'એ સુપરકૉપ બનવા મહેનત કરતો', રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુને ભેટેલા ગુજરાતી પોલીસકર્મીઓ કોણ છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારો ભત્રીજો પહેલાંથી જ હિંમતવાળો હતો. પોલીસમાં જોખમી કામ એ પોતાના માથે લઈને કરતો. આરોપીઓને પકડતો."

ઘરફોડના આરોપીને પકડવા માટે દિલ્હી ગયેલા અને માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના ચાર પોલીસ કૉન્સ્ટેબલો પૈકી એક કૉન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલના કાકા મહાવીરસિંહના આ શબ્દો છે.

દિલ્હીથી તહોમતદારોને ગુજરાત લાવી રહેલા ગુજરાત પોલીસના વાહનને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો અને પાંચ લોકોનાં મૃત્યુ થયાં. આ પાંચ મૃતકોમાંથી ચાર ગુજરાત પોલીસના જવાનો હતા.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટર પર આ અંગે શોક વ્યક્ત કર્યો છે.

'અથાક મહેનત કરીને પોલીસમાં નોકરી મેળવી હતી'

ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી વધેલા ઘરફોડના ગુનાનું પગેરું દિલ્હી સુધી પહોંચ્યું હતું, એટલે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના એક હેડ કૉન્સ્ટેબલ અને ત્રણ કૉન્સ્ટેબલને ઘરફોડ-ચોરીના આરોપીને પકડવા માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

ત્રણ દિવસની મહેનત બાદ આરોપીને પકડીને પોલીસજવાનો દિલ્હીથી પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના જયપુર નજીક હાઇવે પર અકસ્માત થતાં ચારેય પોલીસકર્મી અને આરોપીનાં મૃત્યુ થયાં હતાં.

સોમવારની મોડી રાતે થયેલા આ અકસ્માતના સમાચાર પરિવારને મંગળવારે વહેલી સવારે મળ્યા હતા.

કૉન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલના કાકા મહાવીરસિંહે બીબીસી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું, "શક્તિસિંહની નાનપણથી ઇચ્છા લોકોની સેવા કરવા માટે પોલીસમાં જવાની હતી. એણે અથાક મહેનત કરીને પોલીસમાં નોકરી મેળવી હતી."

"ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એ ફરજ બજાવતો હતો. દિલ્હીમાં સંતાયેલા આરોપીઓને એ પકડવા ગયો તે પહેલાં અમારી સાથે એણે છ તારીખે વાત કરી હતી. એ બાદ એનો કોઇ સંપર્ક થયો નહોતો. આજે એના અવસાનની જાણ થઈ."

'સુપરકૉપ બનવું હતું'

તો આવું જ કંઇક અકસ્માતમાં માર્યા ગયેલા કૉન્સ્ટેબલ ઇરફાન અગવાનના પરિવારજનો કહી રહ્યા છે.

ઇરફાનના મામા ઝુબેર આગવાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ઇરફાનના માથે કુટુંબની ઘણી બધી જવાબદારીઓ હતી. એ સુપર કૉપ બનવા માટે સખત મહેનત કરતો હતો."

"દિલ્હી જતાં પહેલાં એણે મારી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં પોલિસખાતાની બીજી ઇન્ટર્નલ પરીક્ષાઓ આપીને એ આગળ વધવા માગે છે."

"ખાતાકીય પરીક્ષાઓ આપવાની પણ તૈયારીઓ કરી રહ્યો હતો."

પોતાના ભાણેજના મૃત્યુના સમાચાર મળતાં જ રાજસ્થાન તરફ જઈ રહેલા ઝુબેરભાઇએ લાંબી વાત કરવાનો ઇન્કાર કરતાં કહ્યું. "હાલ મારું કામ કુટુંબના વડા તરીકે સગાંઓને સંભાળવાનું છે."

પોલીસખાતાનું શું કહેવું છે?

આ સમગ્ર ઘટના અંગે ભાવનગરના એસીપી શફી હસને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ચારેય પોલીસકર્મી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ ગુના ઉકેલવામાં સક્ષમ અને સફળ હતા."

"ભાવનગરમાં ઘટેલી ઘરફોડની કેટલીક ઘટનાઓના આરોપીઓ દિલ્હીમાં સંતાયા હોવાની જાણ થતાં ચારેય પોલીસકર્મી એને પકડવા માટે આઠ ફેબ્રુઆરીએ દિલ્હી જવા નીકળ્યા હતા."

"ત્યાંથી આરોપીને પકડીને પરત આવી રહ્યા હતા ત્યારે માર્ગઅકસ્માતમાં અમારા હેડ કૉન્સ્ટેબલ મનસુખ ભાલડિયા, કૉન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુકેરા અને ઇરફાન આગવાનના એક આરોપી સાથે મૃત્યુ થયાં હતાં. રાજસ્થાનમાં આ અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે. હાલમાં અમારી પ્રાથમિક્તા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને એમના મૃતદેહોને સન્માનપૂર્વક ભાવનગર લાવવાની છે."

ભાવનગરના એસ.પી. જયપાલસિંહ રાઠોડે આ મામલે બીબીસીને જણાવ્યું, "આ અકસ્માતમાં સરકારી ધોરણે સહાય મળી શકે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ."

હાલમાં મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોને પોલીસ વૅલફેર ઉપરાંત પોલીસકર્મીઓ તરફથી પણ સહાય મળે એવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

ભાવનગરના આ ચાર પોલીસકર્મીઓનાં મૃત્યુ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ચારેય યુવાન પોલીસકર્મી હતા. સરકારના નિયમ પ્રમાણે તેમના પરિવારજનોને યુદ્ધના ધોરણે સહાય પૂરી પાડવામાં આવશે."

તેમણે આરોપીને પકડવા જનાર પોલીસકર્મીને વધુ સારી સુવિધા કેવી રીતે આપી શકાય એ અંગે પ્રયાસ હાથ ધરવાની બાંહેધરી પણ આપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો