Shane Warne નિધન : જ્યારે શેન વૉર્ને કહ્યું 'સચીન એમના સપનામાં આવે છે'

1992નું વર્ષ. જાન્યુઆરી મહિનાનું પ્રથમ સપ્તાહ હોય એટલે સિડની ખાતે ટેસ્ટમેચ રમાવાની નક્કી જ હોય. ભારતીય ટીમ એ વખતે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે હતી અને કાંગારું ટીમે એક નવોદિત સ્પિનરને તક આપી હતી.

ઑસ્ટ્રેલિયન ટીમ હજી ઝડપી બૉલર પર મદાર રાખનારી ટીમ તરીકે પંકાયેલી હતી પણ આ મૅચમાં તેમણે એક લૅગ સ્પિનરને તક આપી.

બીજી તરફ ભારતીય બૅટ્સમૅન સ્પિનરોને તો ગાંઠે તેમ નહોતા. બન્યું પણ એવું જ!

રવિ શાસ્ત્રીએ બેવડી સદી ફટકારી તો સચીન તેંડુલકરે 148 રન ફટકાર્યા અને સામે પક્ષે એ નવોદિત યુવાન સ્પિનરે એક વિકેટ લેવા માટે 150 રન આપી દીધા. આ સ્પિનર એટલે શેન વૉર્ન.

ઑસ્ટ્રેલિયાને બદલે અન્ય દેશના પસંદગીકારો હોત તો આવી કંગાળ બૉલિંગ બદલ એ બૉલરને બીજી તક આપી જ ન હોત પણ આ બળૂકા બૉલર દૃઢ નિશ્ચય સાથે ક્રિકેટમાં પગલાં માંડી રહ્યા હતા.

તેઓ જાણતા હતા કે તમે આજે ભલે મને ફટકાર્યો હોય પણ આગામી દોઢ દાયકા સુધી હું તમામને પરેશાન કરીશ.

આ એ જ સિરીઝ હતી જ્યારે મહાન કૉમેન્ટેટર રિચી બૅનોએ આગાહી કરી હતી કે શેન વૉર્નમાં 500 વિકેટ લેવાની ક્ષમતા છે.

એ સમયે હજી કપિલ દેવ કે રિચર્ડ હેડલી જેવા બૉલરો 400 વિકેટ સુધી પણ પહોંચ્યા નહોતા.

રિચી બૅનો જેવા નિષ્ણાત આવી આગાહી કરતા હોય ત્યારે તેમની સામે દલીલ કરવાની કોઈ હિંમત કરે નહીં પરંતુ 1992-93માં આ વાત સહજ રીતે હજમ થાય તેમ નહોતી.

એક એવા બૉલર જેઓ તેમની પ્રથમ ટેસ્ટમાં 45 ઓવરમાં 150 રન આપી દે અને માત્ર એક જ વિકેટ ખેરવી શકે, તેમના વિશે એમ કહેવાય કે આ બૉલર 500 વિકેટ લેશે તે વધુ પડતું તો લાગતું હતું પરંતુ ખુદ લૅગ સ્પિનર રહી ચૂકેલા રિચી બૅનોએ એ વખતે શેન વૉર્નમાં કંઈક તો ખૂબી જોઈ હશે!

શેન વૉર્ને તો આગળ જતાં રિચી બૅનોને ખોટા પાડ્યા

ખોટા એ રીતે કેમ કે રિચી બૅનોએ તો 500 વિકેટની જ આગાહી કરી હતી જ્યારે પોતાની લૅગ સ્પિન બૉલિંગ અને અત્યંત જોરદાર રીતે ટર્ન થતાં બૉલથી શેન વૉર્ને 708 વિકેટ ખેરવી.

શેન વૉર્ને નિવૃત્તિ જાહેર કરી ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકૉર્ડ તેમના નામે જ હતો. આજે આ રેકૉર્ડ 800 વિકેટ સાથે મુરલીધરનના નામે છે.

જોકે બૉલિંગ કે ઍક્શનની રીતે મુરલીની સામે શંકાની સોય તણાયેલી રહી અને શેન વૉર્નના કિસ્સામાં એવું ક્યારેય બન્યું નહીં.

શેન વૉર્ન તેમના કાંડાના જોરે બૉલને અદ્ભુત રીતે ટર્ન કરાવી શકતા હતા. તેઓ ક્યારેય પીચના મોહતાજ રહ્યા જ નહોતા.

કદાચ આ જ કારણસર તેમને ઝડપી પીચો પર વધારે મદદ મળી. તેમના આંકડા આ બાબતને સમર્થન આપે છે.

વૉર્ને ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે મહત્તમ વિકેટો ખેરવી હતી.

ઇંગ્લૅન્ડ સામે તો તેમણે 36 ટેસ્ટમાં 195 વિકેટ ખેરવી છે તો કિવી ટીમ સામે 103 અને સાઉથ આફ્રિકા સામે તેની વિકેટનો આંક 130 પર પહોંચ્યો હતો.

સદીનો સર્વશ્રેષ્ઠ બૉલ

1993ના જૂન મહિનામાં માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ રમાતી હતી.

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન માઇક ગેટિંગ બૅટિંગ કરી રહ્યા હતા અને કાંગારું કૅપ્ટન ઍલન બૉર્ડરે બૉલિંગમાં પરિવર્તન કરીને શેન વૉર્નને આક્રમણ સોંપ્યું.

માઇક ગેટિંગ સ્પિનર સામે મજબૂત બૅટિંગ કરવા માટે જાણીતા હતા પણ આ વખતે તેમનો મુકાબલો શેન વૉર્ન સામે હતો.

વૉર્નનો એક બૉલ લૅગ સ્ટમ્પથી દૂર પીચ ખાઈને ટર્ન થયો અને ગેટિંગ કાંઈ સમજે તે પહેલાં તો સ્ટમ્પ ઉડાવી ગયો.

ગેટિંગના પગની પાછળથી બૉલ સ્ટમ્પ સુધી પહોંચ્યો હતો.

આ લૅગ સ્પિન બૉલ એટલો અદ્ભુત હતો કે આઇસીસીએ તેને સદીનો સર્વશ્રેષ્ઠ બૉલ જાહેર કર્યો હતો.

શેન વૉર્ન લૅગ સ્પિનર હતા.

સામાન્ય રીતે લેગ સ્પિનર ગુગલી પર આધારિત હોય છે પરંતુ વૉર્ને ક્યારેય ગુગલી પર આધાર રાખ્યો નહોતો.

તેઓ હંમેશાં લૅગ સાઇડથી ટર્ન થતાં બૉલ પર જ વિકેટો ખેરવતા હતા.

'સચીન તેંડુલકર મને સપનામાં આવે છે'

ભારત સામે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તો શેન વૉર્નને નિષ્ફળતા તો સાંપડી હતી પરંતુ એ પછીનાં પાંચેક વર્ષમાં તેઓ વિશ્વના સૌથી ખતરનાક બૉલર બની ગયા હતા.

એવામાં 1998માં ઑસ્ટ્રેલિયન ટીમ ભારત આવી. આ વખતે વૉર્ન સ્થાપિત બૉલર બની ગયા હતા તો સામે છેડે સચીન તેંડુલકર ગજબ ફૉર્મમાં હતા.

બંને વચ્ચેની મેદાન પરની હરિફાઈની રાહ જોવાતી હતી.

આ વખતે સચીન સફળ રહ્યા. ત્યાર બાદ શેન વૉર્ને ઑસ્ટ્રેલિયા જઈને જાહેરમાં કબૂલ્યું હતું કે 'મને રાત્રે ઊંઘમાં પણ સચીન સપનામાં આવે છે.'

આમ શેન વૉર્ન એક રીતે ખેલદિલ પણ હતા કેમ કે કદાચ તેઓ એવા પહેલા હરીફ બૉલર હતા જેમણે સામે ચાલીને સચીનની મહાનતાને કબૂલી હતી.

એ સિરીઝમાં સચિન તેંડુલકરે ચેન્નાઈમાં 155 અને બેંગ્લુરુમાં 177 રન ફટકાર્યા હતા અને બંને ઇનિંગ્સમાં શેન વૉર્નની બૉલિંગમાં તેમણે આક્રમક વલણ અપનાવ્યું હતું.

જેને કારણે શેન વૉર્ને કબૂલવું પડ્યું હતું કે સચીને તેમને એ રીતે ફટકાર્યા કે તેઓ તેમના સપનામાં પણ આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો