BH Series : દેશભરમાં વાહનોના નંબરની હવેથી એક જ સિરીઝ? કોને અને કેવી રીતે મળશે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી/બિઝનેસના કારણે સ્થળાંતર કરનારા લોકોને વાહનો જે-તે રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવા મામલે હંમેશાં ફરિયાદ રહેતી હોય છે. તેમાં વાહનની બીજા રાજ્યમાં પુનઃનોંધણી (રિ-રજિસ્ટ્રેશન)ની પ્રક્રિયા માથાના દુખાવા સમાન રહેતી હોય છે.

આથી ભારત સરકારે આ માથાનો દુઃખાવો દૂર કરવા એક નવી સિરીઝ લૉન્ચ કરી છે, જે વ્યક્તિને વાહનની નોંધણીની પ્રક્રિયાની પીડામાંથી મુક્ત કરી શકે છે.

પોતાના વતન (રાજ્યમાંથી) કામકાજ કે નોકરી કરતા હોઈએ તે રાજ્યમાં વાહન લઈ જવાની આરટીઓની સરકારી પ્રક્રિયા ઘણા માટે એકદમ જટિલ અને 'પીડાયુક્ત' રહેતી હોવાથી સરકારે એક BH (ભારત) સિરીઝ લૉન્ચ કરી છે.

વર્તમાન કાયદો શું છે?

ધારો કે તમે ગુજરાતના કોઈ શહેરમાં રહો છો. અહીં તમારું વાહન કાર, બાઇક GJ સિરીઝ હેઠળ આરટીઓમાં રજિસ્ટર છે. પરંતુ માનો કે તમારે દિલ્હી કે મુંબઈમાં સ્થળાંતર થવાનું થાય, તો તમારે ગુજરાતમાંથી વાહનને દિલ્હી-અથવા મુંબઈ આરટીઓમાં ફરીથી રિ-રજિસ્ટર કરાવવું પડે.

મોટર વિહિકલ ઍક્ટ, 1988ની કલમ 47 અનુસાર વ્યક્તિએ તેનું વાહન જો જે રાજ્યમાં તે રજિસ્ટર્ડ હોય, ત્યાં ન વપરાય અને બીજા રાજ્યમાં વપરાતું હોય તો તેનું જે-તે રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

બીજા રાજ્યમાં ગયાના 12 મહિનાની અંદર તે રાજ્યના આરટીઓમાં રિરજિસ્ટ્રેશન કરાવી લેવું પડે છે. તેનાથી વધુ સમય સુધી અન્ય રાજ્યમાં રજિસ્ટર થયેલું વાહન ન ચલાવી (વાપરી) શકાય.

વળી હાલ વાહન ખરીદીએ ત્યારે 15 વર્ષનો રોડ ટૅક્સ ખરીદનાર ચૂકવતો હોય છે.

આમ વ્યક્તિ જો પાંચ વર્ષ ગુજરાતમાં રહે (વાહન વાપરે) પછી બીજા રાજ્યમાં વાહનની પુનઃનોંધણી કરાવવા ઇચ્છે તો તેણે ગુજરાતના જે-તે આરટીઓ, જેમાં તેનું વાહન નોંધાયેલું હોય ત્યાં, અરજી કરી પહેલા તો એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) લેવું પડે છે. અને બાકી રહેલાં વર્ષોનો રોડ ટૅક્સ રિફંડ લેવો પડતો હોય છે.

વ્યક્તિએ ઘણા ફૉર્મ ભરવા પડે છે, દસ્તાવેજો જમા કરાવવા પડે છે અને કચેરીઓના ચક્કર લગાવવા પડે છે. પરંતુ હવે સરકારે આ દિશામાં એક પગલું લીધું છે.

દેશભરમાં એક જ વાહન-નંબર (એક સિરીઝ)?

ભારત સરકારે આ મામલે નવી ભારત (BH) સિરીઝ લૉન્ચ કરી છે.

સરકારનું કહેવું છે કે આ સિરીઝને પગલે વાહન માલિકે જો તે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે તો તેણે રિ-રજિસ્ટ્રેશનની માથાકૂટમાં નહીં પડવું પડે.

આ મામલે ભારત સરકારના માર્ગ-વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા 26મી ઑગ્સટના રોજ એક નોટિફિકેશન ઇસ્યૂ કરવામાં આવ્યું છે.

વાહનના વપરાશ મામલે એક રાજ્યથી બીજા રાજ્યમાં કામકાથ અર્થે શિફ્ટ થતાં લોકોની સુવિધા માટે આ નિયમ બનાવવામાં આવ્યો હોવાનું મંત્રાલયનું કહેવું છે.

તેના માટે કેન્દ્ર સરકારને મોટર વિહિકલ ઍક્ટ - 1988ની કલમ 64માં 20મો સુધારો કરાયો છે. 15 સપ્ટેમ્બર, 2021ના રોજથી આ બદલાવ લાગુ થઈ જશે.

BH સિરીઝનો નંબર કેવો હશે?

કોઈ પણ વાહનને અને તેના માલિકને ઓળખવા માટે તેનો નંબર જરૂરી અને મહત્ત્વનો હોય છે. હાલ આ નંબરો પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ કચેરી (આરટીઓ)ના આધારે આપવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં MH, મધ્યપ્રદેશમાં MP, આંધ્રપ્રદેશમાં AP, ગુજરાતમાં GJ એ રીતે સિરીઝ ચાલે છે.

વળી GJ 05, GJ 01 એ રીતે ની નંબર સાથેની સિરીઝ દર્શાવે છે કે વાહન ગુજરાતમાં કયા જિલ્લાનું છે. જેમ કે 05 સુરત માટે તો 01 અમદાવાદ માટે છે. પરંતુ BH સિરીઝના નંબર થોડા અલગ હશે.

તેમાં સૌથી પહેલા નોંધણીનું વર્ષ હશે. પછી BH હશે. પછી 0000થી 9999 વચ્ચેનો કોઈ પણ નંબર અને છેલ્લે AA થી ZZ વચ્ચેના મૂળાક્ષરો.

ઉદાહરણ તરીકે 2021માં રજિસ્ટર થયેલા વાહનનું નોંધણી વર્ષ 2021 બનશે, અને તેની નંબર પ્લૅટ આવી બની શકે છે - 21 BH 1234 AB અથવા 2021 BH 1234 AB.

આ BH સિરીઝ કોણ મેળવી શકશે?

હાલ આ સિરીઝ સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી. મંત્રાલયના નોટિફિકેશન અનુસાર ડિફેન્સમાં કામ કરતી વ્યક્તિ, કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારી, રાજ્ય સરકારમાં કામ કરતા કર્મચારી, કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેરહિતની કંપનીઓ (સરાકારની માલિકીની કંપનીઓ)ના કર્મચારીઓને જ આ સિરીઝ મળશે.

જોકે, મંત્રાલયનું નોટિફિકેશનમાં એવું પણ કહેવું છે કે ખાનગી કંપની અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ તેનો લાભ મળી શકે છે. જોકે શરત એ છે કે કંપનીની ઑફિસ ચારથી વધુ રાજ્યો/સંઘપ્રદેશમાં હોવી જોઈએ.

સામાન્ય જનતા માટે આ સિરીઝ ઉપલબ્ધ થશે કે કેમ અને ક્યારે થશે એના વિશે મંત્રાલયે કોઈ જાણકારી નથી આપી. આથી સામાન્ય જનતાએ આ નંબર માટે રાહ જોવી પડી શકે છે.

આ સિરીઝનો ચાર્જ કેટલો થશે?

આ મામલે ચાર્જ થતો મોટર વિહિકલ ટૅક્સ બે વર્ષના બ્રૅકેટ માટે લેવાશે. અને તે બે, ચાર, છ વર્ષ એ રીતે બેના ગુણાંકમાં વસૂલવામાં આવશે.

14 વર્ષ પૂરા થયા પછી મોટર વિહિકલ ટૅક્સ વાર્ષિક ધોરણે લાગશે. તે અગાઉનાં વર્ષોમાં વસૂલ કરવામાં આવેલા ટૅક્સ કરતાં અડધો રહે છે.

નોટિફિકેશન અનુસાર ડીઝલ-વાહનો માટે તેમાં વધારાના 2 ટકા જ્યારે ઇલેક્ટ્રિક વાહનો માટે 2 ટકા ઓછો ટૅક્સ વસૂલવામાં આવશે.

સૅન્ટ્રલ મોટર વિહિકલ (20મો સુધારો) રૂલ્સ, 2021 15મી સપ્ટેમ્બર, 2021થી અમલમાં આવશે.

BH સિરીઝ માટે વાહનનું રજિસ્ટ્રેશનલ પોર્ટલ મારફતે જનરેટ કરવામાં આવશે.

વાહન રિ-રજિસ્ટર કરાવવાની પ્રક્રિયા શું હોય છે?

સુરત આરટીઓ અધિકારી હાર્દિક પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સામાન્યપણે વર્તમાન પ્રક્રિયા હેઠળ એનઓસી માટે લાઇસન્સ, આરસીબુક, આઈડીપ્રુફ, પીયુસી, પોલીસ રિપોર્ટ, નો ડ્યૂ સર્ટિફિકેટ વગેરે દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. એક દિવસમાં એનઓસી મળી જતી હોય છે."

"એનઓસી મેળવવાની પ્રક્રિયા નિ:શુલ્ક હોય છે. જોકે જે રાજ્યમાં ફરી રજિસ્ટ્રેશન કરાવે ત્યાં ગાડીનો નવો નંબર આવે છે. અને ત્યાં નવી આરસીબુક માટે ફી ચૂકવવી પડે. ઉપરાંત ત્યાંના પ્રવર્તમાન નિયમો અનુસાર જે તે દસ્તાવેજો ફરી કઢાવવા પડી શકે છે. ટૅક્સ તો પ્રો-રેટા બેઝ પર હોવાથી રિફંડ મળતાં ત્યાં ઍડજસ્ટ થઈ શકે છે."

ગુજરાતમાંથી દર વર્ષે કેટલાં વાહનો આ રીતે એનઓસી મેળવી અન્ય રાજ્યોમાં રજિસ્ટર્ડ થાય છે એના આંકડા વિશે પૂછતાં તેમણે કહ્યું કે હાલ એવો કોઈ નિશ્ચિત ડેટાબેઝ ઉપલબ્ધ નથી.

આરટીઓ સાથે સંકળાયેલા એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારી અનુસાર ગુજરાતમાં પહેલાં જો વાહન રાજ્યમાં જ ટ્રાન્સફર કરવું હોય તો 'નો ડ્યૂ સર્ટિફિકેટ' ઇસ્યૂ કરાતું, પરંતુ જો અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવું હોય તો 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' ઇસ્યૂ કરાતું હતું."

"વળી આ ઉપરાંત બૅન્કની લૉન બાકી તો નથી તેના પુરાવા તરીકે બૅન્કની ઓનઓસી, વાહન કોઈ ગુનામાં વપરાયું નથી તે માટે તેનો પોલીસ રિપોર્ટ સહિતના દસ્તાવેજોની જરૂર રહેતી. આ બધું આરટીઓ કચેરીએ સુપરત કર્યાં બાદ વાહન બીજા રાજ્યમાં રિ-રજિસ્ટર શકતું. તેમાં ટૅક્સ અને ફી પણ લાગતી હતી."

સીઆરપીસીનો નિયમ અને ભારત સિરીઝ

ભારત સિરીઝ નીતિ હેઠળ નોંધાયેલું વાહન જો કોઈ ગુનામાં વપરાય અથવા કોર્ટમાં કેસના પુરાવા તરીકે સંકળાયેલું હોય તો કેવી સ્થિતિ ઊભી થઈ શકે?

આ મામલે સુરતના ઍડ્વોકેટ અશ્વિન જોગડિયા બીબીસીને જણાવે છે, "ક્રિમિનિલ પ્રૉસિજર કોડ (સીઆરપીસી) 451 મુજબ જો કોઈ એજન્સી દ્વારા વાહન જપ્ત લેવાય અથવા કેસમાં જમા હોય તો, તેને કોર્ટમાં રજૂ કરવાની જરૂર ઊભી થઈ શકે છે."

"તેની તપાસ બાદ જો કોર્ટ કે એજન્સી પરવાનગી આપે તો તેને તેની કિંમતની ત્રણ ગણી રકમ ચૂકવીને છોડાવી શકાય છે. પણ તે શરતી જામીન પ્રકારે હોય છે. કોર્ટમાં જો કેસમાં જરૂર પડે તો તેને હાજર કરવું જ પડે."

"વળી ભારત સિરીઝ હેઠળ અન્ય રાજ્યમાં ફરી નોંધણી કરાવવાની જરૂર નથી. આથી જો એક શહેરમાં ગુનામાં વાહનનો ઉપયોગ થાય અથવા તે કોઈ કેસ હેઠળનો પુરાવો હોય, તો તેને કોર્ટની પરવાનગી વગર અન્ય લઈ જઈ શકાય નહીં."

"આથી ભલે બીજા રાજ્યમાં તેને વાપરવા માટે કોઈ દસ્તાવેજ કે પ્રક્રિયા નથી કરવાની છતાં, જો વાહન ગુનામાં સંડોવાયેલું હોય તો તેને અન્ય રાજ્યમાં લઈ જવું એટલું સરળ નહીં હોય."

આમ મોટર વિહિકલ ઍક્ટમાં ભલે સુધારો થયો હોય પરંતુ સીઆરપીસીનો નિયમ બદલાશે નહીં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો