દલિત : આઝાદી પછી પણ દલિતોને પાસપોર્ટ કેમ નહોતી આપતી ભારત સરકાર?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • ભારતની સુપ્રીમ કોર્ટે વર્ષ 1967માં પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે પાસપોર્ટ રાખવો અને વિદેશ જવું એ પ્રત્યેક નાગરિકનો મૂળ અધિકાર છે.
  • 60ના દાયકાના ભારતમાં આ એક ઐતિહાસિક નિર્ણય હતો કારણ કે એ સમયમાં પાસપોર્ટને એક ખાસ દસ્તાવેજ માનવામાં આવતો.
  • 'લાંબા સમય સુધી પાસપોર્ટ કોઈ નાગરિકની પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવતો જે માત્ર પ્રતિષ્ઠિત, સમૃદ્ધ અને શિક્ષિત ભારતીય નાગરિકોને આપવામાં આવતો હતો.'
  • પાસપોર્ટ ન આપવાની કેટલીક રીત પણ હતી.
  • આવેદનકર્તાને લિટરેસી અને અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી પડતી હતી, તેમની પાસે પર્યાપ્ત પૈસા હોય એવી પણ શરત મૂકવામાં આવી હતી.

ભારતની સુપ્રીમ કોર્ટે વર્ષ 1967માં પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે પાસપોર્ટ રાખવો અને વિદેશ જવું એ પ્રત્યેક નાગરિકનો મૂળ અધિકાર છે. 60ના દાયકાના ભારતમાં આ એક ઐતિહાસિક નિર્ણય હતો કારણ કે એ સમયમાં પાસપોર્ટને એક ખાસ દસ્તાવેજ માનવામાં આવતો.

પાસપોર્ટ માત્ર એ લોકોને આપવામાં આવતો જેમને વિદેશમાં ભારત સરકારનું સન્માન જાળવી રાખવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા લાયક સમજવામાં આવતા હતા.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં ઇતિહાસકાર રાધિકા સિંઘાએ કહ્યું કે લાંબા સમય સુધી પાસપોર્ટ કોઈ નાગરિકની પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવતો જે માત્ર પ્રતિષ્ઠિત, સમૃદ્ધ અને શિક્ષિત ભારતીય નાગરિકોને આપવામાં આવતો હતો.

જેને કારણે મલાયા, સીલોન (શ્રીલંકા), બર્મા (મ્યાનમાર)માં રહેતા મજૂરો અને તથાકથિત ગિરમિટિયા મજૂર વર્ગના લોકોને પાસપોર્ટ નહોતો આપવામાં આવતો.

આ વર્ગોમાં આવતા લોકોની સંખ્યા 10 લાખથી પણ વધારે હતી જે બ્રિટિશ રાજ દરમિયાન મજૂરી કરવા માટે બ્રિટિશ સામ્રાજ્યના અલગ-અલગ-અલગ ખૂણે ગયા હતા.

યુનિવર્સિટી ઑફ એક્સટર સાથે જોડાયેલાં ઇતિહાસકાર કાલથમિક નટરાજન કહે છે કે, એટલે ભારતીય પાસપોર્ટધારકોને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને વાંછિત પ્રતિનિધિ માનવામાં આવતા. આ માન્યતાને કારણે મજૂરી અને કુલીનું કામ કરતા ભારતીયોને અનિચ્છનીય માનવામાં આવતા હતા અને આ પરંપરાનો પ્રભાવ 1947 પછી પણ ભારતીય પાસપોર્ટ નીતિ પર રહ્યો.

આઝાદી પછી પણ નીતિઓ ન બદલાઈ

ડૉ નટરાજને પાસપોર્ટ વિતરણમાં ભેદભાવની ભારતીય નીતિ વિશે વધુ જાણવા માટે આર્કાઇવની તપાસ કરી છે.

તેઓ કહે છે કે, બ્રિટિશ હકૂમત પાસેથી આઝાદી મળી ગઈ પરંતુ ત્યાર બાદ પણ પરિસ્થિતિ બદલાઈ નહોતી. નવી સરકાર પણ પોતાના અનિચ્છનીય નાગરિકોના એક નિશ્ચિત વર્ગની સાથે ઔપનિવેશિક રાજ્ય (બ્રિટિશ શાસન)ની જેમ ભેદભાવપૂર્ણ વર્તન કરતી હતી.

ડૉ નટરાજન કહે છે કે આ ભેદભાવ પાછળ માન્યતા એ હતી કે વિદેશયાત્રા સાથે આત્મસન્માન અને ભારતનું સન્માન જોડાયેલું છે, એવામાં વિદેશયાત્રા માત્ર એ લોકોએ કરી શકે જેમનામાં 'ભારતની યોગ્ય ઝલક' હોય.

એવામાં ભારત સરકારે પોતાના અધિકારીઓને એવા નાગરિકો શોધવાનો આદેશ આપ્યો હતો જે વિદેશમાં ભારતને શરમાવે નહીં.

આમાં 1954 સુધી રાજ્ય સરકારો દ્વારા પાસપોર્ટ આપવાની નીતિને કારણે ફાયદો થતો હતો. ભારતે મોટા ભાગના લોકોને પાસપોર્ટ ન આપીને એક "વાંછિત" ભારતીય પ્રવાસી સમુદાય ઊભો કરવાનો પ્રયત્ન કર્યો.

ડૉ નટરાજન સહિત અન્ય શોધાર્થીઓને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે આ નીતિનું પાલન કરવામાં બ્રિટિશ અધિકારીઓની સાઠગાંઠ હતી જેથી નિમ્ન જ્ઞાતિ અને વર્ગના લોકોને 1947 પછી બ્રિટન જતાં રોકી શકાય.

(વર્ષ 1948ના બ્રિટિશ નેશનાલિટી ઍક્ટ હેઠળ ભારતીય પ્રવાસીઓની આઝાદી બાદ બ્રિટન આવવાની પરવાનગી અપાઈ હતી. આ કાયદા હેઠળ ભારતમાં અને ભારતની બહાર રહેતા ભારતીય લોકો બ્રિટિશ નાગરિકો હતા).

નટરાજન કહે છે કે બંને દેશોમાં અધિકારીઓએ ભારતીય લોકોની એક શ્રેણી નક્કી કરી જેમને બંને પક્ષો બ્રિટન જવા માટે લાયક નહોતા માનતા. આનાથી બંને દેશોને ફાયદો થવાનો હતો. ભારત માટે આનો અર્થ હતો 'અનિચ્છનીય' ગરીબ, નિમ્ન જ્ઞાતિ અને ગિરમિટિયા મજૂરોના વંશજોને આગળ વધતા રોકવા, જેનાથી કથિત રીતે 'પશ્ચિમમાં ભારતને શરમાવું' ન પડે.

તેઓ કહે છે કે બ્રિટન માટે આનો અર્થ હતો કલર્ડ ( એ લોકો જે ગોરા નહોતા) તથા ભારતીય અપ્રવાસીઓ, વિશેષ કરીને ફરી-ફરીને સામાન વેચતા લોકોનું પૂર આવતું રોકી શકાય.

બ્રિટનમાં 1958માં મોટી સંખ્યામાં કલર્ડ (જે ગોરા નહોતા) અપ્રવાસીઓના આવવાથી ઊભી થયેલી સમસ્યાઓ અંગે એક રિપોર્ટ લાવવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં વેસ્ટ ઇન્ડિયન અપ્રવાસીઓ " જે મોટાભાગે સારા હોય છે અને બ્રિટિશ સમાજમાં સરળતાથી ભળી શકે તેમ હતા" અને ભારતીય અને પાકિસ્તાની અપ્રવાસીઓ "જે અંગ્રેજી બોલવામાં અક્ષમ હોય છે અને દરેક રીતે અકુશળ " હોય છે, વચ્ચે અંતર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

નટરાજન કહે છે કે બ્રિટિશરોને લાગ્યું કે ઉપમહાદ્વીપથી આવતા અપ્રવાસીઓ, જેમાં મોટાભાગે અકુશળ અને અંગ્રેજી બોલવામાં અક્ષમ લોકોના વર્ગની પૃષ્ઠભૂમિ બરાબર નથી.

પચાસના દાયકામાં કૉમનવેલ્થ રિલેશંસ ઑફિસમાં તહેનાત એક બ્રિટિશ અધિકારીએ એક પત્રમાં લખ્યું કે ભારતીય અધિકારીએ આ વાત પર સ્પષ્ટ રૂપથી પ્રસન્નતા" જાહેર કરી હતી કે હોમ ઑફિસ "કેટલાક ચોક્કસ ભાવિ અપ્રવાસીઓને પાછા મોકલવામાં સફળ રહ્યા."

દલિતોને પાસપોર્ટ નહોતો આપવામાં આવતો

શોધાર્થીઓ અનુસાર આ નીતિ હેઠળ ભારતના સૌથી વંચિત વર્ગ અનુસૂચિત જ્ઞાતિ અથવા દલિત સમાજને પાસપોર્ટ નહોતો આપવામાં આવતો.

ભારતની વર્તમાન વસતી 1.4 અબજમાંથી દલિતોની ભાગીદારી 23 કરોડ છે. આની સાથે જ રાજનીતિક અવાંછિતો જેમ કે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના સભ્યોને પાસપોર્ટ નહોતો આપવામાં આવતો.

60ના દાયકામાં સાંસદો, ધારાસભ્યો અને પાર્ષદોને નાણાકીય ગૅરંટી અને સુરક્ષાની તપાસ વગર પાસપોર્ટ આપવાના દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કરતાં ડીએમકે જેવા પૂર્વના અલગતાવાદી ક્ષેત્રીય દળોના સભ્યોને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

પાસપોર્ટ ન આપવાની કેટલીક રીત પણ હતી. આવેદનકર્તાને લિટરેસી અને અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી પડતી હતી, તેમની પાસે પર્યાપ્ત પૈસા હોય એવી પણ શરત મૂકવામાં આવી હતી અને જાહેર આરોગ્યના નિયમોનું પાલન પણ કરવાનું રહેતું.

બ્રિટિશ ભારતીય લેખક દિલીપ હીરો યાદ કરે છે કે 1957માં તેમને પાસપોર્ટ મેળવવા માટે છ મહિના સુધી રાહ જોવી પડી હતી એ પણ ત્યારે જ્યારે તેમની એકૅડેમિક અને આર્થિક પરિસ્થિતિ બહુ સારી હતી.

આ રીતે દમનકારી નિયંત્રણથી એવાં પરિણામ આવ્યાં જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોઈ ભારતીય નાગરિકોએ નકલી પાસપોર્ટ મેળવી લીધા હતા.

આ પ્રકારના સ્કૅન્ડલ પછી અશિક્ષિત અને અર્ધશિક્ષિત ભારતીય જેમને અંગ્રેજી નહોતી આવડતી, તેમને 1959થી 1960 વચ્ચે કેટલાક સમય માટે પાસપોર્ટ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

એવામાં લગભગ બે દાયકા સુધી પશ્ચિમની યાત્રા કરવાની ઇચ્છા રાખનારા બધા લોકો માટે ભારતની પાસપોર્ટ પ્રણાલી એકસમાન રૂપથી ઉપલબ્ધ નહોતી.

આ નીતિની એક ઝલક 2018માં પણ દેખાઈ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદ સરકારે અકુશળ અને સીમિત શિક્ષણ ધરાવતા ભારતીયો માટે ઑરેન્જ પાસપોર્ટ લાવવાની યોજનાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ પ્રાથમિકતાના આધાર પર તેમની મદદ કરવાનો હતો. જ્યારે સામાન્ય રૂપથી ભારતીય પાસપોર્ટનો રંગ બ્લૂ હોય છે.

આ યોજનાનો ખૂબ વિરોધ થયો હતો જ્યાર બાદ ભારત સરકારે આ પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો હતો.

ડૉ. નટરાજન કહે છે કે આ પ્રકારની નીતિ માત્ર એ જણાવે છે કે ભારત એક લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય જગતને એક એવા રૂપમાં જોતું આવ્યું છે જે ઉચ્ચ જ્ઞાતિ અને વર્ગના લોકો માટે ઉપયુક્ત છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો