You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવાન્ડા નરસંહાર : આઠ લાખ લોકોની હત્યા વખતે 'ફ્રાંસ આંધળું બની રહ્યું' - ફ્રેંચ રિપોર્ટ
1994ના રવાન્ડા નરસંહાર અંગે ફ્રાંસના ઇતિહાસકારોએ ફ્રાંસની એ વખતની સરકાર પર પ્રશ્નો ઊભા કર્યા છે.
તજજ્ઞોના કમિશને એક અહેવાલ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને સોંપ્યો છે.
અહેવાલમાં નોંધ્યું છે કે નરસંહારની તૈયારીઓ પ્રત્યે 'ફ્રાંસ આંધળું બની રહ્યું હતું'.
આ ટીમ દ્વારા ફ્રાંસની આધિકારિક ફાઇલો તપાસવામાં આવી હતી.
આ અગાઉ સપ્ટેમ્બરમાં ફ્રાન્સની ટોપ અપીલ કોર્ટે રવાન્ડામાં થયેલા જિનોસાઇડને આર્થિક ટેકો આપનાર વેપારી ફેલિસિયેન કાબુગાને ફ્રાન્સમાંથી રવાન્ડાને હવાલે કરવાનો નિર્ણય કર્યો હતો. ફેલિસિયેન કાબુગાએ તાનઝાનિયામાં જઈને કોર્ટને ટ્રાયલને ફેસ કરવો પડશે.
કાબુગાની હાલ ઉંમર 80 વર્ષથી વધુ છે. તેઓ છેલ્લાં 26 વર્ષથી ભાગતા ફરતા હતા. જોકે મે મહિનામાં તેમની પેરિસથી ધરપકડ કરાઈ હતી.
રવાન્ડામાં 1994ના એપ્રિલ અને જૂનના ગાળા દરમિયાન આશરે 100 દિવસમાં અહીં 8 લાખ લોકોની હત્યા કરી દેવાઈ હતી.
આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના તુસી સમુદાયના હતા. જ્યારે હત્યાકાંડ આચરનારા હુતુ સમુદાયના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાબુગા પર આરોપ છે કે નરસંહાર સમયે તેમણે નેશનલ ડિફેન્સ ફંડના ચૅરમૅનના પદ પર હતા અને તેમણે મિલિટરી જૂથોને ફંડ આપ્યું હતું. તેઓ આ આરોપોને નકારે છે.
જ્યારે મે મહિનામાં તેઓ કોર્ટમાં હાજર થયા ત્યારે, તેમણે પોતાના પર લાગેલા આરોપોને ‘જુઠા’ ગણાવ્યા હતા.
તેમના વકીલે દલીલ કરી હતી કે તેમની સ્થિતિ નાજુક હોવાના કારણે તાનઝાનિયાના આરુશા ટાઉન ખાતે બેસેલી યુનાઇટેડ નેશન્સની ટ્રિબ્યૂનલ કોર્ટમાં ટ્રાયલ માટે મોકલવામાં ન આવે.
કોણ છે ફેલિસિયન કાબુગા?
1994માં રવાન્ડામાં નરસંહાર થયો તે પહેલાં તેમને ત્યાંના સૌથી અમીર માણસ માનવામાં આવતા હતા.
તેમણે પોતાના ધંધાની શરૂઆત 1970માં ચાના વેપારથી કરી હતી. ત્યારબાદ તેઓએ બીજા અનેક સૅક્ટરમાં પોતાના અને બીજા દેશોમાં ધંધો કર્યો.
તેઓ 90ના દાયકામાં સત્તાધારી પાર્ટી એમઆરએનડીની ખાસ્સા નજીક હતા અને ત્યારના રવાન્ડાના રાષ્ટ્રપતિ હુએનલ હેબિયારિમાનાની નજીક હતા.
તેમની પર આરોપ છે કે રવાન્ડામાં જે નરસંહાર થયો તેને મુખ્ય આર્થિક ટેકો આપવાનું કામ તેમણે કર્યું.
તુસી સમુદાયની વિરુદ્ધમાં હુતુ સમુદાયને ભડકાવવાનું કામ રવાન્ડાના રેડિયોસ્ટેશન આરએલટીએમે કર્યું હતું. કાબુગા આ રેડિયોસ્ટેશનના મુખ્ય માલિક હતા.
જે વ્યક્તિ તેમની માહિતી આપે તેને અમેરિકાએ 5 મિલિયન ડૉલર આપવાનું નક્કી કર્યું હતું.
કોર્ટમાં શું થયું?
કાબુગાના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાઇન્ટની તાનઝાનિયામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે તેમના આરોગ્યના ધ્યાનમાં લઈને ટ્રાન્સફર કરવામાં ન આવે. જોકે કોર્ટે આ દલીલોને રદ કરી હતી.
કોર્ટના કહેવા પ્રમાણે કાબુગા હકીકતમાં 85 વર્ષની ઉંમરના છે પરંતુ તેઓ 87 વર્ષ કહે છે. કોર્ટે તેમના સ્વાસ્થ્યના મુદ્દાને અસંગત ગણ્યો હતો.
કાબુગાની 26 વર્ષથી ભાગેડુ હતા
કાબુગા 26 વર્ષથી દુનિયાના વિવિધ દેશોમાં ભાગતા-ફરતા હતા. પોલીસે કહ્યું કે તેમણે 28 નામ બદલ્યાં હતાં.
તેમના પર આરોપ છે કે પૂર્વ આફ્રિકાના દેશો અને કેન્યામાં પણ રોકાયા હતા.
ફ્રૅન્ચ પબ્લિક પ્રૉસિક્યૂટરની ઑફિસે કહ્યું કે તેઓ ખોટી-ખોટી ઓળખ સાથે આટલા બધા દેશમાં રહ્યા હતા.
શું થયું હતું રવાન્ડામાં?
આ વાત 90ના દાયકાની છે. 6 એપ્રિલ 1994ના રોજ કાઇગાલી ઍરપૉર્ટ પર રવાન્ડાના રાષ્ટ્રપતિ હુએનલ હેબિયારિમાનાનું વિમાન તોડી પડાયું. જેમા રાષ્ટ્રપતિનું મૃત્યુ નીપજ્યું હતું, રાષ્ટ્રપતિ પોતે હુતુ સમુદાયના હતા.
એક ફ્રૅન્ચ ન્યાયાધીશે આ મામલે એ વખતના તુસી વિદ્રોહી સંગઠનના વડા પૉલ કગામે પર આરોપ લગાવ્યો હતો.
આરોપ એવો લગાવાયો કે વિદ્રોહી સંગઠન અને તેના કેટલાક સાથીદારોએ રાષ્ટ્રપતિના વિમાન પર રૉકેટથી હુમલો કર્યો હતો.
જોકે, કગામેએ વળતો આરોપ લગાવ્યો કે હુતુ અંતિમવાદીઓએ તુસી સમુદાયનો સમૂળો નાશ કરવા માટે હુમલો કરાવ્યો છે.
આ ઘટના બાદ દેશમાં તુસી સમુદાયના નરસંહારનો ઘટનાક્રમ શરૂ થયો હતો.
જોકે એ હત્યા માટે જવાબદાર કોઈ પણ હોય, એ ઘટનાની ગણતરીના કલાકોમાં જ દેશની રાજધાની કાઇગાલીમાં હિંસા ફાટી નીકળી હતી.
જોતજોતામાં હિંસાએ આખા દેશનો ભરડો લઈ લીધો. હિંસાનો એ દાવાનળ એટલો ભયાનક હતો કે ત્રણ મહિના સુધી રવાન્ડા એમાં સળગતું રહ્યું હતું.
આ હિંસાક્રમ આફ્રિકાના વર્તમાન ઇતિહાસમાં સૌથી લાંબો ચાલેલો નરસહાંર ગણવામાં આવે છે.
અહીં એ વાત પણ મહત્ત્વની બની રહે છે કે પૉલ કગામે હાલમાં દેશના રાષ્ટ્રપતિ પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો