ગુજરાત : બે મહિનામાં બે વખત અપહરણ થયું, હવે પોલીસ આ બાળકને સાચવે છે

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"બે મહિનામાં બે વખત જેનું અપહરણ થયેલ, એવા મારા નાનકડા દીકરાને અમારા ઘરના લોકો કરતાં પોલીસ વધુ પ્રેમ કરે છે."

"એના માટે કપડાં લાવે છે અને દર બે કલાકે મારા દીકરાને કોઈને કોઈ પોલીસવાળા અમારી ઝૂંપડીએ મળવા આવે છે, બે વખત દીકરાને ગુમાવ્યા પછી હવે હું પણ દીકરાને મારાથી જરાય અળગો નથી રાખતી."

આ શબ્દો છે બે મહિનામાં બે વખત જેનું અપહરણ થયું એવા બે માસના બાળકનાં માતા મીના વાદીના.

મીના વાદીનાં લગ્ન બે વર્ષ પહેલાં કનુ વાદી સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અડાલજમાં થયાં હતાં.

કનુ અને મીના વાદી સમાજમાંથી છે, જેમનો સમાવેશ વિચરતી-વિમુક્ત જાતિમાં થાય છે. વાદી સમુદાયના લોકો પરંપરાગત રીતે સાપ પકડવાનું કામ કરતા અને ગામેગામ જઈને લોકોનું મનોરંજન કરી પેટિયું રળતા હતા.

કનુ કડિયાકામ કરતા હતા અને મીના એમનાં સાસુ-સસરા સાથે ભંગાર વીણવા જતાં હતાં અને આ રીતે એમનું ગુજરાન ચાલતું હતું.

કોરોનાને કારણે કનુને ખાસ કોઈ કામ મળતું ન હતું, એટલે મીના ભંગાર વીણવા જતાં હતાં અને એ વેચીને બે પૈસા કમાતાં હતાં.

આ અરસામાં મીના ગર્ભવતી થયાં અને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં તેમણે પુત્રને જન્મ આપ્યો.

હૉસ્પિટલમાંથી રજા મળતાં જ મીના ઘરે આવ્યાં.

બીજા દિવસે એમના ઘરે એક બાઈ આવી, તેમણે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં નર્સ હોવાની ઓળખ આપી.

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં રસી અપાવવાનું કહીને આ બાઈ મીનાને અને તેમના બાળકે રિક્ષામાં લઈ ગઈ.

'અભણ માતાને છેતરી પુત્રનું પ્રથમ વખત અપહરણ કરાયું'

મીનાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ ભોળપણમાં પુત્રને લઈને આ બાઈ સાથે રિક્ષામાં બેસી સિવિલ હૉસ્પિટલ ચાલ્યાં ગયાં.

મીના આગળ કહે છે, "અમે સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા, એટલે મને વિશ્વાસ બેઠો કે તેઓ એક નર્સ જ છે."

મીના આગળ કહે છે, "આ બાઈએ રિક્ષાનું ભાડું ચૂકવી મને કહ્યું કે તેઓ તપાસ કરીને દસ મિનિટમાં પાછાં આવે છે. પરત આવીને તેણે કહ્યું કે તારા પુત્રનો ફોટો પડાવીને રસી અપાવવી પડશે, તે મારા પુત્રને લઈ ગઈ."

તેઓ કહે છે, "મને કહ્યું કે હું બહાર જ રહું અને અંદર જઈશ તો કોરોનાનો ચેપ લાગવાનો ભય છે."

મીના આગળ જણાવે છે કે તેઓ એક કલાક સુધી બહાર બેઠાં રહ્યાં પણ એ બાઈ તેમના પુત્રને પાછી ન આવી.

મીનાએ આસપાસ પણ શોધ કરી પણ કોઈ ભાળ ન મળી.

મીના આગળ જણાવે છે, "તે બાઈ મારા પુત્રને લઈને નાસી ગઈ હતી. આ વાત વિચારીને હું ચોધાર આંસુએ રડી રહી હતી."

"મારું આક્રંદ જોઈ સિક્યૉરિટીવાળા ભાઈ આવ્યા અને તેમણે પૂછતાં મેં બધી વાત જણાવી. તેમણે પોલીસને બોલાવી અને પોલીસે ફરિયાદ નોંધી મારા બાળકને શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી."

'પડકારજનક હતો સમગ્ર મામલો'

આ મામલાની તપાસ ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB) કરી રહી હતી.

ગાંધીનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. પી. ઝાલા આ મામલાના તપાસાધિકારી હતા, તેઓ કહે છે કે "આ કેસ એટલા માટે ગૂંચવાયેલો હતો કારણ કે, મીના એમના પુત્રને લઈ જનાર બાઈનું નામ ખબર નહોતી."

"તેમને એ બાઈ વિશે કંઈ જ જાણ નહોતી, ઉપરાંત તેઓ અપહરણકર્તા બાઈનો ચહેરો પણ યોગ્ય રીતે વર્ણવી શકતાં ન હતાં. અમારી પાસે કોઈ કડી નહોતી."

પોલીસે આ કેસની તપાસ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની અંદર-બહારના બધા સીસીટીવી કૅમેરાના ફૂટેજ તપાસીને શરૂ કરી.

એક ફૂટેજમાં બાઈ પોલીસને દેખાઈ, તે બીજા રસ્તેથી સાડીમાં કંઈક છુપાવીને જતાં હોય તેવું લાગી રહ્યું હતું, પણ તેઓ ક્યાં ગયાં તે જોઈ શકાતું નહોતું.

પોલીસે પોતાની તર્કશક્તિથી અનુમાન કર્યું કે, અપહરણકર્તા બાઈ જે રસ્તે જવા માટે નીકળી હતી, ત્યાંથી નંદાસણ અને કલોલ તરફ શટલ રિક્ષાઓ ઊપડતી હતી.

એચ. પી. ઝાલા આગળ જણાવે છે, "આ અનુમાનને આધારે અમે 500 જેટલા રિક્ષાચાલકોની પૂછપરછ કરી. તે પૈકી એકે જણાવ્યું કે રાજપુર ગામ જતી એક રિક્ષામાં એક બાઈ નાનું બાળક લઈને બેઠાં હતાં."

રાજપુર ગામમાં તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે અપહરણના દિવસે એક મહિલા નાનું બાળક લઈને રિક્ષામાં બેઠી હતી, પણ મોઢું ઢાંકેલું હતું.

એક વૃદ્ધે જુબાની આપી કે આ મહિલાના હાથ પર છૂંદણાંનાં નિશાન હતાં અને એવું પણ જણાવ્યું કે તે રાજપુર હાઈવે પર ઊતરી ગયાં હતાં.

અપહરણકર્તાની ચાલાકી કામ ન લાગી

મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર બળદેવસિંહ વાઘેલા જણાવે છે કે "બાળકની ભાળ મેળવવા પોલીસે હાઈવે પરની હોટલો અને દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. જેનાથી ખબર પડી કે મહિલા નજીકના ગામમાં ગઈ હતી."

વધુ તપાસ બાદ જાણવા મળ્યું કે એક મહિલા નાના બાળક સાથે એક ખેતરમાં રહેતી હતી, પણ આધાર કાર્ડ અને કપડાં ત્યાં જ રહી ગયાં હતાં.

પોલીસે જ્યારે સરનામા આધારે આગળની તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે આ મહિલા પાસે ખરેખર એક નાનું બાળક હતું.

પોલીસે આ બાળકની તસવીર ખેંચીને મીનાને મોકલી આપી, ત્યારે તેમણે કહ્યું આ એમનું જ બાળક છે.

જોકે બાળકનાં માતા એ વાત પર અડગ રહ્યાં કે તેમની પાસે રહેલું બાળક તેમનું જ છે.

તેમણે પોલીસને જણાવ્યું કે તેમનાં બીજાં લગ્ન બાદ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં તેમના પુત્રનો જન્મ થયો હતો.

ખેતરમાં મળી આવેલા આધારકાર્ડ અંગે સ્પષ્ટતાં કરતાં કહ્યું કે તેમના પ્રથમ પતિ અન્ય સ્ત્રીને લઈને નાસી ગયા છે અને આધારકાર્ડ સહિતના તમામ પુરાવા તેમની પાસે જ છે.

આ મહિલાએ જણાવ્યું કે તેમને પ્રથમ પતિથી ત્રણ દીકરીઓ હતી, તેથી તેઓ આ મહિલાને છોડીને અન્ય સ્ત્રી સાથે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં રહેવા લાગ્યા હતા.

તપાસાધિકારી ઝાલા તપાસની પ્રક્રિયામાં આવેલ નવા વળાંક વિશે કહે છે કે, "અમે જેમને આરોપી માની રહ્યા હતા તેમણે જ તપાસનો આગળનો રસ્તો અમને બતાવ્યો. આ મહિલા દ્વારા અપાયેલી માહિતી અનુસાર અમે ટીમ વડગામ મોકલી અને મહિલાએ જણાવેલ સરનામે અમને એક બાળક સાથે દંપતી મળી આવ્યું. જિગ્નેશ અને અસ્મિતા ભારથી આ સરનામે એક બાળક સાથે રહેતાં હતાં."

પોલીસ અધિકારીઓએ જ્યારે દંપતીને આ બાળક વિશે પુછ્યું ત્યારે અસ્મિતાએ પોતાનું બાળક હોવાનો દાવો કર્યો હતો.

તપાસ કરતા જાણવા મળ્યું કે અસ્મિતાને ગાંધીનગર સિવિલમાં આઠમા મહિને મૃત બાળક જન્મ્યું હતું.

તેમની પાસેનું બાળક તેઓ સિવિલથી લઈ આવ્યાં હતાં.

આની ખરાઈ કરવા પોલીસે બાળકનો DNA ટેસ્ટ કરાવ્યો, જે બાદ પાકું થઈ ગયું કે આ બાળક અસ્મિતાનું નહીં પણ મીનાનું જ છે.

આવી રીતે ગાંધીનગરથી શરૂ થયેલી તપાસ છેક બનાસકાંઠાના વડગામ જઈને પૂરી થઈ અને મીનાને તેમનું બાળક પરત મળ્યું.

કેમ કર્યું અપહરણ?

આરોપી અસ્મિતા ભારથીને કોર્ટે જામીન પર મુક્ત કર્યાં છે. જોકે, તેમના પર કેસ ચાલુ છે.

બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, "તેમના પતિ જિગ્નેશ અને તેઓ રાજપુરથી ભાગીને વડગામ સાથે રહેવા આવી ગયાં હતાં."

જિજ્ઞેશને અગાઉનાં લગ્નથી ત્રણ પુત્રીઓ હતી, તેથી તેમને પુત્રની ઘેલછા હતી.

અસ્મિતા જણાવે છે કે "હું ગર્ભવતી થઈ પણ કમનસીબે મારું બાળક આઠમા મહિને મૃત જન્મ્યું હતું."

તેઓ કહે છે, "જો હું પુત્ર વગર ઘરે જઉં તો જિગ્નેશ મને ઘરમાંથી કાઢી મૂકે તેવી બીક હતી. એ દરમિયાન મને જાણવા મળ્યું કે એક અભણ સ્ત્રીને પુત્ર જન્મ્યો છે. તેથી મેં નર્સ બનીને તેમનો દીકરો ચોરી કરવાનું વિચાર્યું અને અંજામ પણ આપ્યો."

અસ્મિતા આગળ જણાવે છે કે, "આ દરમિયાન મને એ વાતની ખબર પડી કે જિગ્નેશનાં પ્રથમ પત્નીને પણ પુત્ર આવ્યો છે. તેથી મેં તેમના બીજા પતિના નજીકના ગામના ખેતરમાં મજૂરીએ રહીંને તેમનું આધાર કાર્ડ બાળકના નકામાં કપડાં સાથે મૂકી દીધું હતું અને હું ત્યાંથી ચાલી આવી. જેથી પોલીસ તપાસ કરતાં ત્યાં જઈ પહોંચે, તો એને પકડે."

આમ, મીના અને તેમના પુત્રનું પુન:મિલન થયું, પરંતુ આ માતા-પુત્રની મુશ્કેલીઓમાં હજુ એક અધ્યાય બાકી હતો.

થોડા જ સમયમાં બીજી વખત બાળકનું અપહરણ

મીના જણાવે છે કે "તેમને તેમનું બાળક સહીસલામત મળી ગયું. તેથી તેઓ ખૂબ ખુશ હતાં.

થોડા દિવસમાં જ તેઓ પોતાના બાળકને લઈને ફરીથી ભંગાર વીણવા નીકળી જતાં, આમ બાળક બે મહિનાનું થઈ ગયું."

ગરમી અને તાપથી બચાવવા માટે મીના તેમના બાળકને ઝાડ નીચે ઘોડિયું બાંધીને ત્યાં મૂકીને આસપાસ ભંગાર વીણવા જતાં હતાં.

ખોવાયેલો દીકરો પાછો મળવાનો આનંદ હજુ વિસરાયો નહોતો, ત્યાં તો એક દિવસ ફરીથી મીના પર દુખનો પહાડ તૂટી પડ્યો.

ભંગાર વીણીને પાછાં આવેલાં મીનાએ જોયું કે તેમનો પુત્ર ઘોડિયામાં નથી, તેમના દુખનો પાર ન રહ્યો. પુત્ર પાછો મળ્યાની બધો રાજીપો ગમગીનીમાં ફેરવાઈ ગયો.

દુખી મન અને રડમસ ચહેરા સાથે મીના અને તેમના પતિ ફરી એક વાર પોલીસને શરણે ગયાં અને દીકરો ફરીથી ચોરાઈ ગયો હોવાની વાત જણાવી.

'કેસ વધુ અટપટો બની ગયો'

એચ. પી. ઝાલા જણાવે છે કે જ્યારે મીના અને તેમના પતિએ ફરી પુત્રનું અપહરણ થયાની વાત કરી તો તેમની ટીમ મુંઝાઈ ગઈ.

ફરીથી પોલીસની ટીમ અગાઉનાં આરોપી જિગ્નેશ અને તેમનાં પત્ની અસ્મિતાને તપાસ માટે લઈ આવી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વખતે બાળકનું અપહરણ તેમણે નહોતું કર્યું.

ટીમ ફરી વખત આ ગરીબ દંપતિના બાળકની તલાશમાં જોતરાઈ ગઈ.

મીનાનું બાળક જે જગ્યાએથી ચોરાયું હતું તે અડાલજ પાસેનો હાઈવે હતો, જ્યાં નજીકમાં કોઈ સીસીટીવી કૅમેરા નહોતા.

પોલીસે આગળ તપાસ હાથ ધરતાં હાઇવેથી અમદાવાદ અને બીજા રસ્તા પરની હોટલો અને દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા.

જે પૈકી ત્રણ મોટર સાઇકલ પર બાળક હોય તેવું દેખાઈ રહ્યું હતું.

આ પૈકી બે બાઇકના માલિકોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે ફૂટેજમાં દેખાતાં બાળકો તેમનાં છે.

ઝાલા જણાવે છે કે, "એક બાઇક એવું પણ હતું, જે મોડાસા તરફ જઈ રહ્યું હતું. તેના ચાલકે સફેદ કપડાં પહેર્યાં હતાં."

"હવે અમારી ટીમને ખાતરી થઈ ગઈ કે આ બાઇકચાલકને શોધવાથી જ બાળકની ભાળ મળી શકશે. મુશ્કેલી એ વાતની હતી કે બાઇકનો નંબર અમદાવાદનો હતો, પણ નંબરપ્લૅટ સાથે ચેડાં થયેલાં હોવાથી RTOમાંથી માલિકનું સરનામું નહોતું મળી શક્યું."

પોલીસની મહેનત રંગ લાવી

ઝાલા જણાવે છે કે "આ શકમંદ બાઇકના માલિકની તલાશમાં પોલીસની ટીમે 200 જેટલા નંબર આગળ પાછળ મૅચ કરી જોયા. એક નંબર બન્યો, જે આ બાઇકની ચેડાં કરેલી નંબર પ્લૅટ સાથે મૅચ થતો હતો."

તેમણે આગળ કહ્યું કે, "આ શકમંદ બાઇકના માલિક અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બાઇક કોઈ મહિલાના નામે હતી. જેમનું સરનામું અમદાવાદના દાણીલીમડા વિસ્તારનું હતું. સરનામે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બાઇક ખરેખર આ મહિલાના પતિનું હતું, જેઓ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા."

પોલીસની ટીમે આ શકમંદ ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિક કામ હોવાનું બહાનું કરીને ફોન કર્યો. ત્યારે જાણવા મળ્યું કે તેઓ હાલ સિદ્ધપુર છે.

તેમને કામની લાલચ આપી બોલાવ્યો અને પોલીસની ટીમે તેમની ધરપકડ કરી લીધી.

પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ઇલેક્ટ્રિશિયને માવજી નામના રાજસ્થાનથી આવેલી એક કડિયાકામ કરતી વ્યક્તિ, જેમની પાસે કોઈ દસ્તાવેજ નહોતા, તેમને પોતાના નામ પર બાઇક લઈ આપ્યું હતું.

તપાસમાં પોલીસને જાણ થઈ કે તેઓ માવજી સાથે વર્ષોથી કામ કરતાં હતા એટલે તેમને મદદ કરી હતી.

કોરોનામાં કામ બંધ હોવાના કારણે માવજી તેમના વતન બાંસવાડા જતા રહ્યા હતા.

તેથી તેમણે સરનામું મેળવીને બાંસવાડા પહોંચ્યા અને રાજસ્થાન પોલીસની મદદ મેળવીને માવજીના ઘરની રેકી કરતાં માલૂમ પડ્યું કે ખરેખર માવજી જ આ બાળકને ચોરીને લઈ આવ્યા હતા.

વહેલી સવારે માવજીના ઘરે પોલીસે રેડ પાડી અને માવજી અને તેમનાં પત્નીને બાળક સાથે ધરપકડ કરી ગાંધીનગર લાવવામાં આવ્યાં.

આમ બે મહિનામાં બીજી વખત માથી વિખૂટો પડેલું નવજાત બાળક પોલીસની મદદથી ફરીથી ગરીબ માતાને મળી ગયું.

કદાચ પહેલી વખત એવું બન્યું હતું કે બે મહિનામાં બે વખત એક જ બાળકનું અપહરણ થયું હતું.

પોલીસને લાગ્યો બાળકનો મોહ

આ કેસના તપાસાધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા જણાવે છે કે, "બે મહિનામાં બે વખત આ બાળકનું અપહરણ થયું. અંતે પોલીસની મહામહેનતને પરિણામે તે તેમનાં માતાને પાછું પણ મળ્યું. આ સમગ્ર તપાસ દરમિયાન પોલીસકર્મીઓનાં મનમાં બાળક પ્રત્યે એક અનોખી આત્મીયતા પેદા થઈ ગઈ છે."

તેઓ જણાવે છે કે હવે જ્યારે પણ પોલીસની ટીમ પેટ્રોલિંગ માટે અડાલજ તરફ જાય છે ત્યારે આ બાળકનાં માતાપિતાની ઝૂંપડી બાજુ અચૂક જાય છે અને બાળકને કપડાં અને અન્ય જરૂરી સામગ્રી મળી રહે તે માટે મદદરૂપ થાય છે.

આ બાળકને કોઈ પોલીસ સુરક્ષા ન અપાઈ હોવા છતાં ગાંધીનગર LCB અને SOG સહિત તમામ પોલીસકર્મચારીઓ બાળકનાં અપહરણના કેસની તપાસમાં બબ્બે વખત જોડાયા હોવાના કારણે તેમનાં મનમાં બાળક માટે સ્નેહની લાગણી જન્મી છે.

જેથી તેઓ આ બાળકને રમાડવા દરરોજ જાય છે.

પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા બાળક પ્રત્યે પોલીસના સ્નેહનું ઉદાહરણ આપતાં કહે છે કે, "અહીંના પોલીસકર્મીઓએ નક્કી કર્યું છે કે આ બાળકની તમામ જવાબદારી અમારા પોલીસકરમીઓ ઉઠાવશે જેથી તેને સારો ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ મળી શકે."

પુત્રની ઘેલછા છે બાળકોના અપહરણનું મોટું કારણ

નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ દીપક વ્યાસ ગુજરાતમાં બાળકોના અપહરણના કિસ્સા અંગે વાત કરતાં કહે છે કે, "મેં ગુજરાતના તમામ જિલ્લામાં નોકરી કરી છે. મોટા ભાગે જેમને બાળક નથી થતાં એવા પરિવાર ગરીબ અથવા નીચલા મધ્યમ વર્ગના લોકોના પરિવારોનાં બાળકોનું અપહરણ કરતા હોય છે."

તેઓ કહે છે કે આવા મોટા ભાગના કિસ્સામાં પીડિત માતાપિતા ગરીબ હોઈ પોલીસ ફરિયાદ નોંધાવતાં નથી.

દીપક વ્યાસ જણાવે છે કે, "ગુજરાતમાં પુત્રની ઘેલછામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવાં અપહરણો વધુ થાય છે."

તેઓ એવું પણ કહે છે કે મોટા ભાગે આવાં અપહરણકર્તા પીડિત પરિવારના ઓળખીતા જ હોય છે.

આ સિવાય ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એમ. એસ. સંધિ પણ જણાવે છે કે મોટા ભાગના અપહરણકર્તા પરિચિતો પાસેથી માહિતી મેળવીને અપહરણને અંજામ આપતાં હોય છે.

કેટલાક કિસ્સા માં ગરીબ લોકો સામેથી પોતાનું બાળક સારા ઉછેર માટે કોઈને આપી દેતા હોય છે , પણ આવા કિસ્સા માં સમય જતા પૈસા ના વિવાદ ઉભા થાય છે .

જોકે, તેઓ એવું પણ કબૂલે છે કે દીકરાની ઘેલછામાં ઓછું ભણેલા અને નાનું મોટું કામ કરતા લોકો મજૂર વર્ગના બાળકોનાં અપહરણ કરે છે .

ગુજરાતમાં દર વર્ષે 3500 કરતાં વધુ બાળકો થાય છે ગુમ

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલાં અમુક વર્ષોથી મોટી સંખ્યામાં બાળકો ગુમ થઈ રહ્યાં હોવાનું બીબીસી ગુજરાતીની તપાસમાં માલૂમ પડ્યું છે.

જોકે, ગુમ થયેલાં બાળકો પાછાં મેળવી લાવવામાં પણ ગુજરાત પોલીસ પોતે સારું પ્રદર્શન કર્યું હોવાનો દાવો કરે છે.

ગુજરાત સરકારની CID ક્રાઇમબ્રાન્ચના રેકર્ડ મુજબ પાછલાં 13વર્ષમાં રાજ્યમાં કુલ 46,400 બાળકો ગુમ થયાં હતાં.

નોંધનીય છે કે ગુજરાત પોલીસવિભાગ દ્વારા ઑગસ્ટ 2020થી પાછલાં 13 વર્ષમાં ગુમ થયેલાં બાળકોને શોધવા માટે અભિયાન શરૂ કરાયું હતું.

ઑક્ટોબર, 2020થી આ અભિયાનમાં લોકક ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (SOG)ને પણ જોડી દેવાયા હતા.

આ અભિયાનની સફળતા અંગે વાત કરતાં ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયા જણાવે છે કે, "18 વર્ષથી ઓછી વયનાં ગુમ થયેલ બાળકોને શોધવા માટે ગુજરાત પોલીસના જુદા જુદા વિભાગોને સાંકળવામાં આવ્યા છે. જેથી ગુમ થયેલ બાળકો પૈકી મોટા ભાગનાં બાળકોને શોધવામાં પોલીસને સફળતા મળી છે."

તેઓ માહિતી આપતાં જણાવે છે કે, વર્ષ 2007થી 2020 સુધી ગુજરાતમાં 46,400 બાળકો ગુમ થયાં હતાં. જે પૈકી 43,783 બાળકો શોધી કઢાયાં છે.

આમ અપહરણ અને ગુમ થયેલ બાળકો પૈકી 2,617 બાળકો શોધવાનાં બાકી છે.

પોલીસવડા આશિષ ભાટીયા જણાવે છે કે આવનારા દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રાખીને વધુ ઝડપી બનાવવામાં આવશે. જેતી ગુમ થયેલાં બાળકો ઝડપથી શોધી શકાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો