BSF જવાને અમૃતસર કૅમ્પમાં સાથીદારો પર કર્યો ગોળીબાર, પાંચનાં મૃત્યુ- પ્રેસ રિવ્યૂ

અમૃતસરમાં રવિવારે BSFના એક કૅમ્પમાં એક જવાને ગોળી મારીને પોતાના જ પાંચ સાથીઓનાં મૃત્યુ નિપજાવ્યાં.

BSFની પ્રેસ રિલીઝ પ્રમાણે આ ઘટના રવિવારની સવારે સાડા નવ વાગ્યાથી પોણા દસ વાગ્યા વચ્ચે બની હતી, જ્યારે કૉન્સ્ટેબલ સત્તેપા એસ. કે.એ ખાસામાં BSFની 144મી બટાલિયાનના કૅમ્પમાં પોતાના જ સાથીદારો પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં સત્તેપા પણ ઈજાગ્રસ્ત થયા.

ઘટનાની તપાસ માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ અપાયો છે. BSFના પ્રવક્તાએ હાલ એ નથી જણાવ્યું કે ગોળીબારીનું કારણ શું હતું.

ઘટનાસ્થળે BSF અને પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા છે.

ગોળીબારમાં જે લોકોનાં મૃત્યુ થયાં છે તેમાં કૉન્સ્ટેબલ અને હેડ કૉન્સ્ટેબલ રેન્કના જવાન સામેલ છે.

આ ઘટના જિલ્લાના ખાસા વિસ્તારમાં થઈ જ્યાં BSFમી બટાલિયનના કૅમ્પ છે. આ જગ્યા અટારી-વાઘા બૉર્ડરથી 12-13 કિલોમિટર દૂર છે.

ફાયરિંગ બાદ તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને ગુરુ નાનકદેવ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડૉક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદમાં 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતાપત્ર એનાયત થયા

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતાપત્ર એનાયત થયા હતા.

ગુજરાત માહિતી ખાતાની પ્રેસ રિલીઝ અનુસાર, અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 971 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતાપત્ર એનાયત કરાયા છે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્યારે વૃદ્ધ મહિલા બિરમાબાઈને નાગરિકતાપત્ર એનાયત કર્યું, ત્યારે બિરમાબાઈ બોલ્યાં, "અપને મુલ્ક મેં આને સે બહોત ખુશી હો રહી હૈ."

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે ભારતીય નાગરિકતા માટેની પ્રક્રિયામાં વિવિધ વિભાગો સંકળાયેલા હોઈ તેની ગતિને વધુ તેજ બનાવવા નાગરિકોની સક્રિય ભાગીદારી માટે અનુરોધ કર્યો હતો.

આગામી સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 15-22 રૂપિયાના વધારાની ધારણા

ઑઇલ માર્કેટિંગ કંપનીઓ 7 માર્ચે રાજ્યની વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ પેટ્રોલના ભાવમાં વધારો કરે તેવી ધારણા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે, યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક ક્રૂડ ઑઈલના ભાવ બેરલદીઠ 95થી 125 ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા છે, જેને પગલે પેટ્રોલ અને ડીઝલના ભારતના સ્થાનિક ભાવમાં પ્રતિ લિટર રૂ. 15-22નો વધારો થવાની ધારણા છે.

જોકે, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ અને ડીઝલના ભાવ પરની અસરને અમુક હદ સુધી કાબૂમાં રાખી શકે છે.

હાલમાં ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઑઈલની આયાત કરે છે.

તાજેતરમાં કટોકટીની સ્થિતિ તેમજ નીચા પુરવઠાની આશંકાએ બ્રેન્ટ ક્રૂડ ઑઈલના ભાવ બેરલદીઠ લગભગ 120 ડૉલર સાથે 10 વર્ષની ટોચે ગયા હતા.

3 અઠવાડિયામાં ભારતીય રોકાણકારોએ યુક્રેનની જીડીપી કરતાં વધુ મૂલ્યની સંપત્તિ ગુમાવી

યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો અને ફુગાવાના ભય હેઠળ ભારતીય શૅરબજારે સળંગ ચોથા સપ્તાહમાં ખોટ નોંધાવી હતી. બ્લુ-ચિપ એનએસઈ નિફ્ટી 50 ઇન્ડેક્સ 1.53% ઘટીને 16,245 પર સેટલ થયો હતો જ્યારે એસ ઍન્ડ પી બીએસઈ સેન્સેક્સ સતત ત્રીજા સત્રમાં 750 પૉઇન્ટથી વધુ ઘટીને 54,333 પર પહોંચ્યો હતો.

મિન્ટના અહેવાલ અનુસાર, યુક્રેન પર રશિયાનું આક્રમણ તેના બીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી સેન્સેક્સમાં લગભગ 3,000 પૉઇન્ટનો ઘટાડો થયો છે.

16મી ફેબ્રુઆરીએ બીએસઈ પર લિસ્ટેડ સ્ટૉકનું માર્કેટ કેપિટલાઇઝેશન 2,62,18,594 કરોડ હતું, જેમાં લગભગ રૂપિયા 15 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું છે, જે યુક્રેનની જીડીપી કરતાં વધુ છે.

સ્ટેટિસ્ટાની વેબસાઇટ અનુસાર, 2021માં યુક્રેનની જીડીપી 181 અબજ ડૉલર હોવાનો અંદાજ છે.

ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 76ના સ્તરને પાર કરી ગયો છે. ભારત ક્રૂડ તેલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને વધતી કિંમતો તેના વેપાર અને ચાલુ ખાતાની ખાધમાં વધારો કરે છે જ્યારે રૂપિયાને નુકસાન પહોંચાડે છે અને આયાતી ફુગાવાને વેગ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો