You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાની વિજયી ઇનિંગ World Cupમાં ભારતીય મહિલા ટીમની જીત
ન્યૂઝીલૅન્ડમાં રમાઈ રહેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી મૅચમાં સામસામે હતી.
ભારતે 7 વિકેટે 244 રન કર્યા હતા અને પાકિસ્તાનની ટીમ સામે 245 રનનો ટાર્ગેટ હતો.
ભારતીય ટીમે વર્લ્ડકપમાં રેકૉર્ડ યથાવત્ રાખતા ફરી એક વાર પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું છે.
સાતમા અને આઠમા ક્રમે બેટિંગમાં ઊતરેલાં બંને ખેલાડીઓ સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરે અર્ધસદી ફટકારીને 122 રનની શતકીય ભાગીદારી નોંધાવીને ભારતને સ્પર્ધાત્મક સ્થિતિમાં પહોંચાડ્યું હતું અને ભારતે જીત મેળવી હતી.
ઇનિંગની છેલ્લી ઓવરમાં પૂજા 59 બૉલમાં 67 રન બનાવીને આઉટ થયાં હતાં. પૂજાએ 8 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સ્નેહ 48 બૉલમાં 53 રન બનાવીને નૉટઆઉટ રહ્યાં હતાં. સ્નેહે 4 ચોગ્ગા ફટકાર્યા હતા.
ઓપનર સ્મૃતિ મંધાના 75 બોલમાં 52 રન બનાવીને આઉટ થયાં હતાં, જ્યારે દિપ્તિ શર્મા 57 બૉલ પર 40 રને આઉટ થયાં હતાં.
ભારતીય ટીમના મધ્યમ ક્રમનાં ખેલાડીઓ રન બનાવવામાં નિષ્ફળ ગયાં હતાં.
ત્રણ વિકેટ બાદ ભારતની રમત ઘણી ધીમી પડી ગઈ હતી. 24.1 ઓવરના અંતે 98 રને ત્રીજી વિકેટ રૂપે સ્મૃતિની વિકેટ પડી હતી. તે પછી 33.1મી ઓવરમાં કપ્તાન મિથાલીની વિકેટ પડી ત્યારે ભારતના 6 વિકેટે 114 રન હતા. આમ, વચ્ચેની 9 ઓવરમાં માત્ર 16 રન બન્યા હતા અને ત્રણ વિકેટ પડી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓપનર શેફાલી વર્મા 6 બૉલમાં 0 રન, હરમનપ્રિત કૌર 14 બૉલમાં 5 રન, કપ્તાન મિતાલી રાજ 36 બૉલમાં 9 રન, રિચા ઘોષે 5 બૉલમાં 1 રન બનાવીને આઉટ થયાં હતાં.
પાકિસ્તાન તરફથી નિદા ડાર અને નશરા સંધુએ 2-2 વિકેટ તેમજ ડાયેના બેગ, અનમ અમીન અને ફાતિમા સનાએ 1-1 વિકેટ ઝડપી છે.
પાકિસ્તાન 137 રને ઑલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન તરફથી બેટિંગમાં એક પણ ખેલાડી 30 રનથી ઉપર નોંધાવી શક્યું ન હતું.
રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ઝુલન ગૌસ્વામી અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ તેમજ મેઘનાસિંહ અને દિપ્તી શર્માએ 1-1 વિકેટ ખેરવી હતી.
પાકિસ્તાન સામે 100 ટકા જીતનો ભારતનો વિક્રમ
જે રીતે મૅન્સ વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારત હંમેશાં જીતતું રહ્યું છે, તેવી જ રીતે મહિલા ક્રિકેટના વર્લ્ડકપમાં પણ ભારતીય મહિલા ટીમનો હાથ ઉપર રહ્યો. માત્ર વર્લ્ડકપ જ શા માટે પાકિસ્તાન સામેની તમામ વન ડેમાં ભારતનો 100 ટકા જીતનો વિક્રમ રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં દસ વન ડે મૅચ રમાઈ છે અને એ તમામમાં ભારતનો વિજય થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ દસ મૅચમાંથી નવ મૅચમાં ભારતનાં કૅપ્ટન મિતાલી રાજ જ રહ્યાં છે.
જ્યારે 2013ના ફેબ્રુઆરીમાં ભારતમાં યોજાયલા વર્લ્ડકપમાં એક મૅચમાં મિતાલીના સ્થાને ઝુલન ગોસ્વામીએ ભારતની આગેવાની સંભાળી હતી, જેમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ત્રણ મૅચ રમાઈ છે અને એ તમામમાં ભારત વિજયી થયું છે.
છેલ્લે 2017માં ડર્બી (ઇંગ્લૅન્ડ) ખાતે રમાયેલી મૅચમાં ભારતનો 95 રનથી વિજય થયો હતો. ભારત માટે જયા શર્મા અને મિતાલી રાજ પાકિસ્તાન સામે સદી ફટકારી ચૂક્યાં છે.
જ્યારે ભારતીય મહિલા ટીમ ચૅમ્પિયનનું ટાઇટલ ચૂકી ગઈ
છેલ્લે 2017માં ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં એકાદ-બે નાની ભૂલ કરી ન હોત તો ભારત, ચૅમ્પિયન બની શકે તેમ હતું.
છેલ્લા વર્લ્ડકપની ફાઇનલને યાદ કરીએ તો ભારત ટાઇટલની સાવ નજીક પહોંચી ગયું હતું. 229 રનના લક્ષ્ય સામે ભારતનો સ્કોર પાંચ વિકેટે 200 રન હતો, વધુ 29 રનની જરૂર હતી અને ઓવરની કોઈ કમી ન હતી.
વેદા ક્રૃષ્ણમૂર્તિ જેવાં આક્રમક ખેલાડી ક્રિઝ પર હતાં, પણ અહીંથી ટીમનો ધબડકો થયો અને વધુ 19 રન થાય એ પહેલાં બાકીની તમામ વિકેટ પડી ગઈ.
એ વર્લ્ડકપ હરમનપ્રીત કૌર માટે અત્યંત સફળ રહ્યો હતો, જેમાં તેમણે ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે અણનમ 171 રન ફટકાર્યા હતા. હરમનપ્રીતની એ ઇનિંગ્સે 1983ના વર્લ્ડકપની ઝિમ્બાબ્વે સામેની કપિલદેવની 175 રનની ઇનિંગ્સ યાદ અપાવી દીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો