G-7 શિખર પરિષદ : નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી ભાગ લેશે, આજથી થશે શરૂઆત

બ્રિટનના કૉર્નવોલસ્થિત કોર્બિસ બે રિસોર્ટમાં 11 જૂનથી શરૂ થઈ રહેલી જી-7 શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રિત સભ્ય તરીકે વર્ચ્યૂઅલી ભાગ લેશે.

આ વર્ષે ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કલ સહિતના વિશ્વના નેતાઓ જી-7 રાષ્ટ્રોની શિખર પરિષદ દરમિયાન એકમેકની સાથે વ્યક્તિગત બેઠકો યોજશે.

કોવિડ-19 વૈશ્વિક મહામારીની અને વૈશ્વિક અર્થતંત્રને તેણે મારેલા ફટકાની પશ્ચાદભૂમાં આ શિખર પરિષદ કેટલી મહત્વની છે તે સમજતા પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ જી-7 છે શું?

શું છે ગ્રુપ ફ સેવન?

જી-7 એટલે ગ્રુપ ઑફ સેવન. વિશ્વનાં સાત કથિત સૌથી મોટાં અર્થતંત્રોએ આ સંગઠનની રચના કરી છે. એ સાત દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની,ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

આ સંગઠનમાં રશિયા 1998માં જોડાયું હતું અને જી-7 બન્યું હતું જી-8, પણ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ક્રિમિયા કબજે કરવા બદલ રશિયાને 2014માં જી-8માંથી પડતું મૂકવામાં આવ્યું હતું અને સંગઠન ફરી જી-7 બની ગયું હતું.

જી-7ની બેઠકોમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે, પણ વિશ્વના બે મોટા દેશો ભારત અને ચીનને હજુ સુધી સમાવવામાં ન આવ્યાં હોવાથી જી-7 સમસામયિક ન હોવાની ટીકા થાય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં જી-7ને સાત દેશોનું કાલગ્રસ્ત જૂથ ગણાવ્યું હતું.

ચીનના અર્થતંત્રનું કદ ઘણું મોટું છે અને તે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. તેમ છતાં તેને ક્યારેય જી-7નો સભ્યદેશ બનાવાયો નથી.

ચીનમાં પ્રતિવ્યક્તિ સંપત્તિનું પ્રમાણ સરખામણીએ નીચું હોવાથી તેને, જી-7ના સભ્યરાષ્ટ્રોની માફક આધુનિક અર્થતંત્ર ગણવામાં આવતું નથી.

જી-7 શું કામ કરે છે?

જી-7ના સભ્ય દેશોના પ્રધાનો તથા અધિકારોએ સમગ્ર વર્ષ દરમિયાન બેઠકો યોજે છે, કરારોનું ઘડતર કરે છે અને વૈશ્વિક ઘટનાઓ વિશે સંયુક્ત નિવેદનો બહાર પાડે છે.

વાર્ષિક શિખર પરિષદની મુખ્ય ઇવેન્ટમાં નેતાઓ સાથે મળીને વર્તમાન સમયના સૌથી મહત્વના મુદ્દાઓ બાબતે ચર્ચા કરે છે.

ગયા વર્ષે અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જી-7 શિખર પરિષદનું આયોજન કરવાના હતા, પણ કોવિડ-19 રોગચાળાને કારણે શિખર પરિષદ રદ કરવામાં આવી હતી. શિખર પરિષદ યોજાઈ ન હોઈ તેવું 1975 પછી ગયા વર્ષે પહેલી વખત બન્યું હતું.

જી-7ને પાસે કોઈ સત્તા છે?

જી-7 પોતપોતાની અલગ લોકતાંત્રિક પ્રક્રિયા ધરાવતા જુદા-જુદા દેશોએ બનાવેલું સંગઠન હોવાથી કોઈ કાયદો ઘડી શકતું નથી.

અલબત, તેના કેટલાક નિર્ણયની વૈશ્વિક સ્તરે અસર થાય છે ખરી.

દાખલા તરીકે, મલેરિયા તથા ઍઈડ્ઝ સામેની લડત માટે 2002માં વૈશ્વિક ભંડોળની રચના જી-7એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

શિખર પરિષદ કૉર્નવોલમાં શા માટે?

આ વર્ષે જી-7 શિખર પરિષદનું યજમાનપદ બ્રિટન સંભાળી રહ્યું છે. બ્રિટને આ વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે શિખર પરિષદ કાર્બિસ બૅ હોટેલ ખાતે યોજાશે.

આ પ્રદેશ બ્રિટનના ગ્રીન ટેકનૉલૉજીના સૅક્ટરના કેન્દ્રમાં છે.

આ વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો ખાતે યોજાનારી યુનાઈટેડ નેશન્શ ક્લાયમેટ ચેન્જ કૉન્ફરન્સ (COP26) પહેલાં બ્રિટન સરકાર માટે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવી એ મહત્વનું છે.

જોકે, બ્રિટન સરકારે જણાવ્યું હતું કે વિશ્વના નેતાઓ એકમેકને વ્યક્તિગત રીતે મળે એ મહત્વનું છે.

આ શિખર પરિષદ દરમિયાન કોવિડ ટેસ્ટિંગ પણ નિયમિત રીતે કરવામાં આવશે.

આ વર્ષની શિખર પરિષદમાં ખાસ શું છે?

બીબીસીનાં પોલિટિકલ એડિટર કુન્સબર્ગના અહેવાલ મુજબ, આ શિખર પરિષદ બહુ અર્થપૂર્ણ હશે.

આ વર્ષે જી-7 શિખર પરિષદમાં ખરેખર ગંભીર મુદ્દાઓની ચર્ચા થશે. આ વર્ષે ચર્ચાનો મુખ્ય વિષય હશેઃ કોવિડ રિકવરી.

સમગ્ર દુનિયાને ભાવિ રોગચાળા સામે રક્ષણ આપે તેવી મજબૂત વૈશ્વિક આરોગ્યવ્યવસ્થાના નિર્માણની ચર્ચા પણ તેમાં થશે.

એ ઉપરાંત વિકાસશીલ દેશોને કોરોના વૅક્સિન ઉપલબ્ધ કરાવવા માટેની અને જળવાયુ પરિવર્તન સંબંધી પ્રતિબદ્ધતા કેન્દ્રમાં હશે એ નક્કી છે.

અમેરિકાના નવા પ્રમુખ અને બ્રિટનના પ્રમાણમાં નવા કહેવાય તેવા વડા પ્રધાન બોરિસ જૉન્સન વચ્ચે પહેલીવાર વ્યક્તિગત મુલાકાત થશે, જે કોઈ પણ અર્થમાં બહુ મોટી ઘટના હશે.

એ ઉપરાંત કોવિડ-19ના વૈશ્વિક રોગચાળા બાદ સૌપ્રથમવાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોના નેતાઓ એક મંચ પર આવવાના છે.

આ નેતાસમૂહ અને ખાસ કરીને અમેરિકાના પ્રમુખ તાજેતરમાં સંકેત આપી ચુક્યા છે કે વૈશ્વિક રોગચાળાનો ધીમે-ધીમે અસ્ત થઈ રહ્યો છે ત્યારે તેઓ ખરેખર બધાની સાથે મળીને કામ કરવા ઈચ્છે છે.

ચીનની વધી રહેલી વગના સંદર્ભમાં લોકશાહી દેશો વચ્ચે વ્યાપક સહકાર સાધવો જરૂરી છે એ વાત ભારત, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા જેવાં આમંત્રિત રાષ્ટ્રો સહિતના સભ્ય દેશોના ગળે ઉતારવા બાબતે ચર્ચા થઈ શકે છે.

શિખર પરિષદની કાર્યસૂચિમાં જળવાયુ પરિવર્તન અને વ્યાપારનો પણ સમાવેશ થાય છે.

નેતાઓનું આગમન અને કમ્યુનિકે

જી-7ના સભ્ય દેશોના નેતાઓનું આગમન શુક્રવાર-11 જુને થશે. બીજા દિવસની સવારથી બેઠકોનો દૌર શરૂ થશે. મોટાભાગની ચર્ચા-મંત્રણા બંધબારણે થશે.

શિખર પરિષદના અંતે યજમાન દેશ બ્રિટન કમ્યૂનિકે નામનો એક દસ્તાવેજ બહાર પાડશે. શિખર પરિષદ દરમિયાન નેતાઓ વચ્ચે કઈ-કઈ બાબતો વિશે સહમતી સધાઈ છે તેની માહિતી કમ્યૂનિકેમાં આપવામાં આવશે.

આ કમ્યૂનિકે સભ્ય દેશોના અધિકારીઓ વાસ્તવમાં મહિનાઓ પહેલાં એ તૈયાર કરી નાખતા હોય છે, પણ ફાઇનલ કમ્યૂનિકે સભ્ય દેશોના નેતાઓ વચ્ચે છેલ્લી ઘડીએ સહમતી સધાય પછી જ બહાર પાડવામાં આવે છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન રવિવારે પત્રકારપરિષદને સંબોધન કરશે એવી આશા છે.

આ વર્ષે વિરોધપ્રદર્શનો યોજાશે?

કોવિડ સંબંધી નિયંત્રણોને કારણે આ વખતે વિરોધપ્રદર્શન યોજવાનું અને વ્યવસ્થાની જાળવણી બન્ને મુશ્કેલ હશે.

વિરોધપ્રદર્શનકર્તાઓ ચાર નિર્ધારિત સ્થળે જ એકઠા થઈ શકશે, એવો આદેશ સરકારે બહાર પાડ્યો છે.

જોકે, પોલીસે કહ્યું છે કે પ્રદર્શનકર્તાઓ નિર્ધારિત ચાર સ્થળે જ એકઠા થશે એવું માનવું ભૂલ ભરેલું છે.

ઍક્સ્ટિંક્શન રિબેલિયન નામના ક્લાયમેટ ઍક્ટિવિસ્ટ ગ્રૂપે જણાવ્યું છે કે તેના 1,000 કાર્યકરો કૉર્નવોલ ખાતે વિરોધપ્રદર્શન કરશે.

આ શિખર પરિષદમાં સલામતી બંદોબસ્ત માટે ડેવોન અને કૉર્નવોલના ટોચના 1,500 અધિકારીઓ ઉપરાંત 5,000 વધારાના અધિકારીઓ આવવાના છે. તેમના રહેવા માટે સ્થાનિક પોલીસે એક ક્રૂઝ શિપ ભાડે રાખી છે.

વિશ્વના નેતાઓ સમુદ્રના કિનારે આવેલા સ્થળે મળી રહ્યા હોય એવી આ પહેલી ઘટના નથી. 2019માં જી-7 શિખર પરિષદ ફ્રાન્સમાં સમુદ્રતટે આવેલા બિઅરેત્ઝ ખાતે યોજાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો