UPમાં BJPના વિજય અંગે સી. આર. પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા?

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભાની ચૂંટણીનાં વલણોથી આ પાંચેય રાજ્યોમાં આગામી સમયમાં કયા પક્ષની સરકાર બનશે, તે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપ અને સહયોગી પક્ષો સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે, જ્યારે સામેની બાજુએ પંજાબમાં કૉંગ્રેસ શાસન કાયમ રાખી શકી નથી.

આ ચાર રાજ્યોમાં ભાજપ અને સાથી પક્ષોના સારા પ્રદર્શનના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા.

ગુજરાતમાં પ્રદેશ ભાજપના મુખ્યાલય કમલમ્ ખાતે પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

પાટીલ અને પટેલે શું કહ્યું?

પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું કે, "ચારેય રાજ્યોમાં ફરી ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સામાન્ય જનતા સુધી લાભ પહોંચાડવામાં મોદી-યોગીની જોડી સફળ રહી છે."

"આ જ વલણ અન્ય ત્રણ રાજ્યોમાં પણ જોવા મળ્યું. પક્ષના કાર્યકરોની મહેનત ફળી છે, ચારેય રાજ્યોની જનતાએ ફરી એક વાર વડા પ્રધાન મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે."

"આ વિજય માટે હું વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના મુખ્ય મંત્રીઓને પણ અભિનંદન પાઠવું છું."

"વિકાસના રાજકારણનો વિજય થયો છે અને ભાગલાવાદી પરિબળો ઘરભેગાં થઈ ગયાં છે. સૌથી વધુ ચારેય રાજ્યોના મતદારો અને ભાજપના કાર્યકરોને વિજય માટે અભિનંદન પાઠવું છું."

ગુજરાતીઓનો UPની જીતમાં ફાળો

ગુજરાતમાંથી ભાજપના કાર્યકરોએ આ તમામ રાજ્યોમાં જઈને કરેલી કામગીરીની નોંધ લેતાં પાટીલે આગળ જણાવ્યું કે, "ગુજરાત ભાજપના કાર્યકરોએ આ તમામ રાજ્યોમાં ખૂબ જ ખંતથી કામ કર્યું હતું. તેમજ ભાજપના સ્થાનિક કાર્યકરો સાથે સુમેળ સાધીને આ વિજય શક્ય બનાવ્યો છે. આ ભવ્ય જીતમાં ગુજરાત પણ ભાગીદાર બન્યું છે."

ચાર રાજ્યોમાં ભાજપના વિજય અંગે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "ભાજપે ચારેય રાજ્યોમાં બહુમતી જાળવવામાં સફળતા મેળવી છે."

"તે તેના લોકોપયોગી કાર્યો અને સંગઠનમાં સાવ પાયના કાર્યકરોને સાથે રાખીને કરેલી કામગીરી અંગે સાક્ષી પૂરે છે. આ એ વાતનો પુરાવો છે કે ભાજપ તમામ લોકોપયોગી યોજનાઓના લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં સફળ નીવડ્યો છે."

જો પરિણામોની વાત કરીએ તો હાલ આવી રહેલાં વલણોમાં ભાજપ ઉપરોક્ત ચાર રાજ્યોમાં સારો એવો બહુમત મેળવી રહ્યો છે. તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટી શાસનધુરા સંભાળશે તે પાકું થઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો