You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ બ્લાસ્ટના ચુકાદા પર ગુજરાત ભાજપના ટ્વીટ પર વિવાદ, ટ્વિટરે ડિલીટ કરવું પડ્યું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટના ચુકાદા બાદ ગુજરાત ભાજપના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ મામલે વિવાદ થતાં ટ્વિટરે ટ્વીટ હઠાવી દીધું હતું.
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મામલે સ્પેશિયલ કોર્ટે 18 ફેબ્રુઆરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ ઘટનામાં 49 દોષિતોમાંથી 38ને ફાંસી અને 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ બાદ ગુજરાત ભાજપના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી એક કૅરિકેચર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે સંખ્યાબંધ લોકોને ફાંસીનાં માંચડે દર્શાવવામાં આવ્યા હતા.
તેની સાથેની કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, 'સત્યમેવ જયતે... આતંક ફેલાવનારાઓને કોઈ માફી નહીં'
જોકે, કૅરિકેચરમાં ફાંસીનાં માંચડે દર્શાવવામાં આવેલા લોકો એક ચોક્કસ ધર્મના હોવાથી લોકોએ આકરી પ્રતિક્રિયા આપવાની શરૂ કરી હતી.
આ મામલે વિવાદ વકરતાં ટ્વિટરે ટ્વીટને હઠાવી દીધું હતું.
ભાજપે આ અંગે શું કહ્યું?
આ મામલે ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આમાં જેણે ગુનો કર્યો એને સજા મળી એ જ સંદેશ હતો. બ્લાસ્ટના જે દોષિતો હતા, એની તસવીરોના આધારે એ સ્કૅચ તૈયાર કરાયો હતો. એમાં કોઈ સમુદાય વિરુદ્ધ કોઈ સંદેશ નહોતો."
ગુજરાત ભાજપના મીડિયા સેલ કન્વીનર યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રૅરેસ્ટ ઑફ રૅર કહી શકાય એવા આ ચુકાદા બાદ તમામ આરોપીઓના ફોટો સમાચારપત્રોમાં છપાયા હતા અને ટીવી પર પણ દર્શાવવામાં આવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એના પરથી જ એક કાર્ટૂન બનાવવામાં આવ્યું અને ફાંસીનો ફંદો બતાડવામાં આવ્યો. આ ચિત્રને ટ્વીટ કરવામાં આવ્યું."
ટ્વીટ ડિલીટ થવા અંગે તેમણે કહ્યું કે, "કેટલાંક અસામાજિક તત્ત્વો કે જે તેમનો સાથ આપે છે, તેમણે આ ટ્વીટ રિપોર્ટ કર્યું એટલે ટ્વીટરે તેને હઠાવી દીધું."
ગુજરાત કૉંગ્રેસના પ્રહાર
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આતંકવાદને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી અને આ વાત કૉંગ્રેસ કરતાં કોઈ સારી રીતે જાણતું નથી."
"કૉંગ્રેસ પાર્ટીએ આતંકવાદના લીધે બે પૂર્વ વડા પ્રધાન ગુમાવ્યા છે. આજે ભાજપ વિવાદાસ્પદ ટ્વીટ કરીને ઉજવણી કરી રહ્યો છે અને કોર્ટના ચુકાદાનો ફાયદો ઊઠાવી રહ્યો છે. આવા ચુકાદાઓનો રાજકીય રોટલો શેકવા ઉપયોગ ન કરવો જોઈએ."
લોકોની પ્રતિક્રિયા
અમેરિકન મુસ્લિમ સ્કૉલર ઓમાર સુલેમાને ભાજપની નિંદા કરતાં લખ્યું, "વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ પર શાસન કરનારી પાર્ટી આ પ્રકારની તસવીરો ટ્વીટ કરે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છે."
પત્રકાર રાહુલ પંડિતા લખે છે કે, "આ ખૂબ શરમજનક હરકત છે. જો તેને હઠાવવામાં નહીં આવે અને તેની શક્યતા પણ ઓછી છે, તો આપણે સમજી લેવું જોઈએ કે આ મામલે સરકારની પણ સાઠગાંઠ છે."
આ ટ્વીટમાં શામેલ અશોક ચિહ્નને લઈને શાહીન નામના એક યુઝરે લખ્યું કે, "શું રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ કરીને લઘુમતિ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાની મંજૂરી છે? આશા છે કે તમે આ ટ્વીટને તરત હઠાવી લેશો, જે મુસ્લિમોને નિશાન બનાવે છે અને આપણા રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન કરે છે."
તૃણમૂલ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ ટ્વીટ કર્યું કે, "આ નરસંહારવાળું કાર્ટૂન ભારતની સત્તાધારી પાર્ટી અને તેમના ઇરાદા બતાવે છે. ઉપર જમણી બાજુ, ભારતના રાષ્ટ્રીય પ્રતીકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આઈ. ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવે તરત સ્પષ્ટતા કરવી જોઈએ કે શું આ તેમની પાર્ટીની સત્તાવાર રાજ્યનીતિ છે ? અથવા તો ગુનેગારોની ધરપકડ કરવી જોઈએ."
ઍક્ટ્રેસ શ્રુતિ શેઠે ટ્વીટ કરીને લખ્યું કે, "ટ્વિટરે આની પરવાનગી કઈ રીતે આપી?"
ખાલસા એઇડના સંસ્થાપક રવિંદરસિંહ લખે છે, "આ અપરાધ છે. આ ભારતની સત્તાધારી સરકારનું સત્તાવાર ટ્વિટર હૅન્ડલ છે. એમ લાગે છે કે તેઓ નરસંહાર તરફી વલણ ધરાવે છે. "
દેશમાંથી તો વિરોધ થઈ જ રહ્યો છે સાથેસાથે વિદેશથી પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઑસ્ટ્રેલિયામાં હિંદી ભાષાના પ્રૉફેસર ઇયાન વૂલફૉર્ડે ટ્વીટ કર્યું કે, "આપ જાણો છો કે આ ટ્વીટ દ્વારા તમે શું કરો છો. આપ ગુજરાત ભાજપનું સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ છો અને તમે તમારા લગભગ દોઢ કરોડ ફૉલોઅરો સાથે નરસંહારને પ્રોત્સાહન આપનાર ટ્વીટ શૅર કર્યું. આ આશ્ચર્યચકિત કરનાર કામ છે. તમે ખૂબ ખરાબ કામ કર્યું છે. તેની નિંદા સમગ્ર દુનિયામાં થવી જોઈએ."
બ્લાસ્ટ કેસમાં થયેલી સજા
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટના કેસમાં વિશેષ અદાલતે 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા જાહેર કરી હતી જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ કેસમાં ઝડપી ચુકાદો આવે એ માટે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. દોષિતોને યુએપીએ અને આઈપીસી 302 અંતર્ગત સજા ફટકારાઈ હતી.
આ પહેલાં વિશેષ અદાલત દ્વારા 77 આરોપીઓમાંથી 49ને દોષિત અને 28ને નિર્દોષ જાહેર કરાયા હતા.
સજા સંભળાવતી વખતે વિશેષ ન્યાયાધીશ એ.આર. પટેલે બૉમ્બવિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને 1 લાખના વળતરની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 50 હજાર જ્યારે સામાન્ય રીતે ઈજાનો ભોગ બનેલાઓને 25 હજારના વળતરની પણ જાહેરાત કરી હતી.
નોંધનીય છ કે 26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં સમગ્ર અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ 21 બૉમ્બધડાકા થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યાં હતાં. તેમજ 200 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો