વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ, ખેલમહાકુંભનું ઉદ્ઘાટન કર્યું

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે. મોદીના ગુજરાતપ્રવાસનો આજે બીજો દિવસ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ અહીં યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપી હતી.

PM નરેન્દ્ર મોદીએ રિમોટ વડે અગિયારમા ખેલમહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ સિવાય સ્પોર્ટ્સ પૉલિસી 2022-27નું પણ અનાવરણ કરાયું હતું.

સાંજે છ વાગ્યે તેઓ અમદાવાદ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11મા ખેલમહાકુંભનું ઉદ્ઘાટન સમારોહ શરૂ કરાયો હતો.

ગઈ કાલે વડા પ્રધાનનો રોડ શો યોજાયો હતો અને બાદમાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

બાદમાં વડા પ્રધાને સરપંચ સંમેલનમાં પણ સંબોધન કર્યું હતું અને ગામડાંના વિકાસ પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે ગામડાંઓની શાળાનો જન્મદિવસ ઉજવવો જોઈએ અને સાફસફાઈ કરવી જોઈએ.

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી વડા પ્રધાનની મુલાકાતને રાજકીય રીતે પણ જોવાઈ રહી છે.

વડા પ્રધાન આજે રક્ષાશક્તિ યુનિવર્સિટી કૅમ્પસ (દહેગામ) ખાતે પહોંચ્યા હતા.

તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે અને પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી.

પાંચ પાજ્યોની ચૂંટણી બાદ તુરંત જ તેમની આ મુલાકાતને લઈને અટકળો થઈ રહી છે કે શું ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ વડા પ્રધાનનું ધ્યાન ગુજરાતની ચૂંટણી તરફ રહેશે?

જોકે ગુજરાતની 13મી વિધાનસભાની સમયમર્યાદા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પૂરી થવાની છે અને ચૂંટણીપંચે ચૂંટણીઓ નવેમ્બર મહિનામાં યોજવી પડે તેવી શક્યતા છે.

અટકળો છે કે ઉત્તર પ્રદેશ સહિતનાં ચાર રાજ્યોમાં થયેલા ભાજપના વિજયનો ફાયદો લેવા માટે ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવી શકે, જોકે અમુક લોકોનું એવું પણ માનવું છે કે હાલની ભાજપને વહેલી ચૂંટણી યોજવામાં કોઈ રસ નથી અને ચૂંટણી તેના યોગ્ય સમય અનુસાર જ થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી સહિત આખા રાજ્યના તમામ મંત્રીઓને બદલી નાખવામાં આવ્યા છે.

રાજકીય વર્તુળના અનેક લોકો એવું પણ માને છે કે ભાજપના મોટા ગજાના નેતાઓનું મંત્રીપદ લઈ લેવામાં આવ્યું હતું, તે નેતાઓ પક્ષને આવનારી ચૂંટણીમાં કોઈ મોટું નુકસાન ન કરી દે તે માટે ભાજપ હાઇકમાન્ડની નજર હવે ગુજરાત તરફ મંડાણી છે.

ખેલમહાકુંભના ઉદ્ધાટન સમારોહમાં વડા પ્રધાને શું-શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ગાટનસમારોહ દરમિયાન પોતાના ભાષણમાં કેટલીક મહત્ત્વની વાતો કરી હતી. તેમજ ગુજરાતમાં રમતગમતક્ષેત્રે થયેલી પ્રગતિની પ્રશંસા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું :

  • આ માત્ર ખેલોનો મહાકુંભ નથી, યુવાશક્તિનો પણ મહાકુંભ છે.
  • 12 વર્ષ પહેલાં જે બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બનતું જોઈ રહ્યો છું
  • આ વર્ષે જુદીજુદી 36 રમતોમાં 55 લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો.
  • પહેલાં ભારતમાં માત્ર એકાદ-બે રમતોનું જ ચલણ હતું, આવું હવે હવે નથી રહ્યું.
  • રાજનીતિની જેમ સ્પોર્ટ્સમાં પણ ભાઈ-ભત્રીજાવાદ હતો, જેને દૂર કરવામાં આવ્યો છે.
  • ખેલમહાકુંભે ઘણા આંતરરાષ્ટ્રીય રમતવીરો આપ્યા છે.
  • પહેલાં દેશમાં રમતોને પ્રોત્સાહન નહોતું અપાતું, હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત સ્પોર્ટ્સ ઍજ્યુકેશન પર ભાર અપાય છે.
  • ગુજરાતમાં જિલ્લા અને તાલુકાકક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની કામગીરીની પ્રશંસા કરી.
  • છેલ્લાં પાંચ વર્ષમાં સ્પોર્ટ્સ બજેટ 70 ટકા વધારવામાં આવ્યું.
  • ગુજરાતમાં લાંબો દરિયાકિનારો હોવાથી વૉટર અને બીચ સ્પોર્ટ્સ પર ધ્યાન આપવું જોઈએ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને નરેન્દ્ર મોદી

ગુજરાતની ચૂંટણીની વાત કરવામાં આવે તો 1960માં રાજ્યની સ્થાપના બાદ 1962માં રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. હજી સુધી રાજ્યમાં 1975, 1998 અને 2002માં નીયત સમય કરતાં વહેલી ચૂંટણીઓ યોજાઈ હતી.

જોકે 2002માં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યાર બાદ રાજ્યમાં રાજકીય દૃષ્ટિએ મોટા ફેરફારો આવ્યા નથી. કોવિડના સમયમાં સરકારની ટીકા સિવાય ભાજપ સરકાર સામે હાલમાં કોઈ મોટો ખતરો રાજકીય વિશ્લેષકોને દેખાતો નથી.

ગુજરાતમાં 1998 પછી ભાજપનો કોઈ વિકલ્પ લોકોને મળ્યો નથી, એવું પણ અનેક લોકો માને છે.

2017ની ચૂંટણીમાં 2002 કે તે પછીની ચૂંટણીની સરખામણીએ ભાજપનો દેખાવ સારો રહ્યો નહોતો, પરંતુ તેમ છતાં ભાજપે 99 સીટ જીતી હતી. રાજ્યમાં સરકાર બનાવવા માટે રાજકીય પાર્ટી પાસે 92 સીટ હોવી જરૂરી છે.

મોદીની મુલાકાત વિશે જ્યારે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાત એક સરકારી મુલાકાત છે, જેમાં તેઓ પંચાયતના સરપંચો વગેરેને મળવાના છે.

નરેન્દ્ર મોદીની મુલાકાતથી શું ફાયદો થશે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક મનીષી જાનીએ કહ્યું કે "ગુજરાતમાં હાલમાં જે પ્રકારે કૉંગ્રેસ પક્ષની સ્થિતિ દિવસે દિવસે બગડી છે તેને જોતા લાગે છે કે ભાજપને તેનાથી કોઈ મોટો ખતરો નથી."

જાની માને છે કે ભાજપ હાલમાં સારી સ્થિતિમાં છે અને મોદીની હમણાંથી જ રાજ્યના ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવાની જરૂર નથી."

આ અંગે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સાથે પણ વાત કરી.

તેમનું માનવું છે કે ભલે બહારથી ન દેખાતું હોય, પરંતુ ભાજપમાં હાલમાં અંદરનો ક્લેશ ચરમસીમા પર છે. 2021 પહેલાંના તમામ મંત્રીઓ હાલમાં ઘરે બેઠા છે અને તેમાંથી ઘણાને ખબર પણ નથી કે આવનારી ચૂંટણીમાં તેમને ટિકિટ મળશે કે નહીં, આવા તમામ લોકોને આશ્વાસન આપવાની જરૂર છે, માટે મોદીએ ગુજરાત તરફ મીટ માંડી છે.

જોકે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા આ વાત સાથે સહમત નથી થતા.

તેઓ કહે છે કે ગમે તેટલી મજબૂત પાર્ટી હોય, ચૂંટણી પહેલાં વહેલા જાગી જવું જોઈએ, જે ભાજપ કરી રહ્યો છે અને કૉંગ્રેસે પણ કર્યું છે. કૉંગ્રેસે પોતાની દ્વારકામાં ચિંતન શિબિર યોજીને રાહુલ ગાંધીને બોલાવીને આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેઓ માને છે કે ભાજપ હાલમાં ગુજરાતમાં મજબૂત સ્થિતિમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ચૂંટણીમાં સજાગ ન થાય, કારણ કે હવે લોકો ખૂબ સહેલાઈથી કોઈ પણ વાત માની નથી લેવાના. લોકો હવે વિકાસની વાત કરે છે, પોતાના મુદ્દાઓની વાત કરે છે અને તેવામાં તેમના સુધી પહોંચવા માટે હવેથી તૈયારી શરૂ કરી દેવામાં જ સમજદારી છે.

તેમણે એ પણ કહ્યું કે હાલમાં રાજ્યમાં જરૂર છે કે ભાજપ પોતાના સંગઠનની તાકાત બતાવે, જેથી લોકોને ખબર પડે કે તેની મજબૂતાઈમાં કોઈ ફરક પડ્યો નથી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં જ કૉંગ્રેસની પણ ચિંતનશિબિર યોજાઈ હતી અને તેમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્યોને સંબોધ્યા હતા.

જોકે આ ચિંતન શિબિર થકી કૉંગ્રેસે વિધિવત્ રીતે ગુજરાતની આવનારી ચૂંટણી માટે તૈયારી કરવાની જાહેરાત કરી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો