Tokyo Olympics : શૉટપુટમાં તેજિન્દરપાલ સિંહ અપાવી શકે છે ભારતને મેડલ

    • લેેખક, આદેશકુમાર ગુપ્ત
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

જાપાનના ટોક્યો શહેરમાં ઑલિમ્પિક રમતોની શરૂઆત થવા જઈ રહી છે. ભારત પણ પોતાના 120થી વધારે ખેલાડીઓની સાથે જોરશોરથી ભાગ લેવા જઈ રહ્યું છે અને અનેક ખેલાડીઓ પાસે ચંદ્રકની આશા રાખવામાં આવી રહી છે.

ભારતીય ટીમમાં 26 ઍથ્લીટ છે. ઍથ્લેટિક્સ રમતો 31 જુલાઈથી નવ ઑગસ્ટ સુધી રમાશે.

ભારતીય ઍથ્લેટિક્સ ટીમમાં એકદમ છેલ્લે ટોક્યોની ટિકિટ મેળવનારા શૉટપુટ ખેલાડી તેજિન્દરપાલ સિંહ તૂર છે.

અંતિમ સમયે મળી ટોક્યોની ટિકિટ

તેજિન્દરપાલ સિંહ તૂરે છેલ્લા મહિને પટિયાલામાં ઇન્ડિયન ગ્રાં પ્રીમાં 21.49 મીટરનો થ્રો કરીને ટોક્યો ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું. ટોક્યો જવા માટે 21.10 મીટર સુધી થ્રો કરવો જરૂરી હતો.

તેજિન્દરે માત્ર આ અવરોધને સરળતાથી પાર કર્યો એટલું જ નહીં પરંતુ તેમણે પોતાનો જૂનો અને એશિયામાં અત્યાર સુધીનો રેકૉર્ડને પણ તોડી નાખ્યો.

તેમની પહેલાં એશિયન રેકૉર્ડ સાઉદી અરેબિયાના સુલ્તાન અબ્દુલ મજીદ અલ હેબ્શીના નામે હતો જે તેમણે વર્ષ 2009માં 21.13 મીટરના થ્રો સાથે બનાવ્યો હતો.

પટિયાલામાં રેકૉર્ડ બનાવતા પહેલાં તેજિન્દરનો અંગત રેકર્ડ 20.92 મીટર હતો.

તેજિન્દરપાલ સિંહ તૂર આ વર્ષની શરૂઆતથી જ ઑલિમ્પિકમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેઓ સફળ નહોતા થઈ શક્યા. માર્ચ મહિનામાં તેમણે પટિયાલામાં યોજાયેલી ઇન્ડિયન ગ્રાં પ્રીમાં ભાગ લીધો હતો પરંતુ ઑલિમ્પિક માટે ક્વૉલિફાઈ નહોતા કરી શક્યા.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ

તેજિન્દરપાલ સિંહનું નામ 2018માં ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેમણે એશિયન ગેમ્સમાં 20.75 મીટર થ્રો કરીને શૉટપુટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

તેજિન્દરસિંહ તૂર પાસેથી 2018ના કૉમલવેલ્થ ગેમ્સમાં પણ મેડલની આશા હતી પરંતુ તેઓ ફાઇનલમાં 19.42 મીટર થ્રોની સાથે આઠમા સ્થાન પર રહ્યા.

તેજિન્દરસિંહ તૂરે વર્ષ 2017માં સફળતા મેળવવાનું શરૂ કર્યું. તેમણે પટિયાલામાં યોજાયેલી ફેડરેશન કપ નેશનલ સીનિયર ઍથ્લેટિક્સ મીટમાં 20.40 મીટરનાં અંતર સુધી ગોળો ફેંક્યો. તેમ છતાં તેઓ વિશ્વ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાથી ચૂકી ગયા હતા કારણ કે તેમના માટે ક્વૉલિફિકેશન સ્ટૅન્ડર્ડ 20.50 મીટર હતું.

વર્ષ 2017માં જ તેજિન્દરપાલ સિંહે ભુવનેશ્વરમાં થયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં 19.77 મીટરના થ્રોની સાથે રજત પદક મેળવ્યો હતો. ત્યાં તેઓ 0.03 મીટરના સામાન્ય અંતરથી ગોલ્ડ મેડલથી ચૂકી ગયા હતા પરંતુ વર્ષ 2019માં તેમણે દોહામાં એશિયન ગેમ્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેલ્ડ મેળવ્યો હતો.

પિતાએ જોયું પુત્રને શૉટપુટ ખેલાડી બનાવવાનું સપનું

તેજિન્દપાલ સિંહને શૉટપુટમાં આટલા આગળ લાવવાનું કામ તેમના કોચ મોહિન્દરસિંહ ઢિલ્લોએ કર્યું.

તેજિન્દરને આ વાતનો અફસોસ છે કે પ્રથમ વખત ઑલિમ્પિક રમતોમાં ઉતરી રહ્યા છે ત્યારે તેમના પિતા તેમની સાથે નહીં હોય, તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે.

તેમના પિતા કર્મ સિંહે તેમને શૉટપુટમાં આવવાની સલાહ આપી હતી. જોકે તેજિન્દરની પ્રથમ પસંદ ક્રિકેટ હતી અને તેઓ મોગાના એક ક્રિકેટ ક્લબના સભ્ય પણ હતા.

તેજિન્દરપાલના કાકા પોતે શૉટપુટ ખેલાડી રહ્યા એટલે પિતા કર્મસિંહ પણ ઇચ્છતા હતા કે તેઓ ટીમ ગેમની જગ્યાએ વ્યક્તિગત રમત પસંદ કરે.

હાથની ઈજા અને કોરોનાનો ભય

તેજિન્દરપાલ માને છે કે ટોક્યોની ટિકિટ મળ્યા પછી તેમણે રાહતનો શ્વાસ લીધો છે.

છેલ્લા સમય પર ટોક્યો જવાને લઈને તેઓ કહે છે કે તેમના હાથમાં ઈજા હતી જેને કારણે તેઓ બે-ત્રણ મહિના થ્રો નહોતા કરી શક્યા. આને કારણે જ તેઓ માર્ચ મહિનામાં ઇન્ડિયન ગ્રાં પ્રી અને ફેડરેશન કપમાં સારું પ્રદર્શન નહોતા કરી શક્યા.

ઈજામાંથી બહાર આવવા માટે તેમના હાથ પર પ્લાસ્ટર કરવું પડ્યું.

બે-ત્રણ પ્રતિસ્પર્ઘાઓમાં હતાશાભર્યું પ્રદર્શનને કારણે દબાણ થવા લાગ્યું. બાકીની કસર કોરોનાની બીજી લહેર અને પછી લાગુ થયેલા લૉકડાઉને પૂરી કરી નાખી, કેટલીય ટુર્નામેન્ટ્સ તો રદ થઈ ગઈ.

આ દરમિયાન ભારતીય ઍથ્લેટિક્સ મહાસંઘ અને સાઈએ તેમને સતત મદદ કરી. તેજિન્દરપાલના મનમાં ભય હતો કે તેઓ ટોક્યો જઈ શકે કે નહીં કારણ કે ઈરાનમાં થનાર પ્રતિસ્પર્ધા રદ થઈ ગઈ.

એ સિવાય જૂન મહિનામાં કઝાખસ્તાન જવાનું હતું તે પણ રદ થઈ ગયું. તેમને તો પટિયાલામાં થનાર ઇન્ડિયન ગ્રાં પ્રીના આયોજનને લઈને પણ આશંકા હતી. તેઓ ભગવાનનો આભાર માને છે કે બધું બરાબર થઈ ગયું.

22 મીટર થ્રો કરવાનું છે લક્ષ્ય

તેજિન્દરપાલ કહે છે કે ટોક્યો માટે તેમની પસંદગી રૈંકિંગના આધારે થઈ શકી હોત પરંતુ તેઓ વ્યક્તિગત રૂપે ક્વૉલિફાઈ કરવા માગતા હતા.

જો તેઓ પોતાનાં વર્તમાન પ્રદર્શનને ટોક્યોમાં ફરી કરી બતાવે ખાસ કરીને એક મીટર વધારે અંતર સુધી થ્રો કરે તો તેમને મેડલ મળી શકે છે.

મેડલની સંભાવના પર તેઓ કહે છે 22 મીટર થ્રો પર મેડલની આશા તો છે પરંતુ ઑલિમ્પિકમાં બધા પર ખૂબ દબાણ હશે.

ટોક્યોમાં 22 મીટર થ્રો કરી શકશે? આ પ્રશ્નના જવાબમાં તેજિન્દરપાલ કહે છે કે ફેબ્રુઆરીમાં તેઓ અભ્યાસ દરમિયાન સરળતાથી આવું કરી શકતા હતા. જો એ સમયે કોઈ પ્રતિસ્પર્ધા હોત તો તેમણે આ કરી બતાવ્યું હોત.

એશિયન રમતમાં ગોલ્ડ મેડલથી જીવન બદલાઈ ગયું

એશિયન ગેઇમ્સમાં વર્ષ 2018માં મળેલા ગોલ્ડ મેડલને તેજિન્દરપાલ પોતાના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ માને છે. ત્યારથી લોકો તેમને ઓળખવા લાગ્યા અને તેમને આર્થિક મદદ પણ મળી. તેમને આ આધારે અર્જુન પુરસ્કાર પણ મળ્યો.

કૉમલવેલ્થ ગેઇમ્સમાં મળેલી નિષ્ફળતાનું કારણ તેજિન્દરના પિતાનું ખરાબ સ્વાસ્થ્ય હતું. તેમના મનમાં હંમેશા એ જ ચાલતું કે પિતાને કંઈક ન થઈ જાય.

તેજિન્દરપાલ એશિયન ગેઇમ્સના ગોલ્ડ મેડલને લઈને પોતાનાં ઘરે પહોંચી જ રહ્યા હતા તે દરમિયાન જ તેમના પિતાનું અવસાન થયું.

તેઓ કહે છે તે દિવસોમાં તેમનો પરિવાર તેમને પિતાના સ્વાસ્થ્ય વિશે બધી જાણકારી નહોતા આપતા, માત્ર એવું વિચારીને કે ક્યાં તેજિન્દર પોતાનો અભ્યાસ છોડીને પાછા ન આવતા રહે.

કોચનો સહારો

તેજિન્દરપાલ કહે છે કે જ્યારે તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી ત્યારે તેમના કોચે તેમની ખૂબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું.

ટોક્યોમાં કોરોનાને કારણે લાગેલા પ્રતિબંધ વચ્ચે પોતાના સંભાવિત પ્રદર્શન અંગે તેજિન્દરપાલ કહે છે કે ત્યાં પહોંચીને જ સાચી પરિસ્થિતિની ખબર પડશે. માસ્ક લગાવીને રમવાને તેઓ સરળ વાત નથી માનતા.

તેઓ પટિયાલામાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ વધતી ગરમીને કારણે પરેશાન છે, જોકે તેઓ પોતાની ફિટનેસને લઈને સંતુષ્ટ છે.

ઑલિમ્પિકમાં આજ સુધી ઍથ્લેટિક્સમાં ભારતને કોઈ પદક નથી મળ્યો એ અંગે તેઓ કહે છે કે આ વખતે પદક મળવાની આશા છે. તેઓ દરરોજ સવારે ત્રણ કલાક સવારે અને ત્રણ કલાક સાંજે અભ્યાસ કરે છે.

રિયો ઑલિમ્પિકમાં શૉટપુટ પ્રતિયોગિતામાં અમેરિકાના રેયાન ક્રૂઝરે 22.52 મીટરની સાથે ગોલ્ડ, અમેરિકાના જ જૉય કોવક્સે 21.78 મીટરની સાથે રજત અને ન્યૂઝીલૅન્ડના ટૉમ્સ વૉલ્શે 21.10 મીટરના અંતરે થ્રો કરીને કાંસ્ય પદક જીત્યા છે.

એવામાં તેજિન્દરપાલ સિંહ તૂર વર્તમાન પ્રદર્શન સાથે ટોક્યોમાં મેડલની આશા તો જગાવે જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો