You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આપ અને દેશમાં અરવિંદ કેજરીવાલની વધતી સક્રિયતા મોદીનું 'કૉંગ્રેસમુક્ત ભારત' છે?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીનો પક્ષમાં સમાવેશ કરવાની જાહેરાત કરી.
આ પ્રસંગે યોજાયેલી પત્રકારપરિષદમાં કેજરીવાલે આમ આદમી પાર્ટી લોકોના વિકાસ માટે કામ કરી રહી હોવાનો દાવો કરીને ગુજરાત અને દિલ્હીનું વિકાસ મૉડલ અલગઅલગ હોવાની વાત કરી.
ગુજરાતમાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન હોવાની વાત કરતાં કેજરીવાલે રાજ્યનું રાજકારણ બદલવું છે કે નહીં એનો કોલ લેવા ગુજરાતીઓને જણાવ્યું. આ સાથે જ કેજરીવાલે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તમામ બેઠકો પર લડવાની પણ જાહેરાત કરી.
આ પહેલાં આમ આદમી પાર્ટીએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
એક રીતે જોવામાં આવે તો આમ આદમી પાર્ટી ધીમેધીમે તેનો વ્યાપ વધારવાની કોશિશ કરી રહી છે અને તેને રાષ્ટ્રીયસ્તરે ફેલાવવા મથી રહી છે.
દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે અને ખેડૂતોનું ખુલ્લું સમર્થન પણ કર્યું છે.
આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં પણ ઘણી સક્રિય થઈ છે, કેટલાંક રાજ્યોનાં ટ્વિટર હેન્ડલ પણ શરૂ કર્યાં છે.
'આપ'ને ગુજરાત ફળશે?
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો, એ પછી ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીનાં પરિણામો બાદ અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરીમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.
એ વખતે સુરતમાં કેજરીવાલે કહ્યું હતું, "જ્યારથી પરિણામ આવ્યાં છે, ત્યારથી હું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનો સાંભળી રહ્યો છું. તેઓ હેબતાઈ ગયા છે અને થોડા ગભરાઈ ગયા છે."
"આજે ગુજરાતમાં નહીં પરતું સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે કે સુરતમાં શું થઈ ગયું. જો 27 લોકોએ સારું કામ કરશે તો ડિસેમ્બર 2022માં ગજબની ક્રાંતિ આવવાની છે."
ચૂંટણી બાદ આપ પોતાના સંગઠનને મજબૂત કરવા તરફ ધ્યાન આપી રહી છે. ઘણા લોકો પક્ષમાં જોડાઈ રહ્યા છે. ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો પણ આપમાં જોડાઈ રહ્યા છે.
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં બધાને એવી ધારણા હતી કે આપને સારી એવી બેઠકો મળશે, પરંતુ મહાનગરપાલિકામાં કૉંગ્રેસનો સફાયો થઈ જશે એવી કોઈને અપેક્ષા નહોતી.
જાણકારોનું માનવું છે કે આપની આ સક્રિયતા ગુજરાતમાં શાસક પક્ષ ભાજપને જેટલું નુકસાન કરશે એના કરતાં ક્યાંય વધુ નુકસાન કૉંગ્રેસને કરશે.
વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી માને કહે છે કે 'આપ'ની સક્રિયતા ભાજપ કરતાં કૉંગ્રેસને વધુ નુકસાન કરે તેવું લાગે છે.
"જે રીતે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, એની સક્રિયતા જોતાં હું એવું નથી માનતી કે આગામી સરકાર આમ આદમી પાર્ટીની બને. પણ એક મજબૂત વિરોધપક્ષ તરીકેની એની ભૂમિકા રહેશે જ એવું લાગે છે."
વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈનું માનવું છે કે કે સુરતમાં યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી જીતને કારણે આપના કાર્યકરો અને નેતાઓને લાગે છે કે હવે ગુજરાતમાં તેમનું ભવિષ્ય છે.
તેઓ કહે છે, "ગત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ અપેક્ષા કરતાં બહુ સારો રહ્યો હતો. પણ એ પછી એક સશક્ત વિરોધપક્ષ તરીકેનો રોલ અદા કરવામાં કૉંગ્રેસ નિષ્ફળ નીવડી છે."
"ગુજરાતમાં હાલ કૉંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. એનો અર્થ એવો પણ નથી કે ગુજરાતમાં કૉંગ્રેસ પાસે કોઈ સારા માણસો (નેતા) નથી. પરંતુ એક સશક્ત વિરોધપક્ષ સત્તામાં ત્યારે જ આવી શકે જ્યારે લોકોના પ્રશ્નો મામલે આંદોલન કર્યું હોય, લોકોનો વિશ્વાસ મેળવ્યો હોય."
"ગુજરાતમાં લોકોને ભાજપ પાસે જે અપેક્ષા હતી એ કોરોનાકાળમાં સદંતર નિષ્ફળ નીવડી છે. આટલાં વર્ષોથી ભાજપ સત્તામાં છે તેમ છતાં સમસ્યાઓ તો એમની એમ જ છે."
તેઓ કહે છે કે લોકોને એક નવો વિકલ્પ જોઈએ છે અને આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે એ વિકલ્પ બની શકે છે.
"આમ આદમી પાર્ટી યૂથને વધુ આકર્ષે છે અને તેમને પાર્ટીમાં વધુ સામેલ કરે છે. આમ આદમી પાર્ટી જે રીતે ઍગ્રિસિવ છે, એવી કૉંગ્રેસ પાર્ટી નથી. અત્યારના સંજોગોમાં જે ઍગ્રેસિવ પૉલિટિક્સ કરશે એને ફાયદો થશે."
"ગુજરાતમાં ચૂંટણીને હજુ બહુ વાર છે એટલે ઘણું બધું બદલાઈ શકે છે. હાલમાં બીજા નંબરે કૉંગ્રેસ તો છે જ, એટલે જો બીજામાંથી પહેલા નંબરે આવવું હોય તો દોઢેક વર્ષમાં ઍગ્રેસિવ પૉલિટિક્સ કરવું પડશે. લોકોના પ્રશ્નો લઈને સતત રસ્તા પર ઊતરવું પડશે."
દિલ્હીની બહાર આપનું અસ્તિત્વ કેટલું?
ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ જ છે પણ ગુજરાત બહાર આપની સ્થિતિ કેવી છે?
પત્રકાર અને રાજકીય વિશ્લેષક આશુતોષ કહે છે કે હવે મને નથી લાગતું કે દિલ્હી સિવાય કોઈ અન્ય જગ્યાએ પાર્ટી મોટી અસર કરી શકે કે પ્રદર્શન કરી શકે.
જોકે, સોશિયલ મીડિયા પર આ વાત સાવ અલગ દેખાય છે. પાર્ટીના અનેક રાજ્યોમાં સત્તાવાર ટ્વિટર હૅન્ડલ છે અને એ નિયમિત રીતે અપડેટ પણ થઈ રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આશુતોષ કહે છે, "રાષ્ટ્રીયસ્તરે તો કોઈ પણ પાર્ટી સક્રિય થઈ શકે છે, પણ રાષ્ટ્રીયસ્તરે એ તેનો ફેલાવો કરી શકશે કે કેમ એ મોટો સવાલ છે."
"મને લાગે છે કે આમ આદમી પાર્ટીની નીચે ઘણું પાણી વહી ગયું છે, તમે જોયું હશે કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં પાર્ટીએ ચૂંટણી લડી હતી, ત્યાં તેમને એક ટકા મત પણ મળ્યા નહોતા. આથી મને નથી લાગતું કે વધુ સારું પ્રદર્શન કરી શકશે."
તો આ દરમિયાન વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે કે અરવિંદ કેજરીવાલની કામ કરવાની શૈલી પણ ભેદી અને રહસ્યમય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રમેશ ઓઝા કહે છે, "આમ આદમી પાર્ટીનું વલણ જેટલું સ્પષ્ટ હોવું જોઈએ એટલું નથી. એ કેટલી સેક્યુલર છે, કેટલી રાષ્ટ્રવાદીના નામે હિન્દુત્વવાદી છે એ ભૂમિકા બહુ સ્પષ્ટ નથી. અને જાણીબુઝીને સંદિગ્ધ ભૂમિકા રાખે છે."
રમેશ ઓઝાના મતે, "જે રાષ્ટ્રીય પક્ષની જગ્યા છે એ કૉંગ્રેસ ગુમાવી રહી છે અને આમ આદમી પાર્ટી એ મેળવી શકે, પણ સેક્યુલર ડેમૉક્રેકિટ વેલ્યુ, સેક્યુલારિઝમ માટેની દૃઢ નિષ્ઠા આમ આદમી પાર્ટી વ્યક્ત કરતી નથી. એના કારણે શંકા જાય છે કે આ ભાજપ કે આરએસએસની 'બી-ટીમ' છે કે શું?"
AAP પાછળ ભાજપ-સંઘની ભૂમિકા?
અગાઉ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને 'અણ્ણા આંદોલન'માં ભાગ લેનારા પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે 'વર્ષ 2014માં ભાજપની સરકાર સત્તામાં આવતાં પહેલાં 2011માં દેશમાં જે ભ્રષ્ટાચારવિરોધી આંદોલન થયું હતું, તેને ભાજપ અને આરએસએસનું સમર્થન હતું.'
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે "આમ આદમી પાર્ટી બનતાં પહેલાં 'ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન'નું અભિયાન ચાલ્યું હતું, તેની પાછળ ભાજપ અને આરએસએસનાં પોતાનાં રાજકીય હિત હતાં."
જોકે તેઓએ કહ્યું હતું કે અણ્ણા હજારેને તેના અંગે ખ્યાલ નહોતો, પણ અરવિંદ કેજરીવાલને ચોક્કસ તેના અંગે ખબર હતી.
માનવામાં આવે છે કે અણ્ણા હજારેના નેતૃત્વમાં થયેલા આ આંદોલનથી મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની સ્થિતિ નબળી પડી હતી, બાદમાં વર્ષ 2014માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો હતો અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની હતી.
તો રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયામાં એ સમયે લખ્યું હતું કે જે અમને પહેલાં ખબર હતી તેની આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્યે પુષ્ટિ કરી દીધી છે.
તેઓએ લખ્યું હતું કે, "લોકતંત્રને ખતમ કરવા અને યુપીએ સરકારને પાડવા માટે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને આમ આદમી પાર્ટીને આરએસએસ અને ભાજપે ઊભી કરી હતી."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રદીપ ટમ્ટાએ પણ આમ આદમી પાર્ટી પર આવા આરોપ કર્યા છે.
દેહરાદૂનથી બીબીસી માટે રોહિત જોશી સાથે વાત કરતાં ટમ્ટાએ કહ્યું હતું, "આમ આદમી પાર્ટીનું ઉત્તરાખંડમાં સ્થાનિકસ્તરે ના કોઈ માળખું છે, ના કોઈ કૅડર. અસલમાં તેનું કોઈ અસ્તિત્વ નથી."
"તેને માત્ર ભારતીય જનતા પાર્ટીની 'બી-ટીમ'ની જેમ ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલાં એટલા માટે ઉતારાઈ છે કે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયેલી ભાજપ સરકારથી અસંતુષ્ટ લોકોને ગુમરાહ કરીને કૉંગ્રેસના મત કાપી શકે. પણ આ થઈ નહીં શકે."
જોકે, આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આ આરોપને ફગાવી દે છે.
બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઈટાલિયા કહે છે, "કોઈને કોઈની બી-ટીમ કહી દેવું ઘણું સરળ છે પણ પોતે શું કામ કર્યું છે એ ગણાવવું અઘરું છે."
"કૉંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ કહેવાના બદલે એમ કહેવું જોઈએ કે અમે રાજસ્થાનમાં આવું કામ કર્યું છે. ગુજરાતમાં કરશું. એવું કહેવા જેવું કંઈ છે નહીં પછી શું કરવું? બોલવું તો ખરું! તો કહી દેવાનું કે બી-ટીમ છે."
આપનું ભવિષ્ય
ઉત્તરાખંડમાં પણ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની તમામ 70 સીટ પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે.
ઉત્તરાખંડના રાજકારણ પર નજર રાખનારા જાણકારોનું માનવું છે કે આમ આદમી પાર્ટીના આવવાથી અહીંની રાજનીતિનાં સમીકરણ બદલાઈ શકે છે.
આપના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે ઉત્તરાખંડની મુલાકાત પણ લીધી હતી.
મનીષ સિસોદિયા અને પાર્ટી અન્ય નેતાઓનો દાવો છે કે પાર્ટી દિલ્હીની જેમ ઉત્તરાખંડમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી જેવા 'અસલી મુદ્દાઓ' પર ચૂંટણી લડશે.
ઉત્તરાખંડમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા ડૉક્ટર દેવેન્દર ભસીને પણ કૉંગ્રેસની જેમ કહ્યું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી.
તેઓ કહે છે, "આમ આદમી પાર્ટી દાવાઓ તો ઘણા કરે છે પણ તેમને 70 સીટ માટે 70 ઉમેદવાર મળી શકશે કે કેમ એ પણ સવાલ છે."
આમ આદમી પાર્ટીની વધતી જતી સક્રિયતા અને તેના રાજકારણ પર પ્રકાશ પાડતાં રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે લોકોને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પાસે અપેક્ષા છે.
તેઓ કહે છે, "માત્ર કેન્દ્ર સરકારની ટીકા કરવાથી કે 'કેન્દ્ર સરકાર કામ કરવા દેતી નથી' એવી વાતો કરીને શાસન ન ચલાવી શકાય. જોકે આ ભૂમિકા હવે કેજરીવાલને સમજાઈ ગઈ છે."
તેઓ કહે છે કે ભૂતકાળમાં કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને દિલ્હીમાં કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ કામ થતાં હતાં, એટલે એક સંવાદનું વાતાવરણ હોવું જોઈએ.
હરિ દેસાઈ વધુમાં કહે છે, "દિલ્હીમાં કેજરીવાલે શિક્ષણ અને આરોગ્યમાં ઘણાં સારાં કામો કર્યાં છે. ત્યારે આપણે ઇચ્છીએ કે નવી પેઢીને, નવા સંજોગોને અનુરૂપ રાજકારણ કરીને સારું શાસન આપે, એના માટે સજ્જ થાય."
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ભવિષ્ય અંગેના સવાલ પર રમેશ ઓઝા કહે છે કે "આમ આદમી પાર્ટીના ગુજરાતમાં ભવિષ્ય અંગે અત્યારે કશું જ કહેવું ઘણું અઘરું છે, કેમ કે આમ આદમી પાર્ટીએ તેનું ઘણું સારું યુનિટ હતું એ વીખેરી નાખ્યું છે. મહારાષ્ટ્ર, મુંબઈમાં પણ સારું હતું, એને વીખેરી નાખ્યું છે."
કૉંગ્રેસ ફરી બેઠી થઈ શકશે ખરી?
દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર નજર નાખવામાં આવે તો કૉંગ્રેસના નેતૃત્વ અંગે અનેક રાજકીય પક્ષો સવાલો કરી રહ્યા છે.
સ્થાનિકસ્તરે પણ કૉંગ્રેસનું નેતૃત્વ નબળું હોવાની વાતો મીડિયા થકી બહાર આવતી રહે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચૂંટણીની રેલીઓમાં 'કૉંગ્રેસમુક્ત ભારત'ની વાત કાયમ કરતાં રહે છે અને કૉંગ્રેસ પર પ્રહારો કરતા રહે છે.
કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ અને નેતૃત્વ અંગે વાત કરતાં હરિ દેસાઈ કહે છે "હું માનું છું કે કૉંગ્રેસ ફરીથી બેઠી થશે. કૉંગ્રેસ મે બી ડાઉન, બટ કૉંગ્રેસ ઈટ નૉટ આઉટ."
"લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 24 કરોડ વોટ મળ્યા હતા અને કૉંગ્રેસને 12 કરોડ વોટ મળ્યા હતા. કૉંગ્રેસ આજે નહીં તો કાલે નવી રીતે પોતાના માળખાને સરખું કરીને લોકોની વચ્ચે આવશે."
તો આશુતોષ પણ કૉંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે કહે છે, "કૉંગ્રેસની મોટી મુશ્કેલી એ છે કે એ હજુ નક્કી નથી કરી શકી કે પાર્ટીના નેતા કોણ હશે. જ્યાં સુધી પાર્ટીના નેતા નક્કી ન થાય ત્યાં સુધી પાર્ટી આગળ શું કરશે, એ કહેવું મુશ્કેલ છે."
તેઓ વધુમાં કહે છે, "હું એ નથી કહેતો કે પાર્ટી ખતમ થઈ જશે, પણ પાર્ટી જો નક્કી નહીં કરી શકે કે તેનું નેતૃત્વ કોણ કરશે તો આવનારા દિવસો પાર્ટી માટે મુશ્કેલ હોઈ શકે છે."
રમેશ ઓઝા કહે છે કે "કૉંગ્રેસ ઊભી થઈ શકશે કે કેમ, એ લોકોના મનમાં જે શંકા હતી એ હવે દૂર થઈ ગઈ છે. કૉંગ્રેસ માટે હવે ભવિષ્ય નથી એવું કહેવું અઘરું છે, પણ કોઈ પ્રકારની તૈયારી દેખાતી નથી."
આપ અને અરવિંદ કેજરીવાલનો ઉદય
ભારતીય મહેસૂલ સેવાના અધિકારી અને આઈઆઈટીમાં અભ્યાસ કરી ચૂકેલા કેજરીવાલે તેમનું રાજકીય સ્થાન 2011ના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં તૈયાર કર્યું હતું.
એ પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા હતા.
2006માં કેજરીવાલને 'ઊભરતા નેતૃત્વ' માટે રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે તેમને આગવી ઓળખ મળી હતી.
ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેએ એપ્રિલ-2011માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનલોકાયુક્ત-લોકપાલની માગણી સાથે દિલ્હીના જંતરમંતર પર ધરણાં શરૂ કર્યાં હતાં. મંચ પર આગળ અણ્ણા હતા અને પાછળ કેજરીવાલ.
માથા પર 'મેં અણ્ણા હું' ટોપી પહેરેલા લોકોનાં ટોળેટોળાં ઊમટવા લાગ્યાં હતાં. મીડિયાએ તેને 'અણ્ણાક્રાંતિ' એવું નામ પણ આપ્યું હતું.
કેજરીવાલ એ ક્રાંતિનો ચહેરો બની ગયા હતા. પત્રકારો તેમની પાસે ટોળે વળવા લાગ્યા હતા.
કેજરીવાલનું એ આંદોલન પૂરું થયું ત્યાં સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ રાજકારણમાં પ્રવેશી રહ્યા છે.
કેજરીવાલે તેમના પક્ષની વિધિવત્ રચનાની જાહેરાત 26 નવેમ્બર, 2012ના રોજ કરી હતી.
હાલમાં આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર છે. પંજાબ રાજ્યમાં 2017ની વિધાનસભામાં ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા.
2014માં આમ આદમી પાર્ટીના લોકસભાના પંજાબમાં ચાર સાંસદ હતા અને જ્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં પંજાબમાં એક સાંસદ ચૂંટાઈને આવ્યા હતા.
ક્ષેત્રીય પાર્ટીઓનું વધતું જતું કદ
દિલ્હીમાં સતત બીજી વાર આમ આદમી પાર્ટીની સરકાર બની છે અને અરવિંદ કેજરીવાલ ફરી મુખ્ય મંત્રી બન્યા છે.
દિલ્હીની ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર હતી, પણ મુખ્ય ટક્કર આપ અને ભાજપ વચ્ચે જ જોવા મળતી હતી.
તો છેલ્લા કેટલાક સમયથી યોજાતી ચૂંટણીઓનાં પરિણામ જોતાં ભારતીય રાજકારણમાં ક્ષેત્રીય પાર્ટીનું મહત્ત્વ પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
2019ની લોકસભાની ચૂંટણી બાદ થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીં ક્ષેત્રીય પાર્ટીઓએ રાષ્ટ્રીય પાર્ટીને કેટલેક અંશે મજબૂર કરી છે.
મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુની ચૂંટણી તેનાં ઉદાહરણ છે. દક્ષિણ ભારતમાં પણ સ્થાનિક પાર્ટીનું મજબૂત નેટવર્ક છે.
દેશમાં કૉંગ્રેસની સ્થિતિ
દેશમાં છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસ પક્કડ ગુમાવતી જતી હોય તેવો રાજકીય નિષ્ણાતોનો મત છે અને ચૂંટણીનાં પરિણામો પરથી પણ એ દર્શાઈ આવે છે.
દેશમાં વર્તમાન સમયમાં કૉંગ્રેસ પક્ષની સરકાર પર ઉપરછલ્લી નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી વધુ સમયથી કૉંગ્રેસ સત્તાથી દૂર છે અને અહીં ભાજપની સરકાર છે.
ગુજરાતમાં હાલના મુખ્ય મંત્રી વિજય રૂપાણી છે.
એવી જ રીતે દેશના મોટા રાજ્યની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં હાલમાં ભાજપની સરકાર છે. યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી છે.
મધ્ય પ્રદેશમાં અગાઉ કૉંગ્રેસની સરકાર હતી, પણ ત્યાં પણ ફરી ભાજપ સત્તામાં છે અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્ય મંત્રી છે.
રાજસ્થાનમાં હાલમાં કૉંગ્રેસની સરકાર છે અને અશોક ગેહલોત મુખ્ય મંત્રી છે, પણ અહીં સમયાંતરે 'સરકાર બદલાય' તેવાં સમીકરણો રચાતાં રહે છે.
તો પંજાબમાં હાલમાં કૉંગ્રેસની સરકાર છે અને કૅપ્ટન અમરિન્દર સિંહ મુખ્ય મંત્રી છે.
બિહારમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી, પણ અહીં ભાજપ-જેડીયુના ગઠબંધનની સરકાર છે અને નીતીશકુમાર મુખ્ય મંત્રી છે.
બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે આરજેડી ઊભરી આવ્યો હતો. તેનું કૉંગ્રેસ સાથે મહાગઠબંધન હતું, પણ કૉંગ્રેસ બહુ ઓછી સીટો મેળવી શકી હતી.
મહારાષ્ટ્રમાં અગાઉ ભાજપ સરકાર હતી અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી હતા, પણ ગત વિધાનસભા ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં અહીં શિવસેના-એનસીપી-કૉંગ્રેસના ગઠબંધનની સરકાર છે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી છે.
હરિયાણામાં ભાજપની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર મુખ્ય મંત્રી છે.
ઉત્તરાખંડમાં અગાઉ સતત કૉંગ્રેસ જીતતી આવતી હતી, પણ હાલમાં અહીં ભાજપની સરકાર છે અને તિરથ સિંહ રાવત મુખ્ય મંત્રી છે.
છત્તીસગઢ રાજ્યમાં હાલમાં કૉંગ્રેસની સરકાર છે અને ભૂપેશ બઘેલ તેના મુખ્ય મંત્રી છે.
તો કર્ણાટકમાં હાલમાં ભાજપની સરકાર છે અને તેના મુખ્ય મંત્રી બી.એ. યુદિયુરપ્પા છે.
(મૂળ લેખ 18 ઑક્ટોબર 2020ના રોજ છપાયો હતો, જેને તાજા માહિતી સાથે અપડેટ કરાયો છે)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો