જમ્મુ-કાશ્મીર : નરેન્દ્ર મોદીએ મહબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લાને પણ આપ્યું છે આમંત્રણ, શું ફેરફારની આશંકા છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવી દિલ્હી ખાતેના આવાસ પર 24 જૂનના રોજ એક બેઠક માટે જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓને આમંત્રિત કરાયા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહસચિવે જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રીઓ ફારૂક અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી સહિત ઘણા નેતાઓ સાથે બેઠકને લઈને વાત કરી છે.

પીટીઆઈ પ્રમાણે, ફોન પર તેમને આ નિમંત્રણ મોકલાયાં છે અને અધિકારીઓએ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં એ વાતની પણ પુષ્ટિ કરી છે કે આ તમામ નેતાઓને મુલાકાત પહેલાં કોવિડ-19 નૅગેટિવ રિપોર્ટ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે.

કહેવાઈ રહ્યું છે કે ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીર સંબંધિત નિર્ણયમાં આ બેઠકમાં ચર્ચા કરાશે.

પાંચ ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દેવાયા બાદથી આ આ પ્રકારની પ્રથમ બેઠક હશે.

રિપોર્ટ્સ અનુસાર વડા પ્રધાનની આગેવાનીમાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ થશે.

મોદી સરકારનું નરમ વલણ?

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, જે 14 નેતાઓને વાતચીતનું નિમંત્રણ અપાયું છે. તેમાં પીડીપીનાં મહબૂબા મુફ્તી સિવાય, નૅશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા, પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન અને મુઝફ્ફર હુસૈન બેગ, સીપીએમના એમવાય તારિગામી, કૉંગ્રેસના જીએ મીર અને ગુલામ નબી આઝાદ અને જેકે અપની પાર્ટીના અલ્તાફ બુખારી સામેલ છે.

તેમજ, જમ્મુના નેતાઓને પણ આ બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ અપાયું છે, જેમાં નિર્મલ સિંહ, રવિંદ્ર રૈના, ભીમ સિંહ, કવિંદ્ર ગુપ્તા અને તારાચંદ સામેલ છે.

બીજી તરફ એવું મનાઈ રહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર હવે કાશ્મીરને લઈને નરમ વલણ અખત્યાર કરી રહી છે.

કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા બાદ ઘણા રાજનેતાઓની ધરપકડ કરાઈ હતી. જેમને બાદમાં ધીમે ધીમે છોડી મુકાયા હતા પરંતુ હજુ પણ કેટલાક નેતાઓ નજરબંધ છે.

પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, "પીડીપીના સરતાજ મદનને છ મહિના સુધી 'ખોટી રીતે' કેદ રાખ્યા બાદ આખરે તેમને મુક્ત કરી દેવાયા છે."

તેમણે લખ્યૂં, "હવે સમય પાકી ગયો છે કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરની અંદર અને બહાર જેલોમાં સબડી રહેલા રાજકીય કેદીઓ અને અન્ય કેદીઓને છોડી મૂકે. એક પ્રચંડ મહામારીને તેમને છોડી મૂકવા માટેનું પૂરતું કારણ માનવું જોઈતું હતું."

પાંચ ઑગસ્ટ, 3029ના રોજ અનુચ્છેદ 370 સમાપ્ત કર્યા બાદ પીડીપીના વરિષ્ઠ નેતા અને મહબૂબા મુફ્તીના કાકા સરતાજ મદનીને બે વખત નજરબંધ કરાયા હતા.

બેઠકમાં સામેલ થતાં પહેલાં બેઠક

એવું માનવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થનારી બેઠક પહેલા વિભિન્ન દળો પોતપોતાની બેઠક કરવાની સાથોસાથ પીપલ્સ એલાયન્સ ફૉર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી)ની બેઠકમાં પણ આ વાતને લઈને અંતિમ નિર્ણય લેશે.

કાશ્મીરનાં વિભિન્ન દળોનું ગઠબંધન ગુપકાર ડિક્લેરેશન જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને બહાલ કરવા માટે બનાવાયું હતું, જેના અધ્યક્ષ નૅશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગુપકાર ગઠબંધનની બેઠક આગામી ગુરુવારે થશે જ્યારે વિભિન્ન દળો અમુક દિવસોમાં આ મુદ્દે ચર્ચા કરશે.

પીડીપીના પ્રવક્તા સુહૈલ બુખારીએ કહ્યું છે કે પીએમની બેઠકમાં સામેલ થવાનો નિર્ણય પાર્ટીની બેઠકમાં લેવામાં આવશે. પરંતુ હાલ માત્ર ફોન કૉલ આવ્યો છે અને આધિકારિક મંત્રણા જારી છે.

સીપીએમ નેતા એમવાય તારિગામીએ ઇન્ડિયન એક્સપ્રેસને એ વાતની પુષ્ટિ કરી છે કે તેમને કેન્દ્રીય ગૃહસચિવનો ફોન આવ્યો હતો અને '24 જૂનના રોજ ત્રણ વાગ્યે પીએમ સાથે બેઠક થશે.'

તારિગામીને કહેવામાં આવ્યું, "વડા પ્રધાન રાજકીય નેતૃત્વ સાથે જમ્મુ-કાશ્મીરના રાજકીય પરિદૃશ્ય પર ચર્ચા કરવા માગે છે."

કઈ વાતે થઈ શકે છે ચર્ચા?

ભારતની સાથોસાથ પાકિસ્તાની મીડિયામાં પણ જમ્મુ-કાશ્મીરને લઈને ઘણા સમયથી કાશ્મીરને લઈને અલગ-અલગ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.

ક્યારેક એવું કહેવાઈ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવશે તો ક્યારે એવું કહેવાઈ રહ્યું છે કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માગે છે. પરંતુ આ તમામ વાતો પર હાલ પૂર્ણવિરામ લાગતો દેખાઈ રહ્યો છે.

શ્રીનગરમાં બીબીસીના સહયોગી પત્રકાર માજિદ જહાંગીરનું કહેવું છે કે મોદી સરકાર રાજ્યના નેતાઓ સાથે આગળની રાજકીય પ્રક્રિયાને લઈને ચર્ચા કરી શકે છે.

તેમનું કહેવું છે કે આ એક પ્રકારે રાજ્યમાં રાજકીય ખામોશી તોડવાની કોશિશ છે અને આવું કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક સંદેશ પહોંચશે.

વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયા બાદ અત્યાર સુધી માત્ર જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણી થઈ છે અને હવે વડા પ્રધાનની આગેવાનીમાં થનારી બેઠકને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તરીકે જોવામાં આવી રહી છે જેથી સીટોના પરિસીમન સહિત ઘણા મુદ્દે ચર્ચા થઈ શકે.

પાકિસ્તાની મીડિયામાં અલગ જ ચર્ચા

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અખબાર લખે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની વાત ચર્ચા થઈ શકે છે.

અખબારમાં આગળ લખાયું છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર પરિષદના અધ્યક્ષને પત્ર લખીને 'વિવાદિત ક્ષેત્રના વિભાજન અને જનસંખ્યાકીય પરિવર્તન પર આવી રહેલા રિપોર્ટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.'

પાકિસ્તાનનું અનુમાન છે કે મોદી સરકાર કાશ્મીરમાં કોઈક એવો ફેરફાર કરી શકે છે જેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો તણાવ સર્જાઈ શકે છે.

વિદેશમંત્રી કુરેશીની માગ

તેમજ, પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું છે કે ભારત કાશ્મીરમાં 'ગેરકાયદેસર પગલું ભરી શકે છે.'

પાકિસ્તાની વિદેશમંત્રાલયે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને કડકાઈથી ભારતની 5 ઑગસ્ટની કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ સહિત આ મુદ્દો દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવો જોઈએ.

નિવેદનમાં આગળ કહેવાયું છે કે ભારતનું કોઈ પણ એવું પગલું જે ભારત પ્રશાસિત કાશ્મીરની જનસાંખ્યિકીય સંરચના બદલે, કાશ્મીરીઓની અલગ ઓળખને વધુ કમજોર કરે,, તેની સામે અમારો વિરોધ કરવાનો દૃઢ સંકલ્પ છે.

આ નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે ભારતમાં સંભવિત કદમને લઈને સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને જાણ કરાઈ છે.

નિવેદનમાં કહેવાયું છે કે, "કાશ્મીરમાં ડોમિસાઇલ નિયમ અને જમીનના કાયદાને બદલીને ભારતનો ઉદ્દેશ કાશ્મીરીઓને પોતાની જ જમીન પર લઘુમતિ બનાવવાનો છે."

વિદેશમંત્રીએ કહ્યું કે આ પ્રકારની ભારતીય કાર્યવાહી નવી જનસાંખ્યિકીય વાસ્તવિકતાને લઈને આવશે જે યુએન ચાર્ટર હેઠળ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

વિદેશમંત્રી કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માંગ કરી કે તેઓ ભારતને 'ગેરકાયદેસર કાર્યવાહીઓ' કરવાથી રોકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો