મોદી સરકાર પીએફ અને પેન્શન ખાતાને અલગ કરવાનું વિચારી રહી છે?Top News

કેન્દ્ર સરકાર પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન એમ બંને ખાતાં અલગ કરવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે.

ન્યૂઝ વેબસાઇટ 'મિન્ટ' અનુસાર સરકાર બંને ખાતાં અલગ કરી શકે છે, જેથી માસિક પેન્શન ચૂકવણીને વધુ સરળ અને સુરક્ષિત બનાવી શકાય.

નવા લૅબર કૉડ હેઠળ સામાજિક સુરક્ષાના હેતુસર આ પગલાં લેવામાં આવશે.

બંને ખાતાં અલગ કરી દેવાથી પીએફ ખાતાધારક જે પીએફ ઉપાડતી વખતે પેન્શનનાં નાણાં પણ ઉપાડી લેતા હતા તેવી સ્થિતિ નહીં સર્જાય.

અત્રે નોંધવું કે કર્મચારી તરફથી 12 ટકા અને કંપની તરફથી 12 ટકા એમ કૂલ મળીને 24 ટકા પીએફ રકમ જમા થતી હોય છે. પણ તેમાંથી 8.33 ટકા રકમ પેન્શન તરીકે જમા થતી હોય છે.

આથી પીએફ ઉપાડતી વખતે ખાતાધારક તમામ રકમ ઉપાડી લેતા હોવાથી પેન્શનની રકમ પણ ઉપાડી લે છે, જેથી ભવિષ્યમાં તે પેન્શનથી વંચિત રહી જાય છે.

વર્ષની શરૂઆતમાં પીએફ બોર્ડમાં આ મામલો ચર્ચાયો હતો. જેમાં ઈપીએફ અને ઈપીએસ ખાતાં અલગ કરવાની રજૂઆત આવી હતી.

પિતાના મૃત્યુ બાદ ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતાઓ ઘરે સાંત્વના પાઠવવા ન આવ્યા : હાર્દિક

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના પિતાના મૃત્યુ બાદ ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતાઓ તેમના ઘરે સાંત્વના પાઠવવા નહોતા આવ્યા.

તેમણે કહ્યું કે, "પાર્ટીના સિનિયર નેતાઓ અને ગુજરાતના અન્ય પક્ષોના નેતાઓ તરફથી આશ્વાસનના સંદેશ મળ્યા. પરંતુ ગુજરાત કૉંગ્રેસના કોઈ પણ મોટા નેતા મારા પિતાના મૃત્યુ બાદ મારા ઘરની મુલાકાતે આવ્યા નહોતા."

પટેલે આ વાતચીતમાં આગળ કહ્યું હતું કે, "મારે કોઈ પદ કે સત્તાની જરૂર નથી. હું માત્ર મારા લોકોની સેવા કરવા માગું છું."

નોંધનીય છે કે હાર્દિક પટેલ વર્ષ 2019માં કૉંગ્રેસ સાથે જોડાયા હતા અને જુલાઈ 2020માં તેમને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

જોકે, ગુજરાત કૉંગ્રેસના અન્ય નેતાઓએ હાર્દિક પટેલ સાથે પક્ષને કે પક્ષના નેતાઓને કોઈ ખટરાગ ન હોવાનો દાવો કર્યો હતો.

'ખેડૂતો પોતે હઠી જાય નહીં તો અમે એમને હઠાવી દઈશું'

નરેન્દ્ર મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે પંજાબ સમેત દેશના અનેક રાજ્યોનાં ખેડૂતો છ મહિનાથી વધારે સમયથી દિલ્હીની અલગ અલગ સરહદો પર આંદોલન કરી રહ્યાં છે ત્યારે એમને જગ્યા ખાલી કરવાની અને ત્યાંથી હઠી જવાની ચેતવણી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે.

દૈનિક હિંદુસ્તાનના એક સમાચાર મુજબ રવિવારે 36 ગામના લોકોની એક મહાપંચાયત મળી અને પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોને ચેતવણી આપવામાં આવી. કહેવામાં આવ્યું કે '10 દિવસમાં ખેડૂતો જગ્યા ખાલી કરી દે નહીંતર એ જગ્યા જબરદસ્તી ખાલી કરાવવામાં આવશે.'

મહાપંચાયત પછી ગામલોકોએ કહ્યું કે, જો આંદોલન કરી રહેલાં ખેડૂતો પોતે નહીં હઠે તો ગામલોકો એમને હઠાવશે.

આ મહાપંચાયત સિંઘુ બૉર્ડરથી દોઢ કિલોમીટર દૂર સિરસા ગામમાં થઈ હતી અને તેમાં દિલ્હીના દસ અને હરિયાણાના 26 ગામમાંથી આવેલા લોકોએ ભાગ લીધો હતો.

મહાપંચાયતના સભ્ય તાહરસિંહના હવાલાથી અખબાર લખે છે કે 26 નવેમ્બરથી ખેડૂતો બૉર્ડર પર બેઠેલાં છે અને તેના કારણ દિલ્હી સરહદના 36 ગામના લોકો બંધક બની ગયા છે. દુકાનો બંધ થઈ ગઈ છે અને આર્થિક સ્થિતિને અસર પહોંચી રહી છે. દિલ્હી જવા માટે આશરે 20 કિલોમીટર ફરીને જવું પડે છે.

દેશગુજરાત સહિત દેશમાં કોરોના કેસમાં વિક્રમજનક ઘટાડો

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 88 દિવસ બાદ પહેલી વખત કોરોનાના કેસોમાં વિક્રમી ઘટાડો નોંધાયો છે.

સરકારના કહેવા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,256 કેસો અને 1422 મોત નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિત કેસોનો આંક 3 કરોડને સ્પર્શી ગયો છે. જેમાંથી 2.88 કરોડ રિકવર થયા છે.

દેશમાં કુલ મોતની સંખ્યા 3.88 લાખ થઈ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો દૈનિક કેસોનો આંકડો છેલ્લા 88 દિવસનો સૌથી નીચો આંકડો છે. કેરળ સૌથી વધુ દૈનિક કેસો સાથે ટોપ પર છે.

નિષ્ણાતો અનુસાર રસીકરણને પગલે કેસોમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેર પ્રવર્તમાન છે પણ બીજી તરફ 650થી વધુ જિલ્લાઓમાં કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ વિક્રમી ઘટાડો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 185 કેસો નોંધાયા જ્યારે 2 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

ગત એપ્રિલ-2020 બાદ પ્રથમ વખત રાજ્યમાં દૈનિક કેસો 200થી ઓછા નોંધાયા છે.

હવે માત્ર સુરત અને અમદાવાદમાં જ 1 હજારથી વધુ એક્ટિવ કેસો છે.

સ્વાયત્ત વૈદિક સંસ્થાનો વાંધો છતાં સરકારે બાબા રામદેવના સ્કૂલ બોર્ડને માન્યતા આપી?

મહર્ષિ સંદીપાની રાષ્ટ્રીય વિદ્યા પ્રતિષ્ઠાન (MSRVVP) દેશમાં વેદ વિદ્યાના પ્રોત્સાહન અને રક્ષણ માટે કામ કરતી સ્વાયત્ત સંસ્થા છે. જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેની કાઉન્સિલના વડા હોય છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ વર્ષ 2019 પહેલા સમગ્ર દેશમાં વૈદિક શિક્ષા મામલે એક રાષ્ટ્રીય કક્ષાનું બોર્ડ બનાવવા રજૂઆત થઈ હતી. જેમાં બાબા રામદેવની પતંજલિ સંસ્થાએ ભારતીય શિક્ષણ બોર્ડની દરખાસ્ત કરી હતી.

જોકે મહર્ષિ સંદીપાની સંસ્થાએ આ મામલે વાંધો રજૂ કર્યો હતો પરંતુ તેમ છતાં મંત્રાલયે તેને મંજૂરી આપી હોવાનું બહાર આવ્યું છે.

અહેવાલમાં કહેવાયું છે કે આખી પ્રક્રિયા માત્ર બે મહિનામાં જ આટોપી લેવાઈ હતી કેમ કે પછી 2019ની લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાની હતી.

ઉજ્જેનસ્થિત મહર્ષિ સંદીપાની સંસ્થા પોતાનું બોર્ડ સ્થાપવા માગતી હતી પણ તેને ખાનગી સ્પોન્સર દ્વારા ભારતીય શિક્ષા બોર્ડ સ્થાપવા કહેવાયું હતું.

આ મામલે વાંધો દર્શાવવા મહર્ષિ સંદીપાની સંસ્થાના સચિવ વી. જદ્દીપાલે સરકારને એક પત્ર પણ લખ્યો હતો.

વલસાડમાં કથિત ગૌતસ્કરી કેસમાં એક ગૌરક્ષકનું મૃત્યુ

વલસાડના ડુંગરી નેશનલ હાઇવે પરથી ગૌતસ્કરી થઈ રહી હોવાની શંકાને પગલે કેટલાક ગૌરક્ષકો ત્યાં ધસી ગયા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર જેમાં કથિત ગૌતસ્કરી કરી રહેલા ટેમ્પો ચાલક દ્વારા એક ગૌરક્ષક સાથે ટક્કર થઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

વલસાડ પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે અને 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો