You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકુલ આર્ય : પૅલેસ્ટાઇનમાં ઑફિસના પરિસરમાંથી જ મળ્યો ભારતીય રાજદૂતનો મૃતદેહ, શું છે મામલો?
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, પેલેસ્ટાઇનના શહેર રામલ્લામાં રવિવારે ભારતના રાજદૂત મુકુલ આર્યનો મૃતદેહ તેમની જ ઑફિસના પરિસરમાંથી મળી આવ્યો હતો. આ સમાચાર સૌપ્રથમ વિદેશમંત્રી એસ. જયશંકરે શૅર કર્યા હતા, જેમણે ભારતીય રાજદ્વારીના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પેલેસ્ટાઇનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે તેમને રાજદૂત મુકુલ આર્યના મૃત્યુના સમાચાર 'ભારે આશ્ચર્ય અને આઘાત' સાથે પ્રાપ્ત થયા છે. 2008ની બૅચના ભારતીય વિદેશસેવાના અધિકારી મુકુલ આર્યના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
તેમણે કાબુલ તથા મોસ્કોના ભારતીય દૂતાવાસમાં પણ સેવા આપી હતી.
તેઓ નવી દિલ્હીમાં મંત્રાલયની ઑફિસમાં કામ કરતા હતા. તેમણે પેરિસમાં યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં પણ સેવા આપી હતી.
આર્યે ભારતીય વિદેશસેવામાં જોડાતા પહેલાં દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
અમદાવાદમાંથી બાળતસ્કરીનું રૅકેટ ઝડપાયું, 9ની ધરપકડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે નવ વ્યક્તિઓને શનિવારે અમદાવાદ પોલીસે આંતરરાજ્ય બાળતસ્કરી રૅકેટમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
ચાર મહિનાની બાળકીનું અમદાવાદમાં રોડના કિનારેથી અપહરણ કરીને દંપતીને વેચી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બાળકીને વડોદરા અને હૈદરાબાદમાં બે વાર ઍજન્ટોને રૂપિયા બે લાખમાં વેચવામાં આવી હતી અને અંતે પોલીસે બાળકીને સુરતથી છોડાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પકડાયેલા 9 આરોપીમાંથી ત્રણ મહેસાણાના લખવાડના છે, જ્યારે ત્રણ અમદાવાદના છે, બે હૈદરાબાદના છે અને બે આરોપી વડોદરાના છે.
અપહરણનાં લગભગ બે અઠવાડિયાં પછી ઝોન-5 અમદાવાદ પોલીસની ટીમે સુરતમાં રહેતા એક દંપતી પાસેથી બાળકીને શોધી કાઢી હતી અને સમગ્ર રૅકેટનો પર્દાફાશ કર્યો હતો.
શ્રીનગર ગ્રૅનેડ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત, 23 ઘાયલ
ધ હિન્દુના અહેવાલ મુજબ, શ્રીનગરમાં રવિવારે ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રૅનેડ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત થયું હતું અને એક પોલીસકર્મચારી સહિત 23 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ સાંજે 4.20 વાગ્યે થયો હતો. પ્રારંભિક અહેવાલો મુજબ, વેપારના કેન્દ્ર એવા અમીરા કદલના બજારમાં ગ્રૅનેડ ફેંકવામાં આવ્યો હતો.
જેમાં શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારના મહમ્મદ અસલમ મકધુમી નામના એક નાગરિકનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પોલીસ મહાનિરીક્ષક વિજયકુમારે જણાવ્યું હતું કે, “પોલીસ હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. મોડ્યુલનો ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે.”
સૅન્ટ્રલ કાશ્મીર રૅન્જના ડીઆઈજી સુજિતકુમારે જણાવ્યું હતું કે પોલીસને સીસીટીવી ફૂટેજ અને કેટલાક મહત્ત્વના પુરાવાઓ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં આવો જ ગ્રૅનેડ હુમલો થયો હતો, જેમાં નાગરિકો ઘાયલ થયા હતા.
પુણે : પીએમ નરેન્દ્ર મોદીના મૅટ્રોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગાયબ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે પુણે મૅટ્રોના બે કોરિડોરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાંથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અળગા રહ્યા હતા. સેનાના મુખપત્ર સામનાએ પણ આ કાર્યક્રમનો ઉલ્લેખ ટાળ્યો છે.
મૅટ્રોના ઉદ્ઘાટનકાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર અને શહેરી વિકાસ વિભાગના પ્રધાન એકનાથ શિંદેએ હાજરી આપી હતી.
જ્યારે મુખ્ય મંત્રીને કાર્યક્રમથી દૂર રહેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, સેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, “મુખ્ય મંત્રીએ કાર્યક્રમ છોડી દીધો, પરંતુ અમારા મંત્રી એકનાથ શિંદેને મોકલ્યા. મુખ્ય મંત્રીની ગેરહાજરીમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો