You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વુહાન વાઇરસ લૅબ : ચીનની વિવાદાસ્પદ લૅબોરેટરીની અંદર શું થાય છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચીનના વુહાનમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાયા છે, જેના કારણે તંત્ર દ્વારા શહેરની આખી વસતિ એટલે કે એક કરોડ દસ લાખ લોકોનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.
વુહાનમાં સાત કેસ નોંધાયા છે, છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી અહીં કેસ નોંધાયા નહોતા. અહીં 2019માં પહેલી વખત કોરોના વાઇરસ મળી આવ્યો હતો.
કોરોના વાઇરસના સંક્રમણના કેસો આવવાની શરૂઆત થઈ, એ વખતથી જ વુહાન ચર્ચામાં રહ્યું છે. 23 જાન્યુઆરી 2020ના દિવસે દુનિયામાં કોરોના વાઇરસને લીધે સૌથી પહેલું લૉકડાઉન વુહાનમાં જ થયું હતું.
આ વાતને દોઢ વર્ષ વીતી ગયું છે, આમ છતાં સમયાંતરે કોરોના વાઇરસની વાત થાય ત્યારે ચીન, વુહાન અને વુહાનની લૅબોરેટરીની વાત આવે છે.
વુહાનની આ લૅબમાંથી કોરોના વાઇરસ લિક થઈને આખી દુનિયામાં પહોંચ્યો હોવાનો આક્ષેપ અમેરિકા સહિતના દેશોએ કર્યા હતા.
વુહાનની વાઇરોલૉજી લૅબ શરૂ ક્યારે થઈ?
ચાઇનીઝ ઍકેડેમી ઑફ સાયન્સિસ હેઠળ કામ કરતી વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી એક રાષ્ટ્રીય સંસ્થા છે, જેની સ્થાપના 1956માં થઈ હતી.
સ્થાપના વખતે તેનું નામ વુહાન માઇક્રોબાયૉલૉજી લૅબોરટરી હતું, પાછળથી તેનું નામ બદલીને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી રાખવામાં આવ્યું છે.
ચીનના વિખ્યાત વાઇરોલૉજિસ્ટ ગાઓ શાંગયીન અને માઇક્રોબાયૉલૉજિસ્ટ ચેન હુઆગુઈની આગેવાનીમાં આ લૅબ શરૂ થઈ હતી. બંને સાથે ચીનના બીજા વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વુહાનની લૅબમાં શું થાય છે?
વુહાનની આ લૅબનું મૂળ કામ વાઇરસ પર સંશોધન કરવાનું છે, જેની માટે ત્યાં વાઇરસનું વર્ગીકરણ અને જાળવણી કરવામાં આવે છે.
આ લૅબમાં જંતુ, જીવાત અને પશુઓ દ્વારા ફેલાતા વાઇરસ પર સંશોધન કરવામાં આવે છે, સાથે જ અહીં મોલિક્યુલર વાઇરસ પર પણ કામ થાય છે.
અહીં હાલમાં એચઆઈવી, ફ્લૂ, હેપિટાઇટિસ અને ગાંઠ માટે જવાબદાર વાઇરસ પર સંશોધન થઈ રહ્યાં છે. સાથે જ ઍન્ટિ-વાઇરસ ડ્રગનું પણ સંશોધન કરવામાં આવે છે.
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીનાં ચાર સંશોધનકેન્દ્રો છે: સેન્ટર ફૉર મોલિક્યુલર વાઇરોલૉજી ઍન્ડ પૅથૉલૉજી, સેન્ટર ફૉર ઍનાલિટિકલ માઇક્રોબાયૉલૉજી ઍન્ડ નેનો-બાયૉલૉજી, સેન્ટર ફોર માઇક્રોઑર્ગેનિઝમ રિસોર્સ ઍન્ડ બાયોઇન્ફૉર્મેટિક્સ અને સેન્ટર ફોર ઇમર્જિંગ ઇન્ફૅક્શિયસ ડિસીઝ.
નવી બીમારીઓના પ્રસારને અટકાવવા માટે ચીન અને ફ્રાંસ વચ્ચે 2004માં થયેલા કરાર મુજબ ઉચ્ચ સ્તરીય બાયૉસેફ્ટી લૅબ સ્થાપવા બંને પક્ષો રાજી થયા હતા.
કરાર મુજબ વુહાન વાઇરોલૉજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાષ્ટ્રીય બાયૉ-સૅફ્ટી લૅબોરટરી તૈયાર કરવામાં આવી રહી છે.
ચીનમાં સૌથી મોટી વાઇરસ બૅન્ક
જે વુહાન લૅબથી કોરોના વાઇરસ લિક થયાનો દાવો કરાઈ રહ્યો છે, તે એશિયાની સૌથી અદ્યતન લૅબોરેટરી મનાય છે, જેનું બાયૉસૅફ્ટી લેવલ P4 છે. આ સૌથી ઊંચું રેટિંગ છે.
બાયૉસેફ્ટી લેવલ એ સુરક્ષાનું માપદંડ છે, લૅબમાં જોખમી વાઇરસ અથવા બાયૉલૉજિકલ ઍજન્ટને સુરક્ષિત રીતે રાખવા માટે ક્યા પ્રકારની સાવચેતી લેવી જોઈએ, તે બાયૉસેફ્ટી લેવલથી નક્કી થાય છે.
મિન્ટ અનુસાર વુહાનમાં સ્થિત P4 લૅબ એશિયાની આ પ્રકારની પ્રથમ લૅબ છે.
આ લૅબ 42 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે, આ નવી લૅબ 2018માં શરૂ થઈ હતી.
આ લૅબમાં વાઇરસના 1500 સ્ટ્રેન છે, જે એશિયાની સૌથી મોટી વાઇરસ બૅન્ક હોવાનું મનાય છે.
વુહાન વાઇરોલૉજી ઇન્સ્ટિટ્યૂટ P3 રેટિંગવાળી લૅબ પણ ધરાવે છે, જ્યાં કોરોના વાઇરસ જેવા વાઇરસના સ્ટ્રેન રાખવામાં આવ્યા છે.
વુહાનની લૅબોરેટરી અને વિવાદ
આ ચર્ચાના કેન્દ્રમાં અમેરિકન અખબાર વૉલ-સ્ટ્રીટ જર્નલમાં છપાયેલો એક અહેવાલ છે.
અમેરિકન ઇન્ટેલિજન્સ રિપોર્ટને ટાંકતાં અહેવાલ જણાવે છે કે નવેમ્બર 2019માં વુહાનની લૅબમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેય કર્મચારીઓને કોરોના વાઇરસના અને સામાન્ય ઋતુ આધારિત બીમારીનાં લક્ષણો હતાં.
અહેવાલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠનને વિનંતી કરી છે કે તેઓ કથિત લૅબ લિક મામલાની તપાસ કરે.
WHOના ડિરેક્ટર ડૉ. ટેડ્રોસ ઍડહાનોમ ગેબ્રેયસુસે પણ વુહાન લૅબમાં ફરીથી તપાસ કરવા માટ નિષ્ણાતોની નિમણૂક કરવાની વાત કરી છે.
વુહાનની લૅબ વિશ ચીને શું કહ્યું?
ચીને અમેરિકા સામે ખોટી માહિતી ફેલાવવાનો અને કાવતરું કરવાનો આક્ષેપ કર્યો છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે આ WHOની તપાસનો અનાદર છે અને એક થિયરીને સાબિત કરવાની ચેષ્ટા છે.
તેનાથી કોરોના વાઇરસ સામે લડવાની વૈશ્વિક લડતને અસર થશે.
તેમણે કહ્યું કે અમેરિકાએ પોતાના ત્યાં આવેલા વાઇરોલૉજી લૅબની WHO પાસે તપાસ કરાવવી જોઈએ.
વુહાનની લૅબ કોરોના વાઇરસ લિક થવા વિશે શું કહે છે?
ચીનનાં ચામાચીડિયાં સંલગ્ન વાઇરસના નિષ્ણાત શી જેંગલી વુહાનની P4 લૅબના નાયબ નિયામક તરીકે કામ કરે છે.
જૂનમાં તેમણે સાયન્ટિફિક અમેરિકન મૅગેઝિનને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે શરૂમાં વાઇરસ લૅબમાંથી લિક થયો છે કે કેમ એવી શંકા હતી. બાદમાં વાઇરસના જિનોમ સિક્વન્સિંગમાં બહાર આવ્યું કે લૅબના વાઇરસથી તે જુદો છે.
તેમણે કહ્યું કે લૅબમાંથી કોઈ વાઇરસ લિક થયો નથી.
ગ્લોબલ ટાઇમ્સ અનુસાર જાન્યુઆરી 2020માં ચીનના નેશનલ હેલ્થ કમિશને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીને કોરોના વાઇરસના જિનોમ સિક્વન્સ પર કામ કરવા માટે જણાવ્યું હતું.
અહેવાલ અનુસાર ચામાચીડિયાંમાં જે કોરોના વાઇરસ હોય છે, તેના પર શી જેંગલી કેટલાંક વર્ષોથી સંશોધન કરી રહ્યા છે અને તે વાઇરસના જિનોમ સિક્વન્સ પર કામ કરી રહ્યાં છે.
આ વાઇરસ RaTG13 તરીકે ઓળખાય છે અને કોવિડ 19 વાઇરસ કરતાં અલગ છે. RaTG13થી મનુષ્ય શરીરના સેલમાં કોઈ અસર થતી નથી.
વુહાન બીજી લૅબ બનાવી રહ્યું છે?
કોરોના વાઇરસ વુહાન લૅબથી બહાર આવ્યો છે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ચીને જાહેર કર્યું છે કે તે વુહાન લૅબ જેવી બીજી અન્ય લૅબ બનાવવા જઈ રહ્યું છે.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સ અનુસાર ચીને બાયૉસિક્યૉરિટી લૉ પસાર કર્યો છે, જેમાં આ પ્રકારની લૅબ બનાવવા માટે કાયદાકીય કવચ પૂરું પાડ્યું છે.
ચીનના સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીના નાયબ મંત્રી ઝિયાંગ લિબીને જણાવ્યું કે ભવિષ્ચની ચેપી બીમારીઓ સામે લડવા માટે ચીન આવનારા દિવસોમાં મોટાં વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરશે.
આ માટે ચીન ત્રણ P4 લૅબ અને 88 જેટલી P3 લૅબનું નિર્માણ કરશે.
સરકારના નિર્ણયનું સમર્થન કરતાં ચાઇનીઝ ઍકેડેમી ઑફ સાયન્સિસના પ્રમુખ બાઈ ચુનલીએ જણાવ્યું કે ચીનમાં બે P4 લૅબ છે અને 83 P3 લૅબને મંજૂરી મળી છે. અમેરિકામાં 12 P4 લૅબ છે અને 1500 P3 લૅબ છે.
વુહાનમાં WHO દ્વારા થયેલી તપાસ
વિશ્વ આરોગ્ય સંગઠનની તપાસ ટીમ જાન્યુઆરીના અંતમાં ચીન પહોંચી હતી, જ્યાં 14 દિવસ સુધી તેમણે હૉસ્પિટલો, બજારો અને પ્રયોગશાળાઓની મુલાકાત લીધી હતી.
તેમણે સત્તાવાર ડેટા એકત્ર કર્યો, અન્ય દેશોના અભ્યાસોની સમીક્ષા કરી અને દક્ષિણ ચીનનાં બજારોમાંથી લેવાયેલા નમૂનાઓનું વિશ્લેષણ પણ કર્યું હતું.
જોકે આ તપાસ સ્થાનિક વહીવટી તંત્રની કડક દેખરેખમાં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેનો વિરોધ પણ કરાયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો