ડોનાલ્ડ ટ્રમ્પની એ ભૂલો જેના લીધે તેમણે વ્હાઇટ હાઉસ ગુમાવ્યું

    • લેેખક, નિક બ્રાયન્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા, ન્યૂયૉર્કથી

2016ની ચૂંટણી એક ઐતિહાસિક અકસ્માત હતો, અમેરિકા માટે અસામાન્ય બાબત હતી એવી ગેરમાન્યતાને 2020ની ચૂંટણીમાં કાયમ માટે દફનાવી દેવાની જરૂર છે.

ડોનાલ્ડ ટ્રમ્પને સાત કરોડથી વધારે મત મળ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં તે બીજા ક્રમે સૌથી મોટી સંખ્યા છે.

રાષ્ટ્રીય સ્તરે તેમનો વોટ શૅર 47 ટકા કરતા વધુ છે અને તેઓ 24 રાજ્યોમાં જીત્યા હોય તેમ જણાય છે, જેમાં તેમના મનપસંદ ફ્લૉરિડા અને ટૅક્સાસ પણ સામેલ છે.

આ વિશાળ દેશ પર તેઓ અસામાન્ય પ્રભાવ ધરાવે છે, તેમના હજારો સમર્થકોમાં એક પ્રકારનું જોડાણ છે જેઓ ટ્રમ્પ માટે એક કલ્ટ કે પંથની જેમ આદરભાવ ધરાવે છે.

વ્હાઈટ હાઉસમાં ચાર વર્ષ શાસન કર્યા બાદ તેમના સમર્થકોએ તેમની પ્રૅસિડેન્સીનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો અને તેમની પ્રૅસિડેન્સીના નિયમો અને શરતો પર ભારે ઉત્સાહિત થઈને પસંદગીની મહોર મારી હતી.

2020માં તેમની રાજકીય નબળાઈઓનું વિશ્લેષણ કરીએ ત્યારે તેમની રાજકીય શક્તિઓને પણ સ્વીકારવી પડે. જોકે, તેઓ હારી ગયા છે અને આધુનિક યુગમાં એવા માત્ર ચાર રાષ્ટ્રપતિઓ પૈકી એક બન્યા છે જેઓ બીજી ટર્મ માટે ચૂંટાઈ શક્યા નહોતા.

આ ઉપરાંત તેઓ એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેઓ સળંગ ચૂંટણીઓમાં પૉપ્યુલર વોટમાં હારી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા તેનું આંશિક કારણ એ હતું કે તેઓ પ્રચલિત રૂઢીથી અલગ પ્રકારના અને રાજનીતિ બહારની વ્યક્તિ હતા.

કોનો મોહભંગ થયો?

અગાઉ જે વાત બોલી શકાતી નહોતી તે વાતો તેઓ બોલતા હતા. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની ચૂંટણી હારી ગયા તેનું કારણ પણ આંશિક રીતે એ જ છે કે અગાઉ જે વાત બોલી શકાતી ન હતી તે વાતો તેઓ બોલતા હતા.

ટ્રમ્પે ફિફ્થ ઍવન્યૂ (ન્યૂયૉર્કના મુખ્ય માર્ગ) પર જાહેરમાં કોઈને ગોળી મારી હોત તો પણ તેમનો જે ટેકેદાર વર્ગ છે તેમાંથી મોટા ભાગના લોકોએ તેમને જ મત આપ્યા હોત. ચાર વર્ષ અગાઉ તેમણે આવી ડંફાશ હાંકી હતી.

બીજા કેટલાક મતદારો, જેમણે ચાર વર્ષ અગાઉ ટ્રમ્પને ટેકો આપ્યો હતો તેમણે ટ્રમ્પના આક્રમક વર્તનના કારણે આ વખતે મત નથી આપ્યા.

પરા વિસ્તારોમાં આ વાત ખાસ સાચી ઠરે છે. જો બાઈડને હિલેરી ક્લિન્ટન કરતાં 373 સબર્બન કાઉન્ટીમાં સારો દેખાવ કર્યો છે જેથી તેઓ 'રસ્ટ બેલ્ટ' તરીકે ઓળખાતાં રાજ્યો પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કૉન્સિનમાં આગેકૂચ કરવામાં સફળ થયા હતા અને જ્યૉર્જિયા અને ઍરિઝોનામાં પણ તેમને ફાયદો થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પને સબર્બનાં મહિલા મતદારો સામે ચોક્કસ પ્રકારનો વાંધો છે.

આપણે 2018ની મધ્યસત્ર ચૂંટણીમાં જે જોયું હતું તેવું જ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જોયું છે. વધુ સંખ્યામાં ઉચ્ચ શિક્ષિત રિપબ્લિકનો, જેમાંથી કેટલાકે ચાર વર્ષ અગાઉ ટ્રમ્પને મત આપ્યો હતો, તેઓ તેમને વધુ એક તક આપવા તૈયાર હતા. એક રાષ્ટ્રપતિ તરીકે અણછાજતી કામગીરી છતાં ટ્રમ્પને તક મળે તેમ હતી.

તેઓ સમજતા હતા કે ટ્રમ્પ અસામાન્ય પ્રકારની વ્યક્તિ છે, છતાં ટ્રમ્પ જે રીતે બધા રિવાજોને તોડતા હતા અને જે પ્રકારનું વર્તન કરતા હતા તે ઘણાને અસહ્ય લાગ્યુ હતું.

લોકો કંટાળી ગયા હતા?

ટ્રમ્પની આક્રમકતાના કારણે તેઓ નિરુત્સાહી થયા હતા.

તેમણે જે રીતે વંશીય તણાવ ભડકાવ્યો, વંશીય ભાષામાં ટ્વીટ કરીને તેમણે જે રીતે અશ્વેત લોકોને ઉતારી પાડ્યા, વ્હાઇટ સુપ્રીમસીની પૂરતા પ્રમાણમાં ટીકા કરવામાં તેમની નિષ્ફળતા, અમેરિકાના પરંપરાગત મિત્રદેશોની ટીકા કરવી, તથા વ્લાદીમીર પુતિન જેવા આપખુદ શાસકને તેમણે જે રીતે બિરદાવવા.

તેમણે પોતાને 'અત્યંત સંતુલિત જિનયસ' ગણાવીને જે પ્રકારની ડંફાશ મારી એ બધું પણ કારણભૂત છે.

તેમણે ષડ્યંત્રની થિયરીનો પ્રચાર કર્યો. તેમણે કોઈ અપરાધી ટોળકીના બૉસને છાજે તેવી બોલીનો ઉપયોગ કર્યો.

જેમ કે તેમણે ફેડરલ પ્રૉસિક્યુટર્સ સાથે ડીલ કરનાર પોતાના ભૂતપૂર્વ વકીલ માઇકલ કૉહેનને 'ઉંદર' કહ્યા હતા.

આ ઉપરાંત તેમણે ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે વિવેચકો જેને ધીમેધીમે વધતું જતું આપખુદવલણ ગણાવતા હતા તે પણ જોવા મળ્યું.

આ ચૂંટણીપ્રચાર વખતે મારા માટે સૌથી મહત્ત્વની ઘડી ત્યારે આવી જ્યારે પિટ્સબર્ગમાં હું ચક હૉવેન્સેટન સાથે તેમના ઘરમાં વાતો કરતો હતો.

તેઓ 2016માં ટ્રમ્પના ટેકેદાર હતા અને આ વખતે બાઇડનને મત આપ્યો હતો.

તેમણે મને કહ્યું, "લોકો કંટાળી ગયા છે. તેઓ આ દેશમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવા માગે છે. તેઓ સભ્ય વર્તન ઇચ્છે છે."

"તેઓ આ નફરત બંધ થાય તેમ ઇચ્છે છે. તેઓ આ દેશને સંગઠીત જોવા માગે છે અને આ બધાં કારણોથી જો બાઇડન રાષ્ટ્રપતિપદે આવવાના છે."

ટ્રમ્પ ક્યાં ચૂક્યા?

ટ્રમ્પ માટે એક રાજકીય સમસ્યા એ હતી કે તેઓ પોતાના ચુસ્ત ટેકેદારો સિવાયના વર્ગમાં પોતાના સમર્થકો પેદા કરી શક્યા નહીં. તેમણે આ માટે સખત પ્રયાસ પણ નહોતો કર્યો.

2016માં તેઓ 30 રાજ્યમાં જીત્યા હતા અને મોટા ભાગે એવું શાસન કર્યું જાણે તેઓ માત્ર 'કન્ઝર્વેટિવ રેડ અમેરિકા' (રિપબ્લિકન રાજ્યો)ના રાષ્ટ્રપતિ હોય.

છેલ્લાં 100 વર્ષમાં તેઓ સૌથી વધારે વિભાજનવાદી રાષ્ટ્રપતિ રહ્યા છે.

જે રાજ્યોએ હિલેરી ક્લિન્ટનને મત આપ્યા હતા તેવા 'બ્લૂ અમેરિકા' (ડેમૉક્રેટ રાજ્યો)ને આકર્ષવા માટે તેમણે ભાગ્યે જ કોઈ પ્રયાસ કર્યો હતો.

ટ્રમ્પના થકવી નાખનારાં ચાર વર્ષ બાદ ઘણા મતદારો માત્ર એવા રાષ્ટ્રપતિ ઇચ્છતા હતા જે વ્હાઇટ હાઉસમાં રહેતી એવી વ્યક્તિ હોય જે થોડું વધારે પરંપરાગત રીતે વર્તન કરતી હોય.

બાળક જેવું વર્તન કરીને બેફામ અપશબ્દો કહેવા, ગંદી ભાષાનો ઉપયોગ કરવો, સતત ઝઘડો કરવા તૈયાર રહેવું, વગેરે ચીજોથી મતદારો ત્રાસી ગયા હતા. તેઓ એક પ્રકારની સામાન્ય સ્થિતિ ઇચ્છતા હતા.

પરંતુ 2020ની ચૂંટણી એ 2016ની ચૂંટણીનું પુનરાવર્તન નહોતું. આ વખતે તેઓ કોઈ બળવાખોર નહીં પર સત્તાધારી વ્યક્તિ હતી.

તેમનો એક રૅકૉર્ડ હતો, જેમાં કોરોના વાઇરસ સામે કેટલી ખરાબ કામગીરી કરવામાં આવી એ પણ સામેલ છે.

ચૂંટણીના દિવસ સુધીમાં આ રોગચાળાએ 2.30 લાખથી વધારે અમેરિકનોના જીવ લીધા હતા.

નકારાત્મક પૂર્વગ્રહના આ યુગમાં, જ્યાં વિરોધીઓને ઉતારી પાડવાનું જ રાજકારણ રમવામાં આવે છે, ત્યાં તેમનો મુકાબલો હિલેરી ક્લિન્ટન જેવી અપ્રિય વ્યક્તિ સામે નહોતો.

ટ્રમ્પ અને રાષ્ટ્રપતિપદ

જો બાઈડનને દુષ્ટ ચીતરવા મુશ્કેલ હતા. આ કારણથી જ ડેમૉક્રેટિક પાર્ટી તેમને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવા માટે આટલી ઉત્સુક હતી.

77 વર્ષના મધ્યમાર્ગી નેતા બાઇડને જે કામ કરવાનું હતું તે કરી બતાવ્યું. તેમનું કામ 'રસ્ટ બેલ્ટ' (અમેરિકાનાં એવાં રાજ્યો જ્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ઘટી છે)ના કામદાર વર્ગના મતદારોને આકર્ષવાનું હતું.

ટ્રમ્પ શા માટે રાષ્ટ્રપતિપદ હારી ગયા તે સવાલ એક રસપ્રદ અને દલીલને પાત્ર સવાલ પણ પેદા કરે છે - તેમણે રાષ્ટ્રપતિપદ ક્યારે ગુમાવ્યું?

શું તેમણે 2016માં પોતાની જીત પછી જ રાષ્ટ્રપતિપદ ગુમાવ્યું હતું જ્યારે અમેરિકાના રાજકીય તંત્ર સામે વિરોધ તરીકે ટ્રમ્પને મત આપનારા લોકોને પોતાના નિર્ણય અંગે શંકા થવા લાગી હતી?

તેમાંથી ઘણા મતદારો તે ટ્રમ્પના વિજયની અપેક્ષા પણ નહોતા રાખતા.

શું તેમની પ્રૅસિડેન્સીના 24 કલાકની અંદર જ આમ થયું હતું જ્યારે તેમણે પોતાનું પ્રથમ વક્તવ્ય 'અમેરિકન કાર્નેજ' આપ્યું હતું અને જેમાં દેશની ભયંકર હાલત ચીતરી હતી જ્યાં ફેકટરરીઓ બંધ હોય, કામદારો બહુ ખરાબ સ્થિતિમાં હોય અને મધ્યમ વર્ગનાં ઘરોમાંથી સંપત્તિ આંચકી લેવાઈ હોય?

એ બાદ તેમણે હાજર લોકોની સંખ્યા વિશે બડાશ હાંકી અને ટ્વિટરનો ઉપયોગ ચાલુ રાખવાનું એલાન કર્યું હતું.

તેમણે સત્તા સંભાળી તેના પ્રથમ દિવસની સાંજ સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે રાષ્ટ્રપતિપદ ડોનાલ્ડ ટ્રમ્પને બદલી નાખે તેના કરતા ટ્રમ્પ રાષ્ટ્રપતિપદને બદલવાનો વધુ પ્રયાસ કરશે.

કટોકટી અને અમેરિકાના રાષ્ટ્રપતિ

શું આ ધીમેધીમે વધ્યું હતું, જેમાં અનેક કૌભાંડો, અનેક અપશબ્દો અને આટલી બધી અવ્યવસ્થાની સામુહિક અસર પડી હોય?

કે પછી તે કોરોનાવાઇરસના કારણે હતું જે તેમના રાષ્ટ્રપતિપદ પર હાવી થઈ જનાર સૌથી મોટી કટોકટી હતી?

અમેરિકામાં કોરોના વાઇરસ આવ્યો તે પહેલાં ટ્રમ્પના મહત્વનાં રાજકીય લક્ષણો મજબૂત હતાં.

તેઓ ઇમ્પિચમેન્ટની કાર્યવાહીમાંથી બચી ગયા હતા. તેમનું ઍપ્રુવલ રેટિંગ 49 ટકાની ટોચ પર પહોંચી ગયું હતું.

તેઓ મજબૂત અર્થતંત્ર અને પોતાના શાસનના ફાયદા ગણાવી શકે તેમ હતા.

આ બે પરિબળોના આધારે જ સામાન્ય રીતે કોઈ રાષ્ટ્રપતિ બીજી ટર્મ માટે ચૂંટાતા હોય છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઘણી વખત એક સરળ સવાલ પેદા થતો હોય છે:

શું ચાર વર્ષ અગાઉની સરખામણીમાં દેશની હાલત અત્યારે વધુ સારી છે?

કોરોના વાઇરસ અને ત્યાર પછી આર્થિક સંકટના કારણે આ મામલે વાત કરવી જ અશક્ય હતી.

પરંતુ કોરોના વાઇરસના કારણે ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ ગુમાવવાના જ હતા એવું કહેવું ખોટું છે.

રાષ્ટ્રીય સંકટોમાંથી રાષ્ટ્રપતિઓ ઘણી વખત મજબૂત બનીને ઊભરી આવે છે. કટોકટીની સ્થિતિમાં જ ઘણી વખત મહાનતા બહાર આવે છે.

ફ્રૅન્કલિન રૂઝવૅલ્ટ માટે આ વાત ખરી હતી જેમણે અમેરિકાને મહામંદીમાંથી ઉગાર્યું અને પોતે રાજકીય દૃષ્ટિએ અજેય બની ગયા.

11 સપ્ટેમ્બરના હુમલા બાદ જ્યૉર્જ ડબલ્યુ બુશના પ્રારંભિક પ્રતિભાવે તેમની લોકપ્રિયતા પણ વધારી હતી અને તેઓ બીજી ટર્મ માટે ચૂંટાઈ શક્યા હતા.

તેથી કોવિડના કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું પતન જ થાય તે જરૂરી નહોતું પરંતુ તેમણે આ કટોકટીનો ખરાબ રીતે સામનો કર્યો તેના કારણે તેમની પડતી થઈ.

વાપસીની ઝંખના

આમ છતાં એ યાદ રાખવું જોઈએ કે અમેરિકામાં 100 વર્ષ કરતાં વધુ સમયમાં સૌથી ગંભીર આરોગ્ય કટોકટી હતી.

1930ના દાયકા પછી સૌથી મોટું આર્થિક સંકટ હતું અને 1960ના દાયકા પછી સૌથી ખરાબ વંશીય હિંસા થઈ હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લે સુધી રાજકીય રીતે મજબૂત હતા.

મોટા ભાગનું 'રેડ અમેરિકા' અને મોટા ભાગની 'કન્ઝર્વેટિવ મુવમેન્ટ' ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીની ઝંખના કરશે.

આગામી સમયમાં તેઓ 'કન્ઝર્વેટિવ મુવમેન્ટ' માટે એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે જળવાઈ રહેશે. 'રૅગનિઝમ'ની જેમ 'ટ્રમ્પિઝમ' પણ અમેરિકન કન્ઝર્વેટિઝમ પર પરિવર્તનકારક અસર પાડી શકે છે.

વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ ધ્રુવીકરણ કરનાર વ્યક્તિ તરીકે ગણાવાનું ચાલુ રહેશે અને તેઓ કદાચ 2024માં ફરી ચૂંટણી લડી શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સનાં 'ડિસયુનાઇટેડ' રાજ્યો અચાનક યુનાઇટેડ નથી થઈ જવાના. ઘણા બધા અમેરિકનો ટ્રમ્પ માટે વિરોધાભાસી લાગણી ધરાવે છે જેમાં ઉત્કટ આદરથી લઈને તીવ્ર નફરત સામેલ છે.

અમેરિકાએ ચોક્કસપણે હજુ સુધી પોતાના ઇતિહાસના સૌથી વધુ બિનપરંપરાગત રાષ્ટ્રપતિને નથી જોયા કે નથી સાંભળ્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો