You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેતન સાકરિયા : ટેમ્પો ચલાવનારના પુત્રની ભાવનગરના ગામથી ઇન્ડિયન ટીમ સુધીની સફર
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
જુલાઈ મહિનામાં શ્રીલંકા સામે યોજાનારી 3 વન-ડે અને ત્રણ ટી-20 મૅચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ગુજરાતના ચેતન સાકરિયાની પસંદગી કરવામાં આવી છે. ચેતન સાકરિયા મૂળ ભાવનગર જિલ્લાના વરતેજ ગામના છે.
શ્રીલંકા સામેની શ્રેણીમાં શિખર ધવનને કૅપ્ટન અને ભુવનેશ્વર કુમારને વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં પૃથ્વી શૉ, દેવદત્ત પડ્ડિકલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડયા, નિતિશ રાણા, ઇશાન કિશન, સંજુ સેમસન, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે ગોથમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્થી, દીપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરિયાની પસંદગી કરાઈ છે.
વન-ડે સીરિઝની શરૂઆત 13 જુલાઈથી થશે. જ્યારે ટી-20 સિરીઝની શરૂઆત 21 જુલાઈથી થશે.
અગાઉ ફેબ્રુઆરીમાં તેમની આઈપીએલમાં પસંદગી થઈ હતી. જોકે, એ સમય પરિવાર માટે ખુશીના સમાચાર ઉપરાંત સંતાપનો પણ હતો.
એ વખતે ચેતન સાકરિયાનાં માતા વર્ષાબહેન સાકરિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "સુખની વાત એ છે કે એકદમ આર્થિક સંકડામણની વચ્ચે ચેતને પોતાની મહેનત અને પરિવારના સહકારથી આઈપીએલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે દુ:ખની વાત એ છે કે ચેતન માટે પોતાનું ભણવાનું છોડી નોકરી શરૂ કરનાર ચેતનના ભાઈએ ઉત્તરાયણના જ દિવસે આત્મહત્યા કરી હતી. હજુ તેને એક મહિનોને ત્રણ દિવસ થયા છે."
તેઓ વધુમાં કહે છે, "જો આજે ચેતનનો નાનો ભાઈ જીવિત હોત તો ઘરમાં નાચતો હોત. ચેતન જ્યારે પણ વિકેટ ઝડપીને આવે તો બંને ભાઈઓ ઘર માથે લેતા હતા."
ચેતન આઈપીએલમાં રમી રહ્યા હતા ત્યારે ગત મહિને એમના પિતાનું કોરોનામાં નિધન થયું હતું.
આર્થિક સંકડામણ વચ્ચે કારકિર્દીની શરૂઆત
ચેતન બાળપણથી જ પોતાના મામાના ઘરે ભાવનગરમાં રહીને મોટા થયા છે, વચ્ચે કેટલાંક વર્ષ તેમણે વરતેજ ખાતેના પોતાના ઘરમાં પણ વિતાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેતન નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે વરતેજ ગામથી ચાર પાંચ કિલોમિટર દૂર આવેલી વિદ્યાવિહાર માધ્યમિક શાળામાંથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી.
ચેતનની શાળાના શિક્ષક કમલેશ સર કહે છે, "અમે વર્ષોથી શાળા છૂટ્યા પછી એક કલાક ક્રિકેટનું વધારાનું કોચિંગ આપીએ છીએ. શરૂઆત ટેનિસ બૉલ ક્રિકેટ રમવાથી થાય છે, ત્યાર પછી અમારે ત્યાં અનેક ટુર્નામેન્ટ રમાય છે, એમાં જે સારું પ્રદર્શન કરે એને અમે મેચીસ બૉલ પર સારી રીતે કોચિંગ આપીએ છીએ. આવી જ એક બે મૅચમાં ચેતને ઑપનિંગ બૅટિંગ કરી સારા રન બનાવ્યા."
ચેતન ઑપનિંગ બૅટિંગ કરતા હતા તો બૉલિંગ કરવાની શરૂઆત કેવી રીતે કરી. તેના જવાબમાં કમલેશ સર કહે છે, "ચેતન સારી રીતે ઇન સ્વિંગ અને આઉટ સ્વિંગ બૉલિંગ કરતો માટે અમે એને બૅટિંગ છોડાવી બૉલિંગ શરૂ કરાવી અને તેમાં તેણે સારું પ્રદર્શન કર્યું."
ચેતન 2012થી 2015ની વચ્ચે પોતાની શાળાને સ્કૂલ ગેમ્સની વિવિધ ટુર્નામેન્ટમાં પોતાની બૅટિંગ અને બૉલિંગની મદદથી ફાઇનલ સુધી લઈ ગયા.
આ બધાની વચ્ચે ચેતનનો પરિવાર ઘણી આર્થિક સંકડામણમાંથી પસાર થતો હતો. ચેતનનાં માતા કહે છે, "એના પિતાજી ટેમ્પો ચલાવતા હતા. અમારે આર્થિક સંકડામણના કારણે મારે ઘણી વખત ઈંટોના ભઠ્ઠામાં પણ કામ કરવા જવું પડતું. ચેતનના પપ્પાનો અકસ્માત થતાં તેઓ પણ વિકલાંગ થઈ ગયા. છતા પણ એના પિતા ટેમ્પો ચલાવતા રહ્યા. ચેતન ઘરમાં સૌથી મોટો તેને એક નાનો ભાઈ અને બહેન હતાં."
આ આર્થિક સંકડામણની વચ્ચે ચેતનના મામાએ ચેતનને ઘણી મદદ કરી. ચેતને પોતાની જિંદગીનો ઘણો સમય પોતાના મામાના ત્યાં જ પસાર કર્યો છે.
મામાની ભાવનગરમાં સ્ટેશનરીની દુકાન હતી. ચેતન ભણવામાં હોશિયાર હોવાથી મામા તેને સરકારી અધિકારી બનાવવા માગતા હતા.
ચેતનના મામા મનસુખભાઈ જાંબુચા (કાળુભાઈ) કહે છે, "ચેતને હઠ પકડી હતી મારે તો ક્રિકેટ જ રમવું છે, પરિવારની સ્થિતિ નબળી હતી માટે મારે એને અધિકારી બનાવવો હતો. આવામાં શાળાના શિક્ષકે મને બોલાવ્યો અને કહ્યું છોકરો સારું ક્રિકેટ રમે છે તમે તેને રમાડવાનું ચાલુ રાખજો, બંધ ન કરાવતા. પછી અમે એને રમવા દીધો."
ક્રિકેટરમવાનાકારણેઘરમાંમારખાવોપડતો
ચેતનનો પરિવાર આર્થિક સંકડામણની વચ્ચે જીવતો હતો માટે પરિવારને એવું હતું કે ચેતન ભણવામાં હોશિયાર છે તો પછી તેણે ભણીને મોટા અધિકારી બનવું જોઈએ. ક્રિકેટમાં ક્યાંક કારકિર્દી ન વેડફાઈ જાય માટે તેમનો આગ્રહ રહેતો.
ચેતનનાં બહેન જિજ્ઞાસા કહે છે, "ચેતન ભણવામાં હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યે લગાવ એટલો બધો હતો કે અનેક વખત ઘરે ખોટું બોલીને કે ભણવાનું છોડીને ક્રિકેટ રમવા જતા રહેતો. પછી ઘરે ખબર પડે ત્યારે તેને બહુ માર પડતો."
ચેતનનાં માતા કહે છે કે એને માર પડતો ત્યારે મારે અનેક વખત વચ્ચે પડવું પડતું અને તેને બચાવવો પડતો.
ચેતનને દસમા ધોરણની બૉર્ડની પરીક્ષામાં 87 ટકા આવ્યા હતા. ત્યારબાદ તેણે 11 અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણવાનું નક્કી કર્યું.
ચેતનના મામા કહે છે, "ક્રિકેટમાં તમે સિલેક્ટ થાવ એની કોઈ ગૅરંટી ના હોય માટે જો સારી નોકરી કરવી હોય તો સારું ભણવું પડે માટે ચેતને ના પાડી છતાં અમે તેને સાયન્સ લેવડાવ્યું. તેણે ક્રિકેટ રમવાનું ચાલું રાખ્યું. પણ સાયન્સમાં તેને 55 ટકા આવ્યા. ત્યાર બાદ કૉમર્સમાં અભ્યાસ શરૂ કર્યો."
ચેતનનેક્રિકેટરમાડવાભાઈએભણવાનુંછોડીદીધું
ચેતને ક્રિકેટમાં ઉચ્ચ અભ્યાસની શરૂઆત ભાવનગરમાં કરી.
તેઓ ભાવનગરની ભરૂચા ક્લબમાં જોડાઈ ગયા હતા. સારું ક્રિકેટ રમવાના કારણે અંડર 16, અંડર 19ની સૌરાષ્ટ્રની ટીમમાં પણ પસંદગી પામ્યા. આ ઉપરાંત ક્લબની મૅચ અલગ, માટે ક્રિકેટ અને ભણવા વચ્ચે તાલમેલ બેસતું ન હતું.
આ દરમિયાન ચેતન પોતાના મામાની સ્ટેશનરીની દુકાનમાં બપોરે કામ કરતા અને સવાર-સાંજ પ્રેક્ટિસ કરવા માટે ભરૂચા ક્લબમાં જતા.
પરિવારની આર્થિક સંકડામણને કારણે ચેતનના ભાઈએ પણ ભણવાનું છોડી દીધું અને તેઓ પણ મામાની સાથે સ્ટેશનરીની દુકાન પર કામ કરવા લાગ્યા.
ચેતન ક્રિકેટ સારું રમતા હોવાથી તેમના ભાઈએ પણ તેમનો સાથ આપ્યો. ચેતનના પિતાએ માંદગી અને ઉંમરના કારણે થોડાક સમય પહેલાં જ ટેમ્પો ચલાવવાનું છોડી દીધું છે.
ચેતનની અંડર 16ની ટીમમાં પસંદગી કરવામાં આવી પરંતુ રમવાની તક ન મળી. ત્યાર બાદ ચેતને મહેનત ચાલુ રાખી પછી અંડર 19ની સૌરાષ્ટ્રની ટીમમાં તેને તક મળી.
અંડર 19માં કૂચ બિહાર ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા તેમણે છ મૅચમાં 18 વિકેટ લીધી, તેમણે કર્ણાટક સામે પાંચ વિકેટ લેતાં તેઓ લોકોની નજરમાં આવ્યા હતા.
શૅલ્ડન જૅક્સને આપ્યાંસ્પાઇકવાળાંજૂતાં
સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનને ચેતનને એમઆરએફ પેસ ફાઉન્ડેશનની ઍકેડેમીમાં મોકલ્યા. ત્યાં તેમને ગ્લેન મૅકગ્રા પાસેથી ટ્રેનિંગ મળી અને ચેતને પોતાની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચાડી.
ચેતન જ્યારે એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં રમવા પહોંચ્યા ત્યારે તેમની પાસે સ્પાઇકવાળાં શૂઝ નહોતાં. તેઓ કૂચ બિહાર ટ્રૉફીમાં બીજાનાં શૂઝ પહેરીને રમ્યા હતા. એમઆરએફ ફાઉન્ડેશનની ઍકેડમીમાં તેઓ રમવા જાય તે માટે તેમને જૂતાં શૅલ્ડન જૅક્સને આપ્યાં હતાં.
ઇએસપીએન ક્રીકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે “તે સમયે શૅલ્ડન જૅક્સન આઈપીએલમાં રમતા હતા. તેઓ મોટા ખેલાડી હતા. તેમણે મને કહ્યું હતું કે જો હું તેમને આઉટ કરીશ તો તેઓ મને સ્પાઇક્સ અપાવશે. મેં તેમની સામે બૉલિંગ કરી અને તેમણે મને પહેલા સ્પાઇકવાળાં જૂતાં આપ્યાં. હું એ શૂઝ લઈને એમઆરએફ ઍકેડેમીમાં ગયો હતો.”
2018-19ની સિઝનમાં તેમને ખાસ કોઈ તક મળી ન હતી. તેમને સૌથી જોરદાર તક રણજી ટ્રૉફીમાં મળી હતી.
સૌરાષ્ટ્ર તરફથી રમતા ઝડપી બૉલર જયદેવ ઉનડકટ ઈજાગ્રસ્ત થતાં ચેતન સાકરિયાને તક આપવામાં આવી અને તેઓ પોતાની પહેલી રણજી ટ્રૉફીની મૅચ ગુજરાત સામે રમ્યા જેમાં તેમણે પાંચ વિકેટ લીધી હતી. આખી ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી આઠ મૅચ રમીને તેમણે ત્રીસેક વિકેટ લીધી હતી.
ત્યાર બાદ તેઓ ફરી એમઆરએફ પેસ ઍકેડેમીમાં ગયા ત્યાં પોતાની સ્કિલ પર કામ કર્યું પરંતુ ઈજાગ્રસ્ત થતાં તેઓ વિજય હઝારે ટ્રૉફી ન રમ્યા. તેમને ગત રણજી ટ્રૉફીની સિઝનમાં તક આપવામાં આવી પરંતુ તે માત્ર આખી સિઝનમાં 11 જ વિકેટ લઈ શક્યા હતા.
જોકે, ગુજરાતના સૌરાષ્ટ્રમાં યોજાયેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પણ તેઓ મૅન ઑફ ધ સીરિઝ બન્યા હતા.
લૉકડાઉનમાંમામાનીવાડીમાં કરી મહેનત
ચેતન સાકરિયાના મામા કાળુભાઈએ કહ્યું કે "ચેતનને લૉકડાઉનમાં પ્રેક્ટિસ કરવી હતી. તેણે મને કહ્યું આમ નહીં ચાલે મારે પ્રેક્ટિસ કરવી પડશે તો અમે અમારી વાડીએ પ્રેક્ટિસ કરવા માટે પીચ તૈયાર કરી અને જીમ ઊભું કર્યું."
“એણે વાડીમાં રહીને પ્રેક્ટિસ શરૂ કરી હતી. આજે આઈપીએલમાં જે પસંદગી થઈ છે તે એ પ્રેક્ટિસનું પરિણામ છે.”
ગત આઇપીએલમાં ચેતનની પસંદગી રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર દ્વારા નેટ બૉલર તરીકે થતાં તેઓ બેંગ્લુરૂની ટીમ સાથે દુબઈ પણ ગયા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં ચેતને કહ્યું હતું કે, “હું ધારતો હતો કે આ વખતે મારી પસંદગી આઈપીએલમાં થશે કારણ કે જ્યારે હું નેટ બૉલર તરીકે યુએઈ ગયો હતો ત્યારે આરસીબીના કોચ માઇક હેસન અને સાયમન કૅટિચે મને કહ્યું હતું કે હું આઇપીએલની ટીમમાં સિલેક્ટ થવાના તમામ માપદંડ પર ખરો ઊતર્યો છું.”
ચેતને હાલમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં 4.90ની ઇકૉનોમીથી રન આપ્યા હતા અને 12 વિકેટ લીધી હતી. જેમાં વિદર્ભ સામેની મેચમાં પાંચ વિકેટ લીધી હતી.
ભાઈનીએકપણમૅચજોઈનથી: બહેન
ચેતન સાકરિયાનાં નાનાં બહેન કહે છે કે, "મેં ભાઈની એક પણ મૅચ જોઈ નથી. જ્યારે તેઓ રાજકોટ રમવાના હતા ત્યારે તેમણે ટિકિટ આપી હતી પરંતુ મારે પરીક્ષા હતી મારે ત્યારે જોઈ શકી ન હતી. પરંતુ હવે ચોક્કસ જોવા જઈશું."
ચેતનના મામા કાળુભાઈ કહે છે, "ચેતન બોલ્ડ મારે એ મને ખૂબ જ ગમે છે, હું વારંવાર તેના વીડિયો જોયા કરું છું. હવે વધારે મજા આવશે."
ચેતનની શાળા વિદ્યાવિહારના શિક્ષક કહે છે, "ચેતન ભાવનગરનો હીરો છે. આજે આખું ગામ તેની ચર્ચા કરે છે. અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ ચેતન સાકરિયા જેવા બનવા માગે છે. અમારી શાળા બે વખત શ્રેષ્ઠ શાળાનો ઍવૉર્ડ જીતી ચૂકી છે પરંતુ હાલની ખુશી અમારા સૌ માટે અલગ જ છે."
ચેતનનાં બહેન કહે છે, "અમારો ભાઈ વરતેજ ગામની શેરીઓથી લઈને આખા ભારત વતી રમશે. તેનું પ્રતિનિધિત્વ કરશે. મને તો હજુ એવું જ લાગે છે કે હું સપનું જોઉં છું."
(આ અહેવાલ 20 ફેબ્રુઆરી 2021માં પ્રકાશિત થયો હતો. તેને ફરી સંપાદિત કરવામાં આવ્યો છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો