Avian Influenza : ચીનમાં બર્ડ ફ્લૂ H10N3નો માણસને ચેપ લાગ્યો, 'દુનિયાનો પહેલો કેસ', રોગ કેટલો જોખમી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના વાઇરસના સંક્રમણની ચુંગલમાંથી બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ચીનમાં બર્ડ ફ્લૂથી માણસને સંક્રમણ થવાનો કેસ નોંધાયો છે.

મંગળવારે ચીનના રાષ્ટ્રીય હેલ્થ કમિશને જણાવ્યું કે જાંગસુ પ્રાંતમાં બર્ડ ફ્લૂના H10N3 સ્ટ્રેનનો ચેપ માણસને લાગ્યો છે.

આ સ્ટ્રેનથી માણસને ચેપ લાગવાનો દુનિયાનો આ પ્રથમ કિસ્સો છે.

ચીનના હેલ્થ કમિશનનો દાવો છે કે H10N3ના માનવ ઇન્ફૅક્શનનો કેસ આ પહેલાં દુનિયામાં નોંધાયો નથી.

ચીનના નિવેદન પ્રમાણે ઝેનજિઆંગના 41 વર્ષીય પુરુષને પૉલ્ટ્રીફાર્મથી ચેપ લાગ્યો હોવાનું મનાય છે.

જોકે બર્ડ ફ્લૂના અન્ય એક સ્ટ્રેન H5N1 વાઇરસના કારણે 171 વ્યક્તિઓ સંક્રમિત થઈ છે અને 93 લોકો મૃત્યુ પામ્યા છે.

બર્ડ ફ્લૂ H5N1 પક્ષીથી માણસમાં કેવી રીતે આવે?

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર H5N1 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા છે, જે ખૂબ જ ચેપી છે. H5N1થી સંક્રમિત થયા બાદ 60 ટકા લોકો મૃત્યુ પામે છે.

H5N1થી સંક્રમિત પક્ષીઓ, H5N1ના કારણે મૃત્યુ પામેલાં પક્ષીઓનાં સંપર્કમાં આવવાથી અથવા H5N1થી દુષિત વાતાવરણમાં જવાથી મનુષ્યોમાં આ રોગ ફેલાય છે.

WHO અનુસાર મનુષ્યોમાં આ બીમારી સહેલાઈથી ફેલાતી નથી. પણ વાઇરસના કારણે વ્યક્તિને ઘણી ગંભીર બીમારી થવાનો ખતરો છે, જેમાં મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોર અને શ્વાસની ગંભીર બીમારી સામેલ છે.

મનુષ્યોમાં H5N1 બીમારી ક્યારેક-ક્યારેક જોવા મળે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ઝડપથી ફેલાતું નથી.

બર્ડ ફ્લૂનાં લક્ષણો

  • જો વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત થાય તો તીવ્ર તાવ, અસ્વસ્થતા, ઉધરસ, ગળામાં દુખાવો અને સ્નાયુઓમાં દુખાવાની તકલીફ થઈ શકે છે.
  • દરદીને પેટ અને છાતીમાં દુખાવો થવાની સાથે-સાથે ઝાડા પણ થઈ શકે છે.
  • શ્વાસની બીમારી થવાની સાથે મસ્તિષ્કને લાગતી બીમારી પણ થઈ શકે છે.

બર્ડ ફ્લૂનો ઇતિહાસ

1996માં આ વાઇરસ સૌપ્રથમ ચીનમાં દેખા દીધી હતી. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન વેબાસાઇટ અનુસાર ચીનમાં એક હંસની અંદર સૌપ્રથમ આ વાઇરસ મળી આવ્યો હતો.

1997માં હૉંગકૉંગમાં મનુષ્યો પણ એશિયન H5N1થી સંક્રમિત થયા હતા. ત્યારબાદ આફ્રિકા, યુરોપ, એશિયા અને મધ્યપૂર્વના 50થી પણ વધુ દેશોમાં આ વાઇરસ મળી આવ્યો.

એશિયન H5N1 વાઇરસને બાંગ્લાદેશ, ચીન, ઇજિપ્ત, ભારત, ઇન્ડોનિશયા અને વિયેતનામમાં સ્થાનિક માનવામાં આવે છે.

2003માં આ વાઇરસ ફરીથી દેખાયો અને અત્યાર સુધી આ વાઇરસના કારણે એશિયા, આફ્રિકા, યુરોપ અને મધ્યપૂર્વમાં 200 મિલિયન મરઘાં કાં તો મૃત્યુ પામ્યાં છે અથવા મારી નાખવા આવ્યાં છે.

H5N1 વાઇરસના કારણે 171 વ્યક્તિઓ સંક્રમિત થઈ અને 93 લોકો મૃત્યુ પામ્યાં છે.

બર્ડ ફ્લૂ - માર્ચ મહિનામાં ગુજરાતમાં કેસ

માર્ચ 2021માં બર્ડ ફ્લૂએ માથું ઊંચક્યું એ વખતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓનાં મોત થયાં હતાં.

એ વખતે એક કેસ પૉઝિટિવ આવ્યા બાદ અમદાવાદના સોલા વિસ્તારના એક કિલોમિટરની ત્રિજ્યાવાળા વિસ્તારમાં રહેલાં તમામ મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારી નાખવાની અને તેનાં ઈંડાં-મરઘાંનાં ખાદ્યપદાર્થનો પણ નાશ કરવાની જાહેરાત કરાઈ હતી.

જ્યાં બર્ડ ફ્લૂનો અસરગ્રસ્ત કેસ પકડાયો હતો, તેના દસ કિલોમીટરની ત્રિજ્યાવાળા વિસ્તારને ઍલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગત જાન્યુઆરીમાં ભારતમાં H5N1 એટલે કે ઍવિયન ઇન્ફ્લુએન્ઝા વાઇરસ (બર્ડ ફ્લૂ)ના કેસોએ રાજ્ય સરકારોની ચિંતા વધારી હતી.

ભારતમાં જાન્યુઆરીમાં નોંધાયા હતા કેસ

ગત જાન્યુઆરી મહિનામાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ પૉંગ ડેમ લૅકમાં આશરે 1700 વિદેશી પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવતાં વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું.

એનડીટીવીના અહેવાલ અનુસાર ઘટના બાદ લૅકને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને કાંગડા જિલ્લાના અમુક વિસ્તારોમાં મરઘાં, ઈંડાં, માછલી અને માંસનાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હરિયાણાના બરવાલામા આવેલ 20 પૉલ્ટ્રી ફાર્મમાં લાખો મરધીઓનું મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.

કેરલ સરકારે કોટ્ટાયમ અને અલાપુઝા જિલ્લામાં હાઈ-ઍલર્ટ જાહેર કર્યું હતું. એનડીટીવીના અહેવાલ અનુસાર અસરગ્રત વિસ્તારોમાં 12000 બતકો મૃત્યુ પામ્યાં હતાં.

રાજસ્થાનમાં ઝાલાવાર, કોટા, બારણ, પાલી, જોધપુર અને જયપુર જિલ્લામાં કાગડા મૃત અવસ્થામાં મળી આવતાં રાજ્ય સરકારે ઍલર્ટ જાહેર કરાઈ હતી. ઝાલાવાડ જિલ્લાના બાલાજીમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

ન્યુઝ18.કોમના અહેવાલ અનુસાર મધ્યપ્રદેશના ઇન્દૌર, મંદસોર, અગર-માલવા અને ખરગોન જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં કાગડા મૃત મળી આવતાં પશુપાલનવિભાગે નમૂના એકત્ર કરીને લૅબમાં મોકલ્યા હતા અને 4 નમૂનામાં બર્ડ ફ્લૂ મળી આવ્યો હતો.

નવાપુરથી ગુજરાત ફેલાયો હતો બર્ડ ફ્લૂ

ફેબ્રુઆરી 2006માં ગુજરાતમાં બર્ડ ફ્લૂના સંક્રમણનાં કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે આવેલ નવાપુર વિસ્તારમાં પહેલી વાર આ રોગ દેખાયો હતો.

18 ફેબ્રુઆરી 2006ના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ટાઉન અને તાપી જિલ્લા (ત્યારે સુરત જિલ્લો હતો)નાં ઉચ્છલમાં H5N1 સંક્રમણે દેખા દીધી હતી.

જે બાદ સરકાર સફાળી જાગી હતી અને સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.

ધ ઇકૉનોમિક ટાઇમ્સ અનુસાર બર્ડ ફ્લૂને કારણે નવાપુરમાં સ્થિત મરઘાં વ્યવસાયને 26 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

સંક્રમણના કારણે 12 લાખ મરધાં મારી નાખવામાં આવ્યાં હતાં, જ્યારે 3.4 લાખ કિલો મરઘાંનો ખોરાક, 7 લાખ ઈંડાં અને 93800 ક્વિન્ટલ કાચો માલને નષ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

ઉચ્છલ તાલુકામાં પણ સંક્રમણ ન ફેલાય તે માટે આશરે 73000 મરઘાંને મારી નાંખવામાં આવ્યાં હતાં અને હજારોની સંખ્યામાં ઈંડાં નષ્ટ કરવામાં આવ્યાં હતાં.

27 વર્ષના ખેડૂત ગણેશ સોનકર H5N1થી સંક્રમિત થતાં મૃત્યુ પામ્યા હતા. H5N1 વાઇરસ ફેલાઈ જતા ગુજરાતમાં મરઘાંના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો