અફઘાનિસ્તાનના ક્રિકેટરે ફટકાર્યો એવો હેલિકૉપ્ટર શોટ, જેણે મહેન્દ્રસિંહ ધોનીની યાદ અપાવી, વીડિયો વાઇરલ

હાલમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં પેશાવર ઝાલમી અને ઇસ્લામાબાદ યુનાઇટેડ વચ્ચે મૅચ ચાલી રહી હતી.

આ મૅચમાં પેશાવરની ટીમ તરફથી શેરફાન રુધરફૉર્ડે 46 બૉલમાં 70 રન બનાવીને ટીમને 168 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જેથી ઇસ્લામાબાદને 169 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

રન ચેઝમાં ઇસ્લામાબાદ શરૂઆતથી જુસ્સામાં રહ્યું હતું. ઇસ્લામાબાદના ઓપનરોએ 100 રનથી વધુની ભાગીદારી નોંધાવી હતી.

જોકે, ત્યાર બાદ ઓપનિંગ બૅટ્સમૅન પૉલ સ્ટર્લિંગ 57 રન બનાવીને આઉટ થતાં ક્રીઝ પર રહમાનુલ્લાહ ગુરબાઝ ઊતર્યા હતા અને પોતાની બેટિંગથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

ગુરબાઝની શાનદાર બેટિંગ

ગુરબાઝ જ્યારે ક્રીઝ પર આવ્યા ત્યારે ઇસ્લામાબાદનો સ્કોર 133 રન પર એક વિકેટ હતો અને ટીમને 46 બૉલમાં 36 રનની જરૂર હતી.

પેશાવર તરફથી ફાસ્ટ બૉલર સોહૈલ 15મી ઓવર નાખી રહ્યા હતા. આ ઓવરના બીજા બૉલ પર રહમાનુલ્લાહ ગુરબાઝે ધમાકેદાર હેલિકૉપ્ટર શોટ માર્યો હતો. કૉમેન્ટ્રેટર્સ પણ ગુરબાઝનો આ શૉટ જોઈને ચોંકી ગયા હતા અને તેમણે શૉટનાં વખાણ કર્યાં હતાં.

એનડીટીવી સ્પૉર્ટ્સના અહેવાલ પ્રમાણે, ત્યાર બાદના ત્રણ બૉલમાં તેમણે ચોગ્ગા ફટકારીને મૅચ પોતાને નામ કરી લીધી હતી. મૅચના અંતમાં ગુરબાઝ 27 રન બનાવીને અણનમ રહ્યા હતા.

જોકે, તેમની ધમાકેદાર બેટિંગને લીધે ઇસ્લામાબાદ યુનાઇટેડ 25 બૉલ બાકી હતા તે પહેલાં જ નવ વિકેટે જીતી ગયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો