાને તેમના પિતાનો સંપર્ક કર્યો હતો, પણ પિતાએ કહ્યું કે મારી સાથે તેમનો સંપર્ક નથી રહ્યો.

તક્વા કહે છે, "શું થશે? તે હું વિચારી પણ શકતી નથી. તાલિબાનના લોકો કાબુલમાં ઘૂસ્યા તે પછી એક અઠવાડિયા સુધી હું જમી પણ શકી નહોતી, ઊંઘી પણ નહોતી."

"માત્ર મારા માટે નહોતી વિચારતી. મારાં સાથી ખેલાડીઓની મને ચિંતા હતી. આ છોકરીઓ પોતાનો જીવ, પોતાનો અભ્યાસ જોખમમાં મૂકી રહી છે."

"કેટલીક યુવતીઓએ શાદી પણ ન કરી કે જેથી તેઓ અફઘાનિસ્તાન માટે ક્રિકેટ રમી શકે. તેમના જીવનની મને બહુ ચિંતા છે."

અન્ય એક ખેલાડીએ પોતાનું ખોટું નામ હરીર જણાવીને બીબીસીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ રમવું તે યુવતીઓ માટે વિકેટ કે રનથી કંઈક વધારે હતું.

તેઓ કહે છે, "હું રમતી ત્યારે મને લાગતું કે હું શક્તિશાળી નારી છું. હું ગૌરવ સાથે આત્મવિશ્વાસ અનુભવતી હતી."

"કશું પણ કરી શકનારી, સપનાં પૂરાં કરનારી નારી તરીકે હું મારી જાતને કલ્પી શકતી હતી."

આવાં સપનાં જોનારાં હરીર અને તેમનાં સાથી મહિલા ક્રિકેટરો માટે સપનાં જાણે તૂટી ગયાં.

ભયમાં જીવવા મજબૂર મહિલા ખેલાડીઓ

એક વર્ષ પહેલાં જ તેમને અનેક આશા અને અરમાનો હતાં, પણ હવે તેમણે સલામતી માટે છુપાતાં ફરવું પડે છે, કેમ કે જેમના પર આશા હતી તે ખેલ અધિકારીઓએ તેમને તરછોડી દીધાં છે.

અફઘાનિસ્તાનમાં ક્રિકેટનો ઉદય પરીઓની કથા જેવો લાગે છે. તાલિબાને રમતગમત પરના પ્રતિબંધો હઠાવ્યા, તેના એક વર્ષ પછી જ 2001માં અફઘાનિસ્તાનને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું સભ્યપદ મળ્યું હતું.

તે પછી તાલિબાનનું શાસન હઠ્યું અને ફૂટબૉલ જેવી અન્ય રમતો સાથે ક્રિકેટને પણ પ્રોત્સાહન મળવા લાગ્યું.

બીબીસી પશ્તો સર્વિસના તંત્રી એમલ પાસર્લી કહે છે, "છેલ્લાં 20 વર્ષ તરફ જુઓ તો અમારે ત્યાં યુદ્ધ, આત્મઘાતી હુમલા અને સમસ્યાઓ જ જોવા મળશે, પણ તેની વચ્ચે સમગ્ર દેશ રમતગમતથી થોડી રાહત અને આનંદ મેળવતો આવ્યો છે."

મહિલા ક્રિકેટને પણ મળવા લાગ્યું પ્રોત્સાહન

2000ના દાયકામાં અફઘાનિસ્તાનમાં ક્રિકેટનું ઘેલું લાગ્યું અને વૈશ્વિક સ્તરે પુરુષોની ક્રિકેટ ટીમ આગળ વધવા લાગી.

2015ના ઑસ્ટ્રેલિયા ખાતેના વર્લ્ડ-કપ માટે અફઘાન ટીમ પસંદ થઈ, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ હતો.

2017માં અફઘાનને ટેસ્ટનું સ્ટેટસ આપવામાં આવ્યું. રશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર બન્યા અને સમગ્ર દેશમાં તેમની વાહવાહ થવા લાગી હતી.

અફઘાનિસ્તાનમાં 2010માં પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ તૈયાર થઈ હતી, જોકે શરૂઆતથી જ તેની સામે અવરોધો આવતા રહ્યા છે.

પ્રારંભિક વર્ષોમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) તરફથી કહેવાયું કે 'તાલિબાનની ધમકીઓ છે' અને તે રીતે મહિલા ક્રિકેટરોને ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મનાઈ કરાઈ હતી.

જોકે 2012માં તાજિકિસ્તાનમાં છ ટીમોની પ્રાદેશિક ટુર્નામેન્ટ યોજાઈ, તેમાં ભાગ લેવા મહિલા ટીમ ગઈ હતી અને ત્યાં જીતીને આવી. જોકે બે વર્ષ બાદ ટીમ વિખેરાઈ ગઈ અને આ વખતે પણ ACBએ કહ્યું કે તાલિબાનની ધમકીને કારણે ટીમ વિખેરી નાખવામાં આવી છે.

ટીમ વિખેરી નાખવામાં આવી, પણ ખેલાડીઓ પોતાની રીતે અફઘાનિસ્તાનમાં રમતી રહી. ACBમાં પણ થોડો સ્ટાફ રખાયો હતો, જે મહિલા ટીમ માટે મૅચોનું આયોજન કરતો હતો.

જોકે સમસ્યાઓ દૂર થઈ નહોતી, નવી પેઢીના ક્રિકેટરો માટે આગળ વધવું મુશ્કેલ હતું.

હરીરનું કહેવું છે કે ACBમાંથી જ પૂરતું સમર્થન મળતું નહોતું અને "બહુ વિનંતીઓ કરીએ ત્યારે જ" મહિલા ક્રિકેટ મૅચોનું આયોજન થતું હતું. પીચ પર રમવા જાઈએ ત્યારે કેમ વર્તન કરવું, તેની શીખામણો પણ બોર્ડના મેમ્બરો આપ્યા કરતા હતા.

હરીર કહે છે, "હું બૉલર છું, પણ વિકેટ લઉં ત્યારે મારે ખુશીમાં બૂમો નહીં પાડવાની, કેમ કે મૅચના પ્રેક્ષકોમાં પુરુષો પણ હોય."

"મારે લાગણીઓને કાબૂમાં રાખવી પડતી હતી. હું સાથી ખેલાડીઓમાં જોશ પૂરવા માટે પણ જોરથી બોલી શકું નહીં. એ લોકો કહ્યા કરતાં કે 'તમે ઉજવણી ન કરો, બૂમો ન મારો અને પોઝ ન આપ્યા કરો.'"

પુરુષોની ક્રિકેટ ટીમ આગળ વધતી ગઈ તે પછી ACBએ મહિલા ક્રિકેટને પણ ગંભીરતાથી લેવાની ફરજ પડી.

ICCના નિયમો પ્રમાણે પૂર્ણકાલીન 12 સભ્ય દેશોની પોતાની રાષ્ટ્રીય મહિલા ટીમ હોવી જોઈએ. તેના કારણે નવેમ્બર 2020માં 25 મહિલા ક્રિકેટરો સાથે પૂર્ણકાલીન કૉન્ટ્રેક્ટ કરવામાં આવ્યો હતો.

આ રીતે દસ મહિના પહેલાં જ સપનું સાકાર થવાનું દેખાઈ રહ્યું હતું, પરંતુ એ સપનું સાકાર થાય તે પહેલાં જ તૂટતું નજર આવે છે.

તાલિબાન અફઘાનિસ્તાનમાં અગાઉ 1996થી 2001 સત્તામાં હતું, ત્યારે સ્ત્રીશિક્ષણની મનાઈ કરી હતી. આઠ વર્ષ પછી છોકરી શાળાએ જઈ શકે નહીં. ઘરના પુરુષ સગાંના સંગાથ વિના સ્ત્રીઓને ઘરની બહાર નીકળવાની પણ મનાઈ હતી.

આ વખતે મહિલા ક્રિકેટ અંગે કેવું છે તાલિબાનનું વલણ?

આ વખતે તાલિબાને વધારે સારી છાપ દેખાડવાની કોશિશ કરી છે, પણ સ્ત્રીઓ ખેલકૂદમાં ભાગ લેતી થાય તેવું શક્ય લાગતું નથી.

ACBના સીઈઓ હમીદ શિનવારીના જણાવ્યા અનુસાર તાલિબાને પુરુષોની ટીમ માટે સમર્થન આપ્યું છે. નવેમ્બરમાં હોબાર્ટ ખાતે ઑસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ તેની પ્રથમ ટેસ્ટ રમવાનું છે.

જોકે તેમણે બીબીસી સાથેની વાતચીતમાં અણસાર આપ્યો કે મહિલા ક્રિકેટ ટીમને વિખેરી નાખવી પડશે. તેમ થશે તો તે આઈસીસીના નિયમોનો ભંગ હશે.

ઑસ્ટ્રેલિયાની સરકારે ઑગસ્ટમાં 50 જેટલા ઍથ્લીટોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. અફઘાન મહિલા ક્રિકેટરો પણ તાલિબાનના કબજામાંથી બહાર જવાની આશા રાખીને બેઠી છે.

ફૂટબૉલની વૈશ્વિક સંસ્થા ફીફાએ પણ કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાંથી ખેલાડીઓને બહાર લાવવા કોશિશ કરી રહ્યું છે.

આઈસીસીના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે પણ અફઘાન ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છીએ, સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને અમને સમર્થનની ખાતરી અપાઈ છે."

જોકે આઈસીસી તરફથી ખેલાડીઓનો સીધો સંપર્ક નથી થયો એવું તક્વા કહે છે. દેશનું ક્રિકેટ બોર્ડ મહિલા ક્રિકેટ ટીમમાં ભાગ્યે જ રસ લઈ રહ્યું છે.

તાલિબાને નવા ચૅરમૅન તરીકે અઝીઝુલ્લા ફઝલીની નિમણૂક કરી, તે સંદર્ભે તક્વા જણાવે છે કે "આઈસીસીએ ક્યારેય અમારી મદદ કરી નથી, તેણે અમને નિરાશ કર્યા છે."

"આઈસીસી ACBના ચૅરમૅન સાથે વાત કરી રહ્યું છે, જે પોતે જ મહિલા ક્રિકેટની વિરુદ્ધમાં છે."

મહિલા ક્રિકેટરોને ACB સમર્થન આપશે ખરું? તેવા સવાલના જવાબમાં શિવારીએ કહ્યું કે "ભાવી સરકાર તેનો નિર્ણય કરશે."

આવી મુશ્કેલ સ્થિતિમાં મહિલા ક્રિકેટ ટીમ તૈયાર થશે એવી આશા લઈને એસલ બેઠાં છે. ભવિષ્યનાં સપનાંની વાત કરતી વખતે હરીર પણ ઉત્સાહમાં આવી જાય છે.

તેઓ કહે છે, "હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્લેયર બનવા માગું છે."

"લોકોનાં જીવનને બદલી શકે તેવી મજબૂત નારી હું બનવા માગું છું. હું અફઘાન નારી અને યુવતીઓ માટે રોલ મૉડલ બનવા માગું છું."

"હું મારા માટે ગૌરવ લઈ શકું, એવું કરવા માગું છું, બસ."

એસલ ઉમેરે છે, "અફઘાનની પરંપરામાં સ્ત્રીઓ માટે ખેલકૂદમાં બહુ અવરોધો છે. તે લોકો કહે છે કે સ્ત્રીઓ નબળી છે અને ક્રિકેટ રમવા માટે નથી બની."

"સ્ત્રીઓએ લગ્ન કરીને સંતાનો આપવાનાં છે અને ઘરમાં કામ કરીને સંતાનોને ઉછેરવાનાં છે. તેમણે પતિની સંભાળ લેવાની છે."

"મારા કુટુંબમાં પણ ઘણાં સગાં કહે છે કે ઇસ્લામની સંસ્કૃતિમાં આ નથી, તેથી મારે ક્રિકેટ રમવું જોઈએ નહીં. પણ હું ક્રિકેટને ચાહું છું.

"અમારી સ્થિતિ બહુ ખરાબ છે પણ હજી આશા જીવંત છે. અમને દેશમાંથી બહાર કાઢીને બીજે લઈ જવામાં આવે તો અમે નવેસરથી શરૂઆત કરીશું."

"અમે અમારાં સપનાં છોડી દેવાનાં નથી, ઇન્શાઅલ્લાહ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો