You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંઘર્ષ : વિશ્વ સામે પુતિન આટલા મક્કમ કેમ લાગે છે? રશિયાની સેના કેટલી શક્તિશાળી?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના પાડોશી રાષ્ટ્ર યુક્રેન પર હુમલાના આદેશ આપી દીધા છે, જેને લઈને હવે વિશ્વમાં ફરી યુદ્ધના ઓછાયા દેખાવા લાગ્યા છે.
અમેરિકા, બ્રિટન સહિતના યુરોપના રાષ્ટ્રો રશિયાના આ પગલાનો વિરોધ કરી રહ્યા છે. છતાં પુતિન કેમ મક્કમ મનોબળે હુમલાના આદેશ આપ્યા? શું તેની પાછળ રશિયાની મિલિટરી તાકાત જવાબદાર છે?
રશિયા મિલિટરી પાવરમાં વિશ્વની સરખામણીએ ક્યાં છે? રશિયા પાસે કેટલા સૈનિકો છે, કેટલાં વિમાનો છે અને કેટલી તોપો અને મિસાઇલ્સ છે?
રશિયાની મિલિટરી તાકાત કેવી છે?
રશિયા પાસે વિશ્વની સૌથી પાવરફૂલ મિલિટરી છે. વિશ્વના મિલિટરી પર સૌથી વધારે ખર્ચ કરનારા પાંચ દેશો છે તેમાં રશિયાનો નંબર આવે છે.
અહીં એ પણ સમજી લેવું જરૂરી છે કે મિલિટરીની તાકાતની વાત કરવામાં આવે ત્યારે તેમાં માત્ર સૈનિકોની સંખ્યા જ ગણવામાં આવતી નથી. તેમાં લડાકુ વિમાનો, તોપો, સૈનિકો, આર્મીનાં વાહનો વગેરેની ગણતરી થાય છે.
ગ્લોબલ ફાયરપાવરના એક રિપોર્ટ અનુસાર વિશ્વના 140 દેશમાં મિલિટરી પાવરમાં રશિયા બીજા નંબરે આવે છે. પ્રથમ નંબર પર અમેરિકા છે.
રશિયા પાસે કેટલી તાકાત છે?
રશિયાની મિલિટરી તાકાત વિશાળ છે અને દુનિયાભરમાં તે પોતાનાં શસ્ત્રો વેચે છે. જેમાં ભારત પણ તેનું ગ્રાહક છે.
રશિયા પાસે હાલ 29,00,000 (29 લાખ)નું સૈન્યદળ છે. જેમાં 9,00,00 (9 લાખ) ઍક્ટિવ સૈન્ય છે. જ્યારે 20,00,000 (20 લાખ)નું રિઝર્વ સૈન્યદળ છે. તેની સામે યુક્રેન પાસે કુલ 11,00,000નું સૈન્યદળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા પાસે દુશ્મન દેશોમાં જઈને હુમલા કરી શકે તેવાં વિમાનોની સંખ્યા 1,511 છે, જેને ઍટેક ઍરક્રાફ્ટ કહેવામાં આવે છે. આ એવાં વિમાનો છે જે સીધો જ હુમલો કરી શકે છે. આમાં સૈન્ય પાસે રહેલાં માલવાહક કે સામાન આપૂર્તિ કરતાં વિમાનોનો સમાવેશ થતો નથી. યુક્રેન પાસે આવાં 95 વિમાનો છે.
યુદ્ધમાં હુમલો કરવા માટે હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ થાય છે, જેને ઍટેક હેલિકૉપ્ટર કહે છે. રશિયા પાસે આવાં 544 હેલિકૉપ્ટર છે. જ્યારે યુક્રેન પાસે 34 હેલિકૉપ્ટર છે.
રશિયા પાસે યુદ્ધ લડી શકે એવી કેટલી તોપો છે?
હવે રશિયાના તોપખાનાની વાત, રશિયા વર્ષોથી તોપો એટલે કે ટૅન્ક બનાવવામાં માહેર છે અને તેની પાસે વિવિધ રેન્જની હજારો તોપો છે.
હાલની જાણકારી પ્રમાણે રશિયા પાસે 12,240 ટૅન્ક્સ છે, જે જમીનથી જમીન અને જમીનથી હવામાં માર કરવા માટે સક્ષમ છે. યુદ્ધમાં તોપોની ક્ષમતા ખૂબ જ અગત્યની હોય છે. યુક્રેન પાસે તેની સામે 2,596 તોપો છે.
તોપોની જેમ જ એક પ્રકાર છે ટો આર્ટિલરી વેપન્સ. એટલે કે એવાં યુદ્ધ હથિયારો જેને કોઈ વાહન કે પશુની માફક યુદ્ધના મેદાનમાં ખેંચીને લઈ જવા પડે છે, પરંતુ જમીન પરના યુદ્ધમાં તે ખૂબ જ ઉપયોગી બને છે.
રશિયા પાસે આવી કુલ 7,571 ટો આર્ટિલરી છે. જ્યારે યુક્રેન પાસે તેની સંખ્યા 2,040 જેટલી છે.
રશિયા પાસે હજારોની સંખ્યામાં આર્મ્ડ વ્હિકલ પણ છે. સાવ સાદી ભાષામાં સમજીએ તો એવાં વાહનો કે જેમાં બખ્તર હોય એટલે કે કવચ હોય, જે દુશ્મનની ગોળીઓ અને બૉમ્બવર્ષા સામે રક્ષણ આપે. જેથી તેમાં રહીને વાર પણ કરી શકાય અને સામેથી હુમલો થાય તો બચી પણ શકાય.
રશિયા પાસે આવાં 30,122 બખ્તરબંધ વાહનો છે. જ્યારે યુક્રેન પાસે 12,303 જેટલાં વાહનો છે.
જોકે, દુનિયામાં યુદ્ધ જીતવા માટે ખાલી હથિયારો પૂરતાં નથી, રણનીતિ, આંતરરાષ્ટ્રીય દબાણ, બીજા દેશ સાથેના સંબંધો, આર્થિક તાકાત વગેરે પણ અસર કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો