વેરવિખેર થઈ ગયેલા વિપક્ષમાંથી કોણ નરેન્દ્ર મોદીને 2024માં પડકાર ફેંકશે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

કહેવાય છે કે હાલની પાંચ રાજ્યોની ચૂંટણી સેમિફાઇનલ છે અને ફાઇનલ મૅચ 2024ની સામાન્ય ચૂંટણી છે.

તો શું પાંચ રાજ્યોમાંથી ચારમાં જીત હાંસલ કરીને ભારતીય જનતા પક્ષે ફાઇનલ મૅચમાં પોતાની જીત સુનિશ્ચિત કરી લીધી છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 માર્ચ, 2022એ મળેલી આ જીત પછી એ જ સાંજે દિલ્હીના ભાજપના મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સમક્ષ આપેલા ભાષણમાં કહ્યું કે, "2019ની ચૂંટણીનાં પરિણામો પછી કેટલાક પૉલિટિકલ જ્ઞાનીઓએ કહેલું કે ભાઈ, 2019ની જીતમાં શું છે, એ તો 2017માં જ નક્કી થઈ ગઈ હતી. કેમ કે 2017માં યુપીનું પરિણામ આવ્યું હતું. હું માનું છું કે આ વખતે પણ એ જ્ઞાનીઓ જરૂર એમ કહેવાની હિંમત કરશે કે 2022નાં પરિણામોએ 2024નાં પરિણામો નિશ્ચિત કરી દીધાં છે."

પ્રસાર ભારતીના પૂર્વ અધ્યક્ષ અને મોદી સમર્થક સૂર્યપ્રકાશના મતે આ તાજાં ચૂંટણીપરિણામોની અસર 2024માં જોવા મળશે. એમના મતાનુસાર, ભાજપની જીતની પૂરી શક્યતા છે.

તેમણે જણાવ્યું કે, "આજની સ્થિતિ જોતાં 2024ની ચૂંટણીમાં મને નિશ્ચિતરૂપે ભાજપાની જીત સામે કોઈ સમસ્યા નથી દેખાતી. દેશભરમાં મોદી સમર્થક ભાવના ખૂબ જ મજબૂત છે."

"સરકારી સ્કીમોની ડિલિવરી અને વિચારોના પ્રસારની બાબતમાં એમનો રેકૉર્ડ ખાસ્સો ઉલ્લેખનીય છે. જો વસ્તુઓ એમ જ, સ્થિર રહી તો મને 2024માં ભાજપ માટે કોઈ સમસ્યા નથી દેખાતી."

એમનું કહેવું એમ હતું કે, લોકો મોદીના નામ પર આજે પણ વોટ આપે છે અને આગળ જતાં એને રોકવા મુશ્કેલ છે.

બીબીસી સાથે વાત કરતાં એમણે જણાવ્યું કે, "એમાં કશી શંકા નથી કે ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય જીતવું કોઈ મજાક નથી. એ જ્યાં યોગી આદિત્યનાથ માટે એક સકારાત્મક સંકેત છે તો બીજાં રાજ્યોમાં પીએમ મોદી માટે પણ એક વ્યાપક સંકેત છે."

રાજકીય વિશ્લેષક સીમા ચિશ્તીના મતાનુસાર તાજાં ચૂંટણીપરિણામો એ દર્શાવે છે કે હાલનો માહોલ હિન્દુત્વના પક્ષે છે.

એમના જણાવ્યા અનુસાર એ વિપક્ષની હાર કરતાં વધારે તો વોટરોની માનસિકતા દર્શાવે છે.

તેમણે કહ્યું કે, "વોટર ખુદ પોતાના હિતમાં મત નથી આપતા, એમને બીજું કશુંક જોઈએ છે." એમને લાગે છે કે જો આવી જ સ્થિતિ રહી તો 2024ની સામાન્ય ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દે જ વોટ પડશે."

"જો હું ભાજપામાં છું તો હું એમ જ સમજીશ કે હિન્દુત્વને પૂર્ણરૂપે વોટ મળ્યા છે. માત્ર હિન્દી બૅલ્ટની વાત નથી. આ ચૂંટણી અલગ અલગ રાજ્યોમાં થઈ છે."

મોદીને રોકવા મુશ્કેલ

લગભગ બધા વિશ્લેષક એ વાતનો હવે સ્વીકાર કરે છે કે નરેન્દ્ર મોદીને રોકવા એ હાલ વિપક્ષના ગજા બહારની વાત છે. વડા પ્રધાન 70 વર્ષના છે અને સ્વસ્થ છે.

એમના સમર્થકો કહે છે કે તેઓ રજા પાડતા જ નથી, કેવળ કામ કરતા રહે છે. દેખીતું છે કે 2024ની ફાઇનલ મૅચમાં ભાજપાના કૅપ્ટન મોદી જ હશે અને વિશ્લેષકો માને છે કે જો બધા વિપક્ષ એકસાથે થઈ જાય તો પણ એમને હરાવવા મુશ્કેલ છે.

વિશ્લેષકો છેલ્લાં 8 વર્ષથી કૉંગ્રેસ ખતમ થઈ જવાની વાતો કરી રહ્યા છે. તાજેતરની હાર પછી ફરીથી એક વાર આ જ વાતો થવા લાગી છે.

પરંતુ છેલ્લાં 8 વર્ષમાં કૉંગ્રેસે જો ઘણાં રાજ્યોમાં હારનો સામનો કર્યો છે તો ઘણાં રાજ્યોમાં જીત પણ હાંસલ કરી છે.

વર્ષ 2018માં જ્યારે પાર્ટીએ છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં જીત મેળવી હતી ત્યારે લાગ્યું કે પાર્ટીનું પુનરુત્થાન થઈ રહ્યું છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે પાર્ટી બે વખત ચૂંટણી હારી ચૂકી છે.

સીમા ચિશ્તીએ જણાવ્યું કે, "કૉંગ્રેસ ખરાબ રીતે હારી છે. પંજાબમાં પણ ભૂંડી હાર થઈ છે, જેના કારણે દેશમાં એક પાર્ટીની સિસ્ટમ બની ગઈ છે."

કઈ રીતે થશે 2024ની ચૂંટણી?

તો શું 2024ની લોકસભાની ચૂંટણી ભાજપ વિ. કૉંગ્રેસ નહીં થાય? શું એ ભાજપ વિ. ક્ષેત્રીય પાર્ટીઓની ચૂંટણી હશે?

હરિયાણાના મુખ્ય મંત્રી અને ભાજપના નેતા મનોહરલાલ ખટ્ટરે ગુરુવારે કહ્યું કે, દેશમાં હજુ પણ બે જ પાર્ટીઓ છે, ભાજપ અને કૉગ્રેસ. તેમણે કહ્યું કે, "આજે પણ દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપ અને કૉંગ્રેસ જ હાજર છે. પરંતુ કૉંગ્રેસની વિચારધારામાં લોકોનો રસ ઘટી રહ્યો છે."

મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને આશા છે કે 2024ની ચૂંટણીમાં એમની પાર્ટી મજબૂત રહેશે. તેમણે કહ્યું કે, "કૉંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ હજુ પણ મજબૂત છે, જેનાથી અમને 2024ની ચૂંટણીમાં ખરાખરીની ટક્કર આપવામાં મદદ મળશે."

સીમા ચિશ્તીએ જણાવ્યા અનુસાર, 2024માં ભાજપાની સરખામણીએ કૉંગ્રેસ શક્તિપ્રદર્શન કરી શકશે કે કેમ તે અન્ય રાજ્યોની આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ કેવું પ્રદર્શન કરે છે તે વાત પર આધારિત રહેશે.

તેમણે જણાવ્યું કે, "એ નક્કી કરશે કે રાજ્યોની આગામી ચૂંટણીમાં કઈ જાતનાં પરિણામો જોવા મળે છે. અમારું આકલન બદલાતું રહે છે. હાલ જુઓ, બંગાળની ચૂંટણી પછી પ્રવાહ જુદી રીતનો થઈ ગયો હતો."

"તો જો કૉંગ્રેસ ખરેખર સંગઠિત થઈને રાજ્ય સ્તરે દમદાર પ્રદર્શન કરે (કર્ણાટક અને ગુજરાતની ચૂંટણીમાં), જો કૉંગ્રેસે ફિગર આઉટ કરી લીધા કે લોકો કઈ રીતે પ્રતિક્રિયા કરે છે તો પછી આશા છે. એણે પોતાના પાછા ફરવાનો માર્ગ નક્કી તો કરવો પડશે."

સૂર્યપ્રકાશે કહ્યું કે, 2024ની ચૂંટણીમાં ફાઇનલ મૅચ ભાજપા વિ. ક્ષેત્રીય પાર્ટીઓ વચ્ચે થશે.

એમણે જણાવ્યું કે, "પહેલી વાત આપણે એ ધ્યાનમાં રાખવી પડશે કે ભાજપ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની નંબર વન પાર્ટી બની ગઈ છે. એની ટક્કર ઘણાં ક્ષેત્રીય દળોના એક સમૂહ સાથે થશે. આ ચૂંટણી પછી આજના ભારતના રાજકીય નકશા પર નજર કરીએ તો ખબર પડશે કે ઘણાં રાજ્યમાં ક્ષેત્રીય દળ સત્તા પર છે."

"કૉંગ્રેસ જ્યાં પણ સત્તા પર છે, જેમ કે, રાજસ્થાન અને છત્તીસગઢ, ત્યાં ભાજપ મુખ્ય વિપક્ષ છે અને તે વૈકલ્પિક રૂપે સત્તા પર આવે છે."

"બીજી સ્થિતિ ઓડિશા જેવા રાજ્યની છે, જ્યાં એક સ્થાનિક પાર્ટી (બીજેડી)એ કૉંગ્રેસને ખતમ કરી નાખી છે. બીજૂ જનતા દળે કૉંગ્રેસને પછાડી દીધી છે. હવે ભાજપ બીજેડીની મુખ્ય વિરોધી પાર્ટી છે."

"તેલંગણામાં, જે એક કૉંગ્રેસી રાજ્ય હતું, સત્તારૂઢ દળે ચૂંટણીમાં કૉંગ્રેસને પછાડી અને હવે ભાજપ ક્ષેત્રીય દળની મુખ્ય વિરોધી પાર્ટી બની ગઈ છે. પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં પણ કંઈક એવું જ બન્યું છે."

તેમણે જણાવ્યું કે, "હવે કૉંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીએ પંજાબમાં ક્લીન સ્વીપ કર્યું છે. હવે કૉંગ્રેસ માટે સત્તામાં ફરીથી આવવું મુશ્કેલ રહેશે. તમે દિલ્હી જુઓ, જ્યાં આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં સતત બે વખત કૉંગ્રેસને પછાડી છે."

રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી એક નવો વિકલ્પ?

પંજાબમાં ભારે બહુમત સાથે જીત્યા પછી આમ આદમી પાર્ટીને હિંમત મળી છે. બે સીટ સાથે ગોવામાં પણ એણે પોતાનું ખાતું ખોલાવી દીધું છે.

સ્પષ્ટ છે કે હવે આ પાર્ટી દિલ્હી પૂરતી સીમિત નથી રહી. તો શું હવે એ એક રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનીને ઊભરશે અને શું ભાજપ માટે પડકાર ઊભો કરશે?

સૂર્યપ્રકાશે કહ્યું કે, "આ પ્રારંભિક દિવસો છે. તમે એક છોડ જોયો છે, હવે એને પાંગરતો જોશો." તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી હાલ માત્ર દિલ્હી અને પંજાબમાં ભાજપ માટે પડકાર છે, રાષ્ટ્રીય સ્તરે નહીં.

સીમા ચિશ્તીના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની શકે એમ છે.

તેમણે કહ્યું કે, "એની સામે આરએસએસને પણ કશી સમસ્યા નહીં હોય. એ (આમ આદમી પાર્ટી) એની નજીકની (પાર્ટી) તરીકે જોવાય છે અને ભાજપનો વિરોધ તો કરતી જ નથી. મારા મતે આપ હિન્દુત્વ માટે પ્રતિબદ્ધ છે."

કદાચ આમ આદમી પાર્ટી 2024માં રાષ્ટ્રીય સ્તરે ભાજપને પડકાર ફેંકવા યોગ્ય ન બની શકે. વિશ્લેષકો કહે છે કે ઘણા વિપક્ષી નેતા જેમની પાર્ટીઓ ઘણાં રાજ્યોમાં સત્તા પર છે તે સંગઠિત થઈને એક ત્રીજો મોરચો (થર્ડ ફ્રન્ટ) બનાવે તો ફાઇનલ મૅચ રસપ્રદ બની શકે છે.

મમતા બેનરજી, ચંદ્રશેખર રાવ અને શરદ પવાર જેવા મોટા ગજાના વિપક્ષના નેતા એવા મોરચાની વાતો કરી રહ્યા છે પરંતુ હાલ પૂરતો તો એ બની શક્યો નથી.

સામાન્ય ચૂંટણી બે વર્ષ પછી છે. રાજકારણમાં બે વર્ષ લાંબો સમયગાળો ગણાય. બે વર્ષમાં સ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિમાં વડા પ્રધાન મોદીને પરાસ્ત કરવા લગભગ અસંભવ લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો