અમદાવાદ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટના કેસમાં વિશેષ અદાલતે 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા જાહેર કરી છે જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસમાં ઝડપી ચુકાદો આવે એ માટે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. દોષિતોને યુએપીએ અને આઈપીસી 302 અંતર્ગત સજા ફટકારાઈ છે.

આ પહેલાં વિશેષ અદાલત દ્વારા 77 આરોપીઓમાંથી 49ને દોષિત અને 28ને નિર્દોષ જાહેર કરાયા હતા.

સજા સંભળાવતી વખતે વિશેષ ન્યાયાધીશ એ.આર. પટેલે બૉમ્બવિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને 1 લાખના વળતરની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 50 હજાર જ્યારે સામાન્ય રીતે ઈજાનો ભોગ બનેલાઓને 25 હજારના વળતરની પણ જાહેરાત કરી છે.

નોંધનીય છ કે 26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં સમગ્ર અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ 21 બૉમ્બધડાકા થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યાં હતાં. તેમજ 200 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

આ કેસના કેટલાક આરોપીઓને સુનાવણી દરમિયાન અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાવતરાનો સમયસર પર્દાફાશ થઈ ગયો હતો.

ગુજરાતમાં બૉમ્બબ્લાસ્ટ

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટા પાયે એવું માનવમાં આવતું હતું કે ગુજરાતના 2002નાં કોમી રમખાણોને પગલે આ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

સિમીના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી, બદલાની ભાવનાથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી.

25મી જુલાઈ 2008ના દિવસે દેશના 'આઈટી સિટી' બેંગલુરુમાં એક પછી એક આઠ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેના બીજા દિવસે ગુજરાતની 'આર્થિક રાજધાની' અમદાવાદના રહેણાક, વ્યાવસાયિક વિસ્તારો, જાહેર પરિવહન વ્યવસ્થા અને હૉસ્પિટલોમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 વિસ્ફૉટ થયા હતા.

આ વિસ્ફોટ મણિનગર, હાટકેશ્વર સર્કલ, એલજી હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટર સહિતના વિસ્તારોમાં થયા હતા. ઘણા વિસ્ફોટ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના વિધાનસભા વિસ્તાર મણિનગરમાં કરવામાં આવ્યા હતા.

કાવતરાખોરો દ્વારા વિસ્ફોટનો સમય એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટોના પીડિતોને જ્યારે નજીકની હૉસ્પિટલોમાં લાવવામાં આવે, ત્યારે વિસ્ફોટ થાય અને બચાવ કામગીરી કરનારા તથા સેવાભાવીમાં ફફડાટ ફેલાઈ જાય અને મોટા પ્રમાણમાં ખુવારી થાય.

એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા તથા વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.

'કામ હો ગયા હૈ'નો એ કૉલ

બીબીસી સહયોગી ભાર્ગવ પરીખે બ્લાસ્ટ તથા તેના તપાસ વિશે વાત કરતાં જણાવ્યું હતું, "અમદાવાદ બ્લાસ્ટના બીજા દિવસે ખોખરા તથા બાપુનગર ખાતે બે-બે બૉમ્બ મળી આવ્યા હતા. ખોખરામાં મળેલા બૉમ્બને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાપુનગરમાંથી મળેલા બૉમ્બને કારણે પોલીસને તપાસની મહત્ત્વપૂર્ણ કડી મળી હતી."

તેમના જણાવ્યા અનુસાર, અમદાવાદ બાદ સુરતમાં પણ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બીજા દિવસે સુરતના હીરાબજાર અને રહેણાક વિસ્તારોમાંથી કારમાંથી બૉમ્બ મળી આવ્યા હતા.

જોકે બાપુનગરમાંથી જે બૉમ્બ મળી આવ્યો, તે વડોદરામાંથી પ્રકાશિત થતાં અખબારમાં વિંટળાયેલો હતો, જેના કારણે તપાસના તાર વડોદરામાં પણ જોડાયા હતા. આથી, તપાસ અધિકારીઓને શંકા ગઈ હતી કે બૉમ્બ વડોદરા લાવવામાં આવ્યા હશે અને ત્યાંથી સુરત તથા અમદાવાદ મોકલવામાં આવ્યા હશે, કારણ કે ભૌગોલિક રીતે વડોદરા અમદાવાદ અને સુરતની વચ્ચે પડે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા) તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે એક વેગન-આર ગાડીએ પાંચ-છ વખત અમદાવાદ અને વડોદરાની વચ્ચે ખેપ કરી હતી, જેની મુંબઈમાંથી ચોરી કરવામાં આવી હતી.

એફએસએલ અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે દરેક બૉમ્બ બનાવવા માટે લગભગ 700 ગ્રામ ઍમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કાવતરાખોરો દ્વારા બ્લાસ્ટને અંજામ આપવા માટે ખોટા નામે પાંચ પ્રિ-પેઇડ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા તથા તેની મદદથી સંકલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એક ડૉક્ટરે એક શખ્સને ફોન પર 'કામ હો ગયા હૈ' કહેતા સાંભળ્યો હતો, જેના આધારે મોબાઇલ કાર્ડ તથા સીમકાર્ડની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટેલિકોમ ઑપરેટરો પાસેથી મળેલા ડેટા તથા મોબાઇલ ટાવરના ડેટાની વિસ્તૃત છણાવટ કરતાં બ્લાસ્ટના વિસ્તારોમાં ઍક્ટિવ હોય, પરંતુ તે પછી બંધ થઈ ગયેલા પાંચ મોબાઇલ નંબર મળી આવ્યા હતા.

બાદમાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ હતી અને અમદાવાદ બ્લાસ્ટના તાર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા બિહાર સુધી જોડાયા હતા અને 19 દિવસમાં કેસ પરથી પડદો ઊંચકાયો હતો.

કેસની વિગતો

અમદાવાદ બાદ ગુજરાત પોલીસને સુરતને ટાર્ગેટ બનાવીને મૂકવામાં આવેલા બૉમ્બ કેટલાંક સ્થળોએથી મળી આવ્યા હતા. શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા તેના પ્રયાસના કાવતરા બદલ અમદાવાદમાં 20 તથા સુરતમાં 15 એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી હતી.

અદાલત દ્વારા તમામ 35 એફઆઈઆરને મર્જ કરીને કેસ ચલાવવામાં આવ્યો હતો. આરોપીઓ સામે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડસંહિતા), વિસ્ફોટક ધારા, યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ)ની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ કેસમાં કુલ 78 શખ્સો સામે આરોપનામું ઘડાયું હતું. પાછળથી એક શખ્સ તાજનો સાક્ષી બની ગયો હતો. આથી આરોપીઓની સંખ્યા ઘટીને 77 થઈ હતી.

સુનાવણી દરમિયાન અદાલત દ્વારા 1100 કરતાં વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેસના કેટલાક આરોપીઓ હજુ નાસતા ફરે છે અથવા તો કેટલાક આરોપીઓ મોડેથી ઝડપાયા હતા, જેમની સામે કેસ ચાલવાનો બાકી છે.

અમદાવાદ બ્લાસ્ટના મુખ્ય આરોપી મનાતા અબ્દુલ સુભાન કુરૈશીની વર્ષ 2018ની શરૂઆતમાં નવી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.

'ટેકી બૉમ્બર તરીકે ઓળખાતા કુરૈશી કેટલીક આઈટી કંપનીઓમાં કામ કરી ચૂક્યા હતા અને તેમણે આઈએમની નાણાકીય જવાબદારી સ્વીકારી હતી. તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસના 'માસ્ટરમાઇન્ડ' માનવામાં આવે છે.

વિસ્ફોટકોની હેરફેર માટે વપરાયેલી કાર ચોરવાના તથા વિસ્ફોટકો ગોઠવવાના આરોપી અફઝલ ઉસ્માની સપ્ટેમ્બર-2013માં પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ એક મહિના બાદ તેમને ફરી ઝડપી લેવામાં આવ્યો હતો.

સાબરમતી જેલ સુરંગકાંડ

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓને અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. સુનાવણીના પ્રારંભિક તબક્કે વિશેષ અદાલત સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ બેસતી હતી.

આ કેસની સુનાવણી વર્ષ 2009થી શરૂ થઈ હતી. પાછળથી મોટા ભાગની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવી હતી.

બ્લાસ્ટકેસના આરોપીઓ દ્વારા કથિત રીતે સાબરમતી જેલમાં 200 ફૂટ કરતાં લાંબી સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ થયો હતો. એ મુદ્દે અલગથી આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, જેની સુનાવણી હજુ બાકી છે.

ઇન્ડિયન મુજાહિદ્દીન એટલે...

સ્ટુડન્ટ્સ ઑફ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયાના ઉદ્દામવાદીઓએ આ ઉગ્રવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી. જેણે ભારતનાં અનેક શહેરોને 'સૉફ્ટ ટાર્ગેટ'ને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ કર્યા હતા. આમ છતાં તે લૉ-પ્રોફાઇલ રહેવામાં સફળ રહ્યું હતું.

2006માં મુંબઈમાં લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં 185 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને તેમાં આઈએમની સંડોવણી બહાર આવી હતી. એ પછી પણ કેટલાક વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો.

2010માં પુણેની જર્મન બેકરી ખાતે વિસ્ફોટ થયા બાદ ભારત સરકારે તેની પર પ્રતિબંધ લાદ્યો હતો. 2011માં યુએસ તથા 2012માં યુકેએ તેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડિયન મુજાહિદ્દીનની મૉડસ ઑપરેન્ડી પ્રમાણે, જે-તે શહેરમાં વિસ્ફોટો પહેલાં 'રોક શકો તો રોક લો...' દ્વારા પોલીસ, મીડિયા તથા ઉચ્ચ અધિકારીઓને ઈમેઈલ મોકલવામાં આવતા હતા. જે મોટા ભાગે ઓપન વાઈ-ફાઈ દ્વારા મોકલવામાં આવતા. ઈમેલમાં 'કાફરો'ને ધમકી આપવામાં આવતી અને તેમને ઇસ્લામનો અંગીકાર કરવા અથવા તો મરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવતું.

કેટલાંક ગુપ્તચર સૂત્રોના મતે, ઇન્ડિયન મુજાહિદ્દીન પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠનનો 'ચહેરો' હતું. ભારતસ્થિત સંગઠનના ભારતીય સભ્યો દ્વારા જ ભારતમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવે છે, તે માટે પાકિસ્તાનસ્થિત સંગઠનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો.

આ સિવાય તેના બૉમ્બની રચના ખૂબ જ સામાન્ય હતી. વિસ્ફોટકોમાં ટાઇમિંગ ડિવાઇસ સાથે બૉલ-બેરિંગના છરા મૂકવામાં આવતા, જેથી કરીને મોટા પ્રમાણમાં ઈજાઓ થાય.

યાસીન ભટકલને ભારત-નેપાળ સરહદ પરથી બિહારના મોતીહારીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

કર્ણાટકના ભટકલ શહેરના યાસીનના ભાઈઓ રિયાઝ તથા ઇકબાલ પણ આ સંગઠન સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ કાયદાની પહોંચથી દૂર છે.

યાસીન ભટકલને ઝડપી લેવા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન ઉપરથી 'ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ' નામની ફિલ્મ બની હતી. જેમાં અર્જુન કપૂરે આઈબી ઑફિસરની ભૂમિકા ભજવી હતી.

ઇન્ડિયન મુજાહિદ્દીન પર અમદાવાદ (56 મૃત્યુ), સુરત (નિષ્ફળ પ્રયાસ) ઉપરાંત પુણે (17 મૃત્યુ), હૈદરાબાદ (42 મૃત્યુ), મુંબઈ (186 અને 27 મૃત્યુ), દિલ્હી (18 મૃત્યુ), બેંગ્લુરુ (બે મૃત્યુ) અને જયપુર (63 મૃત્યુ)માં પણ બૉમ્બ વિસ્ફોટોને અંજામ આપવાનો આરોપ છે.

2008 બાદ તેના અનેક મોટા ઑપરેટિવ સિક્યૉરિટી એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા હતા અથવા તો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જેના કારણે તેની કમર તૂટી ગઈ. અબ્દુલ સુભાન કુરૈશીએ તેને ઍક્ટિવેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ ઝડપાઈ ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો