કોરોના વાઇરસ : વાઇરસ હવાથી ફેલાય? WHO એ શું કહ્યું?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આખરે મંગળવારે સ્વીકાર્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ 'હવાથી ફેલાતું હોવાના' પુરાવા છે.

આ પહેલાં વૈજ્ઞાનિકોના એક સમૂહે WHOને માત્ર પત્ર લખીને દિશાનિર્દેશોમાં સુધારા કરવા માટે અપીલ કરી હતી.

WHOમાં કોવિડ-19 મહામારી સાથે જોડાયેલાં ટેકનિકલ લીડ ડૉક્ટર મારિયા વા કેરખોવે એક ન્યૂઝ બ્રીફિંગમાં કહ્યું છે, "અમે હવાના માધ્યમથી કોરોના વાઇરસના પ્રસારની શંકા પર વાત કરી રહ્યાં છીએ."

આ વિશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં બેનેદેત્તા આલ્લેગ્રાંજીએ કહ્યું છે કે કોરોના વાઇરસના હવાના માધ્યમથી પ્રસારના પુરાવા મળી રહ્યા છે પણ હજી આ અંગે ચોક્કસ કહી ન શકાય.

તેમણે કહ્યું, "જાહેર સ્થળોએ, ખાસ કરીને ભીડભાડવાળી, ઓછાં હવાઉજાસવાળી અને બંધ જગ્યાઓએ હવાના માધ્યમથી વાઇરસના પ્રસારની શંકાને નકારી ન શકાય."

"જોકે આના પુરાવા એકઠા કરવાની અને સમજવાની જરૂર છે. અમે કામ કરતાં રહીશું."

...તો ઘણું બધું બદલાશે

આ પહેલાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહેતું હતું કે સાર્સ-કોવિડ-2 (કોરોના) વાઇરસ મુખ્ય રૂપે સંક્રમિત વ્યક્તિનાં નાક અને મોઢાંમાંથી નીકળતાં સૂક્ષ્મ ટીપાંઓના માધ્યમથી ફેલાય છે.

WHO એવું પણ કહેતું રહ્યું છે કે લોકોમાં ઓછામાં ઓછું 3.3 ફૂટ જેટલું અંતર રાખવાથી કોરોના વાઇરસના સંક્રમણને રોકવું શક્ય છે.

પણ જો હવે હવાના માધ્યમથી વાઇરસના પ્રસારની વાત સાચી સાબિત થઈ જાય તો 3.3 ફૂટનું અંતર અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોમાં ફેરફાર કરવા પડશે.

કેરખોવે કહ્યું છે કે આગામી દિવસોમાં WHO આ મામલે એક બ્રીફ જાહેર કરશે.

તેમણે કહ્યું, "વાઇરસના પ્રસારને રોકવા માટે મોટાપાયે રોકથામની જરૂર છે. આમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને અન્ય નિયમો પણ સામેલ છે."

ક્લિનિકલ ઇંફેક્શિયસ ડિસીઝ જર્નલમાં સોમવારે પ્રકાશિત થયેલા એક ખુલ્લા પત્રમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ આ અંગે પુરાવા આપ્યા હતા કે આ 'ફ્લોટિંગ વાઇરસ' છે, જે હવામાં રહી શકે છે અને શ્વાસ લેતી વખતે લોકોને સંક્રમિત કરી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને લખેલા આ ખુલ્લા પત્રમાં વૈજ્ઞાનિકોએ અરજ કરી હતી કે કોરોના વાઇરસના આ પાસા પર પુનર્વિચાર કરવો જોઈએ અને નવા નિર્દેશ જાહેર કરવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો