મીરાબાઈ ચાનુ CWG : રાંધવા માટે બળતણનાં લાકડાં ઊંચકવાથી વેઇટ લિફ્ટર બનવા સુધીની કહાણી

    • લેેખક, વંદના
    • પદ, ભારતીય ભાષાઓનાં ટીવી એડિટર

ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે આ સ્પર્ધામાં કુલ 201 કિલો વજન ઉપાડ્યું હતું. તેમણે ક્લીન અને જર્ક કૅટેગરીમાં 113 કિલો વજન ઊંચક્યું, આ કૅટેગરીમાં તેમણે નવો રેકર્ડ બનાવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને મીરાબાઈને અભિનંદન પાઠવ્યાં હતાં.

ઑલિમ્પિકનો સિલ્વર મેડલ

ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યો હતો. ઑલિમ્પિક વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારાં પ્રથમ ભારતીય ઍથ્લીટ મીરાબાઈ ચાનુ હતાં.

તેમણે 49 કિલો વજનની શ્રેણીમાં આ મેડલ મેળવ્યો હતો. આ વર્ગમાં ચીનના હાઉ ઝહુઈએ ગોલ્ડ અને ઇન્ડોનેશિયાનાં વીંડી અસાહે બૉન્ઝ મેડલ જીત્યાં છે. ચાનુએ 210 કિલો વજન ઊંચકીને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

2016 રિયો ઑલિમ્પિકમાં બહુ ખરાબ પ્રદર્શનથી લઈને ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ સુધીની ચાનુની સફર જબરજસ્ત રહી છે.

રિયો ઑલિમ્પિકનું ખરાબ પ્રદર્શન

તેઓ રિયો ઑલિમ્પિકમાં ગયાં ત્યારે કહાણી એકદમ અલગ હતી. 'ડિડ નૉટ ફિનિશ' - ઑલિમ્પિક જેવા મુકાબલામાં જો તમે અન્ય ખેલાડીથી પાછળ રહી જાવ તો એક અલગ વાત છે, પરંતુ જો તમે તમારી રમત પૂરી ન કરી શકો તો એ કોઈ પણ ખેલાડીનું મનોબળ તોડનારી ઘટના હોઈ શકે છે.

2016માં ભારતનાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ સાથે પણ આવું થયું હતું. ઑલિમ્પિકમાં પોતાના વર્ગમાં મીરા માત્ર બીજાં ખેલાડી હતાં, જેમના નામની આગળ ઑલિમ્પિકમાં લખાયું હતું 'ડિડ નૉટ ફિનિશ.'

એ દિવસે ઑલિમ્પિકમાં જાણે કે તેમના હાથ બરફની જેમ થીજી ગયા હતા. એ સમયે ભારતમાં રાત હતી, તો બહુ ઓછા ભારતીયોએ એ નજારો જોયો હતો.

સવારે જ્યારે ભારતના ખેલપ્રેમીઓએ સમાચાર વાંચ્યાં તો મીરાબાઈ રાતોરાત ભારતીય પ્રશંસકોની નજરમાં વિલન થઈ ગયાં. એટલે સુધી કે તેઓ 2016 બાદ ડિપ્રેશનમાં આવી ગયાં અને તેમને દર અઠવાડિયે મનોવૈજ્ઞાનિકનાં સેશન લેવાં પડ્યાં.

આ નિષ્ફળતા બાદ એક સમયે તો મીરાએ રમતનો અલવિદા કહેવાનું નક્કી કરી નાખ્યું હતું, પરંતુ તેમણે હાર ન માની અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જબરજસ્ત વાપસી કરી.

મીરાબાઈ ચાનુએ 2018માં ઑસ્ટ્રિલિયામાં રાષ્ટ્રમંડળ રમતોમાં 48 કિલોવર્ગમાં લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જિત્યો હતો અને હવે ઑલિમ્પિકમાં મેડલ.

વજન જાળવી રાખવા ભોજન પણ ન લીધું

આમ તો ચાર ફૂટ 11 ઈંચનાં મીરાબાઈ ચાનુને જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તેઓ મોટામોટા ખેલાડીઓને હંફાવી શકે છે.

48 કિલોવર્ગમાં પોતાના વજનથી અંદાજે ચાર ગણું વજન એટલે કે 194 કિલોગ્રામ વજન ઊંચકીને મીરાએ 2017માં વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જિત્યો હતો.

છેલ્લાં 22 વર્ષમાં આવી સિદ્ધિ મેળવનારાં મીરાબાઈ પહેલા ભારતીય મહિલા ખેલાડી હતાં.

48 કિલોનું વજન જાળવી રાખવા માટે મીરાએ એ દિવસે ભોજન પણ નહોતું લીધું. એ દિવસની તૈયારી માટે મીરાબાઈ ગત વર્ષે તેમની સગ્ગી બહેનનાં લગ્નમાં પણ ગયાં નહોતાં.

ભારત માટે પદક જીતનારાં મીરાની આંખમાંથી વહેતાં આંસુ એ દર્દનાં સાક્ષી હતાં, જે તેઓ 2016થી વેઠતાં આવ્યાં હતાં.

વાંસથી વેઇટલિફ્ટિંગની પ્રૅક્ટિસ

8 ઑગસ્ટ, 1994માં જન્મેલાં અને મણિપુરના એક નાનકડા ગામમાં મોટાં થયેલાં મીરાબાઈમાં બાળપણથી હુન્નર હતો. ખાસ સુવિધા વિનાનું તેમનું ગામ ઇમ્ફાલથી અંદાજે 200 કિલોમીટર દૂર હતું.

એ દિવસોમાં મણિપુરની જ મહિલા વેઇટલિફ્ટર કુંજુરાની દેવી સ્ટાર હતાં અને ઍથેન્સ ઑલિમ્પિકમાં રમવા ગયાં હતાં.

બસ એ જ દૃશ્ય નાની મીરાના મનમાં વસી ગયું અને છ ભાઈ-બહેનમાં સૌથી નાની મીરાબાઈએ વેઇટલિફ્ટિર બનવાનું નક્કી કર્યું.

મીરાની જીદ આગળ માતાપિતાએ ઝૂકવું પડ્યું. 2007માં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પહેલાં તો તેમની પાસે લોખંડનો બારબૅલ નહોતો, આથી તેઓ વાંસથી પ્રૅક્ટિસ કરતાં હતાં.

ગામમાં ટ્રેનિંગ સેન્ટર નહોતું, આથી તેઓ 50-60 કિલોમીટર દૂર ટ્રેનિંગ માટે જતાં. ડાયટમાં રોજ દૂધ અને ચિકન જોઈએ, પણ એક સામાન્ય પરિવારનાં મીરા માટે આ શક્ય નહોતું. જોકે તેમણે તેને આડરૂપ બનવા દીધું નહોતું.

11મા વર્ષે તેઓ અંડર-15 ચૅમ્પિયન બન્યાં અને 17 વર્ષની વયે જુનિયર ચૅમ્પિયન. જે કુંજુરાનીને જોઈને મીરાએ ચૅમ્પિયન બનવાનું સપનું સેવ્યું હતું, એ જ આઇડલનો 12 વર્ષ જૂનો નેશનલ રેકૉર્ડ મીરાએ 2016માં તોડ્યો- 192 કિલોગ્રામ વજન ઊંચકીને.

જોકે આ સફર સરળ નહોતી, કેમ કે મીરાનાં માતાપિતા પાસે એટલાં સંસાધનો નહોતાં. વાત એટલે સુધી આવી ગઈ કે જો રિયો ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ નહીં કરી શકે તો તેઓ રમત છોડી દેશે.

જોકે એ નોબત ન આવી. વર્લ્ડ ચૅમ્પિયનશિપ સહિત મીરાબાઈ ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે.

વેઇટલિફ્ટિંગ સહિત મીરાને ડાન્સનો પણ શોખ છે. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "હું ક્યારેક-ક્યારેક ટ્રેનિંગ બાદ રૂમ બંધ કરીને ડાન્સ કરું છું અને મને સલમાન પસંદ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો