બિહાર ચૂંટણી પરિણામ: તેજસ્વી યાદવે કૉંગ્રેસને 70 બેઠકો આપીને ભૂલ કરી?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહાર વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ની સાથે મહાગઠબંધન હેઠળ 70 સીટો પર લડનારી કૉંગ્રેસ મુશ્કેલીથી 20 સીટ પર જીતતી જોવા મળી રહી છે એટલે તેનો સ્ટ્રાઇકરેટ પોતાની આશાથી ઘણી નીચે છે.

જો બિહારના રાજકારણનાં હાલના દાયકાઓમાં કૉંગ્રેસના પ્રદર્શનને જોઈએ તો તે ખૂબ જ હેરાન કરનારી વાત નથી.

2015ની ચૂંટણીમાં કૉંગ્રેસે આરજેડી અને જનતા દળ યુનાઇટેડ(જેડીયુ)ની સાથે મહાગઠબંધન હેઠળ 41 સીટ પર ચૂંટણી લડી હતી અને 27 સીટ જીતી હતી. લાગી નથી રહ્યું કે આ વખતે પણ કૉંગ્રેસ ગત ચૂંટણી જેવું પ્રદર્શન ફરીથી કરશે.

2010માં કૉંગ્રેસે તમામ 243 સીટ પર ચૂંટણી લડી હતી પરંતુ તેને માત્ર ચાર સીટ મળી શકી હતી. એ જ રીતે 2005માં બિહારમાં બે વખત ચૂંટણી થઈ. એક વખત ફેબ્રુઆરીમાં અને પછી વિધાનસભા ભંગ થયા પછી ફરીથી ઑક્ટોબરમાં ચૂંટણી થઈ.

ફેબ્રુઆરીમાં કૉંગ્રેસે 84 સીટ પર ચૂંટણી લડી અને માત્ર 10 સીટ પર જીત મેળવી જ્યારે ઑક્ટોબરમાં 51 સીટ લડીને માત્ર 9 સીટ જીતી.

વર્ષ 2000ની ચૂંટણી સમયે બિહાર અવિભાજિત હતું અને હાલનું ઝારખંડ પણ તેનો ભાગ હતું, ત્યારે કૉંગ્રેસે 324 સીટ પર લડીને 23 સીટ જીતી હતી, જ્યારે આ પહેલાં 1955ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 320 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા અને 29 સીટ પર જીત મેળવી હતી. 1990માં કૉંગ્રેસે 323માંથી 71 સીટ પર જીત મેળવી હતી.

1985ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 323માંથી 196 સીટ જીતીને સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો, અહીં છેલ્લી તક હતી જ્યારે કૉંગેસે બિહારમાં બહુમત મેળવી, આ વાતને હવે 35 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને તેનો ગયેલો સમય પરત આવતો જોવા મળી રહ્યો નથી.

ત્યારથી લઈને હાલ સુધી કૉંગ્રેસ બિહારમાં પોતાનું અસ્તિત્વ શોધી રહી છે.

મહાગઠબંધન હેઠળ લડનારી કૉંગ્રેસે 243માંથી 70 સીટ પર ઉમેદવાર ઉતાર્યા.

શું તેજસ્વીએ મજબૂરીમાં આપી 70 બેઠકો?

વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુરના કહેવા પ્રમાણે કૉંગ્રેસના ખરાબ પ્રદર્શનનું સ્પષ્ટ કારણ છે ચૂંટણી પહેલાંની નબળી તૈયારી.

મણિકાંત ઠાકુર કહે છે, "તમામને દેખાઈ રહ્યું હતું કે કૉંગ્રેસની તૈયારી આખા રાજ્યમાં ક્યાંય ન હતી. સંગઠનના સ્તરે પાર્ટી બિલકુલ તૈયાર ન હતી. પાર્ટીની પાસે એવા ઉમેદવાર ન હતા જે મજબૂતાઈથી લડી શકે. મહાગઠબંધનમાં 70 સીટ લેનારી કૉંગ્રેસ, 40 ઉમેદવાર મેદાનમાં ઉતારતા હાંફવા લાગી હતી."

તે કહે છે, "કૉંગ્રેસને જે વીસ-એકવીસ સીટ મળતી જોવા મળે છે એ એટલા માટે કારણ કે લેફ્ટ અને આરજેડીના વોટ ટ્રાન્સફર થયા છે. એ તો સ્પષ્ટ છે કે કૉંગ્રેસે મહાગઠબંધનમાં આવવાથી ફાયદો થયો છે પરંતુ શું મહાગઠબંધનને આનાથી ફાયદો થયો છે, આવું પાક્કી રીતે નહીં કહી શકાય."

કૉંગ્રેસના ખરાબ પ્રદર્શન પછી આ સવાલ ઉઠી રહ્યા છે કે શું તેજસ્વીએ કૉંગ્રેસને ગઠબંધનની 70 સીટ આપીને ભૂલ કરી છે.

વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર કિશોર કહે છે, "કૉંગ્રેસના પ્રત્યે તેજસ્વીએ ઉદારતા દાખવી જેના કારણે પરિણામ સારું નથી દેખાઈ રહ્યું. તેજસ્વીને હવે લાગી રહ્યું હશે કે કૉંગ્રેસને 70 સીટ આપવી તેમના માટે ભૂલ હતી."

જ્યારે મણિકાંત ઠાકુરનું માનવું છે કે તેજસ્વીએ મજબૂરીમાં કૉંગ્રેસને 70 સીટ આપી.

તે કહે છે, "કૉંગ્રેસના નેતૃત્વએ તેજસ્વી યાદવ પર ગઠબંધનમાં 70 સીટ આપીને દબાણ ઊભું કર્યું હતું કે જો આવું નહીં થાય તો તેઓ ગઠબંધનમાંથી અલગ થવાની ચેતવણી પણ આપી હતી. જો કૉંગ્રેસ ગઠબંધનમાંથી અલગ હોત તો તે તેજસ્વી માટે ખરાબ સ્થિતિ બની શક્તી હતી. તેજસ્વીની પાસે ઘણા સારા વિકલ્પ હતા નહીં."

બિહારના પરિણામો અને કેન્દ્રની સત્તા

સુરેન્દ્ર કિશોર માને છે કે બિહારમાં કૉંગ્રેસના નબળા પ્રદર્શનનું એક કારણ કેન્દ્રીય નેતૃત્વનું નબળું પડવું પણ છે. કૉંગ્રેસ 2014 પછી કેન્દ્રમાં સત્તાની બહાર છે અને પાર્ટી પર કેન્દ્રની નેતૃત્વની પકડ નબળી પડી છે.

કિશોર કહે છે, "મંડલ આયોગ, ભાગલપુર તોફાનો અને મંદિર આંદોલનની વિપરિત અસર કૉંગ્રેસ પર પડી છે. કૉંગ્રેસે મંડલ આયોગનું સમર્થન નહોતું કર્યું જેના કારણે કૉંગ્રેસ બિહારમાં નબળી થઈ અને લાલુ મજબૂત થયા. જ્યારે મંદિર આંદોલન દરમિયાન કૉંગ્રેસે સ્પષ્ટ વલણ ન લીધું જેનું પરિણામ કૉંગ્રેસ ભોગવી રહી છે."

બિહારના ભાગલપુર જિલ્લામાં 1989માં સાંપ્રદાયિક તોફાનો અને 1990ના દાયકામાં ચાલેલાં રામ મંદિર આંદોલને બિહારના રાજકારણમાં પણ હિંદુત્વના એજન્ડાને અસરદાર બનાવ્યો અને આની અસર ચૂંટણી પર દેખાય છે.

કૉંગ્રેસ પોતાને એક ધર્મનિરપેક્ષ પાર્ટીની જેમ રજૂ કરે છે અને જ્યાં જ્યાં મતદારોની પાસે ધર્મનિરપેક્ષ પાર્ટીના વિકલ્પ છે ત્યાં ત્યાં કૉંગ્રેસ નબળી થતી જોવા મળી રહી છે.

સુરેન્દ્ર કિશોર કહે છે, "બિહારમાં લાલુ યાદવે મુસ્લિમ મતદારોને એક વિકલ્પ આપ્યો અને કૉંગ્રેસ નાની થતી ગઈ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો