વલસાડ : 'મારો આદર્શ - ગોડસે' શાળામાં વક્તૃત્વસ્પર્ધામાં વિષય રખાયો, અધિકારી સસ્પેન્ડ, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના વલસાડની શાળાઓમાં ધોરણ પાંચથી આઠ સુધીના વિદ્યાર્થીઓ માટેની વકતૃત્વ સ્પર્ધાના વિષયને લઈને વિવાદ સર્જાયો છે, જેને પગલે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરવાં પડ્યાં છે.

રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તાજેતરમાં વલસાડ જિલ્લામાં બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી.

બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં જુદાજુદા ક્ષેત્રોમાં આ વિદ્યાર્થીઓની કુશળતા વિકસાવવા માટે વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના અંતર્ગત યોજાયેલી વકતૃત્વસ્પર્ધામાં આપવામાં આવેલા ત્રણ વિષયોમાંનો એક 'મારો આદર્શ - નથુરામ ગોડસે' હતો.

ગાંધીના ગુજરાતમાં ગાંધીની હત્યા કરનારને જ બાળકોમાં આદર્શ તરીકે પ્રસ્થાપિત કરવાનો આ પ્રયત્ન હોવાના દાવાઓની સાથે તેને લઈને વિવાદ સર્જાયો હતો.

જોકે, વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ રાજ્ય સરકારે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીને સસ્પેન્ડ કરી દીધાં છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ ઘટનાની જેવી જાણ થઈ તાત્કાલિક તે વિશે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે."

શું હતી ઘટના?

વલસાડ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, 14 ફેબ્રુઆરીના દિવસે તિથલ રોડ પર આવેલી કુસુમ વિદ્યાલય નામની શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં જુદાંજુદાં વયજૂથના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ, નિબંધ, દોહા, છંદ, ચોપાઈ, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, લોકવાર્તા, લોકગીત વગેરેની પ્રતિયોગિતાઓ યોજાઈ હતી.

આ પ્રતિયોગિતાઓ પૈકી ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ત્રણ વિષયો અપાયા હતા. જેમાં 'મને તો આકાશમાં ઊડતું પક્ષી જ ગમે', 'વૈજ્ઞાનિક બનીશ, પણ અમેરિકા નહીં જાઉં' અને 'મારો આદર્શ-નથુરામ ગોડસે' નો સમાવેશ કરાયો હતો.

આ ત્રણ વિષયો પૈકી ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને કુમળી વયનાં બાળકોમાં આદર્શ તરીકે પ્રસ્થાપિત કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને ઠેરઠેર તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

શું છે શાળા અને જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકા?

વલસાડના તિથલ રોડ ખાતે આવેલા કુસુમ વિદ્યાલયમાં આ સ્પર્ધા યોજાઈ હતી. શાળાનાં સંચાલિકા અર્ચના દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ચાર-પાંચ દિવસ અમારા પર ફોન પર અમને પૂછવામાં આવ્યું હતું કે, શું આ સ્પર્ધા અમારી શાળામાં યોજી શકાશે?"

તેઓ આગળ કહે છે, "આ સ્પર્ધા દરેક જિલ્લામાં યોજાતી રહે છે. જેથી અમે પણ સ્પર્ધા યોજવા માટે શાળા આપવા સહમતી દર્શાવી હતી. સ્પર્ધાના આયોજનથી લઈને વિષયો સહિતની તમામ બાબતોની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે."

તેમના પ્રમાણે, "શાળાની ભૂમિકા માત્ર સ્થળ આપવા પૂરતી હતી. આવું જ કંઈક વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી બી. ડી. બારિયા પણ માને છે."

તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ બાળપ્રતિભા શોધ સ્પર્ધા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોજવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં પણ આ વિભાગ દ્વારા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી. શિક્ષણ વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ બન્ને અલગઅલગ છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "પ્રતિયોગિતામાં કઈકઈ સ્પર્ધાઓ છે અને તેના વિષયોને લઈને જિલ્લા શિક્ષણવિભાગને કોઈ જાણ કરવામાં આવી નથી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જ તમામ બાબતો નક્કી કરવામાં આવતી હોય છે."

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ ઘટનાની જેવી જાણ થઈ તાત્કાલિક તે વિશે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે."

તપાસનો રિપોર્ટ મળ્યા બાદ જે કોઈની પણ સંડોવણી સામે આવશે, તમામ સામે કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો