You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PAN અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, નહીં કરો તો શું થશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આધાર કાર્ડ સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021થી લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દેવાઈ છે, સરકાર દ્વારા આ માટે ત્રણ મહિનાની મુદત વધારવામાં આવી છે.
CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ) અનુસાર 30 સપ્ટેમ્બર સુધીમાં જો આધાર સાથે PAN લિંક નહીં કરો તો પાનકાર્ડ રદબાતલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે.
આધાર અને PAN લિંક કરવું ફરજિયાત કેમ થયું?
કેન્દ્ર સરકારે લોકસભામાં ફાઇનાન્સ બિલ 2021 પસાર કર્યું છે, જેમાં કલમ 234-એચ સામેલ કરવામાં આવી છે.
આ કલમ અંતર્ગત આધાર સાથે PANને લિંક કરવું ફરજિયાત છે. જો કોઈ લિંક ન કરે. દંડાત્મક પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
આધાર સાથે PAN લિંક છે કે નહીં, કઈ રીતે જાણશો?
તમે ઇન્કમટૅક્સ વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને અથવા SMS દ્વારા જાણી શકો છો કે તમારા આધાર સાથે PAN લિંક થયા છે કે કેમ.
જ્યારે તમે ઇન્કમટૅક્સની વેબસાઇટ www.incometaxindia.gov.in પર જશો ત્યારે ક્વીક લિંક સેક્શનમાં લિંક આધાર ઑપ્શન હશે. જો તમે ઑપ્શન પર ક્લિક કરશો તો એક નવી વિન્ડો ખૂલશે.
ત્યાં લખ્યું હશે કે "આધાર સાથે પાન લિન્કિંગનું સ્ટેટસ ચેક કરવા અહીં ક્લિક કરો." ક્લિક કરવાની સાથે તમને તમારા પાન અને આધારનું સ્ટેટસ દેખાશે.
જો આધાર અને પાન લિંક થયા ન હોય તો આધાર સાથે પાન લિંક કરવા માટે ફોર્મ ભરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
SMS દ્વારા કઈ રીતે ચેક કરશો?
SMS દ્વારા ચેક કરવા 12 અંકનો આધાર નંબર અને પાન પોતાના રજિસ્ટર્ડ મોબાઇલથી 56767 અથવા 56161 પર મોકલો.
થોડી વારમાં માહિતી મળી જશે કે તમારા આધાર સાથે પાન લિંક છે કે નહીં.
આધાર સાથે પાન કઈ રીતે લિંક કરવું?
યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે, નીચેની પ્રક્રિયા દ્વારા તમે પાનકાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો:
- આવકવેરા ઈ-ફાઇલિંગ પૉર્ટલ ખોલો - https://incometaxindiaefiling.gov.in/
- જો પહેલાં નોંધણી ન થઈ હોય તો તેના પર નોંધણી કરો.
- આઈડી, પાસવર્ડ અને જન્મતારીખ દાખલ કરીને લોગ-ઇન કરો.
- એક પૉપ-અપ વિન્ડો દેખાશે, જેમાં તમને પાનને આધાર સાથે લિંક કરવા જણાવશે.
- જો આવું ન થાય તો મેનુ બારમાં જઈને 'પ્રોફાઇલ સેટિંગ્સ' પર ક્લિક કરો અને ત્યારબાદ 'લિંક આધાર' પર ક્લિક કરો.
- PANની વિગતોમાં તમારી જન્મતારીખ અને લિંગ જેવી વિગતોનો પહેલાંથી જ ઉલ્લેખ હશે.
- આધારકાર્ડ પર જે માહિતી છે, તેને સ્ક્રીન પર દેખાતી વિગતો સાથે સરખાવો.
- જો કોઈ ક્ષતિ હોય તો તમારે બેમાંથી કોઈ એક દસ્તાવેજમાં માહિતી સુધારવાની જરૂર છે.
- જો બધી માહિતી બરાબર હોય તો તમારો આધાર નંબર લખો અને 'લિંક નાઉ'ના બટન પર ક્લિક કરો.
- એક પૉપ-અપ સંદેશ તમને જાણાવશે કે આધાર અને પાન લિંક થઈ ગયા છે.
આધાર અને PAN લિંક કરવાના અન્ય વિકલ્પ
PAN અને આધારને લિંક કરવા https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો.
- પાનની વિગતોમાં જન્મતારીખ અને લિંગ જેવી વિગતોનો પહેલાંથી ઉલ્લેખ હશે.
- તમારા આધાર પર જે માહિતી છે, તેને સ્ક્રીન પર દેખાતી વિગતો સાથે સરખાવો. જો કોઈ ક્ષતિ હોય તો તમારે બેમાંથી કોઈ એક દસ્તાવેજમાં માહિતી સુધારવાની જરૂર છે.
- જો બધી માહિતીઓ સમાન હોય તો તમારો આધાર નંબર લખો અને 'લિંક નાઉ'ના બટન પર ક્લિક કરવું.
આધાર અને PAN લિંક ન કરીએ તો શું થશે?
જો આધાર સાથે PAN લિંક નહીં કરો તો નાણાકીય લેવડ-દેવડમાં મુશ્કેલી થઈ શકે છે.
- ટૅક્સ પૅમેન્ટ, ટીડીએસ/ટીસીએસ ક્રૅડિટ, ઇન્કમટૅક્સ રિટર્ન, સહિતના બીજા વ્યવહારોને અસર થઈ શકે છે.
- બૅન્કમાં ખાતું ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડ અથવા શૅરબજારમાં રોકાણ કરવું હોય તો PAN અને KYC અનિવાર્ય છે.
- જો આધાર સાથે PANને લિંક નહીં કર્યું હોય તો બૅન્ક બમણો ચાર્જ કરી શકે છે.
- SIPમાં રોકાણ કરતી વ્યક્તિને પણ મુશ્કેલી થઈ શકે છે. તેઓ એક પણ યુનિટ રિડીમ નહીં કરી શકે અથવા ખરીદી નહીં શકે.
- જો SIPમાં રોકાણ 50,000 રૂપિયાથી વધુ હોય તો બૅન્ક 10,000 રૂપિયા સુધી દંડ કરી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો