You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : એ નેતા જેઓ માત્ર 31 કલાક સુધી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા હતા
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
દૂરદર્શન પર આજે ય ઘણી વખત એક ફિલ્મ બતાવવામાં આવે છે, 'નાયક'. જેના હીરો અનિલ કપૂરને એક દિવસ માટે મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. વર્ષ 1998માં ઉત્તર પ્રદેશમાં કંઈક આવું જ થયું, જ્યારે પ્રદેશના રાજ્યપાલ રોમેશ ભંડારીએ જગદંબિકા પાલને રાજ્યના મુખ્ય મંત્રી બનાવી દીધા, પરંતુ કોર્ટના નિર્ણય બાદ તેમણે 31 કલાકમાં જ પોતાનું પદ છોડવું પડ્યું હતું.
ખરેખર થયું કંઈક એવું કે 21 ફેબ્રુઆરી, 1998ના રોજ લખનૌ ખાતે માયાવતીએ એક નાટકીય પત્રકારપરિષદનું સંબોધન કર્યું, જેમાં તેમણે પોતાની ઇચ્છા સ્પષ્ટ કરી દીધી કે તેઓ કલ્યાણસિંહની સરકારને ધ્વસ્ત કરવા માટે બધું કરી છૂટવા તૈયાર છે.
મુલાયમસિંહે પણ એ જ દિવસે અમુક પત્રકારોને કહ્યું કે જો માયાવતી ભાજપની સરકાર ધ્વસ્ત કરવા માટે તૈયાર છે, તો તેઓ પણ પીછેહઠ નહીં કરે.
અને થયું પણ કંઈક એવું જ એ દિવસે લગભગ બે વાગ્યે માયાવતી પોતાના ધારાસભ્યો સાથે રાજભવન પહોંચી ગયાં. તેમની સાથે અજિતસિંહની ભારતીય કિસાન કામગાર પાર્ટી, જનતા દળ અને લોકતાંત્રિક કૉંગ્રેસના પણ ધારાસભ્યો હતા.
કલ્યાણસિંહ તરત લખનૌ પહોંચ્યા
રાજભવનમાં જ માયાવતીએ એલાન કર્યું કે કલ્યાણસિંહ મંત્રીમંડળમાં વાહનવ્યવહારમંત્રી જગદંબિકા પાલ ધારાસભ્યોના દળના નેતા હશે. તેમણે રાજ્યપાલ રોમેશ ભંડારીને અનુરોધ કર્યો કે તેઓ કલ્યાણસિંહ મંત્રિમંડળને તરત બરખાસ્ત કરે, કારણ કે તેમણે બહુમતી ગુમાવી છે અને તેમના સ્થાને જગદંબિકા પાલને મુખ્ય મંત્રી પદના શપથ અપાવે.
એ સમયે મુખ્ય મંત્રી કલ્યાણસિંહ લખનૌ બહાર ગોરખપુરમાં પોતાના પક્ષ માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. તેમને જેવા આ સમાચાર મળ્યા કે તેમને હઠાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે, તો તેઓ પોતાના બધા કાર્યક્રમ રદ કરીને પાંચ વાગ્યા સુધી લખનૌ પાછા ફર્યા.
તેમણે રાજ્યપાલને સમજાવવાની કોશિશ કરી કે તેમને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની તક આપવામાં આવે, પરંતુ રોમેશ ભંડારી સામે તેમનું કંઈ ન ચાલ્યું.
ન માનવામાં આવી રાષ્ટ્રપતિ શાસનની ભલામણ
રાજ્યપાલ રોમેશ ભંડારીએ નક્કી કરી લીધું હતું કે તેઓ મુખ્ય મંત્રી કલ્યાણસિંહને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની તક નહીં આપે. ખરેખર બરાબર પાંચ માસ પહેલાં 21 ઑક્ટોબર, 1997ના રોજ ઉત્તર પ્રદેશમાં એક અભૂતપૂર્વ ઘટના બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સમયે પ્રમોદ તિવારીના નેતૃત્વમાં કૉંગ્રેસ ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષના આસન પાસે પહોંચીને પોતાનો વિરોધ રજૂ કરી રહ્યા હતા.
થોડી વારમાં ત્યાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો પણ પહોંચી ગયા અને ત્યાં જ હિંસાની શરૂઆત થઈ ગઈ હતી.
પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ધારાસભ્યો એકબીજા પર માઇક અને ખુરશીઓ વડે હુમલો કરવા લાગ્યા. મુખ્ય મંત્રી કલ્યાણસિંહને સુરક્ષા બળના સંરક્ષણમાં ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગૃહમાં જે કંઈ પણ થયું તેનાથી રાજ્યપાલ રોમેશ ભંડારી અત્યંત નારાજ થયા. તેઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગતા હતા પરંતુ કેન્દ્રમાં રાષ્ટ્રીય મોરચાની સરકારે રાજ્યપાલની ભલામણ ન માની.
કેન્દ્રમાં મંત્રી મુલાયમસિંહ યાદવે આ ભલામણ મનાવવા માટે પૂરું જોર લગાવ્યું, પરંતુ ગૃહમંત્રી ઇન્દ્રજિત ગુપ્તા અને સ્વયં રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન ન લાદવાની વાતને પોતાનું સમર્થન આપ્યું.
પોતાની સરકાર બચાવવા માટે કલ્યાણસિંહે તેમને સમર્થન આપનાર તમામ ધારાસભ્યોને મંત્રી બનાવવાનો નિર્ણય લીધો. પરિણામ એ આવ્યું કે કલ્યાણસિંહ મંત્રિમંડળમાં 94 સભ્યો થઈ ગયા.
રાજ્યપાલે રાત્રે દસ વાગ્યે અપાવ્યા શપથ
માયાવતી સાથે મુલાકાત બાદ રાજ્યપાલ રોમેશ ભંડારીએ નાટકીય નિર્ણય લીધો. અને કલ્યાણસિંહની સરકારને બરખાસ્ત કરી દીધી. તે બાદ તેમણે એ જ રાત્રે એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ દસ વાગ્યે જગદંબિકા પાલને રાજ્યના 17મા મુખ્ય મંત્રી તરીકે શપથ અપાવ્યા.
આ શપથગ્રહણ સમારોહમાં માયાવતી સહિત કલ્યાણસિંહના તમામ રાજકીય વિરોધી હાજર હતા. જગદંબિકા પાલ અગાઉ કૉંગ્રેસના સભ્ય હતા, પરંતુ ત્યાર બાદ તેઓ તિવારી કૉંગ્રસના સભ્ય બની ગયા હતા.
વર્ષ 1997માં તેમણે નરેશ અગ્રવાલ અને રાજીવ શુક્લાની સાથે લોકતાંત્રિક કૉંગ્રેસનું ગઠન કર્યું. જગદંબિકા પાલ સાથે નરેશ અગ્રવાલે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.
રાજ્યપાલને જગદંબિકા પાલને શપથ અપાવવાની એટલી ઉતાવળ હતી કે રાજભવનના સ્ટાફના સભ્યો શપથગ્રહણ સમારોહ બાદ રાષ્ટ્રગાન વગાડવાનું જ ભૂલી ગયા. બીજા દિવસે લખનૌમાં લોકસભા ચૂંટણી માટે મતદાન હતું.
પરંતુ વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયીએ રાજ્યપાલના આ નિર્ણયના વિરોધમાં સ્ટેટ ગેસ્ટ હાઉસમાં જ અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસવાનો નિર્ણય કર્યો.
લખનૌ રાજ્ય સચિવાલયમાં પણ અજબ સ્થિતિનું નિર્માણ થયું. ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે બે લોકો રાજ્યના મુખ્ય મંત્રી હોવાનો દાવો કરી રહ્યા હતા.
સ્થિતિ બગડતી જોઈને ભાજપે રાજ્યપાલનો નિર્ણય કાયદા મુજબ યોગ્ય છે કે કેમ તેની તપાસ માટે અલાહાબાદ હાઇકોર્ટમાં નિર્ણયને પડકાર્યો.
અલાહાબાદ હાઇકોર્ટે કલ્યાણસિંહની સરકાર બહાલ કરી
22 ફેબ્રુઆરી, 1998ના રોજ ભાજપના નેતા નરેન્દ્રસિંહ ગૌડે અલાહાબાદ હાઇકોર્ટમાં રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી અને બીજા જ દિવસે ત્રણ વાગ્યે હાઇકોર્ટે રાજ્યમાં કલ્યાણસિંહ સરકારને બહાલ કરવાના આદેશ આપ્યા.
આ નિર્ણયથી રાજ્યપાલ રોમેશ ભંડારી અને જગદંબિકા પાલના જૂથને જોરદાર ફટકો પડ્યો. તેમણે હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. જગદંબિકા પાલે 31 કલાક બાદ જ મુખ્ય મંત્રી પદ છોડવું પડ્યું. હાઇકોર્ટે કલ્યાણસિંહને નિર્દેશ આપ્યા કે તેઓ ત્રણ દિવસમાં ગૃહમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરે.
26 ફેબ્રુઆરીના રોજ થયેલા શક્તિપરીક્ષણમાં કલ્યાણસિંહને 225 મત અને જગદંબિકા પાલને 196 ધારાસભ્યોનું સમર્થન મળ્યું. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે ગૃહમાં 16 વીડિયો કૅમેરા લગાવવામાં આવ્યા હતા. કલ્યાણસિંહને માત્ર 213 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત હતી, પરંતુ તેમને 12 મત વધુ પ્રાપ્ત થયા.
બે દિવસની અંદર જ જગદંબિકા પાલને છોડીને લોકતાંત્રિક કૉંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો કલ્યાણસિંહના જૂથમાં પરત ફર્યા. અને આવી રીતે જગદંબિકા પાલ માત્ર 31 કલાક સુધી જ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહી શક્યા.
રસપ્રદ વાત એ હતી કે પાંચ ધારાસભ્યોને, જેમાં ચાર બહુજન સમાજ પાર્ટીના હતા, NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત જેલમાં બંધ કરી દેવાયા હતા. જોકે તેમને ગૃહમાં આવીને વિશ્વાસ મતમાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવી હતી.
તે સમયે આર. એસ. માથુર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ હતા. તેમણે પોતાના પુસ્તક 'ક્રાફ્ટ ઑફ પૉલિટિક્સ : પાવર ફૉર પેટ્રોનેજ'માં લખ્યું, "જગદંબિકા પાલ એ વાતે અડગ હતા કે જ્યાં સુધી તેમને હાઇકોર્ટના આદેશની કૉપી નથી મળી જતી, જેમાં તેમની નિમણૂક ગેરકાયદેસર ગણાવાઈ છે, તેઓ પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે."
બીજી તરફ ભાજપના કેટલાક ધારાસભ્યો જગદંબિકા પાલને પરાણે મુખ્ય મંત્રી કાર્યાલયમાંથી કાઢવા માગતા હતા. કેટલાકનું માનવું હતું કે કલ્યાણસિંહ ફરી વાર મુખ્ય મંત્રી બનાવવાને લઈને રાજભવનમાંથી જ આદેશ જારી થવો જોઈએ.
જ્યારે મેં આ અંગે કાયદા અધિકારી એન. કે. મલ્હોત્રાની સલાહ લીધી, તો તેમણે કહ્યું કે, "જો કોર્ટે જગદંબિકા પાલની નિયુક્તિ ગેરકાયદેસર ઠરાવી, તો તેનો અર્થ એ થયો કે કલ્યાણસિંહનો કાર્યકાળ વચ્ચે બરખાસ્ત થયો જ નહોતો. આ પરિસ્થિતિમાં તેઓ હજુ પણ મુખ્ય મંત્રી છે."
"હવે પ્રશ્ન એ થયો કે આ સંદેશ મીડિયા અને પ્રદેશની જનતા સુધી કેવી રીતે પહોંચાડવો."
"ઘણો વિચાર કર્યા બાદ તેનું નિરાકરણ એવું કાઢવામાં આવ્યું કે કલ્યાણસિંહ મંત્રીમંડળની બેઠક બોલાવે અને તે બાદ એક પ્રેસ નોટ જારી કરાય, જેનાથી સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જાય. કલ્યાણસિંહ તેના માટે તરત તૈયાર થઈ ગયા અ જગદંબિકા પાલ મુખ્યમંત્રીના કક્ષમાંથી બહાર આવી ગયા.
રોમેશ ભંડારીને નૈનીતાલ જવાથી રોકવામાં આવ્યા
કલ્યાણસિંહ ફરી વાર સત્તામાં આવ્યા તેના ત્રણ-ચાર દિવસની અંદર જ રાજ્યપાલ રોમેશ ભંડારી પ્રદેશની ગ્રીષ્મકાલીન રાજધાની નૈનીતાલ જવા માટે રવાના થઈ ગયા. જ્યારે તેઓ કાર મારફતે નૈનીતાલ જઈ રહ્યા હતા, તો ભાજપના નારાજ કાર્યકરોએ તેમની કારને નૈનીતાલની સીમા પાસે રોકીને તેને આગળ ન વધવા દીધી.
સ્થાનિક પ્રશાસને પણ એવું કહીને હાથ અધ્ધર કરી દીધા કે તેમની પાસે રાજ્યપાલના આગમન અંગેની કોઈ પૂર્વસૂચના નહોતી. રોમેશ ભંડારીએ ત્યાંથી નારાજ થઈને મુખ્ય સચિવ આર. એસ. માથુરને ફોન કર્યો.
તે બાદ માથુર પાસે કલ્યાણસિંહનો ફોન આવ્યો. તેમણે માથુરને મોટા અવાજે કહ્યું કે આ નાટક હાલ જ રોકવામાં આવે. રાજ્યના પદની ગરિમાનું દરેક પરિસ્થિતિમાં સન્માન થવું જોઈએ. જલદી-જલદીમાં પ્રશાસને રાજ્યપાલ ભંડારીની આગેકૂચ માટેનો રસ્તો સાફ કર્યો.
રાષ્ટ્રપતિ નારાયણને વડા પ્રધાન ઇંદર કુમાર ગુજરાલને પત્ર લખીને રાજ્યપાલન ભંડારી પર આક્ષેપ કર્યો કે તેમણે તેમની ઇચ્છા વિરુદ્ધ કલ્યાણસિંહની સરકાર બરખાસ્ત કરી હતી.
રોમેશ ભંડારીએ પોતાના પક્ષમાં દલીલ આપતાં કહ્યું હતું કે તેમની પહેલાં રાજ્યપાલ રહેલા મોતીલાલ વોરાએ પણ વિધાનસભાનું સત્ર બોલાવ્યા વગર મુલાયમસિંહની સરકાર બરખાસ્ત કરી દીધી હતી. બાદમાં ન્યાયતંત્રના હસ્તક્ષેપથી કલ્યાણસિંહનો ફરી વાર મુખ્ય મંત્રી બનવાનો રસ્તો સાફ થયો હતો.
રાજકારણની વિડંબના જુઓ કે 2014માં એ જ જગદંબિકા પાલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપની ટિકિટ પર ડુમરિયાગંજથી ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. 2019માં પણ તેઓ ડુમરિયાગંજથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો