હાર્દિક પટેલ વિધાનભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણ અને કૉંગ્રેસમાં હવે ક્યાં છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હજુ દોઢ વર્ષનો સમય બાકી છે, છતાં રાજકીય હિલચાલ અત્યારથી જ તેજ થઈ છે. આ ઊથલપાથલના કેન્દ્રમાં ફરી એક વખત પાટીદાર સમાજ અને નેતા હાર્દિક પટેલ છે.

પાટીદારની ધાર્મિક સંસ્થા ખોડલધામના વડા નરેશ પટેલનું કહેવું છે કે "અમે ઇચ્છીએ કે ગુજરાતનો આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમાજનો હોય." આગામી વિધાનસભા ચૂંટણીમાં આપને લાભ થઈ શકે તેવું સૂચક નિવેદન પણ પટેલે કર્યું હતું.

તાજેતરમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે તમામ બેઠક ઉપર ચૂંટણી લડશે. હાલ તે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મુખ્ય વિપક્ષ છે. તેની મીટ પાટીદાર મતો ઉપર મંડાયેલી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લાગે છે કે કૉંગ્રેસમાં તેમને એકલા પાડી દેવામાં આવ્યા છે. તેમના આ નિવેદનને પાર્ટીની આંતરિક જૂથબંધીમાં સરસાઈ મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

બીજી બાજુ, પાટીદારોનો એક વર્ગ માને છે કે અલગ-અલગ કારણથી સમાજ સંગઠિત નથી જેના કારણે ભાજપને લાભ થાય છે.

ગુજરાતમાં ડિસેમ્બર-2022માં વિધાનસભાની 182 બેઠક ઉપર ચૂંટણી થવાની છે.

નારાજગી, વ્યૂહરચના અને વાસ્તવિકતા

તાજેતરમાં 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું કે નિમણૂકના એક વર્ષ બાદ પણ તેઓ પાર્ટીમાં 'એકલા' પડી ગયેલા જણાય છે.

તેમણે કહ્યું, "ચાલુ વર્ષે મે મહિનામાં મારા પિતાના અવસાન બાદ મારા પક્ષ તથા અન્ય પક્ષોના નેતાઓના ગુજરાત તથા દેશભરમાંથી ફોન આવ્યા. પરંતુ કૉંગ્રેસના કોઈ પણ વરિષ્ઠ નેતાએ અવસાન બાદ મારા ઘરની મુલાકાત લીધી ન હતી."

હાર્દિક પટેલે ઉમેર્યું, "જુઓ મારો પરિવાર ખૂબ જ મોટો છે. દરેક પરિવારની જેમ તેમાં સામાન્ય ચર્ચા અને અસંમતિ છે. હું કોઈ પદ કે સીટ નથી ઇચ્છતો. હું માત્ર મારા લોકો માટે કામ કરવા માગું છું."

ગુજરાત કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, "હાર્દિકભાઈ ક્યારેક શક્તિપ્રદર્શન તથા ક્યારેક વિક્ટિમ કાર્ડ રમે છે. તેઓ પાટીદાર સમાજ સાથે હોવાની વાત કરે છે, પરંતુ તાજેતરની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં આ પરિબળે કૉંગ્રેસની તરફેણમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી."

"એ ચૂંટણીઓ પછી અમિતભાઈ (ચાવડા) તથા પરેશભાઈએ (ધાનાણી) તેમના હોદા પરથી રાજીનામાં આપી દીધાં હતાં, પરંતુ આવી કોઈ પ્રતીકાત્મક તૈયારી પણ હાર્દિકભાઈ દ્વારા દેખાડવામાં આવી ન હતી. તેઓ પાર્ટીમાં સામેલ થયા અને એક વર્ષમાં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા."

"પાર્ટીનાં આંતરિક મંચો પરથી તેમનો તથા અન્ય વરિષ્ઠ નેતાઓનો સમયાંતરે ચોક્કસ મુદ્દા ઉપર મત લેવામાં આવે જ છે. હવે કદાચ તેમની નજર પ્રદેશ અધ્યક્ષના પદ પર છે, જેથી હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનો માહોલ ઊભો કરી રહ્યા છે." આ નેતાના મતે પાટીદાર સમાજમાં પણ હાર્દિક પટેલ સર્વસ્વીકૃત નથી.

આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં પણ હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું કે, "ચૂંટણીપ્રચાર સંબંધિત આયોજનોમાં તેમને પૂછવામાં નથી આવતું તથા તેમને ઉતારી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે."

સમગ્ર ઘટનાક્રમ અંગે હાર્દિક પટેલનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ બન્યા ન હતા. આ અંગે તેમની પ્રતિક્રિયા મળશે ત્યારે અપડેટ કરવામાં આવશે.

પાટીદાર, પાવર અને પક્ષ

પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિયના કહેવા પ્રમાણે, "હાર્દિક પટેલની નારાજગીને નરેશ પટેલના નિવેદન સાથે જોડીને જોવું જોઈએ. જેમાં તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ કે આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમુદાયનો હોય તથા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સમર્થન મળી શકે છે."

"વાસ્તવમાં તે ગુજરાત કૉંગ્રેસ માટે સંકેત હતો કે જો હાર્દિક પટેલને બાજુએ કરવાનો પ્રયાસ કરશે તો કૉંગ્રેસ સાઇડલાઇન થઈ શકે છે. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યારથી ત્રીજો પક્ષ કે મોરચો ઊભો થાય છે. જેથી નારાજ પાટીદારોના મત કૉંગ્રેસના બદલે ત્રીજા પક્ષને જાય છે, જેનો સીધો ફાયદો ભાજપને થાય છે અને તે સત્તા ઉપર રહી શકે છે."

ક્ષત્રિય 2007માં ગોરધન ઝડફિયાની મહાગુજરાત જનતા પાર્ટી, 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીનું ઉદાહરણ ટાંકે છે.

2017માં પાટીદાર મતોનું વિભાજન ન થયું, પરંતુ કૉંગ્રેસને આંતરિક જૂથબંધીનું ગ્રહણ લાગ્યું. હવે, 2022માં તે સ્થાન આપ લેશે.

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી સમયે કૉંગ્રેસ સાથે જોડાયેલા પાટીદારોએ આપને સહકાર આપ્યો અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આપ વિપક્ષમાં છે. ત્યારથી લઈને તાજેતરમાં અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત સુધી એવી અટકળો ચાલતી રહી છે કે હાર્દિક પટેલ આપમાં જોડાઈ શકે છે.

જોકે, હાર્દિક પટેલ સોશિયલ મીડિયા મારફત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાના નથી અને કૉંગ્રેસમાં જ રહેશે.

ભાજપ, પાટીદાર અને વિભાજન

'સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ' સાથે સંકળાયેલા નેતા ધાર્મિક માલવિયાના કહેવા પ્રમાણે, "પાટીદાર સમાજ સંગઠિત હોવાની વાત થાય છે, પરંતુ વાસ્તવમાં તે એક નથી. આંદોલન દ્વારા અમે સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના પાટીદારોને સંગઠિત કરીને કડવા તથા લેઉવા એવી અલગ-અલગ ઓળખને એક કરવાનો પ્રયાસ કર્યો."

"આજે એ દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે, છતાં ક્યારેક અચાનક જ કોઈ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ઉદ્યોગપતિ કે અગ્રણી દ્વારા એવું કોઈ નિવેદન કરવામાં આવે છે, જેના કારણે મિડલ ક્લાસના પાટીદારો ભ્રમિત થઈ જાય છે અને ડાયવર્ટ થઈ જાય છે."

તેઓ કહે છે, "આજે અનામત આંદોલન સમયના કેસ, કોરોનામાં કામગીરી, બેકારી, ટેકાના ભાવો તથા મોંઘાં ખાતર જેવી અનેક સમસ્યા છે, પરંતુ અગ્રણીઓ દ્વારા આ મુદ્દે મૌન સેવી લેવામાં આવે છે."

"આ સિવાય પાટીદારોનો એક નિશ્ચિત વર્ગ એવો છે કે જે હિંદુત્વ તથા રાષ્ટ્રવાદના નામે મત આપે છે, જેથી મતો વિભાજિત થઈ જાય છે."

માલવિયા સ્વીકારે છે કે પાટીદાર મતોનું વિભાજન થવાનો સીધો લાભ ભાજપને થાય છે. ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી દરમિયાન માલવિયાને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી કૉંગ્રેસની ટિકિટ ઉપર લડવાની તક મળી હતી, પરંતુ સાથી આંદોલનકારીઓને ટિકિટ ન મળી હોવાથી તેમણે ફૉર્મ ભર્યું ન હતું.

પાટીદાર, મુખ્ય મંત્રી અને મુદત

ગુજરાતમાં અત્યાર સુધી ચાર પાટીદાર કુલ સાત વખત મુખ્ય મંત્રી બન્યાં છે, પરંતુ કોઈ પોતાની આખી ટર્મ પૂર્ણ નથી કરી શક્યાં.

બાબુભાઈ જશભાઈ પટેલે જનતા મોરચાના ટેકાથી કૉંગ્રેસ (ઓ) અને જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ કેન્દ્રીય રાજકારણમાં ઊથલપાથલને કારણે તેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા.

ચીમનભાઈ પટેલ (1973-74) દરમિયાન મુખ્ય મંત્રી બન્યા. પ્રથમ વખત ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે પદ છોડી દેવું પડ્યું હતું.

બીજી વખત માર્ચ-1990થી ફેબ્રુઆરી-1994 દરમિયાન ગુજરાતની સત્તાની ધુરા સંભાળી. ચાલુ કાર્યકાળે તેમનું અવસાન થતા છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી બન્યા હતા.

માર્ચ-1995માં પહેલી વખત ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બની. કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ શંકરસિંહના આંતરિક બળવાને કારણે તેઓ એક વર્ષ પણ પૂર્ણ ન કરી શક્યા અને સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.

1998માં રાજકીય ઊથલપાથલથી ત્રસ્ત ગુજરાતની જનતાએ ભાજપની તરફેણમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો. આ વખતે આંતરિક ખટરાગ ઊભો કરે તેવું કોઈ તત્ત્વ ન હતું, છતાં કેશુભાઈ તેમનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા.

2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને તેઓ મુખ્ય મંત્રી તરીકે કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા. તેઓ લગભગ સાડાં બાર વર્ષ સુધી આ પદ પર રહ્યા અને બે પૂર્ણ કાર્યકાળ ભોગવ્યા.

2014માં દેશના વડા પ્રધાન બનતાં તેમણે આ પદ છોડ્યું. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ (મે-2014થી ઑગસ્ટ-2016) પણ પાટીદાર હતાં, પરંતુ પાટીદાર અનામત આંદોલનને કારણે તેમની સામે અસંતોષ ઊભો થયો અને તેમને રાજ્યપાલ બનાવીને ગુજરાતની બહાર મોકલવામાં આવ્યાં.

1985થી અત્યાર સુધીનો ઇતિહાસ ચકાસવામાં આવે તો નરેન્દ્ર મોદીને બાદ કરતા કોઈ મુખ્ય મંત્રી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ નથી કરી શક્યો. ઑગસ્ટ મહિનામાં વિજય રૂપાણીને મુખ્ય મંત્રીપદે પાંચ વર્ષ પૂર્ણ થશે, પરંતુ તેમનો સંપૂર્ણ કાર્યકાળ ડિસેમ્બર-2022માં પૂર્ણ થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો