જળઆંદોલન : ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ ગુજરાતમાં હજારો ખેડૂતો એકઠા કેમ થયા?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતોએ પાણી માટે આંદોલન ઉપાડ્યું છે.

ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે ખેડૂતો એકઠા થયા હતા અને પાણી માટે 'જળઆંદોલન' શરૂ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા ગામેથી આજે હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી હતી.

આ રેલીમાં અંદાજે 100 ટ્રૅક્ટર દ્વારા ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ખેડૂતોએ પાણીની માગ કરીને જણાવ્યું હતું કે જો આગામી સમયમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન શરૂ કરશે.

ખેડૂતોએ આંદોલન કેમ શરૂ કર્યું?

તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે પાલનપુર તાલુકાના મલાણા ગામ અને આજુબાજુનાં 50 ગામનાં જળાશયોમાં પાણી નથી, પાણીનાં તળ 1000 ફૂટ નીચે ગયાં છે.

ખેડૂતોની ફરિયાદ છે કે છેલ્લાં 25 વર્ષથી મલાણા તળાવ ભરવાની માગ છે, પણ માગ પૂરી થઈ નથી.

પાણી ન હોવાથી પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ ખેડૂતોનું કહેવું છે.

ભારતીય કિસાન સંઘના પ્રમુખ (પાલનપુર તાલુકો) માવજીભાઈએ કહ્યું કે આ રેલીમાં અંદાજે પાંચ હજારથી વધુ સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. બાલારામ નદી પર જે ધનપુરા ચેકડૅમ છે, એનું ઓવરફ્લોનું પાણી મલાણા ગામના તળાવમાં છોડવામાં આવે.

તેમજ ખેડૂતોની માગ છે કે દાંતીવાડા ડૅમનું પાણી પણ બોરના માધ્યમથી છોડી શકાય.

ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમનાં તળાવ નહીં ભરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોની આ રૅલીમાં મહિલાઓ, યુવાઓ પણ જોડાયા હતા.

ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં સરકાર પાણી મામલે વાયદાઓ કરે છે, પણ પાણી ન આપતી હોવાથી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

જોકે આજે આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે જો 15 દિવસમાં તેમની માગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન શરૂ કરશે.

તો ખેડૂતોએ કહ્યું કે તેમને કલેક્ટરે બાંયધરી આપી છે કે તેઓ ઉપર લેવલે તેમની રજૂઆત પહોંચાડશે અને ઝડપથી સમસ્યાનો ઉકેલ આવે તેવા પ્રયાસો કરશે.

મલાણા ગામનાં સરપંચ હેમાબહેન કહે છે કે એમના ગામમાં પશુપાલન અને પીવાના પાણી પણ સમસ્યા છે.

એક ખેડૂતે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે એમણે પાલનપુરના રામલીલા મેદાનમાં કહ્યું હતું કે હું મલાણા ગામનું તળાવ ભરીશ પણ આજ સુધી કોઈ સરકારે અમારી માગણી સાંભળી નથી.

ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તેમને પશુઓ સાથે હિજરત કરવાની ફરજ પડશે અને કોઈ પણ ચૂંટણી કોઈ પણ પાર્ટીને મત નહીં આપે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો