You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવિના પટેલ સુ બેઇલીને હરાવી CWG પૅરા ટેબલ ટેનિસની ફાઇનલમાં પહોંચ્યાં, અત્યાર સુધીની સફર
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ મેળવનાર મૂળ ગુજરાતનાં પૅરા ટેબલટેનિસ પ્લૅયર ભાવિના પટેલ હાલમાં યુકેના બર્મિંઘમમાં ચાલી રહેલ કૉમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલમાં પહોંચી ગયાં છે.
તેમણે સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લૅન્ડનાં સુ બેઇલીને 11-6, 11-6, 11-6થી હરાવ્યાં હતાં.
તેમની આ સિદ્ધિ પર ઇન્ડિયા પૅરાલિમ્પિક્સનાં પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર લખ્યું હતું કે, "ફરી એક વાર તેણે કરી બતાવ્યું! ભાવિના પટેલને ફાઇનલમાં પહોંચવા માટે અભિનંદન. કૉમનવેલ્થમાં વધુ એક મેડલ સુનિશ્ચિત, કાલ માટે ગુડ લક, આવી જ રીતે ચમકતાં રહો."
જુઓ ભાવિના પટેલની સફર
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગુજરાતનાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કરીને રજતપદક મેળવ્યું હતું.
મહેસાણા પાસેના સૂંઢિયા ગામથી નીકળીને પૅરાલિમ્પિક્સમાં મેડલ મેળવવા સુધીની ભાવિનાની કહાણી જેટલી રસપ્રદ છે એટલી જ તેની પ્રેમકહાણી પણ રોચક છે.
ભાવિનાએ જેવો સિલ્વર મેડલ મેળવ્યો કે તરત જ વ્હિલચૅર દોડાવીને તે સીધા જ ઑડિયન્સમાં બેસેલા પતિ નિકુલ પાસે ગયાં હતાં. તેમને ભેટી પડ્યાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં ભાવિનાએ કહ્યું હતું, "રસોડાથી લઈને રમત સુધી મને નિકુલ અત્યંત મદદરૂપ થયા છે. તેઓ મારા જીવનમાં ન હોત તો હું કદાચ ટેબલ ટેનિસમાં આગળ ન વધી શકી હોત! ટોક્યો પૅરાલિમ્પિક્સમાં મેડલ પણ ન મેળવી શકી હોત!"
પરિચય બાદ 16 વર્ષે લગ્ન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાવિના અને તેમના પતિ નિકુલ પટેલનાં લગ્ન 2017માં થયાં હતાં. તેઓ બંને એકબીજાના પરિચયમાં આવ્યાં પછી સોળ વર્ષે તેમનાં લગ્ન થયાં હતાં.
ભાવિનાએ જણાવ્યું હતું, "હું અને નિકુલ અમારા કૉમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યાં હતાં. છ મહિના સુધી તો અમે ફોન પર જ વાતો કરી હતી. એ પછી પરિચય વધ્યો. અમે બંને એકબીજાંને મળ્યાં, પસંદ કરવા લાગ્યાં અને લગ્ન થયાં ત્યાં સુધી સોળ વર્ષનો સમય વિતી ગયો હતો."
"નિકુલ પોતાના કામમાં અને હું મારી કૅરિયરમાં વ્યસ્ત હતી. એ વખતે પરિવારને સમજાવવામાં પણ લાંબો વખત ગયો હતો. અમારાં લગ્ન માટે કોઈ મોટો પારિવારિક વિવાદ થયો નહતો. અમે બંનેએ એકબીજાંને જે સમય આપ્યો હતો એ દરમિયાન બંનેના પરિવારે પણ એકબીજાને સારી રીત સમજી લીધા હતા."
"ખાસ કોઈ મોટી સમસ્યા નહોતી આવી. પરિવાર હોય એટલે નાનીમોટી મુશ્કેલી તો હોય જ. પણ અમારા કિસ્સામાં કોઈ મોટી સમસ્યા રહી નહોતી. સોળ વર્ષ સુધી અમે પરિચયમાં રહ્યાં હતાં. એકબીજાંને જાણવા માટેનો પૂરતો સમય આપ્યો હતો અને પછી લગ્ન કર્યાં હતાં.
લગ્ન પછી કદાચ ટેબલ ટેનિસ છોડવું પડશે એવું લાગતું હતું પણ...
ભાવિનાને જ્યારે પૅરાલિમ્પિક્સમાં રજત ચંદ્રક મળ્યો એ પછી વ્હિલચૅર દોડાવીને તેઓ સીધાં જ ઑડિયન્સમાં બેસેલા નિકુલ પાસે ગયાં હતાં. તેમને ભેટી પડ્યાં હતાં.
એ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું, "જીવનની તે એટલી ઉમદા અને ધન્ય ક્ષણ હતી કે એના વિશે કહેવા મારી પાસે શબ્દો નથી. સ્વાભાવિક છે કે મને ચંદ્રક મળે એ પછી નિકુલ સિવાય કોઈ ન જ દેખાઈ શકે. નિકુલ વગર હું કશું નથી. તેમનાથી મને ખૂબ આત્મવિશ્વાસ મળે છે. હું ક્યારેય પણ, ક્યાંય પણ જઉં તો નિકુલ મારા માટ સૌથી પહેલા આવશે."
ભાવિનાએ કહ્યું હતું, "મને લાગતું હતું કે લગ્ન પછી કદાચ મારે ટેબલ ટેનિસ છેડવું પડશે પરંતુ નિકુલ જ્યારથી મને મળ્યા છે ત્યારથી મને મહેસૂસ થયું છે કે તેમને સ્પોર્ટ પ્રત્યે અપાર પ્રેમ છે. "
"મારે કોઈ પણ ટુર્નામેન્ટમાં રમવા જવાનું હોય ત્યારે એ અગાઉ જે પ્લેયર્સ લિસ્ટ આવે તે પ્લેયરની રમતમાં શું ખાસિયત છે અને શું નબળાઈ છે તેની તમામ વિગતો નિકુલ તૈયાર કરીને આપે છે. જેથી મને રમતમાં સપોર્ટ મળે."
"તે મારા ઇનડાયરેક્ટ કોચ છે. તેમને પણ ક્રિકેટ ખૂબ ગમે છે અને સારું રમે છે. ઘર, ઑફિસ કે સ્પોર્ટ એવું કોઈ પણ ક્ષેત્ર નથી જેમાં નિકુલ મારી પડખે ન ઊભા હોય. મારી જરૂરિયાતોને એ એટલી સરસ સમજે છે કે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા કહ્યા વગર તે મારી પાસે હાજર કરી દે છે."
મારા પતિ મારા ઇનડાયરેક્ટ કોચ છે - ભાવિના
ભાવિના કહે છે, "નિકુલે ક્યારેય મારું ફોકસ ટેબલ ટેનિસથી હઠવા દીધું નથી. ઘરની જવાબદારી તે એટલી સરસ સંભાળે છે કે એ જવાબદારી મારા પર ઓછી આવે છે."
પૅરાલિમ્પિક્સ માટેની પ્રૅક્ટિસ ભાવિનાએ મહિનાઓ અગાઉ શરૂ કરી દીધી હતી. ભાવિના નોકરી કરે છે. તેથી નોકરી ઉપરાંતના ઓછામાં ઓછા આઠ કલાક તેઓ રોજ પ્રૅક્ટિસ કરતાં હતાં. એ વખતે ઘરનાં મોટા ભાગનાં કામ નિકુલ કરતા હતા.
સવારે અને સાંજે ભોજન બનાવવાનું હોય તો સિત્તેર ટકા કામ નિકુલ કરી આપતા હતા. ભાવિનાએ ઘરે આવીને માત્ર વઘાર કરવાનો કે દાળશાકમાં મસાલો ઉમેરવાનું હોય એટલું જ બાકી રાખતા હતા. શનિ-રવિ ભાવિના ઘરમાં પણ ટેબલ ટેનિસની પ્રૅક્ટિસ કરતા હતાં અને એ માટેની તમામ સગવડ ઘરમાં નિકુલે ઊભી કરી હતી.
ભાવિના તમને તમારા ઇનડાયરેક્ટ કોચ માને છે. આ વિશે તમારું શું કહેવું છે? એ સવાલનાં જવાબમાં નિકુલે કહ્યું હતું, "ભાવિના રમત પ્રત્યે એટલી સમર્પિત છે કે તેને બહારથી કોઈ સપોર્ટની જરૂર જ નથી પડતી. સવારે ચાર વાગ્યાથી પ્રૅક્ટિસ શરૂ થતી હતી. તેને પૂરતો ખોરાક મળી રહે, તેની એક્સરસાઇઝનાં સાધનોથી લઈને પાસપોર્ટ કે વિઝા સુધીની બાબતો મારી જવાબદારી રહેતી હતી. તેનું ફોક્સ માત્ર ટેબલ ટેનિસ જ રહે એ મારું ધ્યેય રહેતું."
અગાઉ પણ ભાવિનાએ ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી છે. પદકો મેળવ્યા છે. તેઓ ઘણા દેશોમાં રમવા ગયાં છે.
એ વિશે જણાવતાં નિકુલે કહ્યું હતું, "એ જ્યારે પણ વિદેશમાં રમવા જતી ત્યારે મને ખૂબ ગર્વની લાગણી થતી એની મૅચ ભારતના સમય અનુસાર ક્યારેક મોડી રાત્રે હોય. હું તેની દરેક મૅચ વખતે મોડી રાત સુધી જાગ્યો છું."
"મૅચ પૂરી થયા પછી તેની સાથે વાતો કર્યા વગર હું સૂવા નથી ગયો. કોઈ મૅચમાં તેની રમતમાં કોઈ કમી રહી ગઈ હોય તો તેનો આત્મવિશ્વાસ ન ડગમગે અને ભાંગી ન પડે તેનું મેં ધ્યાન રાખ્યું છે."
કૉલેજ સુધી નહોતી ખબર કે ટેબલ ટેનિસ શું છે?
ભાવિના પટેલ એક વર્ષનાં હતાં ત્યારે તેમને લકવો થઈ ગયો હતો. ઘણા વખત સુધી તેમને એવું જ લાગ્યા કરતું હતું કે જીવન શૂન્ય થઈ ગયું છે.
ભાવિનાએ જણાવ્યું હતું કે, "જીવન જ દુષ્કર થઈ ગયું હોય એવું મેં અનુભવ્યું હતું. જેમ કે, શાળાએ જવાનું હોય તો મમ્મીપપ્પાએ મને ઊંચકીને લઈ જવી પડતી હતી. આવા સંજોગો વચ્ચે મેં બારમા ધોરણ સુધીનો અભ્યાસ મારા ગામ સૂંઢિયામાં જ કર્યો હતો."
"એ પછી કૉલેજનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદમાં કર્યો હતો. 2004-2005માં આઈટીઆઈનો કોર્સ કરવા અમદાવાદમાં આવેલા અંધજનમંડળમાં હું ગઈ હતી. ત્યાં ગયા પછી જ મારા જીવનમાં મહત્વનો વળાંક આવ્યો હતો."
"અંધજનમંડળમાં મેં મારા જેવાં લોકોને ટેબલ ટેનિસ રમતાં જોયાં. એ અગાઉ મને ખબર જ નહોતી કે ટેબલ ટેનિસ નામની કોઈ રમત પણ છે."
"એ વખતે મને એવું થયું કે મારે પણ ટાઇમપાસ માટે આવું કંઈક કરવું જોઈએ. એ વખતે ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ તેજલ લાખિયાએ મને પ્રોત્સાહિત કરી કે તું સરસ રીતે રમી શકીશ. મેં ટાઇમપાસ માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યુ."
"એ વખતે મારા જીવનમાં કોઈ ગોલ નહોતો. મેં શરૂ કર્યું ત્યારે મને એ ફાવતું નહોતું, પણ મારી શીખવાની લગન એવી હતી કે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યા પછી ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે હું એ ન રમી હોઉં. એ પછી મારા પર ભૂત સવાર થયું કે એક દિવસ ભોજન ન મળે તો ચાલે પણ ટેબલ ટેનિસ રમવા ન મળે તો એમ થાય કે જીવનમાં કંઈક ખૂટે છે."
પ્રૅક્ટિસ માટે શટલ રિક્ષામાં મુસાફરી કરી
2007થી ભાવિનાએ વિધિવત્ ટેબલ ટેનિસ પ્રશિક્ષણ શરૂ કર્યું. એ જ ગાળામાં અમદાવાદની અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં તેમને ક્લાર્ક તરીકે નોકરી મળી હતી.
એ વખતે અમદાવાદમાં તેઓ પેઇંગગેસ્ટ તરીકે રહેતાં હતાં.
ભાવિનાએ કહ્યું હતું, "એ વખતે હું નોકરી કરતી હતી. પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી તેથી મારું પોતાનું કામ પણ કરવાનું હતું અને ટેબલ ટેનિસ પણ રમવાનું હતું. એ વખતે હું આર્થિક રીતે એવી સદ્ધર નહોતી કે આ બધું મને પરવડી શકે. સ્પેશિયલ રિક્ષા પરવડી શકે એમ નહોતી. તેથી હું શટલ રિક્ષામાં જતી હતી."
પિતાએ કરજ લઈને દીકરીને રમવા વિદેશ મોકલી
ભાવિનાએ પૅરા ટેબલ ટેનિમાં 26 જેટલા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ 22થી વધુ મેડલ મેળવ્યા છે.
કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેઓ એક વખત દિલ્હી નેશનલ ચૅમ્પિયનશિપ રમવા ગયાં હતાં. જ્યાં તેમને કાંસ્યપદક મળ્યો હતો.
એ પદકથી તેની ટેબલ ટેનિસમાં દિશા નક્કી થઈ હતી. ભાવિનાએ કહ્યું, "મારે ટેબલ ટેનિસમાં જ કારકિર્દી બનાવવી છે એવો વિશ્વાસ મને દિલ્હીની ચૅમ્પિયનશિપથી બંધાયો હતો. એ પછી તો અન્ય નેશનલ સ્પર્ધામાં ભાગ લેતી ગઈ હતી અને મેડલ મેળવ્યા હતા."
ટેબલ ટેનિસ ઉપરાંત ભાવિના સિલાઈકામ, ગીત-સંગીત, નૃત્ય અને રસોઈકામમાં પણ રસ ધરાવે છે.
ટેબલ ટેનિસ માટે પરિવારે તેમને ભરપૂર સહયોગ આપ્યો છે. એ વાત યાદ કરતાં ભાવિનાએ કહ્યું હતું, "મમ્મીપપ્પાએ ખૂબ સહકાર આપ્યો છે. મારા પપ્પાની ગામમાં કટલરીની દુકાન છે. મારે ઇન્ટરનેશનલ રમવા જવાનું હોય તો એના માટે ખૂબ ખર્ચ થાય. મારા પપ્પાએ ક્યારેય મને રમવા જતાં રોકી નથી. ક્યારેક તો કરજ લઈને પણ મને રમવા મોકલી છે. માતાપિતા પછી લગ્ન બાદ મારા પતિએ મારી કૅરિયરને આગળ ધપાવવામાં ખૂબ મદદ કરી છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો