ઇબ્રાહીમ રઈસીએ ઈરાન ન્યૂક્લિયર ડીલ વાર્તા અંગે ચેતવણી આપી

ઈરાનના નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીએ વૈશ્વિક તાકાતો સાથે વર્ષ 2015ની ન્યૂક્લિયર ડીલ પૂર્વવત્ બનાવવા માટેના વિચારને આવકાર્યો છે.

જોકે તેમણે જણાવ્યું હતું કે આ ડીલ ત્યારે જ શક્ય બની શકશે જો તેમાં ઈરાનના હિતને પ્રાથમિકતા આપવામાં આવશે.

ગત શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં વિજયી થયેલા ઇબ્રાહીમ રઈસીએ પોતાની પ્રથમ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે તેઓ વિયેના ખાતેની વાતચીતમાં વધુ મોડું થવાની મંજૂરી નહીં આપે.

નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલાં અમેરિકા દ્વારા બહાર નીકળી જવાને લીધે આ અણુકરાર ભાંગી પડવાના આરે છે.

આ ડીલમાંથી પીછેહઠ કર્યા બાદ અમેરિકાએ ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદી દીધા હતા.

એ બાદ ઈરાન અણુશસ્ત્રો વિકસાવે તે અંગેના જોખમને ઘટાવડા માટે તૈયાર કરાયેલી સમજૂતીની શરતોના ભંગ થકી ઈરાને પણ પ્રતિકાર કર્યો હતો.

જોકે, ટ્રમ્પ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે જો ઈરાન શરતોના સંપૂર્ણ પાલન માટે સંમત થાય તો તેઓ ફરીથી આ ડીલમાં જોડાઈ જશે અને તમામ નિયંત્રણો પણ હઠાવી લેશે.

જોકે આ અંગે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિ પહેલ કરે તેવું ઇચ્છી રહ્યું છે.

કોણ છે ઈરાનના નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ?

ઈરાનમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇબ્રાહીમ રઈસીને વિજેતા જાહેર કરાયા છે.

નોંધનીય છે કે ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ઇબ્રાહીમ રઈસીએ અબ્દુલ નસીર હિમ્મતી, મોહસેન રઝઈ અને ગાઝીઝાદેહ હાશેમી વિરુદ્ધ 50 ટકા કરતાં વધુ મત મેળવી જીત હાંસલ કરી છે.

રઈસી ઑગસ્ટ માસના મધ્ય ભાગમાં રાષ્ટ્રપતિનો પદભાર સંભાળે તેવું કહેવાઈ રહ્યું છે.

14 ડિસેમ્બર 1960ના રોજ ઉત્તર પૂર્વ ઈરાનના મશહદમાં જન્મેલા હોજ્જત અલ-ઇસ્લામ સૈય્યદ રઈસીને કટ્ટરપંથી વિચારધારાવાળા નેતા માનવામાં આવે છે.

રઈસી ઈરાનની સૌથી સમૃદ્ધ સામાજિક સંસ્થા અને મશહાદ શહરમાં મોજૂદ આઠમા શિયા ઇમામ રેઝાની પવિત્ર દરગાહ અસ્તાન-એ-કોદ્સના સંરક્ષક પણ રહી ચૂક્યા છે.

બીબીસી મૉનિટરિંગ અનુસાર રઈસી હંમેશાં કાળી પાઘડી ધારણ કરે છે જે એ વાતનું પ્રતીક છે કે તેઓ સૈયદ એટલે કે શિયા મુસ્લિમ પયગંબર મહમદના વંશજ છે.

બીબીસી મૉનિટરિંગે વૉશિંગટન પોસ્ટમાં છપાયેલા એક સમાચાર અનુસાર જણાવ્યું છે કે રઈસીને અયાતુલ્લાહ અલી ખમેનેઈના સંભવિત ઉત્તરાધિકારી સ્વરૂપે જોવામાં આવી રહ્યા છે.

અયાતુલ્લાહ અલી ખામેનેઈ 82 વર્ષના થઈ ગયા છે અને તેમના ઉત્તરાધિકારી શોધવા એ હાલ સૌથી મોટી પ્રાથમિકતા છે.

સુપ્રીમ લીડરના પદનો માર્ગ

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ગાર્ડિયન કાઉન્સિલે ઉમેદવારો માટે કડક નિયમો લાગુ કર્યા હતા. આના કારણે સાત ઉમેદવારો જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊતરી શક્યા હતા. જે પૈકી પાંચ કટ્ટરપંથી અને બે ઉદારમતવાદી મનાતા હતા.

સંસદના ભૂતપૂર્વ સ્પીકર અલી લારિજાની સહિત ઘણા ઉમેદવારોને રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થતાં પહેલાં અયોગ્ય જાહેર કરી દેવાયા હતા.

સીએનએનમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે આવું કર્યા બાદ રઈસી માટે આ ચૂંટણી લગભગ કોઈ પણ વિરોધ વગર જીતવા સમાન સંજોગો બની ગયા.

અયાતુલ્લાહ અલી ખમેનેઈ જાતે સુપ્રીમ લીડર બન્યા એ પહેલાં બે વખત રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જિત્યા બાદ એ પદ સુધી પહોંચવાની રાહ રઈસી માટે વધુ સરળ થઈ જશે.

વૉશિંગટન પોસ્ટમાં છપાયેલી એક ખબર અનુસાર રઈસી ખમેનેઈના સૌથી ભરોસાપાત્ર લોકો પૈકી એક છે અને બંને દેશ અને સરકાર ચલાવવા માટે ઇસ્લામી ન્યાય વ્યવસ્થાના હકમાં છે.

રઈસીનું માનવું છે કે દેશને વિદેશી રોકાણની કોઈ જરૂર નથી અને અમેરિકા સાથે વાતચીત આગળ ન વધારવી જોઈએ.

જોકે, ખમેનેઈએ આર્થિક પ્રતિબંધોને હઠાવવા માટે અમેરિકા સાથે વાતચીતનું સમર્થન કર્યું હતું. ત્યાર બાદ રઈસીએ પણ તેનું સમર્થન કર્યું હતું.

સુપ્રીમ લીડર બનવાની અફવાઓનું રઈસીએ પણ ખંડન નથી કર્યું.

ઈરાનમાં સુપ્રીમ લીડરને દેશની સૌથી મોટી ધાર્મિક અને રાજકીય ઑથોરિટી માનવામાં આવે છે. તેઓ સેનાના કમાન્ડર ઇન ચીફ હોય છે.

ઇઝરાયલની ચિંતા કેમ વધી ગઈ?

ઈરાનમાં રઈસી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતાં ઇઝરાયલે ચિંતા વ્યક્ત કરી હતી.

ઇઝરાયલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ઈરાનના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની ચૂંટણી પર ભારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ.

ઇઝરાયલના વિદેશમંત્રાલયના પ્રવક્તા લિયૉર હાઇયાતે કહ્યું છે કે રઈસી ઈરાનના અત્યાર સુધીના સૌથી કટ્ટરપંથી રાષ્ટ્રપતિ છે.

નવા નેતા ઈરાનની પરમાણુ-હિલચાલને વધારશે એવી પણ તેમણે ચેતવણી આપી છે.

કેટલાક લોકોનું માનવું છે કે ઈરાની ચૂંટણીની દોટ જ એ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે રઈસીને સરસાઈ પ્રાપ્ત થાય.

તેઓ ઈરાનના ટોચના ન્યાયાધીશ છે અને ભારે રૂઢીવાદી વિચારો ધરાવે છે. તેઓ રાજકીય કેદીઓને મૃત્યુદંડ આપવાના નિર્ણયો સાથે સંકળાયેલા રહ્યા છે અને અમેરિકાએ તેમના પર પ્રતિબંધો લાદ્યા છે.

ઈરાનના સરકારી મીડિયામાં પ્રસારિત એક નિવેદનમાં રઈસીએ કહ્યું છે, "હું એક પ્રામાણિક, મહેનતુ, ક્રાંતિકારી અને ભ્રષ્ટાચારવિરોધી સરકાર બનાવીશ."

ટ્વિટર પર તેમની ટીકા કરતાં હાઇયાતે કહ્યું છે કે તેઓ એક કટ્ટરપંથી વ્યક્તિ છે, જે ઈરાનના સૈન્ય પરમાણુ કાર્યક્રમને ભારે ઝડપથી આગળ વધરાવા પ્રતિબદ્ધ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો