You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન–રશિયા સંકટમાં ઇસ્લામિક દેશો કોના પક્ષે ઊભા છે?
યુક્રેનની 4.49 કરોડની કુલ વસ્તીમાં મુસલમાનોની વસ્તી એકથી બે ટકા હોવાનું મનાઈ રહ્યું છે. અહીંની મોટા ભાગની વસ્તી ખ્રિસ્તી છે. પૂર્વ યુક્રેન પર રશિયાએ લશ્કરી કાર્યવાહી આરંભી દીધી છે.
રશિયાની આ કાર્યવાહીને પગલે પશ્ચિમના દેશો ગુસ્સે ભરાયા છે અને અત્યાર સુધીમાં તો ઘણા પ્રતિબંધોની જાહેરાતો કરી ચૂક્યા છે. જાપાન અને ઑસ્ટ્રેલિયા પણ પશ્ચિમના દેશોની હરોળમાં ઊભા છે.
એમના સિવાયના બાકીના દેશ પોતપોતાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સંતુલિત નિવેદનો કરી રહ્યા છે.
તો ચાલો, એક નજર નાખીએ કે મુખ્ય ઇસ્લામિક દેશ કે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ યુક્રેન માટે આરંભાયેલા સંઘર્ષમાં કોની સાથે છે.
સાઉદી અરબ
23 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્રની એક સામાન્ય સભામાં સાઉદી અરબે રશિયાની નિંદા કર્યા વગર રાજદ્વારી ઉકેલની વાત કરી હતી. સાઉદી અરબે બંને પક્ષને લશ્કરી તણાવ ઘટાડવાની અપીલ કરી હતી.
કહેવાય છે કે મીડિયાનું સમગ્ર ધ્યાન યુક્રેન પર છે પરંતુ એના કારણે ગૅસની વધી રહેલી કિંમતનો મુદ્દો ઓછો ચર્ચાય છે.
યુક્રેન સંકટના લીધે ગૅસની કિંમત છેલ્લાં સાત વર્ષોમાં એની મહત્તમ સપાટીએ આવી ગઈ છે. તાજેતરનાં વર્ષોમાં રશિયા અને સાઉદીની ભાગીદારી નાટકીય રીતે વધી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા અને સાઉદી અરબ, બંને દુનિયાના સૌથી મોટા ખનીજ તેલ ઉત્પાદક દેશ છે અને નિકાસના નિર્ણયો પર એમનું નિયંત્રણ રહ્યું છે.
અમેરિકા અને સાઉદી અરબના સંબંધ પહેલાં જેવા નથી રહ્યા. એના સંકેતો ચાલુ મહિને પણ મળ્યા હતા, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સાઉદી અરબને ખનીજ તેલનાં ઉત્પાદનો વધારવાનો આગ્રહ કર્યો હતો.
જો સાઉદીએ એવું કર્યું હોત તો માત્ર મોંઘવારી અને ગૅસની કિંમત ઘટાડવામાં જ મદદ ના મળી હોત, બલકે, એનાથી રશિયાને મળતા લાભને કાબૂ કરી શકાત. પરંતુ સાઉદી અરબે એમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
કહેવાય છે કે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વધતા જતા પ્રભાવનું એક પરિણામ એ પણ આવ્યું કે સાઉદી અને રશિયાના સંબંધ વધારે મજબૂત થયા છે.
2015ના ઉનાળામાં પુતિન અને ક્રાઉન પ્રિન્સની પહેલી મંત્રણા બેઠક થઈ હતી. ત્યાર બાદ એ બંને નેતાઓની અનેક બેઠકો યોજાઈ છે. બાઇડન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે કહેલું કે તેઓ પોતાના સમકક્ષોને જ મળશે. ક્રાઉન પ્રિન્સ સાઉદી અરબના સુરક્ષામંત્રી છે અને એમને અમેરિકાના સુરક્ષામંત્રી જ મળશે.
ધ ઇન્ટરસેપ્ટના એક રિપોર્ટમાં બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના સીનિયર ફૅલો બ્રૂસ રાઇડેલે કહ્યું કે, "પુતિન અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ઘણી સમાનતા છે. ઘરની અંદર કે બહાર બંને, પોતાના વિરોધીઓને સહન નથી કરતા. બંને પડોશી દેશો પર હુમલા કરે છે અને તેલની કિંમત શક્ય એટલી ઊંચી રાખવાની કોશિશ કરે છે. યુક્રેન પર હુમલા પછી સાઉદી ક્રાઉન પ્રિન્સને સૌથી સારી તક મળશે, કેમ કે ક્રૂડ ઑઇલ (ખનીજ તેલ)ના ભાવ સાતમા આસમાને પહોંચી જશે."
ઘણા લોકો સાઉદી માટે એવા સવાલો પણ કરી રહ્યા છે કે એ યુક્રેન વિશે બોલવાનો અધિકાર નથી ધરાવતો, કેમ કે યમન ઘણાં વર્ષોથી લશ્કરી કાર્યવાહી કરી રહ્યો છે.
બુધવારે ભારતના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ટ્વીટ કરીને કહેલું કે પશ્ચિમની શક્તિઓ સાઉદી અરબના યમન પરના બૉમ્બમારા સામે ચૂપ કેમ રહે છે?
તુર્કી
તુર્કી બંધારણીય રીતે ઇસ્લામિક દેશ નથી પરંતુ અહીંની મોટા ભાગની વસ્તી મુસલમાન છે. તુર્કી નેટોનું પણ સભ્ય છે. નાટોનું સભ્ય હોવાના કારણે એ યુક્રેન પરના રશિયા હુમલામાં સાથે નથી, પરંતુ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન જ્યારે અમેરિકાથી નારાજ થાય છે ત્યારે પુતિનની પાસે જ જાય છે.
રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાના કારણે તુર્કી પર અમેરિકાએ પ્રતિબંધ પણ મૂક્યા હતા. બાઇડન સત્તા પર આવ્યા પછી તુર્કીના અમેરિકા સાથેના સંબંધ બગડ્યા છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એ વાતચીત અંગે એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે.
નિવેદનમાં કહેવાયું છે કે એ વાતચીતમાં રશિયા-યુક્રેનના મુદ્દે વાતો થઈ. રાષ્ટ્રપતિ અર્દોઆને કહ્યું કે એમણે રશિયા રાષ્ટ્રપતિ પુતિનની સાથેના સંવાદને હંમેશાં મહત્ત્વ આપ્યું છે, જેનાં ઘણાં સારાં પરિણામો પણ મળ્યાં અને ભવિષ્યમાં સંવાદ ચાલુ રાખશે.
તુર્કીએ ભારપૂર્વક જણાવ્યું કે યુક્રેનનાં સાર્વભૌમત્વ અને અખંડતાનું ઉલ્લંઘન કરનારાં પગલાંને તેનું સમર્થન નથી અને એનું આ વલણ સિદ્ધાંતો આધારિત છે. અર્દોઆને મિન્સ્ક સમજૂતી અંતર્ગત સમસ્યાના ઉકેલ પર ભાર મૂક્યો.
અર્દોઆને હાલના સંજોગોને ગૂંચવણભર્યા ગણાવીને કહ્યું કે લશ્કરી ઘર્ષણથી કોઈને પણ લાભ નહીં થાય, તેથી તુર્કી રાજદ્વારી ઉકેલના પક્ષે છે. તુર્કી તણાવ ઓછો કરવામાં ભૂમિકા ભજવવા પણ તૈયાર છે.
અર્દોઆને કહ્યું કે નાટોમાં પણ તુર્કી પોતાની સકારાત્મક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તુર્કીના રાષ્ટ્રપતિએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ઉચ્ચસ્તરીય સહયોગ પરિષદની બેઠકમાં સામેલ થવા માટે પણ આમંત્રણ આપ્યું છે.
ઈરાન
ઈરાન શિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ઈરાનના અમેરિકા સાથેના સંબંધ 1979ની ઇસ્લામિક ક્રાંતિથી જ બગડેલા છે. રશિયા સાથેના ઈરાનના સંબંધ સારા રહ્યા છે.
યુક્રેન સંકટ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતિબઝાહેદે મંગળવારે કહેલું કે, "ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બધા પક્ષો પાસેથી ધૈર્યની અપેક્ષા રાખે છે. કોઈ પણ પ્રકારનો તણાવ વધારનારાં પગલાંથી દૂર રહેવું જોઈએ. બધા પક્ષો વાટાઘાટ દ્વારા પોતાના મતભેદોને ઉકેલી શકે છે. દુર્ભાગ્યે અમેરિકાએ નાટોના હસ્તક્ષેપ અને ઉશ્કેરણીજનક પગલાં ભરીને વિસ્તારની સ્થિતિને જટિલ કરી દીધી છે."
જોકે, ઐતિહાસિક રીતે રશિયાની સાથે ઈરાનના સંબંધ મધુર રહ્યા નથી. 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તહેરાનમાં મિત્રદેશોના નેતાઓ સ્ટાલિન, ચર્ચિલ અને ફ્રેન્કલીન ડી રુઝ્વેલ્ટની બેઠક મળી હતી.
એ વખતે ઈરાન પર રશિયા અને બ્રિટનનો કબજો હતો. તહેરાન કૉન્ફરન્સમાં જ મિત્રરાષ્ટ્રો બીજા મોરચા અંગે નૉરમંડી પર આક્રમણ કરવા માટે સંમત થયા હતા. 1941માં રશિયા અને બ્રિટને તટસ્થ ઈરાન પર હુમલો કર્યો હતો, જેથી ક્રૂડનો પુરવઠો રોકાય નહીં અને રશિયા પુરવઠો ચાલુ રહે.
પાકિસ્તાન
પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર ઇસ્લામિક દેશ છે, જે પરમાણુશક્તિસંપન્ન છે. શીતયુદ્ધ દરમિયાન પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે પુતિને યુક્રેન પર આક્રમણનો આદેશ આપ્યો છે અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રશિયાના પ્રવાસે પહોંચ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે ઇમરાન ખાને મુલાકાત માટે બિલકુલ અયોગ્ય સમય પસંદ કર્યો છે. કહેવાય છે કે ઇમરાન ખાનની પ્રવાસ-મુલાકાતનો જે સમય પસંદ કરવામાં આવ્યો છે એનાથી એવો સંદેશ પ્રસરશે કે યુક્રેન સંકટમાં પાકિસ્તાન અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધનની સાથે નહીં, બલકે રશિયાના પક્ષે ઊભો છે.
પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉન અનુસાર, ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફે ઇમરાન ખાનની પ્રવાસ0મુલાકાત અંગે થઈ રહેલી અટકળોને ફગાવી દીધી છે.
યુસૂફે કહ્યું છે, "હા, વૈશ્વિક તણાવ છે, પરંતુ અમારો પ્રવાસ દ્વિપક્ષીય છે અને એ ચીનની પ્રવાસમુલાકાત જેવો જ છે. અમારી પ્રવાસ-મુલાકાતમાં આર્થિક મુદ્દા સામેલ છે. અમે કોઈ એક છાવણીમાં નથી."
યુએઈ
સંયુક્ત આરબ અમિરાતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન મુદ્દાને રાજદ્વારી વાર્તાલાપ દ્વારા ઉકેલવાની અપીલ કરી છે. યુએઈએ એમ નથી કહ્યું કે રશિયા યુક્રેનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.
યુએઈની સરકારી ન્યૂઝ એજન્સી WAM અનુસાર, રશિયા અને યુએઈના વિદેશમંત્રીએ બુધવારે ફોન પર વાતચીત કરી અને પોતાના સંબંધોને વધારે મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે સંબંધો મજબૂત કરવાની વાત યુક્રેન સંકટ દરમિયાન થઈ છે.
કૉપીઃ રજનીશકુમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો