સાઉદી અરેબિયા ઇસ્લામિક મહાશક્તિ કઈ રીતે બન્યું અને તેની સ્થાપના કોણે કરી હતી?

    • લેેખક, અકીલ અબ્બાસ જાફરી
    • પદ, સંશોધક અને ઈતિહાસકાર, કરાચી

ગત 22 ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાસ્તવમાં આ ઉજવણી, 1727માં મહમ્મદ બિન સાઉદ દ્વારા સૌપ્રથમ સાઉદી રાજ્યની સ્થાપનાનો ઉત્સવ હતો.

આ પ્રસંગે ઘણા દેશોના વડાઓએ વધામણીના સંદેશાઓ પાઠવ્યા હતા, પણ સાઉદી અરેબિયાની સ્થાપના કઈ રીતે અને કેવી પરિસ્થિતિમાં થઈ હતી તેની કથા રોમાંચક છે.

ધર્મના સંદર્ભમાં સાઉદી અરેબિયાને ઇસ્લામી દુનિયાનો સૌથી મહત્ત્વનો દેશ ગણવામાં આવે છે.

આ દેશના સ્થાપક શાહ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહેમાન અલ સાઉદનો જન્મ 1877ની 15 જાન્યુઆરીએ થયો હતો, પરંતુ સાઉદી અરેબિયાની સ્થાપના માટેનો સંઘર્ષ, 1725માં અલ સાઉદના મુખિયા અમીર સીઉદ બિન મહમ્મદ બિન મકરનના દેહાંત પછી 18મી સદીમાં શરૂ થયો હતો.

એ સમયે નજદમાં નાનાં-નાનાં રાજ્યો હતાં અને દરેક રાજ્યનો શાસક અલગ હતો. અમીર સાઉદ બિન મહમ્મદને ચાર પુત્રો હતા. તેમણે નજદમાં એક સાઉદી રાજ્ય સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો.

અમીર સાઉદ બિન મહમ્મદના સૌથી મોટા પુત્રનું નામ મહમ્મદ બિન સાઉદ હતું. તેઓ દિરિયાહના શાસક બન્યા હતા અને તેમણે શેખ મહમ્મદ બિન અબ્દુલ વહાબની મદદ વડે દિરિયાહમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું અને ધીમે-ધીમે તેને મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું.

શેખ મહમ્મદ બિન અબ્દુલ વહાબ નજદના વિખ્યાત વિદ્વાન હતા અને મુસલમાનોના વૈચારિક પરિવર્તનમાં સુધારણાના પ્રયાસ કરતા હતા.

ઐતિહાસિક સંદર્ભોમાં એવો દાવો કરવામાં આવે છે કે મહમ્મદ બિન સાઉદ અને શેખ મોહમ્મદ અબ્દુલ વહાબ વચ્ચે 1745માં ઐતિહાસિક મુલાકાત થઈ હતી. તેમાં બન્નેએ નક્કી કર્યું હતું કે મહમ્મદ બિન સાઉદ નજબ તથા હિજાજમાં પોતાનું શાસન સ્થાપવામાં સફળ થશે તો ત્યાં તેઓ શેખ મહમ્મદ બિન અબ્દુલ વહાબની વિચારધારાનો અમલ કરાવશે.

1765માં શાહઝાદા મહમ્મદ અને 1791માં શેખ મહમ્મદ બિન અબ્દુલ વહાબનું મૃત્યુ થયું હતું. ત્યાં સુધીમાં આરબ દ્વીપના મોટાભાગના પ્રદેશમાં અલ સાઉદનું શાસન સ્થપાઈ ગયું હતું.

શાહઝાદા મહમ્મદના નિધન પછી ઇમામ અબ્દુલ અઝીઝ આ ક્ષેત્રના શાસક બન્યા હતા, પરંતુ 1803માં તેમની હત્યા કરવામાં આવી હતી. ઇમામ અબ્દુલ અઝીઝની હત્યા પછી તેમના પુત્ર સાઉદીના શાસક બન્યા હતા અને 1814માં તેમનું મૃત્યુ થયું હતું.

રિયાધ ક્યારે અને કેવી રીતે રાજધાની બન્યું?

સાઉદના પુત્ર અબ્દુલ્લાહ એક મહાન ધાર્મિક વિદ્વાન પણ હતા. તેમના શાસનકાળમાં તેમના રાજ્યનો મોટો હિસ્સો તેમના અંકુશમાંથી છટકીને દિરિયાહના ઑટોમન સામ્રાજ્યના નિયંત્રણમાં આવી ગયો હતો.

ઇમામ અબ્દુલ્લાહને બંદી બનાવવામાં આવ્યા હતા અને તેમને ઇસ્તંબુલ લઈ જઈને મોતની સજા ફરમાવવામાં આવી હતી.

જોકે, તેમના ભાઈ મશારી બિન સાઉદ ટૂંક સમયમાં જ પોતાના સંપૂર્ણ રાજ્ય પર અંકુશ મેળવી લીધો હતો, પરંતુ તેઓ લાંબા સમય સુધી શાસન કરી શક્યા ન હતા અને તેમનું રાજ્ય ફરી ઑટોમન સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ ચાલ્યું ગયું હતું.

એ પછી તેમના ભત્રીજા શાહઝાદા તુર્કી બિન અબ્દુલ્લાહ રિયાધ કબજે કરવામાં સફળ થયા હતા. તેમણે રિયાધ પર 1824થી 1835 સુધી શાસન કર્યું હતું.

એ પછીના અનેક દાયકાઓ સુધી અલ સાઉદના નસીબનો સિતારો ઉગતો અને ડૂબતો રહ્યો હતો. દ્વીપકલ્પ જેવા સાઉદી અરેબિયા પર નિયંત્રણ માટે ઇજિપ્ત, ઑટોમન સામ્રાજ્ય અને અન્ય આરબ કબીલાઓ વચ્ચે ટક્કર થતી રહી હતી. અલ સાઉદના એક શાસક ઇમામ અબ્દુલ રહમાન હતા, જેઓ 1889માં બેઅત એટલે કે તેમના પ્રત્યેની નિષ્ઠાના સોગંદ લેવામાં સફળ થયા હતા.

ઇમામ અબ્દુલ રહમાનના દીકરા શાહઝાદા અબ્દુલ અઝીઝ સાહસિક વ્યક્તિ હતા. તેમણે 1900માં તેમના પિતાની હયાતીમાં જ, ગૂમાવેલું સામ્રાજ્ય પાછું મેળવવાના અને તેના વિસ્તારના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

તેમણે 1902માં રિયાધ શહેર કબજે કરી લીધું હતું અને તેને અલ સાઉદની રાજધાની જાહેર કરી દીધું હતું. પોતાની વિજયયાત્રા ચાલુ રાખતાં તેમણે અલ-એહસાઈ, કુતૈફ અને નજદના અનેક ક્ષેત્રો કબજે કર્યાં હતાં.

મક્કા અને મદીના પર કબજો

ઑટોમન સામ્રાજ્યના અંતિમ દૌરમાં હિજાજમાં (જેમાં મક્કા તથા મદીના ક્ષેત્ર સામેલ હતાં) શરીફ મક્કા હુસૈનનું શાસન હતું.

તેમણે 1916ની પાંચમી જૂને તુર્કી વિરુદ્ધ બળવાની ઘોષણા કરી હતી. હુસૈનને માત્ર અરબના વિવિધ કબીલાઓનું જ નહીં, પરંતુ બ્રિટનનો પણ ટેકો મળેલો હતો. શરીફ મક્કા હુસૈને 1916ની સાતમી જૂને હિજાજની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી હતી.

તેમણે 21 જૂને મક્કા સંપૂર્ણપણે કબજે કર્યું હતું અને 29 ઑક્ટોબરે ખુદને ઔપચારિક રીતે સમગ્ર અરબના શાસક જાહેર કરી દીધા હતા.

તેમણે તમામ આરબોને જણાવ્યું હતું કે તેઓ તુર્કો વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરે. 1916ની 15 ડિસેમ્બરે બ્રિટિશ સરકારે હુસૈનને હિજાજના બાદશાહ તરીકે સ્વીકૃતિ આપવાની જાહેરાત કરી હતી.

એ દરમિયાન અમીર અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સાઉદે પૂર્વ અરબનો એક મોટો હિસ્સો કબજે કરી લીધો હતો અને 1915ની 26 ડિસેમ્બરે બ્રિટન સાથે મૈત્રીની સમજૂતી પણ કરી લીધી હતી. 1924ની પાંચમી સપ્ટેમ્બરે તેમણે હિજાજ પણ જીતી લીધું હતું.

લોકોએ અમીર અબ્દુલ અઝીઝને સાથ આપ્યો હતો અને શરીફ મક્કા શાહ હુસૈને સરકારમાંથી રાજીનામું આપીને પોતાના પુત્ર અલીને હિજાજનો બાદશાહ બનાવી દીધો હતો, પરંતુ અમીર અબ્દુલ અઝીઝની આગેકૂચને કારણે તેમણે પણ પદ છોડવું પડ્યું હતું.

શાહ અબ્દુલ અઝીઝે 1924ની 13 ઑક્ટોબરે મક્કા પણ કબજે કરી લીધું હતું. એ દરમિયાન શાહ અબ્દુલ અઝીઝની આગેકૂચ સતત ચાલુ હતી.

તેમણે 1925ની પાંચમી ડિસેમ્બરે મદીનામાં પણ સત્તા મેળવી લીધી હતી. શરીફ મક્કા અલીએ 1925ની 19 નવેમ્બરે સત્તા સંપૂર્ણપણે છોડવાની જાહેરાત કરી હતી અને એ રીતે જેદ્દાહ પણ અલ સાઉદે કબજે કરી લીધું હતું.

હિજાજના બાદશાહ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સાઉદે, 1926ની આઠમી જાન્યુઆરીએ યોજવામાં આવેલા એક સમારંભમાં નજદ તથા હિજાજને સંપૂર્ણપણે નિયંત્રણમાં લઈ લીધાની જાહેરાત કરી હતી.

ક્રૂડનો જથ્થો જોઈને નિષ્ણાતો આશ્ચર્યચકિત

બ્રિટને 1927ની વીસમી મેએ કબજા હેઠળનાં તમામ ક્ષેત્રો (જે એ સમયે હિજાજ અને નજદ નામે ઓળખાતાં હતાં) પર અબ્દુલ અઝીઝ બિન સાઉદના શાસનને સ્વીકૃતિ આપી હતી.

શાહ અબ્દુલ અઝીઝ બિન સાઉદે 1932ની 23 સપ્ટેમ્બરે હિજાજ અને નજદ સામ્રાજ્યનાં નામ બદલીને 'અલ-મુમાલિકત-અલ-અરબિયા-અલ-સાઉદિયા' (સાઉદી અરેબિયા) રાખવાની જાહેરાત કરી હતી.

શાહ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સાઉદે પોતાના રાજ્યને ટૂંક સમયમાં જ ઇસ્લામી રંગમાં રંગી નાખ્યું હતું.

બીજી તરફ તેમના સદનસીબે સાઉદી અરેબિયામાં ક્રૂડ ઑઇલનો જંગી ભંડાર હોવાની ખબર પડી હતી. શાહ અબ્દુલ અઝીઝે 1933માં કેલિફૉર્નિયા પેટ્રોલિયમ કંપની સાથે ક્રૂડ ઑઇલ ધરતીના પેટાળમાંથી કાઢવાનો કરાર કર્યો હતો.

શરૂઆતના થોડાં વર્ષો નિષ્ફળ પ્રયાસોમાં પસાર થઈ ગયાં, પરંતુ 1938માં કૅલિફોર્નિયા પેટ્રોલિયમ કંપનીના નિષ્ણાતો નિષ્ફળ થઈને પરત જવાની તૈયારીમાં હતા ત્યારે ધરતીના પેટાળમાંથી અચાનક ખજાનો નીકળી પડ્યો હતો અને એક કૂવામાંથી એટલું ક્રૂડ ઑઇલ નીકળ્યું કે નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એ પછી ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી. એ ઘટના સાઉદની શાસકો અને કેલિફૉર્નિયાની કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર આરબ દ્વીપકલ્પ માટે એક ચમત્કાર જેવી હતી. ક્રૂડ ઑઇલની શોધે સાઉદી અરેબિયાને જોરદાર આર્થિક સ્થિરતા આપી અને ત્યાં ખુશાલી છવાઈ ગઈ.

શાહ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સાઉદનું 1953ની નવમી નવેમ્બરે નિધન થયું હતું.

જન્નત અલ-બકીનો ધ્વંસ

શાહ અબ્દુલ અઝીઝે પોતાના શાસનકાળમાં સાઉદી અરેબિયાને વિશ્વની મહાશક્તિઓ પૈકીનું એક બનાવી દીધું હતું, પરંતુ તેમણે કેટલાંક એવાં ધાર્મિક પગલાં લીધાં કે જેને કારણે ઇસ્લામી દુનિયાના એક મોટા હિસ્સામાં અશાંતિ ફેલાઈ ગઈ હતી.

તેમણે પોતાના રાજ્યમાં શેખ મહમ્મદ બિન અબ્દુલ વહાબની વિચારધારાનો અમલ કર્યો હતો અને બિઅદત(જે બાબતો ઇસ્લામમાં બાદમાં જોડવામાં આવી હતી)નો ખાત્મો કરી નાખ્યો હતો.

એમના શાસન કાળમાં જ મદીના ખાતેના ઇસ્લામી દુનિયાના એક મોટા કબ્રસ્તાન જન્નત-ઉલ-બકીને પણ તોડી પાડવામાં આવ્યું હતું.

જ્યાં મોટા પ્રમાણમાં જંગલી વૃક્ષો હોય એવા સ્થળને બકી કહેવામાં આવે છે અને કબ્રસ્તાનની જગ્યામાં કાંટાળી ઝાડીઓ અને ગરકદનાં વૃક્ષો બહુ મોટા પ્રમાણમાં હતાં. તેથી તેનું નામ પણ બકી (ગરકદ) પડી ગયું હતું.

એ કબ્રસ્તાનમાં ઇસ્લામના પયગંબરના સમયથી જ મુસલમાનોને દફનાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. એ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા સૌપ્રથમ પયગંબર-એ-ઇસ્લામના સાથી એટલે કે સહાબી હઝરત ઉસ્લમાન બિન મઝઉન હતા. એ પછી તે કબ્રસ્તાનમાં હજારો લોકોને દફનાવવામાં આવ્યા હતા.

શાહ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહમાન અલ સઉદે જન્નત-અલ-બકીમાંના તમામ ગુંબજને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એ ઘટના 1926ની 21 એપ્રિલની છે. જન્નત-અલ-બકીને ધ્વસ્ત કરવાના નિર્ણયનો ઈસ્લામી દુનિયાએ આકરો પ્રતિભાવ આપ્યો હતો.

હાલ સમગ્ર કબ્રસ્તાનને સપાટ મેદાન બનાવી નાખવામાં આવ્યું છે, પરંતુ મદીના જતા તમામ તીર્થયાત્રીઓ અત્યારે પણ જન્નત-અલ-બકીના દર્શન જરૂર કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો