You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીન્દ્ર જાડેજાની 'રૉકસ્ટાર' ઇનિંગ બાદ ભારતની જીત, શેન વૉર્નના અવસાન વિશે શું બોલ્યા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લિજેન્ડરી ઑસ્ટ્રેલિયન બૉલર શેન વૉર્નના નિધનના સમાચાર ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગના બીજા દિવસે આવ્યા.
મોહાલીના ગ્રાઉન્ડમાં કાળી પટ્ટીઓ, શોક, અભિવાદન, બે મિનિટનું મૌન પળાયું. સૌ ક્રિકેટપ્રેમી દુ:ખી હતા.
"લાઈફ કી કોઈ સર્ટેનિટી (નિશ્ચિતતા) નહીં હૈ તો..." પ્રેસ કૉન્ફરન્સમાં બોલતાં રવીન્દ્ર જાડેજાના ગળે ડૂમો ભરાયો.
આગળ શબ્દો ન મળતાં તેમણે આમ કહીને વાક્ય પૂરું કર્યું, "લાઇફ મેં કુછ ભી હો સકતા હૈ."
રવીન્દ્ર જાડેજા શરૂઆતની આઇપીએલમાં વૉર્નની કપ્તાનીમાં રમ્યા હતા અને વૉર્ને તેમને "રૉકસ્ટાર"નું હુલામણું નામ આપ્યું હતું.
ભાવુક રવીન્દ્ર જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સમાં ભલે કશું ન બોલી શક્યા. પરંતુ થોડા કલાકો પછી મોહાલીના મેદાનમાં તેમનું બૅટ બોલ્યું. શો, મસ્ટ ગો ઑન.
અડધી સદી પૂરી કરીને તેમણે પોતીકી સ્ટાઇલમાં તલવારની જેમ બૅટ વીંઝીને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું.
રવીન્દ્ર જાડેજા અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ઋષભ પંત સાથે બૅટિંગ કરતી વખતે તેઓ એકદમ હળવા મૂડમાં જણાતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાડેજા ત્રણ બૅટ્સમૅન સાથે શતકીય ભાગીદારી નોંધાવી 175 રન પર અણનમ રહ્યા હતા.
ઋષભ પંત સાથે 104 રન, અશ્વિન સાથે 130 રન અને નવમા ક્રમે ઊતરેલા મોહમ્મદ શમી સાથે અણનમ 103 રનની ભાગીદારી નોંધાવી હતી.
175 રનની મૅરથન ઇનિંગ રમીને જાડેજાએ શેન વૉર્નને શ્રદ્ધાંજલી આપી છે અને સંકેત આપ્યો છે કે શો, મસ્ટ ગો ઑન.
રમતના અંતે જાડેજાએ કહ્યું, "મેં મારી માનસિકતામાં ઘણો બદલાવ લાવ્યો છે. પહેલાં હું રન બનાવવાને લઈને એટલો બધો ગંભીર નહોતો. પરંતુ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં મેં વિચાર્યું છે કે રણજી ટ્રૉફીમાં મેં આટલા બધા રન બનાવ્યા છે તો એ જ ગતિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેમ ન જાળવી રાખું."
લસિથ એમ્બુલ્ડેનિયા સામે એક ઓવરમાં ફટકારેલા 22 રન એમ્બુલ્ડેનિયાને યાદ રહેશે.
સોશિયલ મીડિયામાં 'રોકસ્ટાર' વિશે શું કહેવાયું?
સોશિયલ મીડિયા પર રવીન્દ્ર જાડેજાની ટૂંકી વીડિયો ક્લીપ વાઇરલ થઈ છે. જેમાં તેમને એક મુલાકાતમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારી કારકિર્દીના અંતે તમારી પાસે રહે તેવો કયો ક્રિકેટ રેકર્ડ તમે ઇચ્છો છો? જેના જવાબમાં જાડેજા કહે છે, એક જ ઇનિંગમાં 100 રન અને 5 વિકેટ.
આ સપનું જાડેજાએ સાકાર કરી લીધું છે. શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 175 રનની ઇનિંગ અને એ જ ઇનિંગમાં 13 ઓવરમાં 41 રન આપીને પાંચ વિકેટ ખેરવી છે.
આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયને ટ્વીટ કર્યુ, રવીન્દ્ર જાડેજા જોરદાર. શેન વોર્ન દ્વારા "ધ રૉકસ્ટાર"નું બિરુદ સાર્થક કર્યું અને ગૌરવપૂર્વક નિભાવ્યું છે.
ક્રિકેટર સુરેશ રૈનાએ ટ્વીટ કરતાં લખ્યું, શાનદાર રમત, જાડેજા. વેલડન ચૅમ્પિયન, તમે મેદાન પર જમાવટ કરી. ધન્યવાદ
હરભજનસિંહે પણ ટ્વીટ કરતાં લખ્યું, જોરદાર, મહાન માણસે તમને રૉકસ્ટાર નામ આપ્યું હતું.
વિકેટકીપર, બૅટ્સમૅન પાર્થિવ પટેલ લખ્યું છે કે, અમે બધા એ જ વાત કરીએ છીએ કે જાડેજા વર્તમાન તમામ ફૉર્મેટમાં સૌથી વધુ પોતાનામાં સુધારો લાવનારો ખેલાડી છે. જદ્દુએ ફરી એક વાર સદી ફટકારીને એ સાબિત કરી દીધું છે. વેલ ડન સર જાડેજા.
ક્રિકેટના મેદાન પર રવીન્દ્ર જાડેજાનું હુલામણું નામ 'સર' શરૂઆતમાં મજાકના રૂપમાં વપરાતું હતું. એમાંય 2009નો ટી-20 વર્લ્ડ કપ તેમના માટે અતિ કપરો રહ્યો. પરંતુ તત્કાલીન કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આ ઑલ-રાઉન્ડરમાં પૂરો ભરોસો કર્યો.
કેમ કે જાડેજાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારી હતી એટલે તેમની ક્ષમતા ઉપર તો કોઈ સવાલ થઈ શકે તેમ નહોતો.
ઇચ્છિત જગ્યાએ બૉલ ફેંકવાની તેમની કુશળતા તેમને પર્ફેક્ટ ઑલ-રાઉન્ડર બનાવે છે.
જાડેજાએ મર્યાદિત ઓવરમાં ધીમી ગતિએ પ્રગતિ કરી પરંતુ 2012-13માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પદાર્પણ સાથે જ જાડેજાનો સિતારો ચમકી ઊઠ્યો. 2013માં ઑસ્ટ્રેલિયાના ભારતપ્રવાસમાં તેમણે અશ્વિન સાથે મળીને ભારતને ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વ્હાઇટ વોશમાં ભૂમિકા ભજવી.
એ જ વર્ષે ધારદાર બૉલિંગ પર્ફોર્મન્સના જોરે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડન બૉલ મેળવ્યો. એ પછી જાડેજાએ પાછું વળીને જોયું નથી. અશ્વિન સાથે મળીને અનેક વાર ધુરંધર બૅટ્સમૅનોને તેમણે પેવેલિયન ભેગા કર્યા છે.
વિશ્વના શ્રેષ્ઠ સ્પિન ઍટેકમાં જાડેજાની ગણના થવા લાગી. ઈજાઓને કારણે તેમના પ્રદર્શન પર થોડી અસર થઈ. પરંતુ જાડેજાની બહુમુખી પ્રતિભા તેમને ઉમદા ક્રિકેટર બનાવે છે. તેમને દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર ગણાવી શકાય છે. તેમનું ફિટનેસનું સ્તર કમાલનું છે.
એટલે એ સિલેક્શન કમિટીના રડાર ઉપર રહે છે. 2018ના એશિયા કપમાં જાડેજા ઘણું રમ્યા. કેટલીક વાર પડતા મુકાયા.
2018-19માં હાર્દિક પંડ્યાને ઈજા નડતાં જાડેજાને મોકો મળ્યો ફરી તે વન-ડે ક્રિકેટમાં પાછા ફર્યા. ટેસ્ટમાં સાતમા ક્રમે બૅટિંગમાં સ્થાન મેળવ્યું છે ત્યારે આજે પ્રશ્ન એ થાય છે કે શું જાડેજાએ સાતમા ક્રમે બૅટિંગ કરવી જોઈએ? તેમને આગળના સ્થાને ન મોકલી શકાય?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો