કોવૅક્સિન કોરોના રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ થયો છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 1857ની સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ગાયની ચરબીએ હિંદુઓની તથા ડુક્કરની ચરબીએ મુસ્લિમોની ધાર્મિક લાગણીને દુભાવી હતી અને તેણે આ વિપ્લવમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવી હતી.

આ વાતને 160 કરતાં વધુ વર્ષ થઈ ગયાં છે છતાં ગાય અને ગૌમાંસ આજે પણ રાજકીય પરિદૃશ્યમાં એટલાં જ સુસંગત છે અને તેના મુદ્દે રાજકારણ થતું રહે છે.

કૉંગ્રેસના નેતાએ આરટીઆઈના જવાબને ટાંકતાં ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે કોવૅક્સિન તૈયાર કરતી વેળાએ તેમાં 20 દિવસ કરતાં ઓછી ઉંમરનાં વાછરડાંના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પછી કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય અને રસીનિર્માતા ભારતીય કંપની ભારત બાયટૅકે ખુલાસા કરવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં કોવૅક્સિન ઉપરાંત ઑક્સફૉર્ડ ઍસ્ટ્રાઝેનકા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ અને રશિયામાં બનેલી સ્પુતનિક રસી આપવામાં આવે છે. આ સિવાય પણ ફાઇઝર અને મૉડર્ના પણ ટૂંક સમયમાં અપાવા લાગશે.

રસી અને રક્તનું રાજકારણ

કૉંગ્રેસના નેતા ગૌરવ પાંધીએ આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના જવાબને ટાંકતા લખ્યું: "આરટીઆઈના જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું છે કે કોવૅક્સિનમાં નવજાત વાછરડાંના સીરમ છે.... 20 દિવસથી નાનાં વાછરડાંના લોહીના ગઠ્ઠાનો વપરાશ થયો છે, જેને વાછરડાની કતલ કરીને મેળવવામાં આવે છે. આ ધૃણાસ્પદ છે, મોદી સરકારે અગાઉ આ વિશે જાહેરાત કરવી જોઈતી હતી."

અમુક કલાકો બાદ તેમણે વધુ એક ડૉક્યુમૅન્ટનો સ્ક્રીનશોટ શૅર કર્યો, જેમાં ગાયના વાછરડાંનું સીરમ કેવી રીતે મેળવવામાં આવે છે, તે જણાવવામાં આવ્યું છે.

પાંધીનું મૂળ ટ્વીટ ગણતરીની કલાકોમાં સેંકડો વખત લાઇક અને રિટ્વીટ થયું હતું અને તેમની ટાઇમલાઇન પર આ મુદ્દે લોકોએ ચર્ચા કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

'કોવૅક્સિનમાં ગાયનાં વાછરડાંના લોહીનો વપરાશ થયો છે', એ મુદ્દો સોશિયલ મીડિયા ઉપરાંત મીડિયામાં પણ ચર્ચાવા લાગ્યો હતો, જેના કારણે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી.

ટ્વિટર પર મૂકેલી સ્પષ્ટતામાં મંત્રાલયે લખ્યું કે આ અહેવાલો અને પોસ્ટમાં તથ્યોને 'તોડવાં-મરોડવાં'માં આવ્યાં છે અને 'ખોટું પ્રસ્તુતીકરણ' કરવામાં આવી રહ્યું છે.

રસીમાં વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે?

મંત્રાલયે લખ્યું, "માત્ર વીરો (vero) કોષના વિકાસ માટે નવજાત વાછરડાંના સીરમનો વપરાશ કરવામાં આવે છે. વીરો કોષના વિકાસ માટે વિશ્વભરમાં અલગ-અલગ નવજાત પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને વિશ્વભરમાં આ એક મૂળભૂત રીતે વપરાતું ઘટક છે."

"માત્ર કોરોના જ નહીં હડકવા, પોલિયો અને ઇન્ફ્લુએન્ઝાની રસીઓ તૈયાર કરવામાં દાયકાઓથી તેનો ઉપયોગ થાય છે. વીરો કોષના વિકાસ બાદ પાણી અને કૅમિકલથી અનેક વખત તેની સફાઈ કરવામાં આવે છે, જેને ટેકનિકલ ભાષામાં બફર કહેવામાં આવે છે, જેથી નવજાત વાછરડાનું સીરમ દૂર થઈ જાય."

કોરોના વૅક્સિનમાં વાછરડાના સીરમનો ઉપયોગ થયો?

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, "ત્યારબાદ વીરો કોષમાં કોરોના વાઇરસને દાખલ કરાવવામાં આવે છે, જેથી કરીને તેનો વિકાસ થઈ શકે. વાઇરલના વિકાસ દરમિયાન વીરો કોષ સંપૂર્ણપણે નાશ પામે છે. આ પછી વિકસિત વાઇરસને પણ મારી નાખવામાં (નિષ્ક્રિય) આવે છે અને તેની સફાઈ કરવામાં આવે છે."

"અંતિમ વૅક્સિન તૈયાર કરવામાં નિષ્ક્રિય વાઇરસનો ઉપયોગ થયો છે અને ફાઇનલ વૅક્સિનમાં વાછરડાના સીરમનો વપરાશ નથી થયો. આમ અંતિમ વૅક્સિન (કોવૅક્સિન)માં નવજાત વાછરડાંનો વપરાશ નથી થયો અને અંતિમ ફાઇનલ વૅક્સિનમાં તેનો વપરાશ નથી થયો."

વૅક્સિન અંગે જાગૃતિનો અભાવ

ઉલ્લેખનીય છે કે ભારતમાં વૅક્સિન મુદ્દે જાગૃતિનો અભાવ છે, જેના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નાગરિકો વૅક્સિન લેવાનું ટાળી રહ્યા છે. માત્ર ગ્રામીણ જ નહીં, પરંતુ અર્ધશહેરી વિસ્તારોમાં પણ આ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા વૅક્સિન મુદ્દે ઇરાદાપૂર્વક ગેરમાહિતી ફેલાવનારા સામે કાયદેસર કાર્યવાહી કરવા રાજ્ય સરકારોને ભલામણ કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.એ ભારત બાયોટૅકને ટાંકતાં જણાવ્યું, "વાઇરલ વૅક્સિનમાં નવજાત વાછરડાના સીરમનો વપરાશ થાય છે. કોષના વિકાસ માટે તેનો વપરાશ થાય છે પરંતુ SARS CoV2ના વિકાસમાં કે ફાઇનલ પ્રોડક્ટમાં તેનો ઉપયોગ નથી થયો."

"કોવૅક્સિનમાં ખૂબ જ શુદ્ધ થયેલી છે અને તેમાં અશુદ્ધિઓ દૂર કરીને તેમાં માત્ર નિષ્ક્રિય કરાયેલા વાઇરસ જ હોય છે. વિશ્વભરમાં દાયકાઓથી પ્રાણીઓનાં નવજાતનું સીરમ વપરાય છે."

"નવજાત વાછરડાંના લોહીના વપરાશ વિશે ગત નવ માસ દરમિયાન પારદર્શક રીતે અનેક દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે અને હૅમસ્ટર (ઉંદર જેવું પ્રાણી) પર અસરકારકતામાં પણ આ વિશે જણાવવામાં આવ્યું છે."

આ પહેલાં ફાઇઝર, મૉડર્ના અને ઍસ્ટ્રાઝેનકાએ નિવેદનો બહાર પાડીને જણાવ્યું હતું કે તેમની વૅક્સિનોમાં ડુક્કરના માંસનો વપરાશ નથી થયો.

કોવૅક્સિન રસી કઈ રીતે કામ કરે છે?

કોવૅક્સિન એ ઇનઍક્ટિવેટેડ વૅક્સિન છે, મતલબ કે તે મૃત કોરોના વાઇરસની બનેલી છે, અને તે શરીરમાં પ્રવેશ કરાવવા માટે સલામત મનાય છે.

ભારત બાયૉટેક 24 વર્ષથી વૅક્સિન બનાવે છે તથા 123 દેશોમાં 16 અલગ-અલગ પ્રકારની રસીઓની નિકાસ કરે છે, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી દ્વારા આપવામાં આવેલા કોરોના વાઇરસના નમૂનાનો ઉપયોગ કર્યો હતો.

ભારતમાં ઉપલબ્ધ વૅક્સિનોમાંથી તે એકમાત્ર સ્વદેશી છે.

જ્યારે રસીનો ડોઝ આપવામા આવે છે, ત્યારે શરીરની રોપ્રતિકારકતા સાથે સંકળાયેલા કોષો તેને ઓળખી કાઢે છે અને મહામારી ફેલાવતા વાઇરસની સામે ઍન્ટિબોડી તૈયાર કરવા લાગે છે.

કોવૅક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવામાં આવે છે તથા આ રસીને બેથી આઠ ડિગ્રીની વચ્ચે સંગ્રહિત કરી શકાય છે.

ત્રણ તબક્કાના પ્રાથમિક ડેટા મુજબ તેની અસરકારકતા 81 ટકા જેટલી છે. જાન્યુઆરી મહિનામાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું હતું, ત્યારે જ તેના તાત્કાલિક વપરાશને મંજૂરી આપી દેવામાં આવી હતી.

આથી કેટલાક નિષ્ણાતોએ સંશય અને સવાલ ઉઠાવ્યા હતા.

ભારત બાયૉટેકનું કહેવું છે કે તેની પાસે બે કરોડ ડોઝનો સ્ટોક છે તથા બે શહેરમાં આવેલાં ચાર ઉત્પાદન-એકમોમાંથી વર્ષાંત સુધીમાં 70 કરડો ડોઝ તૈયાર કરી શકે છે.

તેણે રસી બનાવતી સરકારી કંપનીઓને ફૉર્મ્યુલા આપવાની તૈયારી દાખવી છે અને આ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો