Olympic Games : જ્યારે દોરાબજી તાતાએ પોતાના ખર્ચે ભારતીય ખેલાડીઓને રમવા મોકલ્યા

    • લેેખક, સૂર્યાંશી પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતની આઝાદી પહેલાં, બ્રિટિશરોના શાસનકાળમાં ભારતની ધરતી પર ઑલિમ્પિકની કથા પણ આકાર પામી રહી હતી. તેનું સિંચન કરી રહ્યા હતા સર દોરાબજી તાતા.

સર દોરાબજી તાતાના પ્રયાસોને કારણે જ ભારતના છ ખેલાડીઓની ટીમ 1920માં એન્ટવર્પ ઑલિમ્પિકમાં ભાગ લેવા પહોંચી શકી હતી. ભારત ઑલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ એશિયન વસાહતી દેશ બન્યો હતો.

કઈ રીતે થઈ શરૂઆત?

તાતા સ્ટીલ તથા આયર્નના ભારતના અગ્રણી બિઝનેસમૅન જમશેદજી તાતાના મોટા દીકરા સર દોરાબજી હતા.

રતનજી તાતા દોરાબજી તાતાના નાના ભાઈ થાય. દોરાબજીથી રતનજી 12 વર્ષ નાના હતા. રતનજી પહેલાં દોરાબજીએ તેમના પિતા જમશેદજી તાતાનું સપનું સાકાર કર્યું હતું.

તેઓ તાતા કંપની સ્ટીલ તથા આયર્નના બિઝનેસમાં મજબૂત સ્થાન બનાવે તેવું ઇચ્છતા હતા.

બ્રિટિશ ભારતમાં ઔદ્યાગિક યોગદાન માટે 1910માં દોરાબજી તાતાને 'નાઇટ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જોકે, દોરાબજી ત્યાં રોકાયા ન હતા. તેઓ ભારતને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધારવા ઇચ્છતા હતા.

વરિષ્ઠ ખેલ પત્રકાર બોરિયા મજૂમદાર તથા પત્રકાર નલીન મહેતાના પુસ્તક 'ડ્રીમ ઑફ બિલિયન'માં દોરાબજી તાતાએ ઑલિમ્પિક્સમાં આપેલા યોગદાનની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

મુંબઈમાં જન્મેલા દોરાબજીએ મુંબઈમાં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. એ પછી તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ગોનવિલ ઍન્ડ કીઝ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

ઇંગ્લૅન્ડની કૉલેજોમાં રમતગમતને આપવામાં આવતા પ્રાધાન્યથી તેઓ પ્રભાવિત થયા હતા. ભારત પાછા ફર્યા બાદ તેમણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં 1882 સુધી અભ્યાસ કર્યો હતો.

બોરિયા મજૂમદાર તથા નલીન મહેતાએ પુસ્તકમાં જણાવ્યું છે કે, યુવાવર્ગને રમતગમત પ્રતિ આકર્ષવા માટે દોરાબજી તાતાએ અનેક સ્કૂલો તથા કૉલેજોમાં ઍથ્લેટિક્સ ઍસોસિયેશન અને ઍથ્લેટિક્સ સ્પૉર્ટ્સના આયોજનને પ્રોત્સાહન આપ્યું હતું અને એ સંગઠનોની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

14 વર્ષના સચીન તેંડુલકર અને સર દોરાબજી તાતા

સચીન તેંડુલકરે 1988માં 14 વર્ષની વયે એક ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં વિનોદ કાંબલી સાથે 664 રનની ભાગીદારી નોંધાવી હતી.

સચીન તેંડુલકર તથા વિનોદ કાંબલીની આ શાનદાર રમતની દુનિયાભરનાં અખબારોમાં ચર્ચા થઈ હતી.

સચીન અને કાંબલીને જેણે મોટી ઓળખ અપાવી ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટનું નામ હતું. હેરિસ શિલ્ડ. આ હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટની શરૂઆત સર દોરાબજી તાતાએ 1886માં કરાવી હતી.

1920 ઑલિમ્પિક્સ - પોતાને ખર્ચે ખેલાડીઓને મોકલ્યા

દોરાબજી તાતા પુણેના ડેક્કન જિમખાનાના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે 1919માં જિમખાનામાં સૌપ્રથમ ઍથ્લેટિક્સ મીટ એટલે કે સ્પર્ધાનું આયોજન કરાવ્યું હતું. તેમાં જે ખેલાડીઓએ ભાગ લીધો હતો એ ખેડૂતો હતા અને તેમને માત્ર દોડતા આવડતું હતું.

એ સ્પર્ધા દરમિયાન સર દોરાબજી તાતાએ અનુભવ્યું હતું કે આ ખેલાડીઓને રમતના નિયમોની ભલે ખબર ન હોય પણ ઑલિમ્પિક્સમાં ઍથ્લેટિક્સમાં ક્વૉલિફાય કરવા માટે એ સમયે જે ટાઇમિંગની જરૂર હતી, તે ટાઇમિંગમાં દોડવીરો દોડ સફળતાપૂર્વક પૂરી કરતા હતા.

એ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે આવેલા બૉમ્બેના ગવર્નર ડેવિડ લોય્ડ સમક્ષ સર દોરાબજી તાતાએ એક ભારતીય ટીમને 1920માં એન્ટવર્પ ઑલિમ્પિકમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

તેમણે ભારત ઑલિમ્પિકમાં ભાગ લઈ શકે એટલા માટે બ્રિટિશ ઑલિમ્પિક કમિટીનો ટેકો માગ્યો હતો.

બન્ને વચ્ચે બેઠકો યોજાઈ અને આખરે ગવર્નરે મદદ કરી પછી ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી(આઈઓસી)એ ભારતને મંજૂરી આપી હતી. ભારતીય ઑલિમ્પિક કમિટીની રચનાનો પાયો પણ આ રીતે નંખાયો હતો.

એન્ટવર્પ ઑલિમ્પિક માટે છ ખેલાડીઓની પસંદગી

આઈઓસી તરફથી મંજૂરી મળ્યા બાદ ખેલાડીઓની પસંદગી માટે એક ઍથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉત્તમ દેખાવ માટે છ ખેલાડીઓને સર દોરાબજી તાતાએ એન્ટવર્પ ઑલિમ્પિક માટે પસંદ કર્યા હતા.

જોકે, જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી તેમને ઑલિમ્પિકના નિયમ અને રીતભાતની કોઈ ખબર ન હતી.

'ડ્રીમ ઑફ અ બિલિયન' પુસ્તકમાં એક સંવાદનો ઉલ્લેખ છે, જેમાં જિમખાનાના એક અગ્રણી સભ્યને પૂછવામાં આવે છે કે ઑલિમ્પિકમાં 100 મીટરની દોડમાં ક્વૉલિફાય કરવા માટેના સમયનો માપદંડ શું છે?

આ સવાલના જવાબમાં પેલા સભ્ય કહે છે, "એકથી બે મિનિટ હશે." ઑલિમ્પિક્સની સ્પર્ધાઓમાં મિનિટોમાં નહીં, સેકંડ અને મિલીસેકંડમાં ગણતરી થતી હોય છે, એવું જણાવવામાં આવ્યું ત્યારે એ સભ્ય દિગ્મૂઢ થઈ ગયા હતા.

એ પછી સૌથી મોટો સવાલ એ હતો કે પસંદ કરાયેલા ખેલાડીઓને આર્થિક મદદ કોણ કરશે, કારણ કે એ ખેલાડીઓ તો ખેડૂત હતા. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી.

લગભગ 35,000 રૂપિયાની જરૂર હતી. ખેલાડીઓ માટે ભંડોળ એકઠું કરવા જિમખાનાએ 'ધ સ્ટેટ્સમૅન' દૈનિકમાં જાહેરાત પ્રકાશિત કરાવી હતી. સરકારે 6,000 રૂપિયા આપ્યા હતા.

જોકે, અન્ય નાગરિકોને કરેલી અપીલથી કોઈ લાભ થયો ન હતો. પછી સર દોરાબજી તાતાએ પોતાના અંગત ખર્ચે ત્રણ ખેલાડીઓને ઑલિમ્પિક્સમાં મોકલ્યા હતા અને બાકીના ખેલાડીઓને ભંડોળમાં એકત્ર થયેલા પૈસા વડે મોકલવામાં આવ્યા હતા.

ભારતના એકેય ખેલાડીએ ઑલિમ્પિક્સમાં સારો દેખાવ કર્યો ન હતો. સૌપ્રથમ ભારતીય ટીમની કહાણીને અખબારોમાં પણ નહિવત્ જગ્યા મળી હતી.

1924ની પેરિસ ઓલિમ્પિક બની ગેમ-ચૅન્જર

ઑલિમ્પિક્સ બાબતે ધીમે-ધીમે જાગૃતિ વધી. 1920માં મોટાભાગના પૈસા તાતા, રાજા અને સરકાર તરફથી આવ્યા હતા, પણ 1924માં દેશનાં અનેક રાજ્યોથી માંડીને સૈન્યએ પણ મદદ કરી હતી.

રાજ્ય સ્તરે યોજાયેલી 'ઑલિમ્પિક ટ્રાયલ્સ'ના અહેવાલો અખબારોમાં પ્રકાશિત થતા હતા. 1920ની ઑલિમ્પિક્સ માટે સર દોરાબજી તાતાએ પોતાના અનુભવના આધારે ખેલાડીઓની પસંદગી કરી હતી, પણ 1924માં સ્પર્ધામાં અનેક તબક્કા બાદ 'દિલ્હી ઑલિમ્પિક' મારફત પસંદગી કરવામાં આવી હતી.

પસંદગીની આ વ્યવસ્થાને કારણે જ ઑલ ઇન્ડિયા ઑલિમ્પિક ઍસોસિયેશનની રચના થઈ શકી હતી. 1924ની પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેવાની તક આઠ ભારતીય ખેલાડીઓને મળી હતી. ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન 1924માં પણ સારું રહ્યું ન હતું.

ઑલ ઇન્ડિયા ઑલિમ્પિક ઍસોસિયેશન માત્ર ત્રણ વર્ષ ચાલ્યું હતું. 1927માં ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન (આઈઓએ) નામના નવા સંગઠનની રચના કરવામાં આવી હતી, જે આજે પણ ભારતમાં ઑલિમ્પિકની જવાબદારી સંભાળે છે.

આઈઓએના અધ્ચક્ષ પણ સર દોરાબજી તાતાને જ બનાવવામાં આવ્યા હતા.

1928માં યોજનારી બર્લિન ઑલિમ્પિક્સ પહેલાં સર દોરાબજી તાતાએ આઈઓએના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. ખાલી થયેલી એ ખુરશી પર એ વખતે અનેક રાજાઓ અને મોટા બિઝનેસમૅનોની નજર હતી.

એ સમયે આઈઓએના અધ્યક્ષ બનવા માટે પૈસાની જરૂર તો હતી જ. એ ઉપરાંત અધ્યક્ષ આર્થિક રીતે એટલે સદ્ધર હોવો જોઈએ કે તે ઇન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) સમક્ષ ભારતના પ્રતિનિધિત્વ માટે ઇંગ્લૅન્ડ જઈ શકે.

આઈઓસીએ કપૂરથલાના રાજા જગજીતસિંહને પસંદ કર્યા હતા. તેની સામે સર દોરાબજી તાતાને પણ વાંધો ન હતો. એ દરમિયાન દિગ્ગજ ક્રિકેટર અને નવાનગરના જામસાહેબ રણજી અને બર્દવાનના રાજાના નામ પણ ચર્ચામાં હતાં. જોકે, પટિયાલાના મહારાજા ભૂપેન્દર સિંહ મેદાનમાં ઊતર્યા એટલે બધા એકાએક પાછા હઠી ગયા હતા.

જામ રણજી પણ પાછા હઠી ગયા હતા, કારણ કે રણજી મુશ્કેલીમાં હતા ત્યારે પટિયાલાના મહારાજા ભૂપેન્દર સિંહે તેમને ઘણીવાર આર્થિક મદદ કરી હતી. બન્ને વચ્ચે મજબૂત સંબંધ હતો.

1924ની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયેલા પંજાબના ખેલાડી દલિપ સિંહને મહારાજા ભૂપેન્દર સિંહે જ મદદ કરી હતી. દલિપ સિંહ તેમના વિરુદ્ધ ચાલતા રાજકારણને લીધે ટ્રાયલ્સમાં ભાગ લઈ શકતા ન હતા એટલે તેમણે પટિયાલાના મહારાજાને મદદ માટે અપીલ કરી હતી.

એ પછી ભૂપેન્દર સિંહે દલિપ સિંહને ભારતીય ટીમમાં યોગ્ય સ્થાન અપાવ્યું હતું એટલું જ નહીં, પણ આ ઘટનાને ધ્યાનમાં રાખીને પટિયાલા સ્ટેટ ઑલિમ્પિક્સ અસોસિયેશનની રચના પણ કરી હતી.

રણજી ઉપરાંતના જો કોઈ ભારતીય રાજાને રમતગમતમાં રસ હતો તો એ ભૂપેન્દર સિંહ હતા.

આઈઓસીએ 1927માં ભૂપેન્દર સિંહની પસંદગી આઈઓએના અધ્યક્ષ તરીકે કરી હતી. અધ્યક્ષપદ સંભાળતાંની સાથે જ તેમણે સર દોરાબજી તાતાને લાઇફટાઇમ પ્રેસિડેન્ટ પદ વડે સન્માનિત કર્યા હતા.

...અને ભારતને મળ્યો પહેલો સુવર્ણચંદ્રક

1928ની એમ્સ્ટર્ડમ ઑલિમ્પિકમાં ભારતને સૌપ્રથમ સુવર્ણચંદ્રક મળ્યો હતો, જેનો શ્રેય ધ્યાનચંદ અને હોકીને જાય છે. એ પછી ભારતીય પુરુષ હોકી ટીમે સતત છ વખત સુવર્ણચંદ્રક મેળવ્યા હતા.

2021ની ટોક્યો ઑલિમ્પિકમાં ચંદ્રકોની રેસમાં અત્યાર સુધીમાં 77 ખેલાડી ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો