સુરત : આમ આદમી પાર્ટીના ઉદય પાછળ પાટીદાર ફૅક્ટર કારણભૂત?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મંગળવારે ગુજરાતની છ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામ જાહેર થયા, જેમાં ભાજપનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસ પાર્ટીનું ધોવાણ થયું હતું.

આ બધાની વચ્ચે સુરતના ચૂંટણીપરિણામોએ જનતાનું અને રાજકીયવિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને તે કૉંગ્રેસને હઠાવીને બીજા ક્રમાંકની સૌથી મોટી પાર્ટી બની હતી.

જીપીપી અને કૉંગ્રેસના માધ્યમથી ભાજપને પાઠ ભણાવવામાં નિષ્ફળ રહેલા પાટીદારોના એક તબક્કાએ આ વખતે આપ તરફ નજર દોડાવી હોય તેમ જણાય છે. આપનું માનવું છે કે આગામી સમયમાં સુરત શહેર સમગ્ર ગુજરાતને રાહ ચીંધશે અને કૉંગ્રેસના વિકલ્પ તરીકે તેનો ઉદય થશે.

કૉંગ્રેસ સ્વીકારે છે કે ટિકિટ ફાળવણી અને જનતા સુધી પોતાનો સંદેશ પહોંચાડવામાં કચાશ રહેવા પામી છે.

સુરત સહિત છ મહાનગરપાલિકા માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામની અસર આગામી 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતની ચૂંટણી ઉપર જોવા મળી શકે છે, જેના પરિણામ બીજી માર્ચે જાહેર થશે.

પાટીદાર ફૅક્ટર ત્યારે અને અત્યારે

નવેમ્બર-2015માં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની ચળવળ ચરમ ઉપર હતી. જેનો લાભ કૉંગ્રેસને થયો હતો.

પાટીદારોના પ્રભુત્વવાળા કાપોદ્રા, પુણા-પૂર્વ, પુણા-પશ્ચિમ, કોસાડ, અમરોલી, ફુલપાડા-અશ્વિનીકુમાર વૉર્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના જોરે કૉંગ્રેસને 36 બેઠક મળી હતી. જેમાંથી 20થી વધુ બેઠક ઉપર પાટીદાર ઉમેદવાર હતા અથવા પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તાર હતા.

આ લખાય છે ત્યારે પુણા-પૂર્વ, પુણા-પશ્ચિમ, કાપોદ્રા, ફુલપાડા-અશ્વિનીકુમારમાં કૉંગ્રેસ આપ જીતી ચૂકી છે. જ્યારે કોસાડ, અમરોલી અને વરાછા જેવા વિસ્તારમાં નોંધપાત્ર સરસાઈથી આગળ છે.

2021માં પણ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી વેળાએ પાસ દ્વારા તેના નેતા ધાર્મિક માલવિયા સહિત ચોક્કસ ઉમેદવારો માટે ટિકિટની માગ કરવામાં આવી હતી. પરંતુ તેમને અપેક્ષા મુજબ પ્રતિનિધિત્વ મળ્યું ન હતું.

માલવિયાના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસે 2015માં પાટીદારોના ખભ્ભા ઉપર બેસીને પોતાનું કદ વધારવાનો પ્રયાસ કર્યો, બાદમાં તેમને કાપવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પાટીદાર યુવાનોમાં કૉંગ્રેસ સામે રોષ ફાટી નીકળ્યો હતો. આજે સુરતમાં કૉંગ્રેસ પાર્ટી 2015 પહેલાં જે સ્થિતિમાં હતી, તે સ્થિતિમાં આવી ગઈ છે."

ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસથી નારાજ પાટીદાર યુવાનો આપ તરફ વળ્યા હોવાનું ધાર્મિક માલવિયાનું માનવું છે.

તેમને કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવાનો મૅન્ડેટ મળ્યો હતો, પરંતુ સાથી આંદોલનકારીઓને ટિકિટ ન મળતા, તેમણે ઉમેદવારીપત્રક ભર્યું ન હતું, જ્યારે અન્ય બે ઉમેદવારોએ પાછળથી પોતાના ફૉર્મ પરત ખેંચ્યા હતા.

સુરતસ્થિત કૉંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈના કહેવા પ્રમાણે, "ટિકિટ વિતરણમાં પાર્ટી તરફથી કચાશ રહી જવા પામી હશે તો તેનું વિશ્લેષણ કરાશે."

"બાંગ્લાદેશ-ભૂતાન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોમાં પેટ્રોલ પચાસ રૂપિયે લિટર મળતું હોય અને અહીં 100 રૂપિયે વેચાઈ રહ્યું હોય ત્યારે અમે જનતા સુધી અમારો સંદેશ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યાં છીએ."

આ તકનો લાભ આમ આદમી પાર્ટીએ લીધો હતો. કૉંગ્રેસના કેટલાક ટિકિટવાંચ્છુકોએ 'છેક છેલ્લી ઘડી'એ આપની ટિકિટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી અને તેમની ઍન્ટ્રીને પાસના નેતા અને આમ આદમી પાર્ટી (ગુજરાત)ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ સુગમ બનાવી હતી.

આંદોલન, ટાલિયા અને ઉદય

પત્રકાર દિલીપ ક્ષત્રિયના કહેવા પ્રમાણે, "સુરતમાં આમ આદમી પાર્ટીના ઉદયનો શ્રેય ગોપાલ ઈટાલિયાને આપી શકાય. તેઓ પાટીદાર અનામત આંદોલન સમયથી જ સુરતમાં પોતાનું નેટવર્ક ધરાવતા હતા."

"સમિતિના નેતા તરીકે તેઓ 'વિઝિબલ' હતા અને પાટીદારો તથા સ્થાનિકો તેમને ઓળખતા હતા. જ્યારે કૉંગ્રેસમાં ટિકિટની વહેંચણીમાં ડખ્ખો થયો, ત્યારે પાટીદારોમાં કૉંગ્રેસ પ્રત્યે રોષ જાગ્યો અને વિકલ્પ તરીકે આપને આવકારી."

માર્ચ-2017માં ગુજરાત સરકારના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિધાનસભામાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઈટાલિયાએ તેમની ઉપર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ સરકારી નોકરી કરનાર ઈટાલિયાને બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા.

એ પહેલાં નીતિન પટેલ સાથેની વાતચીતનો તેમનો ઓડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમણે ગુજરાતમા દારુબંધી ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

2020ના મધ્યભાગમાં તેઓ આપમાં ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકે જોડાયા અને વર્ષાંત સુધીમાં તેમને પ્રદેશાધ્યક્ષ પણ બનાવી દેવાયા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજના કહેવા પ્રમાણે, 'ડાયમંડ સિટી' સુરત સહિત રાજ્યમાં આપને જે આવકાર મળ્યો છે, તે ઉત્સાહજનક છે અને આગામી સમયમાં ભાજપ-કૉંગ્રેસના વિકલ્પ તરીકે ઉભરશે.

ભારદ્વાજના કહેવા પ્રમાણે, "ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રચાર માટે મેં સુરત-વડોદરામાં પ્રવાસ ખેડ્યો હતો, પરંતુ કૉંગ્રેસ ક્યાંય ચૂંટણી લડી રહી હોય તેવું લાગ્યું જ નહીં. તેમની ગેરહાજરી જનતાને વર્તાઈ રહી હતી."

"સુરતમાં પાર્ટી પહેલી વખત ચૂંટણી લડી અને મુખ્ય વિપક્ષ બની છે. અન્ય શહેરોમાં પણ અનેક બેઠક ઉપર પાર્ટી બીજા ક્રમે છે. જે દેખાડે છે કે જનતા ભાજપ અને કૉંગ્રેસથી પરેશાન છે. આગામી સમયમાં સુરત સમગ્ર રાજ્યને રાહ ચિંધશે."

ક્ષત્રિય ઉમેરે છે કે જો આપની સાર્વત્રિક લહેર હોત તો અન્ય શહેરોમાં પણ તેના ઉમેદવારો વિજયી થવા જોઇતા હતા, પરંતુ એવું બન્યું નથી.

ચૂંટણીપૂર્વે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જાહેરપત્ર લખીને સરકાર કે રાજકીયપક્ષોને પાટીદાર સમાજની તાકાત બતાવવા 'સમાજ માટે ઊભા રહે તેવા ઉમેદવારો'ને મત આપવા આહ્વાન કર્યું હતું.

પાટીદાર, ભાજપ અને ત્રીજો ખૂણો

પાટીદારોએ 'ભાજપનો વિકલ્પ' શોધવાનો પ્રયાસ કર્યો હોય તેવો આ ત્રીજો પ્રયાસ છે.

તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીથી નારાજ ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે ઑગસ્ટ-2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. જેમાં ગોરધન ઝડફિયા નંબર-ટુ હતા.

આ પાર્ટીમાં મુખ્યત્વે પાટીદારો જોડાયેલા હતા અને ભાજપને પાઠ ભણાવવાનો હેતુ હતો. 2012ની વિધાનસભા ચૂંટણીમાં જી.પી.પી.ને બે બેઠક મળી હતી.

2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે જી.પી.પીનું ભાજપમાં વિલનીકરણ કરી દેવામાં આવ્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર આજે પી.એમ. છે, જ્યારે ઝડફિયા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસના કહેવા પ્રમાણે, "ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ન હતી. આપ અને કૉંગ્રેસ વચ્ચે બીજા ક્રમ માટેની સ્પર્ધા હતી. સુરતમાં આપ બીજાક્રમે રહી છે અને કૉંગ્રેસ બે અંક ઉપર પણ પહોંચી શકે તેમ નથી જણાતું, ત્યારે કૉંગ્રેસ માટે વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે."

વ્યાસના કહેવા પ્રમાણે, "સુરતમાં ભાજપને ગત વખતે જેટલી બેઠકો મળી હતી, તેના કરતાં વધુ બેઠક મળશે. સુરતમાં જે કંઈ થયું છે તે આપ તથા કૉંગ્રેસ વચ્ચેની સ્થાનિક લડાઈ છે."

પાટીદાર ભાજપથી વિમુખ થઈ રહ્યા હોવાની વાતને વ્યાસ નકારે છે. તેઓ કહે છે કે જો પાટીદારો ભાજપની સાથે ન હોત, તો સુરત સિવાયની મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેઠકો ઉપર પણ તેની અસર જોવા મળી હોત.

દેસાઈના કહેવા પ્રમાણે, "પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તાર સિવાય પરંપરાગત રીતે કૉંગ્રેસ જ્યાં મજબૂત હતી, ત્યાં આપનું આગમન થયું, જેના કારણે પાર્ટીને નુકસાન થયું અને આ પરિણામ આવ્યું છે."

બસપાને કારણે જામનગરમાં અને એ.આઈ.એમ.આઈ.એમ.ને કારણે અમદાવાદમાં ભાજપવિરોધી મતોનું વિભાજન થયું, જેનાથી કૉંગ્રેસને નુકસાન થયું હોવાનું દેસાઈ બાને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો