ગુજરાત પેટાચૂંટણી પરિણામ : ભાજપને શું ફળ્યું અને કૉંગ્રેસને શું નડ્યું?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં પેટાચૂંટણીઓના વલણો અને પરિણામો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે કે ભાજપ બાજી મારી ગયો છે. જોકે આ વખતની ચૂંટણીમાં મોટાભાગે ઉમેવદવારો કૉંગ્રસમાંથી ભાજપમાં આવેલા હતા.

તેમ છતાં ચૂંટણીના પરિણામો પરથી એક સવાલ જરુર થાય કે આ વખતના આ પરિણામોમાં કયા પરિબળો નિર્ણાયક રહ્યા.

એટલે કે ભાજપને શું ફળ્યું અને કૉંગ્રેસને શું નડ્યું એ વાત સમજવી જરૂરી છે.

સત્તાવાર પરિણામોની હાલની સ્થિતિની વાત કરીએ તો ગુજરાત પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો ભાજપે જીતી લીધી છે, જ્યારે બાકીની પાંચ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. ચૂંટણીપંચે આ આંકડા જાહેર કર્યા છે.

પ્રારંભિક વલણોમાં મોરબીની એક બેઠક પર કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં પણ આગળ થઈ ગયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરિણામોને '2022ની ચૂંટણીનું ટ્રેલર' ગણાવી દીધું છે.

'ટિકિટોની વહેંચણીનું ખોટું ગણિત'

ચૂંટણી પરિણામો પાછળના પરિબળો વિશે વધુ વાત કરતા વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે કે વિપક્ષ ખરેખર જે પરિસ્થિતિ અને મુદ્દાઓ હતા તેનો ફાયદા ન લઈ શક્યો.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ખરેખર કૉંગ્રેસમાં ટિકિટોની વહેંચણીનું ગણિત ખોટું પડ્યું છે. તો બીજી તરફ આંતરિક જૂથબંધીની સમસ્યા પણ નડી ગઈ હોય એવું લાગે છે. ઉદાહરણ તરીકે ધારીની બેઠક કૉંગ્રેસથી જીતી શકાય એવી હતી પણ તેમણે ટિકિટ ઓછી જાણીતી વ્યક્તિ (ઉમેદવાર)ને આપી જેનું પણ તેમને નુકસાન થયું."

"અબડાસામાં શંકરસિંહ વાઘેલા નડી ગયા. કરજણમાં પણ પટેલ ફૅક્ટર સામે જરૂરી ક્ષત્રિય ફૅક્ટરનો અભાવ રહ્યો. તો લીમડીમાં પણ ક્ષત્રિય સામે કોળી મતોની વ્યૂહરચના ફળી હોત પણ તેમણે તેમાં પણ ટિકિટ અન્યને આપી. ડાંગમાં ખ્રિસ્તીને ટિકિટ આપી. કપરાડા અને ગઢડામાં ભાજપના ઉમેદવાર ઘણા મજબૂત હતા."

"સરવાળે ટિકિટોની વહેંચણીની જે પદ્ધતિ જે તેના કારણે કૉંગ્રેસને નુકસાન થયું અને ભાજપને આ બાબત ફળી છે."

તેમણે વધુમાં કહ્યું,"નવનિયુક્ત અધ્યક્ષ સી. આર. પાટીલે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે આ ચૂંટણીને ઘણી ગંભીરતાથી લીધી હતી. વળી ભાજપ વિજય માટે સક્ષમ ઉમેદવાર પર પસંદગી ઉતારવાનું વધુ પસંદ કરે છે. પક્ષમાં ગદ્દારીના પરિણામ સ્વરૂપે વર્ષો સુધી પછી પ્રગતિ નથી થતી. એટલે સંગઠનની બાબત પણ એક મહત્ત્વનું પરિબળ છે."

"વળી કોરોના અને વાલીઓના ફી મુદ્દાની બાબતો આ ચૂંટણીમાં વિશેષ અસર નથી ઉપજાવી શકી. કેમ કે તે એટલા સુસંગત રહ્યાં જ નથી."

દરમિયાન ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકારપરિષદને સંબોધતા કહ્યું હતું કે તેઓ જનતાના ચુકાદાનું (પરિણામોનું) સન્માન કરે છે.

તો બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રીએ પત્રકારપરિષદ યોજી ભાજપના વિજય માટે મોદી સરકારની યોજનાઓની સફળતા અને કાર્યકર્તાઓની મહેનત જવાબદાર ગણાવી.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને આપેલી મુલાકાતમાં પરિણામોને કૉંગ્રેસની કબર પર આખરી ખીલો ગણાવ્યા હતા.

'ઉમેદવારોનો વિજય છે નહીં કે માત્ર ભાજપનો'

સમગ્ર પરિણામો વિશે સુરતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અશોક પટેલનું કહેવું છે કે ખરેખર આ વિજય ઉમેદવારોનો વિજય છે એટલે ભાજપે સંપૂર્ણ શ્રેય ન લેવો જોઈએ.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મોટાભાગના ઉમેદવારો કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને જીતેલા હતા. એટલે ઉમેદવારોનું ફૅક્ટર ફળી ગયું. "

"સી. આર. પાટીલનું પરિબળ પણ અગત્યનું રહ્યું કેમ કે તેમની કામગીરી અને ભાજપની સંગઠન શક્તિ બંને બાબત ભાજપ માટે એક પ્લસ પૉઇન્ટ છે. બીજી તરફ કોરોના વાઇરસની સમસ્યા અને તેનાથી સર્જાયેલી આર્થિક પરેશાનીઓના મુદ્દા માટે જનતા સરકારને જવાબદાર નથી માનતી. જનતા એવું વિચારે છે કે અણધાર્યે આવી પડેલી આફત છે એટલે એમાં સરકારનો એટલો વાંક નથી."

"આ વાત ભાજપને ફળી ગઈ છે. કૉંગ્રેસની જો વાત કરીએ તો જેમ ભાજપ વિપક્ષમાં હતો ત્યારે જોરશોરથી મુદ્દાઓ ઉઠાવતો હતો એ રીતે કૉંગ્રેસ નથી કરી શકી. ઉપરાંત કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને સત્તાની અંદરોઅંદરની ખેંચતાણ પણ એક મુદ્દો રહ્યો છે."

"તાજેતરના વર્ષોની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો તેમાં ક્યાંકને ક્યાંક હિંદુત્વ અને રાષ્ટ્રવાદનો મુદ્દો પણ અસર તો કરી જ જતો હોય છે."

"ચૂંટણીમાં મુદ્દાઓ ઘણા હોય છે પણ તે વિધાનસભાની ચૂંટણીમાં મતોમાં કેટલા તબદીલ થાય એ મહત્ત્વનું રહેતું હોય છે. જેમાં ભાજપ છેલ્લા 30 વર્ષોથી સત્તામાં છે એટલે સ્વાભાવિક છે કે જનતાનું વલણ સત્તાપક્ષ તરફ જોવા મળતું હોય છે."

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આ ચૂંટણી એક પરીક્ષા સમાન હતી.

ધારી બેઠકના મતદારો મોટા ભાગે પક્ષને નહીં પણ ઉમેદવારને વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે ચૂંટણી પહેલાં બીબીસી સાથે કરેલી વાતચીતમાં આ બેઠક પર પાટીદાર અને 'હાર્દિક ફૅક્ટર' અસર કરી શકે છે એવું કહ્યું હતું.

અને અજય ઉમટનો પણ મત છે કે આ બેઠક કૉંગ્રેસના ફાળે જાય એવી શક્યતા હતી.

પરંતુ અમરેલી જિલ્લાની ધારી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાને 45 હજાર 387 મત (49.65 %) મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને 29 હજાર 586 (32.36 %) મત મળ્યા હતા. આમ ભાજપ અહીં વિજયની સ્થિતિમાં છે.

કૉંગ્રેસની નબળાઈ ભાજપને ફળી?

અમદાવાદથી વરિષ્ઠ પત્રકાર અજય નાયક બીબીસી સાથેની વાતચીતમાં સ્પષ્ટ રીતે એક વાત પર ભાર મૂકે છે કે ભાજપના વિજયમાં કૉંગ્રસ પોતે જ એક મુખ્ય કારણ છે.

તેઓ કહે છે, "કૉંગેસ નબળી પડી ગઈ છે. માત્ર સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય સ્તરે પણ આ વાત નોંધનીય બની છે. ગુજરાતમાં ચૂંટણીમાં નેતાગીરી માત્ર નિવેદનબાજી કરતી જોવા મળી છે."

"સંગઠનની દૃષ્ટિએ મજબૂતી નથી દેખાતી અને આંતરિત જૂથવાદ પણ અસર કરે છે. જ્યાં સુધી મુદ્દાઓની વાત છે તો સ્થાનિક ચૂંટણીઓમાં ખરેખર સંસદની ચૂંટણીની માફક મુદ્દાઓ નથી હોતા."

"તેમાં ઉમેદવારની વગ અને પ્રભાવ તથા સ્થાનિક પ્રશ્નો અગત્યાના હોય છે. મતદાતા તેનું કામ જે કરી આપે તેને વધુ મહત્ત્વ આપે છે."

"નેતાગીરીની જો વાત કરીએ તો હાર્દિક પટેલે જ્યાં જ્યાં પણ સભાઓ કરી હતી ત્યાં તેઓ હાર્યા છે. એટલે પાટીલ વિરુદ્ધ પટેલ ફૅક્ટરની વાત નિર્થરક છે. કેમ કે પાટીલ એક પીઢ અને અનુભવી નેતા છે, જ્યારે હાર્દિક પટેલની હજુ શરૂઆત છે."

અત્રે નોંધવું કે આઠ બેઠકો જેના પર પેટાચૂંટણીઓ યોજાઈ અને પરિમામો આવ્યા છે તેમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે.

ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી હતી. ચૂંટણી પૂર્વે કૉંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ જ્યારે ભાજપે સી. આર. પાટીલને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.

જેથી ચૂંટણીને સી. આર. પાટીલ વિ. હાર્દિક પટેલ તરીકે પણ જોવામાં આવી હતી. અને બંનેની કસોટી હોવાનું કહેવાયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો