જેઆરડી તાતા, જેમણે ઍર ઇન્ડિયાને શિખર પર પહોંચાડી હતી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સફેદ રંગનું અડધી બાંયના શર્ટ અને પૅન્ટમાં સજ્જ એક દૂબળા-પાતળા શખ્સે 1932ની 15 ઑક્ટોબરે કરાચીના દ્રિઘ રોડ ઍરપૉર્ટ પરથી પુસ મોથ વિમાનમાં મુંબઈ માટે ઉડાન ભરી હતી.

સમય હતો સવારના 6.35 વાગ્યાનો. ઉડાનના થોડા કલાકો બાદ બપોરે 1.50 વાગ્યે એ વ્યક્તિએ તે વિમાન સાથે મુંબઈના જુહૂ ઍરપૉર્ટ પર ઉતરાણ કર્યું હતું.

વિમાન વચ્ચે થોડા સમય માટે અમદાવાદમાં રોકાયું હતું, જ્યાં બર્મા શેલનું ચાર ગેલન પેટ્રોલ ભરેલું પીપડું બળદગાડા પર લાદીને લાવવામાં આવ્યું હતું અને એ પેટ્રોલ વિમાનમાં પૂરવામાં આવ્યું હતું.

વિમાનમાંથી 27 કિલો વજન થાય તેટલી ટપાલો ઉતારવામાં આવી હતી.

એ ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે ભારતમાં નાગરિક ઉડ્ડયનની શરૂઆત ત્યારથી થઈ હતી.

પહેલાં જમ્બો જેટનું સ્વાગત

સમયને થોડો ફાસ્ટ ફૉરવર્ડ કરીએ. 1971ની 18 એપ્રિલે સવારે 8.20 વાગ્યે મુંબઈના સાંતાક્રૂઝ ઍરપૉર્ટ પર એક શાનદાર બૉઇંગ-747 જમ્બો જેટ વિમાને ઉતરાણ કર્યું હતું.

ભારતીય વાયુ સેનાનાં બે મિગ-21 વિમાનોએ તે પ્લેનને ઍસ્કોર્ટ કર્યું હતું અને 67 વર્ષની એક વ્યક્તિએ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

એ વ્યક્તિ ઍર ઇન્ડિયાના ચૅરમૅન હતા અને તેઓ તેમના કાફલામાં સૌપ્રથમ જમ્બો જેટને આવકારી રહ્યા હતા.

એ વ્યક્તિ માટે આ એક બહુ મોટી ક્ષણ હતી, કારણ કે આ એ જ વ્યક્તિ હતી, જેણે 1932માં મુંબઈમાં સૌપ્રથમ વાર વિમાનનું ઉતરાણ કર્યું હતું.

એ વ્યક્તિનું નામ છેઃ જહાંગીર રતનજી દાદાભોય તાતા. સમગ્ર વિશ્વમાં તેમને 'જેઆરડી' નામે સંબોધવામાં આવે છે, પણ તેમના મિત્રો તેમને 'જેહ' કહીને બોલાવે છે.

તાજ હોટલની સ્થાપના કઈ રીતે થઈ?

એવું કહેવાય છે કે તાતા અટક ગુજરાતી શબ્દ 'ટમટા' કે 'તીખા' પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે - મસાલેદાર કે બહુ ગુસ્સાવાળું.

વાસ્તવમાં તાતા ગ્રૂપમાં સર્વોચ્ચ પદે બિરાજેલી મોટા ભાગની વ્યક્તિઓ તેમના ગુસ્સા માટે વિખ્યાત રહી છે.

તાતા ગ્રૂપના સ્થાપક અને જેઆરડી તાતાના કાકા જમશેદજી તાતાનો એક કિસ્સો મશહૂર છે. જમશેદજી તેમના એક અંગ્રેજ દોસ્તને મુંબઈની એક હોટલમાં ભોજન કરાવવા લઈ ગયા હતા.

હોટલના દરવાજે ઊભેલા દરવાને કહ્યું હતું, "અમે તમારા દોસ્તનું સ્વાગત કરીએ છીએ, પણ અમે તમને હોટેલમાં પ્રવેશ આપી શકીશું નહીં, કારણ કે આ હોટલ માત્ર યુરોપના લોકો માટે જ છે."

ગુસ્સે થયેલા જમશેદજીએ એ સાંજે જ નક્કી કર્યું હતું કે તેઓ એક એવી હોટલ બનાવશે, જે ભારતની શાન હશે અને આખી દુનિયાના પ્રવાસીઓ તે હોટલમાં આવતા રહેશે. આ રીતે મુંબઈ બંદરે 1903માં તાજ હોટલનો જન્મ થયો હતો.

યુરોપથી અમેરિકા જતા લોકો જે રીતે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી જોઈને ન્યૂ યૉર્ક આવી ગયું હોવાનું અનુમાન કરતા હતા એ જ રીતે યુરોપથી ભારત આવતા લોકોને દૂરથી તાજ હોટલ દેખાતી ત્યારે સમજી જતા કે તેઓ મુંબઈમાં પ્રવેશી રહ્યા છે.

પાલટનું લાઇસન્સ મેળવનારા પહેલા ભારતીય હતા જેઆરડી

જેઆરડીના પિતા આરડી તાતા, જમશેદજીના પિતરાઈ ભાઈ હતા. જેઆરડીને તેમની નજીકના લોકો પણ જેહ કહીને બોલાવતા હતા.

જેઆરડીનાં માતા ફ્રેન્ચ હતાં. તેથી તેમના ઘરમાં ફ્રેન્ચ ભાષા બોલાતી હતી. જેઆરડીને બાળપણથી જ વિમાનમાં ઊડવાનો ભારે શોખ હતો. વિમાન ચલાવવા માટે જરૂરી પાઇલટનું લાઇસન્સ મેળવનારા સૌપ્રથમ ભારતીય જેઆરડી હતા.

જેઆરડીના જીવનચરિત્ર 'બિયૉન્ડ ધ લાસ્ટ બ્લૂ માઉન્ટેન'માં આર એમ લાલાએ લખ્યું છેઃ "લંડન ટાઇમ્સના 19 નવેમ્બર, 1929ના અંકમાં આગા ખાન તરફથી એક જાહેરાત પ્રકાશિત કરાવવામાં આવી હતી. એ જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે જે ભારતીય ઇંગ્લૅન્ડથી ભારત કે ભારતથી ઇંગ્લૅન્ડનો પ્રવાસ વિમાનમાં એકલો કરશે તેને 500 પાઉન્ડનું ઇનામ આપવામાં આવશે."

"જેઆરડીએ તે પડકારને સ્વીકારી લીધો હતો, પરંતુ એ મુકાબલામાં તેમને અસ્પી એન્જિનિયરે હરાવ્યા હતા. અસ્પિ એન્જિનિયર બાદમાં ભારતીય હવાઈદળના અધ્યક્ષ બન્યા હતા."

ભાવિ પત્ની થેલ્મા સાથે મુલાકાત

જેઆરડીને તેજ ગતિથી કાર ચલાવવાનો શોખ પણ હતો. કદાચ એ શોખને કારણે જ તેમની મુલાકાત તેમનાં ભાવિ પત્ની થેલ્મા (થેલી) વિકાજી સાથે થઈ હતી.

એ જમાનામાં જેઆરડી પાસે બ્લૂ રંગની બુગાટી કાર હતી. એ કારમાં મડગાર્ડ અને છાપરું ફિટ જ કરવામાં આવતાં ન હતાં.

બન્યું એવું કે એક દિવસ જેઆરડીએ તે કાર સાથે એક દિવસ મુંબઈના પેડર રોડ પર અકસ્માત કર્યો હતો અને પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી હતી.

એ ફરિયાદ સંબંધે તેઓ મુંબઈના એ સમયના ટોચના ક્રિમિનલ વકીલ જેક વિકાજીની સલાહ લેવા ગયા હતા. ત્યાં તેમની મુલાકાત વિકાજીની સુંદર ભત્રીજી થેલી સાથે થઈ હતી. પહેલી મુલાકાતના થોડા સમય પછી જ બન્નેએ લગ્ન કરી લીધાં હતાં.

બંગાળના ગવર્નર સર સ્ટેનલી જૅક્સનને ખખડાવ્યા

જેઆરડી અને થેલી તેમના હનીમૂન માટે દાર્જિલિંગ ગયા હતા અને એ પણ શિયાળામાં. તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે બંગાળના ગવર્નર સર સ્ટેનલી જૅક્સન પણ કારમાં કોલકાતા પાછા ફરી રહ્યા હતા. ગવર્નરના વાહનોનો કાફલો પસાર થવાનો હોવાથી પોલીસે સલામતીના કારણસર જેઆરડીની કારને રોકી રાખી હતી.

ગિરીશ કુબેરે તેમના પુસ્તક 'ટાટાઝ-હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ ઍન્ડ અ નેશન'માં લખ્યું છેઃ "એ દિવસે બહુ ઠંડી હતી. તેમ છતાં જેઆરડીની કારને એક કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી. જેઆરડી અને થેલીએ તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું."

"ગવર્નરની કાર એ સ્થળે પહોંચી કે તરત જ થેલી તેની સામે જઈને ઊભાં રહી ગયાં હતાં. જેઆરડી ગવર્નરની કારના કાચ પાસે જઈને બરાડ્યા હતા કે "તમે તમારી જાતને શું સમજો છો કે તમે આટલી કાતિલ ઠંડીમાં 500 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને એક કલાકથી રોકી રાખ્યાં છે? મહામૂર્ખ છો તમે."

દિલફેંક આશિક પણ હતા જેઆરડી

સુંદર થેલીનું આખું જીવન જેઆરડીની આસપાસ જ પસાર થયું હતું, છતાં જેઆરડીને બીજી મહિલાઓમાં પણ કાયમ રસ રહ્યો હતો. જેઆરડી 80 વર્ષના હતા ત્યારે પણ આજુબાજુ કોઈ સુંદર ચહેરો દેખાય તો તેમની આંખોમાં ચમક આવી જતી હતી.

વિખ્યાત નેતા મીનૂ મસાણીના પુત્ર ઝરીર મસાણીએ પોતાની આત્મકથા 'ઍન્ડ ઑલ ઇઝ સેઈડ-મેમ્વાર ઑફ એ હોમ ડિવાઈડેડ'માં લખ્યું છેઃ "મારાં માતા-પિતા તાતા દંપતીના ઘરની પાસે રહેતા હતા અને મીનૂ મસાણી તાતાના ઍક્ઝિક્યુટિવ આસિસ્ટંટ તરીકે કામ કરતા હતા. જેઆરડીનું લગ્નજીવન સુખી ન હતું. તેઓ તેમનાં પત્ની થેલી પ્રત્યે વફાદાર ન હતા."

"જેઆરડીના ફ્રેન્ચ વ્યક્તિત્વ અને એક્સેન્ટને કારણે અનેક સુંદર મહિલાઓ તેમના પ્રત્યે આકર્ષાતી હતી."

"એ મહિલાઓમાં મારી માતાનો પણ સમાવેશ થતો હતો એ મને મોડેથી ખબર પડી હતી."

તેમ છતાં જેઆરડીએ તેમનાં પત્ની થેલીને છોડવાનું ક્યારેય વિચાર્યું ન હતું.

સુમંત મુલગાંવકર હતા જેઆરડીની સૌથી વધુ નજીક

જેઆરડી માત્ર 34 વર્ષના હતા ત્યારે તેમને સમગ્ર તાતા ગ્રૂપની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. જેઆરડીએ એકથીએક ચડિયાતા, કાબેલ લોકોને તેમની કંપનીમાં નોકરી કે બોર્ડમાં સ્થાન આપ્યું હતું.

એ લોકોમાં જેડી ચોકસી, નેહરુ કૅબિનેટમાં પ્રધાન તરીકે કાર્ય કરી ચૂકેલા જોમ મથાઈ, વિખ્યાત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા, રુસી મોદી અને સુમંત મુલગાંવકરનો સમાવેશ થાય છે.

સુમંત મુલગાંવકર જેઆરડીની સૌથી વધુ નજીક હતા. જેઆરડી સુમંત મુલગાંવકરને બહુ આદર આપતા હતા અને રતન તાતાના કહેવા મુજબ, જેઆરડી સહિતની બીજી કોઈ વ્યક્તિ સુમંત મુલગાંવકરના કામ બાબતે સવાલ કરતી ન હતી.

છેક ત્યાં સુધી કે તાતાની સુમો કારનું નામ પણ સુમંત મુલગાંવકરના નામ તથા અટકના પહેલા બે અક્ષર પરથી રાખવામાં આવ્યું હતું. એ કારનું નામ જાપાની કુશ્તીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાની ગેરસમજ લોકોમાં પ્રવર્તે છે.

જેઆરડીના શિષ્ટાચાર અને સાદગીના અનેક કિસ્સા

પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખવાના જેઆરડીના અનેક કિસ્સા વિખ્યાત છે.

ઇન્ફોસિસના વડા એનઆર નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિના જણાવ્યા મુજબ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે તાતા જૂથની કંપની ટેલ્કોમાં એન્જિનિયરની નોકરીની જાહેરાત જોઈ હતી. એ જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે માત્ર પુરુષ ઉમેદવારો જ આ પદ માટે અરજી મોકલી શકે છે.

એ વાંચીને સુધા મૂર્તિએ જેઆરડી તાતાને તત્કાળ એક પોસ્ટકાર્ડ લખ્યું હતું અને એ જાહેરાતમાંના લખાણ બદલ તાતા જૂથની કંપનીને જુનવાણી ગણાવી હતી.

જેઆરડીએ તત્કાળ દરમિયાનગીરી કહી હતી અને સુધા મૂર્તિને ટેલિગ્રામ મોકલીને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યાં હતાં એટલું જ નહીં, સુધા મૂર્તિ તાતા શૉપ ફ્લોર પર કામ કરનારા સૌપ્રથમ મહિલા એન્જિનિયર પણ બન્યાં હતાં.

એ ઘટનાનાં આઠ વર્ષ પછી સુધા મૂર્તિનો ભેટો બૉમ્બે હાઉસની સીડી પર જેઆરડી તાતા સાથે થયો હતો. જેઆરડી એ હકીકતથી ચિંતિત હતા કે સુધા મૂર્તિ એકલાં છે, તેમના પતિ તેમને લેવા આવ્યા નથી અને રાત થઈ રહી છે. સુધાને તેમના પતિ નારાયણ મૂર્તિ લેવા ન આવ્યા ત્યાં સુધી સુધા મૂર્તિ સાથે ઊભા રહીને જેઆરડી તાતા વાતો કરતા રહ્યા હતા.

જેઆરડી તાતા પ્રત્યે આદર દર્શાવવા સુધા મૂર્તિ આજે પણ પોતાની ઑફિસમાં તેમનો ફોટોગ્રાફ રાખે છે.

જેઆરડી તાતાની સાદગીના કિસ્સા પણ એટલા જ વિખ્યાત છે.

હરીશ ભટ્ટે તેમના પુસ્તક 'તાતા લોગ'માં લખ્યું છેઃ "જેઆરડી ઑફિસે જતા હોય ત્યારે તેમના કોઈ કર્મચારી બસસ્ટૉપ પર બસની રાહ જોતા નજરે પડે તો તેઓ તેમને પોતાની કારમાં લિફ્ટ આપતા હતા. શરૂઆતમાં તો તેઓ બસસ્ટૉપ પર પોતાની કાર રોકતા હતા અને ત્યાં ઊભેલા લોકોને પૂછતા હતા કે હું તમને રસ્તામાં આગળ ક્યાંય ડ્રૉપ કરી શકું? એ જમાનામાં જેઆરડી બહુ જાણીતા ન હતા."

ભારતના સૌથી શ્રીમંત માણસ પાસે પૈસા જ નહીં

દેશમાં આજે કોઈ વ્યક્તિની શ્રીમંતાઈને વખાણતી વખતે તેની તુલના તાતા કે બિરલા સાથે કરવામાં આવે છે, પરંતુ તાતા અંગત રીતે પોતાની પાસે બહુ ઓછા પૈસા રાખતા હતા એ વાત જૂજ લોકો જ જાણે છે.

વિખ્યાત પત્રકાર કૂમી કપૂરે તેમના પુસ્તક 'ધ ઇન્ટિમેટ હિસ્ટ્રી ઑફ પારસીઝ'માં ડીપી ધરના પુત્ર તથા નસલી વાડિયાના અંગત મિત્ર વિજય ધરને જણાવ્યું છેઃ "જેઆરડીનાં પત્ની થેલી તેમના જીવનનાં અંતિમ વર્ષોમાં બહુ બીમાર હતાં ત્યારે તેમણે નસલી વાડિયાએ સલાહ આપી હતી કે જેઆરડીએ એક વીડિયો કૅસેટ પ્લેયર ખરીદી લેવું જોઈએ, જેથી તેઓ પથારીમાં બેઠા-બેઠા ફિલ્મો જોઈ શકે. નસલી વાડિયાએ જણાવ્યું હતું કે જેઆરડી ક્યારેય વીડિયો કૅસેટ પ્લેયર નહીં ખરીદે, કારણ કે તેમની પાસે એટલા પૈસા જ હોતા નથી. તેઓ તેને ભેટ તરીકે પણ નહીં સ્વીકારે અને પોતે જે કંપનીઓના અધ્યક્ષ છે એ કંપનીઓને પણ વીડિયો કૅસેટ પ્લેયરનું બિલ મોકલશે પણ નહીં."

વિજય ધર તો ત્યાં સુધી જણાવે છે કે જેઆરડી એટલી સાદગીભર્યું જીવન જીવતા હતા કે પોતાનાં શર્ટ તેઓ જાતે ધોતા હતા. આ વાત તેમણે ઇંદિરા ગાંધીને જણાવી ત્યારે તેમણે તેના પર ભરોસો કર્યો ન હતો.

ઍર ઇન્ડિયાના નાનામાં નાના કામમાં દિલચસ્પી

ભારતને આઝાદી મળી એ પછી જેઆરડીએ દેશ માટે બહુ ઊંચાં સપનાં જોયાં હતાં.

સામાજિક રીતે તેઓ નેહરુ ગાંધી પરિવારની બહુ નજીક હતા, પરંતુ તેમને સમાજવાદી આર્થિક મૉડલ સામે સખતમાં સખત વાંધો હતો.

1953ના ઑગસ્ટ મહિનામાં સરકારે તમામ નવ ખાનગી વિમાન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને તેનો ઍર ઇન્ડિયા ઇન્ટરનેશનલ તથા ઇન્ડિયન ઍરલાઇન્સમાં વિલય કર્યો હતો.

જેઆરડીને તે નિર્ણયથી ભારે આઘાત લાગ્યો હતો, પરંતુ સદભાગ્યે તેમને ઍર ઇન્ડિયાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ઍર ઇન્ડિયાના અધ્યક્ષ તરીકેના પોતાના કામકાજમાં જેઆરડીને એટલી દિલચસ્પી હતી કે ઍરલાઇન્સનાં વિમાનોની બારીઓના પડદાનાં કાપડ સુધ્ધાંની પસંદગી કરવા જાતે જતા હતા.

ગિરીશ કુબેરે લખ્યું છેઃ "જેઆરડીએ ઍર ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર કેસી બાખલેને એક વખત પત્ર લખીને જણાવ્યું હતું કે વધુ પ્રમાણમાં આલ્કોહોલ ધરાવતી બીયર તમે ભોજન સાથે પીરસો છો તેથી પેટ ભારે થઈ જાય છે. તેથી આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય તેવી બીયર પીરસવી જોઈએ. મેં નોંધ્યું છે કે આપણાં વિમાનોની ખુરશીઓ યોગ્ય રીતે પાછળ વળતી નથી. કૃપા કરીને તેને ઠીક કરાવો. એ પણ સુનિશ્ચિત કરો કે ભોજન પીરસવામાં આવે ત્યારે વિમાનની બધી લાઇટ્સ ચાલુ રાખવામાં આવે, જેથી તેના પ્રકાશમાં આપણી કટલરી ચમકતી દેખાય."

સમયપાલન પ્રત્યેની ઍર ઇન્ડિયાની નિષ્ઠા

જેઆરડી જાણતા હતા કે પૈસા ખર્ચવાની બાબતમાં ઍર ઇન્ડિયા વિદેશી ઍરલાઇન્સ સાથે હરીફાઈ કરી શકે તેમ નથી. તેથી તેઓ કાયમ સર્વિસ અને સમયપાલન પર ભાર મૂકતા હતા.

આ સંબંધે એક દિલચસ્પ કિસ્સો યુરોપમાં ઍર ઇન્ડિયાના રીજનલ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા નારી દસ્તૂર ઘણી વાર કહેતા હતાઃ "એ જમાનામાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 11 વાગ્યે જીનિવામાં ઉતરાણ કરતી હતી."

"એક વખત મેં એક સ્વિસ નાગરિકને બીજા સ્વિસ નાગરિકને સમય પૂછતાં સાંભળ્યો હતો."

"જવાબ આપનાર વ્યક્તિએ બારી બહાર નજર કરીને જણાવ્યું હતું કે સવારના 11 થઈ ગયા છે. પ્રશ્નકર્તાએ જવાબ આપનારને પૂછ્યું કે તમે તો ઘડિયાળ સામે નજર પણ કરી નથી. તેમને સમયની ખબર કેવી રીતે પડી?"

"જવાબ આપનારે કહ્યું કે ઍર ઇન્ડિયાના વિમાને હજુ હમણાં જ ઉતરાણ કર્યું છે."

મોરારજી દેસાઈએ જેઆરડીનું અપમાન કર્યું અને ઍર ઇન્ડિયામાંથી હઠાવ્યા

ઇંદિરા ગાંધીનાં લગ્નમાં તેમના પિતા જવાહરલાલ નેહરુએ જેઆરડી તથા તેમનાં પત્ની થેલીને અલાહાબાદમાં આમંત્રિત કર્યાં હતાં. શરૂઆતમાં ઇંદિરા ગાંધી તેમને પસંદ કરતાં હતાં, પરંતુ તેમનો સમાજવાદ પ્રત્યેનો ઝુકાવ વધતો ગયો એટલે તેમના અને જેઆરડી વચ્ચેના સંબંધમાં અંતર વધી ગયું હતું.

એ પછી જેઆરડી જ્યારે ઇંદિરા ગાંધીને મળવા જતા ત્યારે ઇંદિરા બારીની બહાર જોતાં રહેતાં અથવા તો ટપાલો વાંચતાં રહેતાં. ઇંદિરા ગાંધીને જેઆરડી સાથે વૈચારિક મતભેદ જરૂર હતો, પરંતુ તેમણે જેઆરડીને કાયમ ઍર ઇન્ડિયા સાથે જોડાયેલા રાખ્યા હતા.

ઇંદિરા ગાંધી પછી વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઈએ જેઆરડીને ઍર ઇન્ડિયામાંથી કાઢ્યા હતા. તેની કોઈ સૂચના જેઆરડીને આપવામાં આવી ન હતી.

જેઆરડીને તે સમાચાર પીસી લાલ પાસેથી મળ્યા હતા. પીસી લાલને જેઆરડીના સ્થાને ઍર ઇન્ડિયાના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા. જેઆરડી સાથેના સરકારના વર્તનના વિરોધમાં ઍર ઇન્ડિયાના તત્કાલીન મૅનેજિંગ ડિરેક્ટર જી અપ્પુસ્વામી અને તેમના નંબર ટુ નારી દસ્તૂરે રાજીનામાં આપી દીધાં હતાં.

એટલું જ નહીં, ઍર ઇન્ડિયાના કામદાર સંઘે પણ સરકારના નિર્ણય બાબતે નારાજગી દર્શાવી હતી. મોરારજી દેસાઈ તો છેક 50ના દાયકાથી જ જેઆરડીને પસંદ કરતા ન હતા.

મોરારજી દેસાઈ મુંબઈના મુખ્ય મંત્રી હતા ત્યારે જેઆરડી તાતા એક વખત તેમને મળવા ગયા હતા. જેઆરડીની સાથે તાતા ઇલેક્ટ્રિક કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર હોમી મોદી પણ હતા.

જેઆરડી તાતા અને હોમી મોદી બન્ને માનતા હતા કે આગામી સમયમાં વીજળીની વધતી માગને ધ્યાનમાં રાખીને આપણે વીજળી પેદા કરવાની ક્ષમતા વધારવી જોઈએ. મોરારજી દેસાઈ આ બન્નેને આખી વાત સાંભળ્યા વિના બીજા વિષય પર વાત કરવા લાગ્યા હતા.

એ જોઈને જેઆરડી તાતા ખુરશી પરથી તત્કાળ ઊભા થઈ ગયા હતા અને તેમણે મોરારજી દેસાઈને જણાવ્યું હતું કે તેઓ આ મીટિંગને આગળ વધારીને મુખ્ય મંત્રીનો સમય બગાડવા ઇચ્છતા નથી. જેઆરડી તાતાનું આ વલણ જોઈને મોરારજીભાઈએ તેમને બેસવા કહ્યું અને તેમની આખી વાત સાંભળી હતી.

જોકે, એ દિવસથી બન્ને વચ્ચેના સંબંધમાં એક પ્રકારની નરમાશ આવી ગઈ હતી.

નૈતિક મૂલ્યોને હંમેશાં આપી અગ્રતા

જેઆરડી તાતાના જીવનચરિત્રના લેખ આરએમ લાલાએ તેમને પૂછ્યું હતું કે ભારતની આર્થિક બાબતોમાં તમારું સૌથી મોટું યોગદાન શું છે? જેઆરડી તાતાએ જવાબ આપ્યો હતોઃ "મેં નૈતિક મૂલ્યો સિવાય ભારતના અર્થતંત્રમાં ખાસ કોઈ યોગદાન આપ્યું હોય એવું હું માનતો નથી. હું માનું છું કે નૈતિક જીવન આર્થિક જીવનનો જ હિસ્સો છે."

આર્થિક બાબતોના વિખ્યાત પત્રકાર ટીએન નાઈનન પણ કહે છે કે તાતા ગ્રૂપે એકાદી વખત મૂલ્યો સાથે સમાધાન કર્યું હશે, કારણ કે ભારતના વર્તમાન કાયદાઓ હેઠળ સંપૂર્ણ ઈમાનદારીથી કામ કરવાનું એટલું આસાન નથી, પરંતુ તાતા ગ્રૂપે મહદંશે પોતાનાં નૈતિક મૂલ્યોને જાળવી રાખીને પોતાનું કામ કર્યું છે.

વારસદારની ઝંખના નહીં

જેઆરડી તાતા તેમનાં પુસ્તકો, કવિતાઓ, ફૂલો અને પેઇન્ટિંગ્ઝને આજીવન પ્રેમ કરતા રહ્યા હતા. તેમને ઇતિહાસમાં બહુ જ રસ હતો, ખાસ કરીને ગ્રીક, રોમન અને નેપોલિયનની આસપાસના ફ્રેન્ચ ઇતિહાસમાં.

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિંજર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. બન્ને એકમેકને પત્રો લખતા હતા.

જેઆરડીને યાદ કરતાં હેનરી કિસિંજરે કહ્યું હતુઃ "આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણા લોકો સાથે મારી મુલાકાત થઈ છે, પરંતુ જેઆરડી તાતા જેવા સામર્થ્યવાન લોકો બહુ ઓછા મળ્યા છે."

ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાક શિરાક પણ જેઆરડી ટાટાના દોસ્ત હતા અને તેઓ ઘણી અંગત બાબતોમાં જેઆરડીની સલાહ પણ લેતા હતા.

જેઆરડી તાતાની યાદશક્તિ ગજબની હતી. તેમને કોઈ સંતાન ન હતું.

ગિરીશ કુબેરે લખ્યું છેઃ "એક વખત તેમને પૂછવામાં આવ્યું હતું કે તમારા પછી તમારા વારસાને આગળ વધારી શકે એવા વારસદારની ખોટ તમે ક્યારેય અનુભવતા નથી? જેઆરડીએ જવાબમાં કહ્યું હતું: હું બાળકોને પ્રેમ કરું છું, પરંતુ મેં ક્યારેય કોઈ દીકરા કે દીકરીનો મારા વારસદારના સ્વરૂપમાં વિચાર કર્યો નથી."

બે દેશોએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

જેઆરડી તાતાને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારતરત્ન' વડે અને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માન 'લીજન ઑફ ઑનર' વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

રતન તાતાએ જેઆરડી તાતાને સમાચાર આપ્યા કે તમારી પસંદગી 'ભારતરત્ન' માટે થઈ છે ત્યારે તેમણે તત્કાળ એવો પ્રતિભાવ આપ્યો હતો કે "ઓહ માય ગૉડ! મને શા માટે પસંદ કર્યો? આપણે તેને રોકવા માટે કશું કરી શકીએ તેમ નથી? મેં કેટલાંક સારાં કામ કર્યાં છે એ સાચું છે. દેશના નાગરિક ઉડ્ડયન આપ્યું છે. દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વધાર્યું છે, પણ તેથી શું? આવાં કામ તો કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ માટે કરી શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો