લૉકડાઉનાં બે વર્ષ : નરેન્દ્ર મોદીએ જાહેરાત પહેલાં મહત્ત્વના સરકારી વિભાગોને અંધારામાં રાખ્યા હતા? - BBC ઇન્વેસ્ટિગેશન

    • લેેખક, જુગલ પુરોહિત અને અર્જુન પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

સીમાકુમારી ઝારખંડના સિમડેગા જિલ્લામાં એક ખાણીપીણીની દુકાન ચલાવે છે. પરંતુ બે વર્ષે તેઓ એક તાલીમબદ્ધ નર્સ તરીકે ગોવાના એક કૅર હોમમાં કામ કરતાં હતાં. તેઓ ફ્રન્ટલાઇન આરોગ્યકર્મચારી હતાં.

ભારતમાં અચાનક રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું, એ પછી સીમાકુમારી સાથે જે થયું તેનાથી તેમનું જીવન બદલાઈ ગયું.

તેમણે જણાવ્યું, "તેવી સ્થિતિ ફરી પેદા થાય તેના કરતાં હું મરી જવાનું પસંદ કરીશ. હું તેનો વિચાર કરું છું ત્યાં જ મારા હૃદયના ધબકારા વધી જાય છે."

વાઇરસ ફેલાયેલો હોવા છતાં તેમને કોઈ પણ રક્ષણાત્મક સાધનો વગર સેવા બજાવવાની ફરજ પાડવામાં આવી હતી. તેઓ જેમની પાસે કામ કરતાં હતાં, તેમણે ચેતવણી આપી કે તેમને પગાર ચૂકવાશે તો પણ માત્ર અડધો જ પગાર મળશે.

તેઓ ડરી ગયાં હતાં. તેમની પાસે નોકરી છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

"લગભગ એક મહિના સુધી અમે ભયંકર સ્થિતિમાં હતાં, અમે ત્યાં ફસાઈ ગયાં હતાં. અમને કોઈ મદદ ન મળી. પોલીસકર્મીઓએ તો અમને પકડી લીધાં અને પોલીસસ્ટેશને લઈ ગયા. છેલ્લે અમે અવાજ ઉઠાવ્યો ત્યારે અમને માઇગ્રન્ટ કામદારો માટેની સરકારી ટ્રેનમાં ચઢવા દેવાયાં હતાં."

"એક વખત અમે ટ્રેનમાં ચઢી ગયા ત્યાર બાદ અમે સરકારી તૈયારીના નામે માત્ર એક વ્યક્તિને બૂમો પાડતી જોઈ. તે અમને એકબીજાથી અંતર જાળવવાનું કહેતા હતા."

"પરંતુ તેઓ અમને એક કોચમાં ઘેંટાંબકરાંની જેમ ધકેલતાં હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતે જાળવી શકાય? સત્તાવાળાઓ પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર જ ન હતા."

લૉકડાઉનની પૃષ્ઠભૂમિ

શું તમને ખબર છે કે વડા પ્રધાને 24 માર્ચ, 2020ના રોજ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી તે અગાઉ કેટલાં ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વ્યક્તિગત રીતે પોતાને ત્યાં લૉકડાઉન જાહેર કરી દીધું હતું?

સરકારી ડેટા પ્રમાણે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લૉકડાઉન જાહેર કર્યું હતું. રાજ્યોએ પોતાની સ્થિતિ પ્રમાણે આ જાહેરાત કરી હતી અને ઘણી જગ્યાએ તે 31 માર્ચ 2020 સુધી અમલમાં રહ્યું હતું.

આટલી બધી જગ્યાએ 'સંપૂર્ણ લૉકડાઉન' હતું તો પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની શી જરૂર પડી?

કેન્દ્રીય લૉકડાઉનને યોગ્ય ઠરાવતાં નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી (એનડીએમએ)એ 24 માર્ચે જાહેરાત કરી કે "..દેશભરમાં વિવિધ પગલાં અને તેના અમલીકરણમાં સાતત્યની જરૂર છે."

એનડીએમએનું વડપણ વડા પ્રધાન સંભાળે છે.

તેથી કેન્દ્ર સરકારે જ્યારે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાદવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે પોતે કેવી તૈયારી કરી હતી?

2005ના માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને અમે વિવિધ એજન્સીઓ, સંબંધિત સરકારી વિભાગો તથા રાજ્ય સરકારોનો સંપર્ક કર્યો.

જેઓ કોરોના મહામારીનો સામનો કરવા સાથે સંકળાયેલી હતી. અમે તેમને પૂછ્યું કે દેશભરમાં લૉકડાઉન લાદતા પહેલાં તેમને આ વિશે ખબર હતી કે નહીં. લૉકડાઉન અગાઉ તેમણે કેવી તૈયારી કરી હતી અને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં તેમણે કેવી ભૂમિકા ભજવી હતી.

બીબીસીની એક વિસ્તૃત તપાસમાં જાણવા મળ્યું કે લૉકડાઉન અગાઉ તેમને બિલકુલ જાણકારી ન હતી અથવા બહુ ઓછી માહિતી હતી.

પહેલી માર્ચ 2021ના રોજ અમે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સંપર્ક કર્યો, જેથી આ અહેવાલ અંગે અમે સરકારનો દૃષ્ટિકોણ જાણી શકીએ.

જોકે, માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકર અથવા તેમના સચિવ અમિત ખરે મુલાકાત આપવા માટે તૈયાર થયા ન હતા.

હવે આપણે સરકારના વિભાગોની વાત કરીએ, ખાસ કરીને જે વિભાગો જાહેર આરોગ્ય અને અર્થતંત્ર સાથે સંકળાયેલા છે.

મોટા ભાગનાએ ઓન રેકર્ડ જણાવ્યું છે કે દેશવ્યાપી લૉકડાઉન લાગુ થયું તે અગાઉ તેમની પાસે બહુ ઓછી માહિતી હતી અથવા તેમની સાથે કોઈ વિચારવિમર્શ કરાયો ન હતો.

તો પછી ભારતે આટલો મોટો નિર્ણય કેવી રીતે લીધો જેને ઑક્સફર્ડ યુનિવર્સિટીના 'કોવિડ-19 ગવર્ન્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકર'માં વિશ્વનું સૌથી ચુસ્ત લૉકડાઉન જાહેર કરાયું હતું?

આવી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં જ્યારે સરકારના મહત્ત્વના વિભાગો લૉકડાઉન અંગે બિલકુલ અંધારામાં હતા ત્યારે સરકારી મશીનરી નાગરિકોને કઈ રીતે મદદ કરવાની હતી?

આરોગ્ય સેક્ટર

સત્તાવાર રીતે કહેવાય છે કે ભારતે કોરોના વાઇરસ સામેની લડાઈ 8 જાન્યુઆરી, 2020થી શરૂ કરી હતી. એટલે કે વુહાનમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યા પછી થોડા જ દિવસોમાં ભારતે તેનો પ્રતિભાવ આપ્યો હતો.

વાસ્તવમાં 8 જાન્યુઆરીથી 24 માર્ચ 2020 વચ્ચે અઢી મહિનાથી વધુ સમય સુધી એવું જણાવાયું હતું કે વડા પ્રધાન "નિયમિત ધોરણે તમામ તૈયારી અને પ્રતિભાવ પર નજર વ્યક્તિગત રીતે રાખી રહ્યા છે."

સરકાર બીજા લાગતા વળગતા લોકો સાથે કામ કરતી હતી ત્યારે પણ લોકો માટે સંદેશ સ્પષ્ટ હતો. વડા પ્રધાને કહ્યું હતું, "તૈયારી રાખો, પણ ગભરાશો નહીં."

જે બાદ 22 ફેબ્રુઆરી, 2020ના દિવસે ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યું હતું.

દેશના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરાત કરીઃ "ભારતની મજબૂત સર્વેલન્સ સિસ્ટિમ કોરોના વાઇરસને દેશમાં પ્રવેશતો અટકાવવા માટે સક્ષમ છે."

પરંતુ કેસ સતત વધતા જતા હતા.

5 માર્ચ, 2020ના રોજ તેમણે સંસદને ખાતરી આપી કે દેશમાં 'પર્સનલ પ્રૉટેક્ટિવ સાધનો અને એન-95 માસ્કનો બફર સ્ટોક છે' તથા 'મહામારીને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં આઇસોલેશન બેડ હાજર છે.'

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ 12 માર્ચ 2020ના રોજ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી ત્યારે ભારતે પોતાની તૈયારી અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય(MoHFW) ના જૉઇન્ટ સેક્રેટરી લવ અગરવાલે જણાવ્યું, "કોવિડ-19નો સામનો કરવા માટે અમે સમયસર, પ્રતિકારાત્મક અને અગમચેતીનાં પગલાં લીધાં છે. તેમાં મજબૂત કૉમ્યુનિટી સર્વેલન્સ, ક્વોરૅન્ટીન સુવિધાઓ, આઇસોલેશન વોર્ડ, પૂરતા પ્રમાણમાં પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ), તાલીમબદ્ધ માનવબળ, રેપિડ રિસ્પોન્સ ટીમનો સમાવેશ થાય છે."

આમ છતાં 12 દિવસમાં જ્યારે કુલ 600થી ઓછા કેસ અને નવથી ઓછાં મૃત્યુ હતાં ત્યારે અચાનક સખત લૉકડાઉન લાદવામાં આવ્યું.

અમે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન અંગે તૈયારી કરવામાં MoHFW પાસેથી તેની ભૂમિકા વિશે માહિતી માગી હતી. મોટા ભાગની માંગણીઓ ગૃહ મંત્રાલય અથવા બીજા મંત્રાલયોને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ત્યારબાદ અમે MoHFWમાં મહત્ત્વનાં વિભાગો અને સંસ્થાઓનો સંપર્ક કર્યો.

સૌથી પહેલા ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS)નો વારો હતો જે "તમામ તબીબી અને જાહેર આરોગ્યની બાબતોમાં ટેકનિકલ સલાહ" આપે છે અને વિવિધ આરોગ્ય સેવાઓ લાગુ કરવા સાથે સંકળાયેલ છે.

24 માર્ચ, 2020 અગાઉ લૉકડાઉનનાં કોઈ પણ પાસાં વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યો ન હતો.

એટલું જ નહીં, તેમને લૉકડાઉનની યોજના વિશે જાણકારી હતી તેવી પણ કોઈ માહિતી નથી તેમ DGHSના ઇમર્જન્સી મેડિકલ રિલીફ (ઇએમઆર) ડિવિઝને જણાવ્યું હતું. ઇએમઆર ડિવિઝનની કામગીરીની યાદી પ્રમાણે તે આરોગ્ય સેક્ટરમાં ડિઝાસ્ટર મૅનેટમૅન્ટ ઑથૉરિટી છે.

MoHFW હેઠળ આવતું નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ (NCDC) એ ચેપી રોગોની સર્વેલન્સ કામગીરી અને નિયંત્રણ માટેની નોડલ એજન્સી છે.

તેણે અમને એ પણ જણાવ્યું કે તેમની પાસે કોઈ માહિતી નથી.

ગયા વર્ષના પ્રારંભથી જ MoHFW હેઠળ આવતું ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ભારતની કોરોનાવિરોધી કામગીરીમાં અગ્રેસર રહ્યું છે.

ટેસ્ટિંગ, પ્રોટોકોલ તૈયાર કરવા, વાઇરસનો અભ્યાસ અને રસી વિકસાવવાની ભાગીદારીને લગતા પ્રશ્નો પણ આ સંસ્થાને કરવામાં આવ્યા હતા.

રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ICMRના એપિડેમિયોલૉજી અને કૉમ્યુનિકેબલ ડિસિઝ (ચેપી રોગ) વિભાગનું અધ્યક્ષપદ સંભાળતા ડૉ. આર. આર. ગંગાખેડકરે જણાવ્યું, કોઈને પૂછ્યા વગર કે કોઈની સાથે વાત કર્યા વગર લૉકડાઉન લાદવામાં આવ્યું હતું તેમ કહેવું ખોટું ગણાશે. હા, તે બેઠકોમાં બધા લોકો હાજર ન હતા. તેની બેઠકોમાં કેટલાક ચુનંદા લોકો ઉપસ્થિત હતા જેમાં અમે સ્ટ્રેટેજીની ચર્ચા કરી હતી. હું સ્વીકારું છું કે તે અચાનક યોજાઈ હતી. અમે વધુ લોકોને જાણ કરી હોત તો સારું હતું. હા, હું સહમત છું. પરંતુ જાણ કરવામાં જોખમ પણ હતું."

અમે ICMRનો સંપર્ક કર્યો ત્યારે આ સંસ્થાએ કોઈ માહિતી આપી ન હતી. તેના બદલે તેણે અમારી અરજી MHAને મોકલી દીધી હતી.

નવી દિલ્હીમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ભારતની સૌથી પ્રતિષ્ઠિત હૉસ્પિટલો પૈકી એક ગણાય છે. તે MoFHW હેઠળ એક સ્વાયત્ત સંસ્થા પણ છે. એઇમ્સના સત્તાવાળાઓ પાસે એવી કોઈ માહિતી નથી, જે દર્શાવી શકે કે લૉકડાઉન અગાઉ તેમની સાથે ચર્ચા કરવામાં આવી હોય.

શરૂઆતથી જ ભારતીય સૈન્ય ડૉક્ટરો આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કામ કરતા હતા. વિદેશથી આવેલા ભારતીયો માટે ક્વોરૅન્ટીનની સુવિધાઓ તૈયાર કરવામાં આવી હતી તે યાદ છે? આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ (AFMS)એ દેશભરમાં આવી સુવિધાઓનું સંચાલન કર્યું હતું. તેથી સામૂહિક આઇસોલેશન સેન્ટર અને તાત્કાલિક હૉસ્પિટલો ઊભી કરવા વિશે તેમની પાસે હકીકતમાં વધારે જાણકારી હતી.

જોકે લૉકડાઉન અગાઉ તેમની સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હોય, તેવી કોઈ માહિતી AFMS પાસે પણ નથી.

લૉકડાઉનના નિર્ણયની AFMSને કેવી રીતે ખબર પડી તે વિશે પૂછવામાં આવતા એક અધિકારીએ જણાવ્યું કે "...માનનીય વડા પ્રધાન દ્વારા મીડિયા કવરેજ થકી તેની જાહેરાત કરવામાં આવી હતી."

'આરોગ્ય અધિકારીઓ અંધારામાં હતા'

લૉકડાઉન લાગુ થયા બાદ થોડા જ દિવસોમાં પાયાના સ્તરે કેટલી ગૂંચવણ અને અંધાધૂંધી પ્રવર્તે છે, તેનો અનુભવ થવા લાગ્યો.

એપ્રિલ 2020માં દિલ્હીસ્થિત પ્રોજેક્ટ મૅનેજર સમીદ અહમદ ફારુકીને જાણવા મળ્યું કે તેમનાં માતાપિતા બંને કોરોના સંક્રમિત છે. તેઓ સિનિયર સિટીઝન હતાં, જેમને બીજાની સરખામણીમાં કોરોનાથી વધારે જોખમ હોય છે.

તેમણે મને કહ્યું, "મેં જોયું કે મોટા ભાગની સરકારી હેલ્પલાઇનો કામ કરતી ન હતી. કોઈ જવાબ આપતું તે તેમને કંઈ ખબર પડતી ન હતી અને તેઓ અમને પોલીસ પાસે જવા જણાવતા હતા."

"મારાં માતાપિતાને દાખલ કરાવવા માટે મારે જુદી-જુદી હૉસ્પિટલના પાર્કિંગ લોટ્સમાં ઍમ્બ્યુલન્સની અંદર કલાકો સુધી રાહ જોવી પડી હતી. તે બહુ પીડાદાયક સમય હતો. દેશની રાજધાનીમાં આવી સ્થિતિ હોય તો બીજી બધી જગ્યાએ શું થયું હશે તે તો અલ્લાહ જાણે."

આખરે તેમનાં માતાપિતા બંને સાજાં થઈને ઘરે પાછાં ફર્યાં હતાં.

અર્થતંત્ર પર અસર

વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "આ લૉકડાઉનની રાષ્ટ્રે આર્થિક કિંમત ચૂકવવી પડશે તે બાબતમાં કોઈ શંકા નથી. જોકે, અત્યારની ક્ષણે મારી સૌથી મોટી પ્રાથમિકતા દરેક ભારતીયોના જીવ બચાવવાની છે."

તો પછી આ 'કિંમત' કેટલી હતી?

લૉકડાઉનના કારણે તે ત્રિમાસિક ગાળામાં ભારતના જીડીપીના દરમાં 24 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

લૉકડાઉનના કારણે બેરોજગારીમાં ઉછાળો આવ્યો હતો.

સેન્ટર ફોર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE) નામની ખાનગી સંસ્થાના અંદાજ અનુસાર કર્મચારીઓની મોટાપાયે છટણી થવાથી માર્ચ 2020માં બેરોજગારીનો દર ઊછળીને 8.7 ટકા થયો હતો. એપ્રિલમાં તે વધીને 23.5 ટકાની ટોચે હતો અને જૂન મહિના સુધી 20 ટકાથી ઉપર હતો.

ફેબ્રુઆરી 2021માં બેરોજગારીનો દર 6.9 ટકા નોંધાયો હતો.

જોકે, CMIEના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર મહેશ વ્યાસ લખે છે, "બેરોજગારીનો દર લૉકડાઉન પહેલાંના સ્તરે આવી ગયો, તેમાં કંઈ ઉત્સાહિત થવા જેવું નથી કારણ કે તે બેરોજગારીનો ઘટાડો નહીં પણ શ્રમબળનું ઘટતું કદ દર્શાવે છે... શ્રમબજારને લગતાં બીજાં માપદંડ વધારે કથળ્યાં છે."

ભારતનો રોજગારીનો દર ચિંતાજનક સ્થિતિમાં છે.

તેઓ લખે છે, "રોજગારી મેળવનાર વસતીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. 2016-17માં આ આંકડો 42.7 ટકા હતો, જે ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં ઘટીને અનુક્રમે 41.6 ટકા, 40.1 ટકા અને 39.4 ટકા થયો હતો. ફેબ્રુઆરી 2021માં તે વધુ ઘટીને 37.7 ટકા નોંધાયો હતો."

રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનથી અર્થતંત્ર પર કેવી અસર પડશે, તેની ચર્ચા-વિચારણા થઈ હતી કે નહીં તે જાણવા માટે અમે નાણા મંત્રાલયનો સંપર્ક તેના જુદા-જુદા વિભાગો દ્વારા કર્યો હતો. તેમાં આર્થિક બાબતો, ખર્ચ, નાણાકીય સેવાઓ અને રેવન્યુ વિભાગને અરજી કરવામાં આવી હતી.

સૌથી પહેલાં તો કેટલીક આરટીઆઈ અરજીઓ નાણામંત્રાલય દ્વારા ગૃહમંત્રાલયને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

MHA (ગૃહ મંત્રાલય)એ વિભાગોને પત્રથી સ્પષ્ટતા કરવી પડી હતી કે અરજીમાં તેમની પાસેથી તેમની ભૂમિકા વિશે માહિતી માંગવામાં આવી છે.

આર્થિક બાબતો, ખર્ચ, નાણાકીય સેવાઓ અને રેવન્યુ વિભાગ પાસેથી જે પ્રતિસાદ મળ્યા હતા તેમાં પણ આવા કોઈ વિચારવિમર્શના પુરાવા ન હતા.

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલ એક 'બંધારણીય સંસ્થા' હોવા છતાં લૉકડાઉનના નિર્ણયમાં તેમની કોઈ ભૂમિકા ન હતી. અમારી આરટીઆઈ અરજીના જવાબમાં તેણે આ RTI અરજી MHAને ટ્રાન્સફર કરી હતી, જેણે કોઈ માહિતી આપી ન હતી.

અર્થતંત્ર પર વાઇરસની જે અસર પડવાની હતી, તેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને નાણામંત્રાલય હેઠળ એક 'કોવિડ-19 ઇકૉનૉમિક રિસ્પોન્સ ટાસ્કફોર્સ'ના ગઠનની જાહેરાત કરી હતી.

જોકે, લૉકડાઉનના માત્ર પાંચ દિવસ અગાઉ જ તેની રચના થઈ હતી.

અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે જે ટાસ્કફોર્સને આર્થિક મુશ્કેલીઓ ઘટે તે માટે તમામ પગલાં લેવાનું કામ સોંપવામાં આવ્યું છે, તેણે કેવી સલાહ આપી અને તેનાથી શું પ્રાપ્ત થયું.

આરટીઆઈ ઍક્ટ, 2005 મુજબ અપીલ કરવા છતાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) અને નાણામંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી ન હતી.

બૅન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ અમને બે વખત જણાવ્યું કે તેઓ લૉકડાઉનના નિર્ણયમાં કોઈ પણ રીતે સામેલ હતા, તેવું દર્શાવતી કોઈ માહિતી તેમની પાસે નથી.

શૅરબજારના નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ અમને જણાવ્યું કે, "રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાદવાના નિર્ણય અંગે સેબીને કોઈ માહિતી મળી નથી."

અન્ય મહત્ત્વનાં મંત્રાલયો અને વિભાગો પાસેથી પ્રતિભાવ મેળવ્યો ત્યારે ત્યાં પણ આવી જ સ્થિતિ હતી. તેમાં માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) મંત્રાલય, ટેલિકૉમ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફૉર્મેશન ટેક્નૉલૉજી વિભાગ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગ્રાહક બાબતોનું મંત્રાલય અને બીજાં મંત્રાલયો સામેલ છે.

નીતિવિષયક બાબતોના નિષ્ણાત પ્રિયા રંજન દાસે જણાવ્યું કે "જ્યારે અર્થતંત્ર પહેલાંથી નબળો દેખાવ કરતું હતું, ત્યારે ભારતમાં સંપૂર્ણ લૉકડાઉનની જરૂર ન હતી. કોઈ પણ આયોજન વગર સંપૂર્ણ લૉકડાઉન લાદવું એ સંપૂર્ણપણે ખોટું હતું."

અમે અમારા તારણો જણાવ્યા ત્યારે તેમણે આ માટે "આ સરકારની કાર્યશૈલી"ને કારણભૂત ગણાવી હતી.

"હા, વધુ સારું આયોજન કરવાનો અવકાશ હતો. તે વિકેન્દ્રિત નિર્ણય હોવો જોઈતો હતો. સ્વતંત્રતા પછી ભારત ઘણા યુદ્ધ લડ્યું છે, ઘણી કુદરતી આફતોનો સામનો કર્યો છે. જેમાં અર્થતંત્રને ભારે અસર થઈ હોય. પરંતુ હવે જે થયું છે તેનાથી પ્રચંડ ફટકો પડ્યો છે. અત્યારે આપણી (આર્થિક) સ્થિતિ એવી છે કે તેને વિશ્વના કોઈ પણ મોટા અર્થતંત્ર સાથે સરખાવી શકાય તેમ નથી."

લૉકડાઉનની માનવકિંમત

લૉકડાઉનની કાયમ માટે યાદ રહી જાય તેવી છબિ લાખો માઇગ્રન્ટ મજૂરોની હતી, જેમણે શક્ય હોય તે રીતે પોતાના વતન પરત જવાનો પ્રયાસ કર્યો હતો.

14 સપ્ટેમ્બર, 2020ના રોજ સંસદમાં શ્રમ અને રોજગાર મંત્રાલય પાસે આ અંગે વિગત માંગવામાં આવી હતી.

મંત્રાલયે જણાવ્યું કે એક કરોડથી વધુ માઇગ્રન્ટ કામદારોએ પોતાના વતન રાજ્યમાં પરત જવું પડ્યું હતું. તેમાંથી 63.07 લાખ કામદારોને સરકારે ટ્રેન દ્વારા પહોંચાડ્યા હતા.

સરકારે દાવો કર્યો કે ઘરે જતી વખતે કેટલા માઇગ્રન્ટ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા તે વિશે તેમની પાસે કોઈ આંકડો નથી. કુલ કેટલા લોકોએ રોજગારી ગુમાવી તેનું પણ આકલન નથી કરાયું.

બીબીસીએ મીડિયાના અહેવાલોનું વિશ્લેષણ કર્યું હતું જે મુજબ લગભગ 300થી વધુ કામદારો પોતાના વતન જતી વખતે થાક અથવા અકસ્માતના કારણે માર્યા ગયા હતા.

લૉકડાઉન જાહેર થયું તે દિવસે શ્રમ અને રોજગાર મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'સલાહ' આપી હતી કે તેઓ બાંધકામ ક્ષેત્રના મજૂરોનાં ખાતાંમાં ફંડ ટ્રાન્સફરનો ઉપયોગ કરે.

મંત્રાલયે બીજું શું કર્યું? શું લૉકડાઉન અગાઉ કોઈ સૂચન કરાયા હતા? શું મંત્રાલયે આવી કટોકટીની ધારણા નહોતી કરી? શું વિકલ્પોની જોગવાઈ કરી હતી?

અમારી આરટીઆઈ અરજીનો જવાબ આપનારા 45 અન્ય વિભાગોના મુખ્ય સેક્રેટરિયેટમાંથી એક પણ પાસે આ અંગે કોઈ માહિતી ન હતી.

માઇગ્રન્ટ મજૂરોની તકલીફોનું દસ્તાવેજીકરણ કરનાર તથા લગભગ 40,000 મજૂરોને રોકડ સહાય આપી હોવાનો દાવો કરનાર સ્ટાન્ડર્ડ વર્કર્સ ઍક્શન નૅટવર્ક (SWAN)ના સ્વયંસેવક પ્રીતિ સિંઘ કહે છે કે તેમને સરકારી વિભાગોના જવાબથી કોઈ આશ્ચર્ય નથી થયું.

તેઓ કહે છે, "પરીક્ષા અગાઉ પણ આપણે તૈયારી કરીએ છીએ. પરંતુ આટલું મોટું લૉકડાઉન કોઈ પણ તૈયારી વગર લાદવામાં આવ્યું હતું. મજૂરોની આવક બંધ થઈ ગઈ હતી તેથી તેમની પાસે કોઈ નાણાં ન હતાં."

"અમારી પાસે વારંવાર નાણાં માંગવા આવનાર એક મજૂરે રડતાં-રડતાં કહ્યું કે તેણે પોતાનું આત્મસન્માન ગુમાવી દીધું છે. એવું લાગ્યું કે જાણે અમે ગિનિ પિગ છીએ અને અમારા પર પ્રયોગ થઈ રહ્યો છે. માત્ર 10 દિવસનો ટૂંકો ગાળો આપીને એક અર્થપૂર્ણ કવાયત કરવામાં આવી હોત તો આટલા બધા લોકોના અકાળે મૃત્યુ થયાં ન હોત."

બીજાએ શું કહ્યું?

બીબીસીએ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની કચેરી સહિત અન્ય જાહેર ઑથૉરિટીનો પણ સંપર્ક કર્યો હતો.

અમે માહિતી માંગી કે આ બંધારણીય કચેરીઓને લૉકડાઉનની જાહેરાત પહેલાંથી ખબર હતી કે નહીં તથા તેમણે લૉકડાઉનની અસર અંગે પીએમઓ સાથે કોઈ ચર્ચા કરી હતી કે નહીં.

રાષ્ટ્રપતિના સેક્રેટરિયટે જણાવ્યું કે, "આ સેક્રેટરિયટના સંબંધિત વિભાગ પાસે આની કોઈ માહિતી ઉપલબ્ધ નથી."

ઉપરાષ્ટ્રપતિની કચેરીએ જણાવ્યું કે તેમને લૉકડાઉન વિશે 24 માર્ચ 2020ના MHAના ઑર્ડર દ્વારા જાણકારી મળી હતી. તે દિવસે જ લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.

જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું, "આ સેક્રેટરિયેટ દ્વારા પીએમઓ સાથે આ વિશે બીજો કોઈ પત્રવ્યવહાર નથી થયો." અગાઉથી વિચારવિમર્શ થયો હતો કે નહીં તે પ્રશ્ને તેમણે કહ્યું કે તેમની પાસે કોઈ માહિતી નથી.

2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના પદની જાહેરાત કરી હતી. સીડીએસ સંરક્ષણ મંત્રાલય ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ (DMA)નું વડપણ સંભાળે છે.

અહીં એ જણાવી દઈએ કે વર્તમાન સીડીએસ જનરલ બિપિન રાવતે જ પહેલી મે, 2020ના દિવસે સૈન્યની અન્ય પાંખોના વડાઓ સાથે એક પત્રકારપરિષદને સંબોધી હતી અને "કોરોના વૉરિયર્સના પ્રયાસોને બિરદાવ્યા હતા તથા ફ્રન્ટલાઇન વૉરિયર્સને મદદ પૂરી પાડવાનું વચન આપ્યું હતું."

અમે તેમના વિભાગને સવાલ કર્યો કે લૉકડાઉન લાદતા પહેલાં તેમને જાણ કરવામાં આવી હતી કે નહીં કે પછી કોઈ પણ મુદ્દે વિચારવિમર્શ થયો હતો કે કેમ.

તેના જવાબમાં અમને જણાવાયું કે, "માહિતી ઉપલબ્ધ નથી".

માનવસંસાધન વિકાસ મંત્રાલય (MHRD)એ અમને જણાવ્યું, "લૉકડાઉનની જાહેરાત કરતા પહેલાં PMOએ ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરી હતી કે નહીં તથા બીજા સવાલો વિશેની માહિતી રેકર્ડ પર નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો