રાજસ્થાન : આંબેડકરનું પોસ્ટર ફાડવાનો એ વિવાદ જે દલિત યુવકની હત્યા સુધી પહોંચ્યો

    • લેેખક, મોહર સિંહ મીણા
    • પદ, જયપુરથી, બીબીસી ગુજરાતી માટે

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં રાવતસર તાલુકાના કિકરાલિયા ગામમાં ઘરની બહાર લગાવવામાં આવેલા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પોસ્ટરને ફાડવા બદલ થયેલા વિવાદમાં 22 વર્ષીય દલિત યુવક વિનોદ પર કથિત રીતે હુમલો થયો અને બાદમાં એમનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું.

ઘટના સમયે મૃતક વિનોદ સાથે હાજર રહેલા તેમના ભાઈ મુકેશ મેઘવાલે બીબીસી સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યું, "5 જૂનના રોજ સાંજે હું અને વિનોદ ખેતરે જઈ રહ્યા હતા ત્યારે એક ગાડી અમારી પાસે આવીને ઊભી રહી અને અમે સમજી શકીએ એ પહેલા તો ગાડીમાંથી નીકળેલા લોકોએ અમારા પર હૉકી સ્ટિક અને દંડાથી હુમલો કરી દીધો."

"વિનોદના માથા પર દંડાથી માર મારવામાં આવ્યો જેથી ઘણું લોહી નીકળી ગયું અને તે બેભાન થઈ ગયો. હું તરત ત્યાંથી ભાગ્યો અને પરિવારના સભ્યોને જાણ કરી."

પરિવાર વિનોદ મેઘવાલને ગંભીર હાલતમાં રાવતસર હૉસ્પિટલ લઈ ગયો. જ્યાં પહેલાં હનુમાનગઢ અને પછી શ્રીગંગાનગર માટે તેમને રિફર કરાયા. 7 જૂનની સવારે સારવાર દરમિયાન શ્રીગંગાનગર હૉસ્પિટલમાં વિનોદે દમ તોડી દીધો.

વિનોદના મૃત્યુ બાદ હૉસ્પિટલ સામે ભીમ આર્મી અને મેઘવાલ સમાજના લોકોએ વિરોધપ્રદર્શન કર્યું અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી.

શું છે મામલો?

આ મામલે થયેલી પોલીસ કાર્યવાહી વિશે રાવતસર સર્કલ ઑફિસર રણવીર સિંહ મીણા એ કહ્યું, "ઘરની દીવાલ પર ડૉ. આંબેડકરનું પોસ્ટર ફાડવા બદલ અને હુમલાનો કેસ દાખલ કરાયો છે. એફઆઈઆરમાં જેના નામ છે તેમાંથી ચાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. બેની શોધખોળ ચાલુ છે."

તેમણે કહ્યું,"પ્રાથમિક જાણકારી મુજબ આ વિવાદ સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી દુશ્મનીથી શરૂ થયો. મૃતક વિનોદ ભીમ આર્મીના સોશિયલ મીડિયાનો પ્રભારી હતા અને સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લઈને યુવકોનો વિવાદ વધી ગયો હતો."

સ્થાનિક પત્રકાર પુરુષોત્તમ ઉપાધ્યાય જણાવે છે, "વિનોદના પરિવાર અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી એક રસ્તા મામલે પણ વિવાદ ચાલી રહ્યો હતો. એ રસ્તા પર કોર્ટે સ્ટે મૂકેલો છે. પહેલા પણ બે વખત લડાઈ થઈ હતી."

પત્રકાર પુરુષોત્તમ જણાવે છે,"આ વિવાદ મોટો ન થાત પણ પોલીસ પ્રસાશને નરમ વલણ દાખવ્યું જેથી વાત અહીં સુધી પહોંચી ગઈ."

પોસ્ટરને ક્યારે ફાડવામાં આવ્યું

એફઆઈઆર અનુસાર 14 એપ્રિલ 2021ના રોજ ગામમાં વિનોદે આંબેડકર જયંતીનો ઉત્સવ મનાવ્યો. ત્યાર બાદ અભિનંદનનું પોસ્ટર પણ ઘરની દીવાલ પર લગાવ્યું હતું.

એફઆઈઆરમાં જણાવાયું છે કે 24 મેના રોજ ગામના જ કેટલાક યુવકો આ પોસ્ટરને ફાડીને લઈ ગયા. પોસ્ટર ફાડનારા યુવકો વિશે વિનોદે તપાસ કરાવી. પછી વિવાદ વધી ગયો.

વિવાદ શાંત કરવા માટે પંચાયતમાં બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થઈ ગયું. પરંતુ ત્યાર બાદ આરોપીઓએ 5 જૂનના રોજ વિનોદ પર હુમલો કરી દીધો.

22 વર્ષીય વિનોદે 2 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમના મોટાભાઈ અને બે બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. તેમના માતાપિતા ખેતી કરે છે. વિનોદ છ વીઘા જમીન ભાગે લઈને ભાગે ખેતી કરતા હતા.

તેમના ભાઈ મુકેશ મેઘવાલે જણાવ્યું કે વિનોદ ભીમ આર્મી રાવતસરના સોશિયલ મીડિયા પ્રભારી પણ હતા.

વળતરની માગ

મૃતક વિનોદ મેઘવાલના પરિવાર અને ભીમ આર્મી ફરિયાદમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડની સાથે સાથે પરિવારને 25 લાખ રૂપિયાના વળતરની, એક સભ્યને સરકારી નોકરીની, ખેતરમાં જવાના વૈકલ્પિક માર્ગની, ડેપ્યુટી એસપી રણવીર સિંહ મીણાને સસ્પેન્ડ કરવાની તથા પરિવારને સુરક્ષા પૂરી પાડવાની માગ કરી રહ્યા છે.

સ્થાનિક પત્રકાર પુરુષોત્તમ ઉપાધ્યાય જણાવે છે કે તેમાંથી કેટલીક માગ પર સમજૂતી થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું, "10.39 લાખ રૂપિયાનું વળતર, એફઆઈઆરમાં સામેલ તમામની ધરપકડ, સરકારી નોકરી માટે સરકારને પ્રસ્તાવ મોકલવા, ખેતરમાં જવા માટે વૈકલ્પિક રસ્તો અને પરિવારની સુરક્ષા માટે પોલીસકર્મી મામલે પ્રશાસન સાથે સમજૂતી થઈ ગઈ છે."

ભીમ આર્મીના હનુમાનગઢ જિલ્લાના અધ્યક્ષ કુલદીપ આંબેડકરે બીબીસીને કહ્યું, "વિનોદ રાવતસરથી ભીમ આર્મીના સોશિયલ મીડિયા પ્રભારી હતા. પ્રશાસન સાથે માગણી મામલે થયેલી સમજૂતીથી પરિવાર સંતુષ્ટ છે. આથી ભીમ આર્મી પણ સંતુષ્ટ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો