'ફટાફટ’ લોન આપીને મહામારી સામે ઝઝૂમી રહેલા લોકોને ફસાવનારી ઍપ્સ

    • લેેખક, અરુણોદય મુખર્જી
    • પદ, બીબીસી સંવાદદાતા

“જો તમે પૈસા નહીં ચૂકવ્યા તો હું તમારા મિત્રો અને સંબંધીઓને કૉલ કરવા જઈ રહ્યો છું. આ બાદ, તમે ક્યારેય લોન લેવાનો નિર્ણય લીધો હતો એ વાત પર તમને અફસોસ થશે.”

વિનિતા ટૅરેસાને પાછલા લગભગ ત્રણ મહિનાથી આ પ્રકારના ફોન કૉલ આવી રહ્યા છે અને આ કૉલ તે પૈકી એક છે.

લગભગ દરરોજ જ લોન-રિકવરી એજન્ટોનાં નામથી તેમની પાસે ફોન આવે છે. આ એજન્ટોનાં નામ તો અલગ અલગ હતાં પરંતુ તેમનું કામ એક જ હતું.

કૉલ કરતાં જ તેઓ તેમના પર બૂમો પાડવા લાગતા. ઘણી વાર ધમકી પણ આપી દેતા અને ઘણી વખત અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કરતા.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ લૉકડાઉનના કારણે ઘણા લોકોની સામે નાણાકીય સંકટ પેદા થઈ ગયું.

મહિનાઓ સુધી ચાલેલા લૉકડાઉને ઘણા સ્થાપિત કારોબારોને બરબાદ કરી નાખ્યા.

લૉકડાઉના કારણે વિનિતાની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ. આવી પરિસ્થિતિમાં તેમણે એવી ઍપ્લિકેશન તરફ નજર કરી જે ‘ઇન્સ્ટન્ટ - લોન’ એટલે કે ફટાફટ લોન આપવાનો દાવો કરે છે.

આ ઍપ્સ પાસેથી લોન લેવાનું ઘણું સરળ હતું. એક બાજુ જ્યાં કોઈ સરકારી કે બિનસરકારી બૅન્ક પાસેથી લોન લેવા માટે ઘણા પ્રકારના દસ્તાવેજો જમા કરાવવાના હોય છે, વૅરિફિકેશન કરાવવાનું હોય છે ત્યાં બીજી બાજુ આવી ઍપથી લોન લેવી ચપટી વગાડવા જેટલું સરળ હતું.

તેમણે પોતાના બૅન્ક ઍકાઉન્ટની માહિતી આપવાની હતી, એક માન્ય ઓળખપત્ર આપવાનું હતું અને રેફરન્સ આપવાનું હતું.

આ બધું આપ્યાની અમુક મિનિટો બાદ લોન તેમના ખાતામાં આવી ગઈ. તેઓ જાતે કહે છે કે, “આ ખૂબ જ સરળ હતું.”

મહામારીએ લાખો લોકોની નોકરીઓ છીનવી લીધી. કારોબાર બંધ થઈ ગયા અને લૉકડાઉનના આ તબક્કામાં આવી રીતે ફટાફટ લોન આપતી અનેક ઍપ્સ બજારમાં આવી ગઈ.

બૅન્કો કરતાં ક્યાંય વધુ વ્યાજ વસૂલે છે લોન ઍપ્સ

હવે જ્યારે લૉકડાઉન ખતમ થઈ ચૂક્યું છે અને ઘણા બધા લોકો ફરીથી કામ પર પરત ફરવા લાગ્યા છે, તેમ છતાં એ વાતનો ઇન્કાર ન કરી શકાય કે ઍન્જિનિયરથી માંડીને સોફ્ટવૅર ડેવલપર્સ સુધી અને સેલ્સમૅનથી માંડીને નાના વેપારીઓ માટે પણ આ સમયગાળો અત્યંત સંઘર્ષભર્યો રહ્યો છે.

એક મોટા વર્ગે આર્થિક તંગીનો સામનો કર્યો છે અને તેને દૂર કરવા માટે જ્યારે પણ તેમને જલદી પૈસાની જરૂર પડી, ત્યારે તેણે આવી જ ઍપ્સને મદદ માટે પસંદ કરી.

અહીં દરેક પ્રકારની લોન ઉપલબ્ધ હતી. જેમ કે માત્ર 150 ડૉલર એટલે કે દસ હજાર રૂપિયાની લોન અને એ પણ માત્ર 15 દિવસ માટે.

આ ઍપ્સે લોન આપવા માટે વન-ટાઇમ-પ્રોસેસિંગ ફી પણ લીધી. જોકે, આ વન-ટાઇમ-પ્રોસેસિંગ ફીસ વ્યાજ દરની સરખામણીએ તો કંઈ નહોતી કારણ કે લોન આપવાવાળી આ ઍપ્સે ઘણી વાર 30 ટકા કરતાં પણ વધુ વ્યાજના દરે લોન આપી.

જો આ વ્યાજના દરની તુલના ભારતીય બૅન્કોના વ્યાજદર સાથે કરીએ તો તે ઓછામાં ઓછા 10થી 20 ટકા વધુ છે.

બીજી સમસ્યા એ પણ હતી કે આ પૈકી અમુક ઍપ્સ જ્યાં ભારતીય બૅંકો માટે નિર્ધારિત માપદંડો અનુસાર કામ કરે છે તો કેટલીક આ માપદંડો હેઠળ કાયદેસર નથી.

ઘણાં રાજ્યોમાં હવે આવી રીતે લોન આપનારી ડઝનબંધ ઍપ્સની તપાસ કરાઈ રહી છે કારણ કે ઘણા લોકોએ આ ઍપ્સ પર નિયમોના ઉલ્લંઘન અને લોન વસૂલી માટે આક્રમક રીતો અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

નાણાકીય અપરાધોની તપાસ કરનાર પ્રવર્તન નિદેશાલય પણ હવે મની ટ્રેલ સ્થાપિત કરવા માટે આગળ આવ્યું છે.

હાલમાં જ ગૂગલે પણ પોતાના ગૂગલ-પ્લેસ્ટોર પરથી આવી ઘણી ઍપ્સ હઠાવી દીધી છે જેને લઈને આવી ફરિયાદો મળી હતી અથવા જેમના સંદર્ભે નિયમોના ઉલ્લંઘનના પુરાવા મળ્યા છે.

અધિકારીઓને એ વાતના પુરાવા મળ્યા છે કે આ પૈકી ઘણી ઍપ્સ તો એવી પણ છે જે ભારતની કેન્દ્રીય બૅન્ક સાથે રજિસ્ટર્ડ પણ નહોતી.

નિયમોના ઉલ્લંઘન અને રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા આ મામલાઓ સામે આવ્યા બાદ લોકોને ચેતવણી જાહેર કરાઈ કે તેઓ અનાધિકૃત ડિજિટલ લોન પ્લૅટફૉર્મ કે પછી ઍપ્સથી દૂર રહે.

એક પછી એક લોન લેતા જાય છે યૂઝર્સ

વિશેષજ્ઞોનું કહેવું છે કે એક વખત જ્યારે કોઈ લોન લઈ લે છે તો તેમનો ડેટા એવી જ લોન આપનારી બીજી ઍપ્સ સાથે પણ શૅર થઈ જાય છે.

ત્યાર બાદ શરૂ થાય છે એ શખ્સને હાઈ ક્રૅડિટ લિમિટ્સ પર લોન આપવાના નોટિફિકેશનનો સિલસિલો.

એક પછી એક નોટિફિકેશનો આવવાની સાથે એ શખ્સની તેમાં ફસાવાની આશંકા પણ વધતી જાય છે.

વિનિતા ટૅરેસા જણાવે છે કે તેમણે આવા નોટિફિકેશનોના ચક્કરમાં ફસાઈને જ આઠ લોન લઈ લીધી.

પરંતુ આ બધું માત્ર લોન લેવા સુધી સિમીત નહોતું.

આ પછી શરૂ થાય છે જાળમાં ફસાતા જવાનો સિલસિલો.

લોન લીધા બાદ રિકવરી એજન્ટોનાં એટલા બધા કૉલ્સ આવવા લાગે છે કે અમુક દિવસોમાં જ આપ તેમનાથી છૂટકારો મેળવવાની રીતો શોધવામાં લાગી જાઓ છો. અને તેમાં જ એક રીત એ હોય છે કે એક લોન લઈને બીજી લોનની ભરપાઈ કરવાની.

પોતાનું નામ જાહેર ન કરવાની શરતે એક શખ્સે કહ્યું, “આ ક્યારેય ખતમ ન થનાર ચક્ર જેવું હોય છે. એક લોન લીધા બાદ બીજી લોન... બીજી બાદ...”

ઘણી બધી બીજી ઍપ્સની જેમ જ આ લોન ઍપ્સ પણ ડાઉનલોડ કરતી વખતે કૉન્ટેક્ટ અને ફોટો ગૅલરીના ઍક્સેસ માટે આપની પરવાનગી માગે છે.

જ્યારે લોકો આ માટે પરવાનગી આપી છે તો પછી તેઓ હજી વધારે જાણકારી માગવા લાગે છે.

સાઇબર સિક્યૉરિટી વિશેષજ્ઞ અમિત દુબે જણાવે છે કે, “આ પ્રકારના એક મામલાની તપાસમાં મને ખબર પડી કે આ ઍપ્સ ન માત્ર તમારી કૉન્ટેક્ટ લિસ્ટ વાંચે છે પરંતુ તેમની પહોંચમાં બીજી પણ ઘણી બધી વસ્તુઓ આવી જાય છે."

તે તમારા ફોટોઝ, વીડિયો અને લૉકેશન પર પણ નજર રાખતી હોય છે. તેઓ તમારા વિશે ઘણું બધું જાણી ચૂક્યા હોય છે, જેમ કે તમે આ પૈસાનો શો ઉપયોગ કર્યો કે પછી તમે કોને આ પૈસા ટ્રાન્સફર કર્યા.”

વિનિતા ટૅરેસા કહે છે કે, “આ ખતરો વ્યક્તિગત પણ થઈ જાય છે. મેં મારાં બાળકોને એ સમયે તકલીફમાંથી પસાર થતાં જોયાં છે જ્યારે તેઓ જોતાં કે હું કલાકો સુધી ફોન પર લાગેલી રહેતી હતી. હું ઘણી પરેશાન થઈ ચૂકી હતી. હું ના મારા કામ પર ધ્યાન આપી શકી રહી હતી અને ના પરિવાર પર.”

આત્મહત્યા પણ કરી રહ્યા છે લોન ઍપ્સના પીડિતો

જેનિસ મકવાણા જણાવે છે કે નવેમ્બરમાં તેમના ભાઈ અભિષેકે આત્મહત્યા કરી લીધી અને તેમના આ પગલા પાછળનું એક મોટું કારણ આવી લોન-ઍપ્સ દ્વારા વસૂલી માટે કરાયેલ સતામણી પણ હતી.

ભારતીય ટેલિવિઝનના પટકથા લેખક અભિષેકે પણ લૉકડાઉનમાં આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો જેનો એક વર્ગે સામનો કરવો પડ્યો.

જેનિસ યાદ કરે છે – લૉકડાઉનમાં ફિલ્મ મેકિંગનું કામ રોકાઈ ગયું.

લોકોને ચુકવણી કરવાનું મુશ્કેલ થઈ ગયું અને આ બધામાંથી બહાર આવવા માટે લગભગ 1500 ડૉલર (એક લાખ રૂપિયાથી થોડું વધુ)ની લોન લીધી. લોન લીધાના અમુક દિવસો બાદ જ તેમને ધમકીભર્યા ફોન કૉલ આવવા લાગ્યા.

જેનિસ કહે છે કે આવા કૉલ્સનો સિલસિલો તેમના મૃત્યુ બાદ પણ જારી રહ્યો.

જેનિસ મકવાણા અને વિનિતા ટૅરેસા બંન્ને મામલાઓની હવે પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ આવા સેંકડો બીજા કેસો પર પણ પોલીસની તપાસ ચાલી રહી છે.

પ્રવીણ કાલાઇસેલવન કેટલા અન્ય વિશેષજ્ઞો સાથે મળીને આવા જ મામલાઓની તપાસ કરી રહ્યા છે.

તેમણે અમારી સાથે આવા પ્રકારના મામલાઓ સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ શૅર કરી.

તેઓ કહે છે કે – અમારે આ સમસ્યાના મૂળ સુધી જવું પડશે. આ કોઈ નાની સમસ્યા નથી ખૂબ જ ઊંડી સમસ્યા છે.

પ્રવીણ આ મામલા સાથે ત્યારે જોડાયા જ્યારે તેમના એક મિત્રએ એક આવી જ લોન ઍપથી પૈસા ઉધાર લીધા અને જ્યારે તેઓ લોન ન ચૂકવી શક્યા ત્યારે તેમને પણ અન્ય લોકોની જેમ ધમકાવવામાં આવ્યા.

ત્યાર બાદ તેમણે આ સમગ્ર મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે એવા લોકોની એક ટીમ બનાવી જેમને આવી ઍપ્સનો અનુભવ હતો.

તેઓ કહે છે, “પાછલા આઠ મહિનામાં મારી ટીમને 46 હજાર કરતાં વધુ ફરિયાદો મળી ચૂકી છે અને 49 હજાર કરતાં વધુ ડિસ્ટ્રેસ કૉલ. અમને એક દિવસમાં 100થી 200 અને ક્યારેક ક્યારેક તેના કરતાં પણ વધુ ડિસ્ટ્રેસ કૉલ મળે છે.”

પ્રવીણે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં આ સંબંધમાં એક અરજી પણ કરી. તેમણે આ અરજીના માધ્યમથી આ પ્રકારની લોન-ઍપ્સ પર પ્રતિબંધ લાદવાની માગ કરી. પરંતુ કોર્ટે તેમને કેન્દ્ર સરકારનો સંપર્ક કરવાનું કહ્યું.

'પર્સનલ ડેટા પર હોય છે યૂઝર્સની નજર'

ડિસેમ્બર માસમાં 17 લોકોની દગો કરવાના, ફર્જીવાડો કરવાના અને સતામણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે તેઓ આ સમગ્ર તંત્ર સાથે જોડાયેલા વિદેશી તાર પણ શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે.

પરંતુ વિશેષજ્ઞો માને છે કે જેમની ધરપકડ કરાઈ છે તે લોકો અને ડેવલપર્સ વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકવું સરળ નહીં હોય.

જોકે, અમિત દુબેનું માનવું છે કે આ ઍપ્સનો હેતુ માત્ર આર્થિક રીતે કમજોર લોકોને નિશાન બનાવવાનો નથી, તેમનો એજન્ડા આના કરતાં ઘણો વધારે ખતરનાક છે.

તેઓ કહે છે કે, “આવા પ્રકારની ઍપ્સ ચલાવનારા અદૃશ્ય એકમો મુખ્યત્વે આપના ડેટા પર નજર રાખે છે અને આ ડેટાને વેચીને પૈસા બનાવી શકે છે.”

તેઓ કહે છે – તેમની નજર તમારા પર્સનલ ડેટા પર હોય છે અને તેઓ તેનાથી પૈસા બનાવી શકે છે. આ ડેટા વેચી શકાય છે અને બીજા અપરાધીઓ સાથે પણ શૅર કરી શકાય છે. અહીં સુધી કે ડાર્ક વેબ પર પણ.

તેઓ કહે છે કે તેમને એક જ સર્વર પર હોસ્ટ કરાયેલ ઍપ્સનું ક્લસ્ટર મળ્યું. જેને એક જ ડેવલપરે પ્રોગ્રામ કરી હતી અને એ વાતના પણ પુરાવા મળ્યા કે તે પૈકી ઘણા એક જ સ્રોત શૅર કરી રહ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે જ્યાં સુધી કાયદા થકી આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ નથી લાગતો ત્યાં સુધી જાગૃતિ ફેલાવીને જ આવી લોન ઍપ્સના કેરને રોકી શકાય છે.

વિનિતા ટૅરેસા કહે છે કે, “હું પીડિતા તરીકે નથી ઓળખાવા માગતી. આનો સામનો કરવાની એક માત્ર રીતે એ છ કે હું લોકો સાથે મારા અનુભવો શૅર કરું જેથી બીજા મારા અનુભવોથી શીખી શકે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો