You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માયાવતી પર અભદ્ર જોક્સ કરવાની હિંમત ક્યાંથી આવે છે?
- લેેખક, સિંધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
'માયાવતી જોક્સ.'
જો તમે આ બે શબ્દોને ગુગલ પર સર્ચ કરશો તો તમને માયાવતીને લઈને વીસેક 'જોક્સ' મળશે. આમાં મોટા ભાગના જોક્સ તેમનાં રંગ-રૂપ અને કદ-કાઠી પર કહેવાતા હોય છે.
માયાવતી પર હિંદી અને સ્થાનિક ભાષાઓમાં પણ ખરાબ જોક્સ બનાવાય છે અને ઍલિટ અંગ્રેજીમાં પણ. આ તમામ જોક્સ એટલા અપમાનજનક અને અશ્લીલ છે કે તેમને લખી પણ ન શકાય.
આ ટુચકાઓ એ જ માયાવતીને નિશાને બનાવતાં હોય છે જેઓ પહેલીવાર દલિત મહિલા મુખ્ય મંત્રી બન્યાં, જેઓ ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી પદ પર રહ્યાં, જેઓ રાષ્ટ્રીય સ્તરે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે અને જેમને પૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવે 'લોકતંત્રના ચમત્કાર' ગણાવ્યાં હતાં.
હાલમાં જ બોલીવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાનો એક જૂનો વીડિયો વાઇરલ થયો. આ વીડિયોમાં તેઓ જાહેર મંચ પરથી એક ટુચકો કરતા જોવા મળે છે.
અંગ્રેજીમાં કહેવાયેલા આ ટુચકાનો માયાવતીના રાજકારણ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેમના ચહેરાની મજાક ઉડાવવામાં આવી છે અને બિનઆકર્ષક મહિલા કહેવાની જગ્યાએ તેમના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વીડિયો વર્ષ 2012નો હોવાનું મનાય છે પણ હાલમાં સામે આવ્યો છે, માયાવતી તે સમયે તો ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી રહ્યાં હશે કે પછી એ વખતે જ સત્તામાંથી બહાર થયા હશે.
વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયા પર રણદીપની ધરપકડ કરવાની માગ થવા લાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દર વર્ષે માઇગ્રેટ કરનારા જીવોના સંરક્ષણ પર કામ કરનારી સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થા સીએમએસે પણ તેમની સાથેનો કરાર તોડી નાખ્યો છે. હાલ સુધી હુડ્ડા સીએમએના બ્રાન્ડ ઍમ્બેસેડર હતા.
જોકે આટલું બધું થઈ ગયા બાદ પણ રણદીપ હુડ્ડા તરફથી કોઈ માફી અથવા નિવેદન સામે આવ્યાં નથી.
માયાવતીની મજાક
આ પહેલી અને છેલ્લી વાર નથી કે જ્યારે માયાવતી પર કોઈ આપત્તિજનક, મહિલાવિરોધી અથવા જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હોય કે આ પ્રકારે કોઈ ખરાબ ટુચકો કરાયો હોય.
તેમને નિશાને બનાવવાળામાં નેતાઓ અને અભિનેતાઓથી લઈને કૉમેડિયન અને સામાન્ય લોકો તમામ સામેલ છે.
ઉત્તર પ્રદેશના દલિત પરિવાર અને સામાન્ય પૃષ્ઠભૂમિથી આવનારાં માયાવતીને પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો.
માયાવતીની બાયૉગ્રાફી લખનારા અજય બોઝે પોતાના પુસ્તક 'બહનજી : અ પૉલિટિકલ બાયોગ્રાફી ઑફ માયાવતી'માં આનો ઉલ્લેખ કર્યો છે.
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માયાવતી પહેલીવખત લોકસભામાં ચૂંટણી જીતીને આવ્યાં તો તેમના તેલવાળા વાળ અને 'ગ્રામીણ કપડાં' કહેવાતાં ભદ્ર મહિલા સાંસદો માટે 'મજાકનો વિષય' બની ગયાં હતાં.
અજય બોસ લખે છે, "તેઓ હંમેશાં ફરિયાદ કરતાં હતાં કે માયાવતીને ઘણો પરસેવો આવે છે. તેમનામાંથી એક નેતાએ તો એક વરિષ્ઠ મહિલા સાંસદને ત્યાં સુધી કહ્યું કે તેઓ માયાવતીને "સારું અત્તર" લગાવીને સંસદમાં આવવા માટે કહે."
'કારવાન' મૅગેઝિનમાં માયાવતી પર વિસ્તારથી લેખ લખનારાં પત્રકાર નેહા દીક્ષિત કહે છે કે માયાવતીને શરૂઆતથી હાલ સુધી હંમેશાં નિશાને બનાવવામાં આવ્યાં છે.
તેઓ કહે છે, "પહેલાં માયાવતી ચોટલો બાંધતાં હતાં ત્યારે પણ તેમની મજાક ઉડાવવામાં આવતી હતી. પછી તેમણે વાળ નાના કરાવી નાખ્યા ત્યારે પણ તેમની મજાક ઉડાવવામાં આવી. તેમણે હીરાનાં ઘરેણાં પહેર્યાં ત્યારે પણ તેમની મજાક ઊડી અને મોંઘી હૅન્ડબૅગ લીધી ત્યારે પણ."
નેહા દીક્ષિત કહે છે કે આમ છતાં પણ ક્યારેક જ એવું બન્યું હશે કે માયાવતીએ પોતાના પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓને લઈને કોઈ પ્રતિક્રિયા આપી હોય.
અનેક વખત એવું થયું છે જ્યારે સેલિબ્રિટી, નેતાઓ અને જાણીતા લોકોની દલિતવિરોધી ટિપ્પણી સામે આવી હોય અને તેમાંથી કેટલીય માયાવતી સાથે જોડાયેલી પણ હોય.
સરળ નિશાનો
સવાલ એ છે કે લોકો એવા સશક્ત નેતાની સામે આવી વાત કહીને આટલી સરળતાથી કેવી રીતે નીકળી જાય છે? તેમની યોગ્ય પ્રમાણમાં નિંદા કેમ નથી થતી અને તેના પર કાયદાકીય કાર્યવાહી કેમ નથી થતી?
સીપીઆઈ(એમ)નાં મહિલાવાદી નેતા કવિતા કૃષ્ણન માયાવતી પર કરાતી ટિપ્પણીઓને મહિલાવિરોધી અને દલિતવિરોધી વિચારોનું પરિણામ ગણાવે છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આપણો સમાજ એ હદ સુધી સેક્સિસ્ટ અને કાસ્ટિસ્ટ છે કે મહિલાઓ અને દલિતો પર ટિપ્પણી કરવી કોઈ મોટી વાત નથી ગણાતી. એટલે જ લોકોને પણ નથી લાગતું કે તે કંઈ અલગ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ તો સામાન્ય વાત છે અને તમામ એવું કરે છે."
કવિતા કૃષ્ણનનું માનવું છે કે જ્યારે લોકોને કોઈ મહિલાને નીચે દેખાડવાનો કોઈ બીજો રસ્તો નથી સૂજતો તો તેઓ તેમનાં ચહેરા અને શરીરને નિશાન બનાવે છે.
તે વધુમાં કહે છે, "આ જ કારણ છે કે સુરક્ષિત ન હોવાની ભાવનાથી ઘેરાયેલા લોકો, ખાસ કરીને સ્વર્ણ પુરુષ માયાવતી જેવી શક્તિશાળી મહિલાઓ પર ભદ્દી ટિપ્પણી કરીને તેમને અપમાનિત કરવાના પ્રયત્નો કરે છે."
કવિતા એમ પણ કહે છે કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં મહિલાઓ અને દલિતો પોતાના અધિકારો અને ઓળખને લઈને જાગૃત થઈ રહ્યાં છે અને તેઓ આવી ટિપ્પણીઓનો વિરોધ કરે છે, એના પર સવાલ પૂછે છે.
કદાચ આજ કારણ છે કે વર્ષ 2012માં રણદીપ હુડ્ડાએ કરેલા એ આપત્તિજનક જોક્સનો વિરોધ ન થયો પરંતુ આજે થઈ રહ્યો છે.
અનેક વખત આવી ટિપ્પણીઓ કરનારા લોકો કહે છે કે જ્યારે તેમણે આવી વાતો કહીં ત્યારે તેઓ જાગૃત નહોતા અને તેમની સમજણ નહોતી વિકસી. આવી દલીલોને કેટલી યોગ્ય ગણી શકાય?
તેના જવાબમાં કવિતા કૃષ્ણન કહે છે, "એવી દલીલ આપીને પીછો છોડાવી શકાતો નથી. આ વાત સાચી છે કે આપણો સમાજ સેક્સિસ્ટ અને કાસ્ટિસ્ટ છે પરંતુ આપણે પોતાની સમજ જાતે વિકસાવવીપડે. ખોટી વસ્તુઓને 'અનલર્ન' કરવી પડે."
દલિતઅધિકારો માટે કામ કરનારા અને 'જૅન્ડર સેન્સિટિવિટી ટ્રેનિંગ'નો લાંબા સમયનો અનુભવ ધરાવતાં સિંથિયા સ્ટીવન પણ આવી દલીલોને અપૂરતી ગણાવે છે.
તેઓ કહે છે, "જો તમે ભૂતકાળમાં કોઈ એવી ટિપ્પણી કરી તો તેની પાછળ બહાનાં અને દલીલો શોધવા કરતાં સારું એ છે કે તમે કોઈ પણ શરત વિના માફી માંગો અને પોતાનું નિવેદન પરત લો. આ જરૂરિયાત પડે તો તેના પર કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ."
સિંથિયા પ્રમાણે ભારતમાં મહિલાઓની સુંદરતાનો જે માપદંડ નક્કી કરવામાં આવ્યો છે તે પણ 'બ્રાહ્મણવાદી અને અભિજાત્યવાદી' (ઍલિટિસ્ટ) છે.
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે માયાવતી પર અપમાનજનક ટિપ્પણી કરનારા અથવા તેમની સાથે જોડાયેલાં ભદ્દા ટુચકા કરનારઓમાં મોટા ભાગના સવર્ણ પુરુષો છે.
સિંથિયા કહે છે, "મને નથી લાગતું કે કોઈ દલિત મહિલા માયાવતીના રંગ-રૂપ અથવા શરીર પર આપત્તિજનક ટિપ્પણી કરી શકે છે. એવું કરનાર સવર્ણ પુરુષોની સંખ્યા વધારે છે કારણ કે તેમની નજરમાં દલિત મહિલાઓનું કોઈ ખાસ મહત્વ નથી."
સિંથિયાના કહેવા પ્રમાણે આવું કરનારા લોકોને પોતાની ભૂલોને એટલા માટે ધ્યાને નથી આવતી, કેમ કે જન્મથી મળેલા 'પ્રિવિલેજ'ને લીધે તેઓ આને સહજ ગણે છે.
યૌન હિંસાને રંગ-રૂપ સાથે જોડવી
કવિતા કૃષ્ણન દલિત અને પછાત વર્ગની મહિલાઓ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ સમજાવવા માટે રાજસ્થાન કોર્ટની એક ટિપ્પણી યાદ કરાવે છે.
વર્ષ 1995માં હાઈકોર્ટ દ્વારા પછાત જાતિ સાથે સંબંધ ધરાવતાં ભંવરીદેવીના બળાત્કારના આરોપીઓને એમ કહીને છોડી મુકવામાં આવ્યા હતા કે ઉચ્ચ જાતિનો કોઈ પુરુષ પછાત જાતિની મહિલા પર બળાત્કાર નથી કરી શકતો કારણ કે તે તેને 'અશુદ્ધ' માને છે.
વર્ષ 1995ની જ વાત છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ગેસ્ટહાઉસ કાંડ પછી માયાવતીએ કહ્યું કે તે દિવસે તેમને બળાત્કારનો ડર લાગ્યો તો મુલાયમ સિંહ યાદવે એક રેલીમાં કહ્યું, "શું માયાવતી એટલી સુંદર છે કે કોઈ તેમનો બળાત્કાર કરવા ઇચ્છે?"
કૉંગ્રેસ નેતા રીટા બહુગુણા જોશીએ વર્ષ 2009માં ઉત્તર પ્રદેશનાં તત્કાલીન મુખ્ય મંત્રી માયાવતીને બળાત્કાર પીડિતાઓના માટે વળતરની રકમ વધારવાના સંદર્ભમાં કહ્યું કે 'માયાવતીને શરમમાં મૂકવા માટે તેમના પર વળતરની રકમ ફેંકીને કહેવું જોઈએ કે જો તમે બળાત્કાર માટે રાજી થઈ જાવ તો તમને એક કરોડ રૂપિયા આપીશ.'
એટલે વાત માત્ર મહિલાઓની દરેક સફળતા અથવા નાકામીને તેમના ચહેરા અને શરીર સાથે જોડવા સુધી સીમિત નથી. બળાત્કાર જેવા જાતીય આરોપોને તેમના રૂપ સાથે જોડવામાં આવે છે.
#MeToo ચળવળની શરૂઆત કરનારા ટૅરેના બર્કની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે 'સમજમાં નથી આવતું કે #MeToo જેવી ચળવળની જરૂર કેમ પડી? તેમના જેવી કાળી, જાડી અને ભદ્દી મહિલાનું કોઈ જાતિય શોષણ કેમ કરે?'
ટૅરેના બર્ક એક બ્લેક અમેરિકન મહિલા છે અને એ પણ સ્પષ્ટ છે કે પોતાના સમાજમાં તેઓ પણ ક્યાંકને ક્યાંક હાંશિયા પર જ છે.
આખા સમુદાયનું અપમાન
કવિતા કૃષ્ણન કહે છે, "પુરુષવાદી અને જાતિવાદી સમાજની આ જ ધારણા છે કે મહિલા જ પોતાના બળાત્કાર અને જાતીય શોષણ માટે જવાબદાર છે. આવા જ વિચારની ઝલક સમયાંતરે લોકોનાં નિવેદનો પર પણ દેખાય છે."
નેહા દિક્ષિતનું માનવું છે કે જેમને આપણે હંમેશાં મજાક બનાવીએ છીએ એમને પોતાનાથી ઓછા આંકીએ છીએ એટલા માટે જોક્સમાં પણ એક 'પાવર ઇક્વેશન' હોય છે.
તેઓ કહે છે, "જ્યારે તમે કોઈ મહિલા અથવા કોઈ દલિતને લઈને ભદ્દા ટુચકા કરો છો અથવા કોઈ આપત્તિજનક ટિપ્પણી કરો છો ત્યારે તેનાથી આખો સમુદાય પ્રભાવિત થાય છે."
સિંથિયા સ્ટીવન કહે છે કે આને રોકવા માટે જરૂરી એ છે કે હાલની અને ભવિષ્યની પેઢીને શરૂઆતથી જ મહિલાઓ અને દલિતોની સાથે થનારી હિંસા અને ભેદભાવ વિશે સંવેદનશીલ બનાવવામાં આવે.
તેઓ આવાં નિવેદનો પર સતત સવાલ કરવા અને વિરોધ કરવા માટે કહે છે.
તેમના કહેવા પ્રમાણે જો આપણે સતત અપમાનજનક વાતો પર વાંધો ઉઠાવતા રહીશું તો એ સંદેશ સ્પષ્ટ થતો જશે કે આવું કરવું અથવા કહેવું સામાન્ય નથી.
સિંથિયા કહે છે, "સારી વાત એ છે કે સોશિયલ મીડિયાના કારણે એવું વર્તન ધ્યાનની બહાર રહેતું નથી અને આવું કરનારા સવાલોથી ઘેરાઈ જાય છે. જેમ આજે રણદીપ હુડ્ડા આવ્યા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો