You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી : 'હું દલિત છું એટલે બાળકો મારા હાથનું જમતાં નથી'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
જાતિવાદને કારણે થતા કથિત ભેદભાવનો એક કિસ્સો ગુજરાતની એક શાળામાંથી સામે આવ્યો છે.
મોરબીના સોખડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન બનાવવાનો કૉન્ટ્રેક્ટ આશરે દોઢ મહિના પહેલાં અહીંનાં એક સ્થાનિક દલિત મહિલા ધારા મકવાણાને અપાયો હતો.
તેમને કૉન્ટ્રેક્ટ મળ્યા બાદથી તરત જ શાળામાં ભણતાં 90 ટકાથી વધુ બાળકોએ મધ્યાહન ભોજન જમવાનું છોડી દીધું હતું.
આ રીતે રોજ થવા લાગતા અંતે તેમણે વિદ્યાર્થીઓને પૂછતાં તેમને ઘરેથી શાળામાં જમવાની ના પાડી હોવાનું ખબર પડી હતી.
દલિત હોવાનાં કારણે તેમની સાથે આ પ્રકારનું વર્તન થતાં તેઓ નિરાશ થઈ ગયાં હતાં અને સમજાવટ બાદ પણ મામલો થાળે ન પડતાં અંતે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પોલીસને ફરિયાદ કરી હતી.
'સ્કૂલમાં જમીશું તો માતાજી નારાજ થઈ જશે'
ધારાબહેને બીબીસીને જણાવ્યું, "મારા પહેલાં મધ્યાહન ભોજનનો કૉન્ટ્રેક્ટ એક ઉચ્ચ વર્ણના ભાઈ પાસે હતો. તે વખતે શાળામાં 130 બાળકો હતાં અને તે સમયે તેઓ જમતાં હતાં પણ જ્યારથી હું આવી છું, શાળામાં 153 બાળકો છે અને તેમાંથી 147 બાળકો જમતાં નથી."
તેઓ આગળ કહે છે, "શરૂઆતમાં મને થયું કે કદાચ બાળકોને ભોજનનો સ્વાદ પસંદ નહીં હોય એટલે મેં બાળકોને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમને ઘરેથી સ્કૂલમાં જમવાની ના પાડી છે. કેટલાંક બાળકોએ તો એમ પણ કહ્યું કે સ્કૂલમાં જમીશું તો માતાજી નારાજ થઈ જશે."
ધારાબહેન આગળ જણાવે છે,"આનો સીધો અર્થ એ જ થયો કે હું દલિત છું એટલે બાળકોના વાલીઓ ઇચ્છે છે કે તેમનાં બાળકો મારા હાથનું બનેલું ભોજન ન જમે. જેથી મેં પોલીસ અને શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે ધારાબહેનના પતિ ગોપીભાઈએ પણ વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે "જેવી મને ખબર પડી કે વિદ્યાર્થીઓ ભોજન નથી લઈ રહ્યાં, મેં તેમના વાલીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ મને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે 'અમારાં બાળકો એક દલિત મહિલાના હાથે બનેલું ભોજન નહીં ખાય.'"
'આભડછેટનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી'
વિદ્યાર્થીઓ શાળામાં મધ્યાહન ભોજન લેતાં થાય તે માટે શાળાનાં પ્રિન્સિપાલ અને ગામના સરપંચે પણ કેટલાક પ્રયત્નો કર્યા હતા.
ગામની એકમાત્ર પ્રાથમિક શાળાનાં આચાર્ય બિંદિયા રાતનોતરા કહે છે, "અમારી શાળામાં બાળકો મધ્યાહન ભોજન નથી લેતાં એ વાત સાચી છે."
"મેં બાળકો અને તેમના વાલીઓ બંનેને મધ્યાહન ભોજન માટે સમજાવ્યાં, તેના ફાયદા પણ ગણાવ્યા. તો પણ કોઈ ફરક ન પડ્યો."
ગામના સરપંચ મેહુલ થારસ કહે છે, "અમારા ગામમાં જૂન મહિનાથી બાળકો મધ્યાહન ભોજન લેતા નથી, એ વાત સાચી છે. મેં ગામમાં વાલીઓની એક મિટિંગ પણ બોલાવી હતી અને તેમને સમજાવ્યા હતા."
તેમને લાગે છે કે, "વાલીઓ સાથે મીટિંગ યોજાયા બાદ, તેમને સમજાવ્યા બાદ હવે આભડછેટના કારણે બાળકો મધ્યાહન ભોજન ન લેતાં હોય."
જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. વિરજાએ પોતાનો બચાવ કરતાં કહ્યું, "અમે એક ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી. અહીં આભડછેટનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી."
"અમારી ટીમે બાળકો અને વાલીઓનો સંપર્ક કર્યો અને તેમને મધ્યાહન ભોજનન ફાયદા સમજાવ્યા."
મોરબીમાં પોલીસ ઇન્સ્પૅક્ટર વિરલ પટેલ કહે છે, "અમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવી છે અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિક્ષણવિભાગ તરફથી ગયેલી ટીમને અમે સહકાર આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કાયદેસરની કાર્યવાહી કરશે."
મધ્યાહન ભોજન મામલે દલિતો સાથે થયેલ આભડછેટની ઘટનાઓ
અગાઉ પણ ગુજરાત સહિત દેશમાં મધ્યાહન ભોજનને લઈને શાળાઓમાં આભડછેટના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
ગયા મહિને જ બનાસકાંઠાના આંગણવાડા ગામની સરકારી શાળામાં કેટલાંક બાળકોને મધ્યાહન ભોજન સમયે 'નીચી જાતિ'ના હોવાનું કહીને તેમને અલગ બેસાડવામાં આવ્યાં હોવાનો આરોપ મૂકાયો હતો.
આ મામલે વાલ્મીકિ પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
થોડા સમય પહેલાં ઉત્તરાખંડના ચંપાવતમાં એક દલિત ભોજનમાતાનો સવર્ણ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે તેમને નોકરીમાંથી હઠાવવામાં પણ આવ્યાં હતાં.
સુનીતાદેવી નામનાં ભોજનમાતાને તેઓ દલિત હોવાના કારણે કામ પરથી હઠાવવામાં આવતા તેઓ તંત્ર સામે મેદાનમાં ઊતર્યા હતા.
ડિસેમ્બર 2021માં તેમણે બીબીસીને જણાવ્યું હતું કે "એસડીએમ આવ્યા હતા. તેમણે માત્ર એટલું કહ્યું હતું કે મામલો પૂરો કરો. તેમણે મને ન્યાય મળશે, તેવી આશા પણ આપી હતી. પણ ક્યારે? તેની કોઈ ચોખવટ કરી નહોતી. મારું એટલું જ કહેવું છે કે મને તરત નોકરી પર પાછી લેવામાં આવે, ત્યારે મામલો પૂરો થશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો