ગુજરાત : સુરતમાં ગ્રીષ્માની જેમ ગાંધીનગરમાં એકતરફી પ્રેમીએ સગીરાના ગળા પર કટર ફેરવ્યું, આખરે કેમ યુવાનો આવું પગલું ભરે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી દીકરીનો વાંક માત્ર એટલો જ હતો કે તે ભણવા માગતી હતી, લગ્ન નહોતાં કરવાં. જેથી તેની પાછળ પડેલા સંજયે તેનું ગળું કાપી નાખ્યું. ભલું થાજો એ મજૂરોનું, જેમણે મારી દીકરીને ફોન આપ્યો અને તેણે મને ફોન કર્યો."

આ શબ્દો છે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલ પીડિત દીકરીના પિતા રમેશ ઠાકોરના.

રમેશ ઠાકોર ગાંધીનગર જિલ્લાના બાલુન્દ્રા ગામમાં ખેતમજૂરી કરે છે. તેમનાં ત્રણ સંતાનો પૈકી શિલ્પા ભણવામાં હોશિયાર હતાં અને ભણીગણીને તેઓ સરકારી ઑફિસર બનવા માગતાં હતાં.

(નોંધ - ઓળખ છતી ન કરવાના હેતુસર ફરિયાદી પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં છે.)

'સમાજના આગેવાનોની હાજરીમાં ફરી ક્યારેય હેરાન ન કરવાનું વચન આપ્યું'

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં આઈ.સી.યુ વૉર્ડ બહાર બેસેલા રમેશે બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, "સંજય અમારી જ્ઞાતિનો જ છે અને અમારા ગામમાં જ રહે છે. તે વારંવાર મારી દીકરીને પરેશાન કરતો હતો, પણ તેનું ધ્યાન માત્ર ભણવામાં હોવાથી પ્રેમમાં પડીને સમય બગાડવા માગતી ન હતી."

"તેણે જ્યારે મને આ વિશે વાત કરી ત્યારે આ વાત મેં સમાજના આગેવાનો સામે મૂકી. સંજયે આગેવાનોની હાજરીમાં ફરી ક્યારેય શિલ્પાને હેરાન ન કરવાનું વચન આપ્યું હતું. આજે મારી દીકરી સ્કૂલે ગઈ અને ક્યારે તે એની પાછળ ગયો, એની મને ખબર નથી."

શુક્રવારે સાંજે કથિતપણે સંજય શિલ્પાને સ્કૂલ પરથી કોઈક એકાંત જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં તેમની સાથે બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, શિલ્પાના પ્રતિકારથી ઉશ્કેરાયેલા સંજયે ખિસ્સામાંથી કટર કાઢીને તેમના ગળા પર ફેરવી દીધું હતું.

રમેશ કહે છે કે, " આજે શિલ્પા સ્કૂલેથી ઘરે પાછી આવે તે પહેલાં મારા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે અમરાપુર કોતર પાસે તેના પર હુમલો થયો છે. હું અને મારો ભાઈ ત્યાં ગયા તો તે લોહીલુહાણ હાલતમાં પડી હતી. અમે ઍમ્બુલન્સને ફોન કર્યો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં લાવ્યા છીએ."

તેઓ આગળ કહે છે કે, "શિલ્પા પાસે ફોન તો હતો, પણ તે માત્ર ઑનલાઇન અભ્યાસ માટે જ તેનો ઉપયોગ કરતી હતી. તે ફોન પોતાની પાસે રાખતી જ ન હતી."

સાંજથી શરૂ થયેલું શિલ્પાનું ઑપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું. જેમાં ડૉક્ટરે તેમના ગળા પર 30 જેટલા ટાંકા લીધા હોવાનું રમેશ ઠાકોરે જણાવ્યું હતું.

લોહીલુહાણ હાલતમાં તેમણે લોકો પાસેથી ફોન માગ્યો

ઘટનાની તપાસ કરી રહેલા માણસા પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી. એ. સોલંકી કહે છે કે, "આ સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. તે સમયે તેના ગામમાં જ રહેતો સંજય ઠાકોર નામનો યુવાન તેની પાસે આવ્યો હતો."

તેઓ આગળ કહે છે, "સગીરા સ્કૂલમાંથી નીકળી એટલે તેણે સગીરાના કાકા બીમાર હોઈ પોતે લેવા આવ્યો હોવાની વાત કરી. આ યુવક પહેલાં પણ તેને હેરાન કરતો હતો, પણ સમાધાન થયું હોવાથી ભરોસો રાખીને સગીરા તેની બાઇક પર બેસી ગઈ અને તે બાઇક અમરાપુરના કોતરો તરફ લઈ ગયો."

ઇન્સ્પેક્ટર સોલંકીના કહેવા પ્રમાણે, "કોતરોમાં લઈ જઈને સંજયે શિલ્પા સાથે બળજબરીથી શારિરીક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો પણ તેણે પ્રતિકાર કરતાં પોતાના ખિસ્સામાં રાખેલા કટર વડે સંજયે તેનું ગળું કાપી નાખ્યું."

તેઓ વધુમાં કહે છે કે, "સંજયે હુમલો કરતાં જ શિલ્પાએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. જે સાંભળીને કોતરોમાંથી રેતી લઈ જવાનું કામ કરતાં શ્રમિકો દોડી આવ્યા હતા. લોકોને આવતાં જોઈને સંજય ત્યાંથી ભાગી ગયો હતો."

શિલ્પાની હિંમતને દાદ આપતાં ઇન્સ્પેક્ટર સોલંકી કહે છે, "લોહીલુહાણ હાલતમાં પણ તેણીએ ત્યાં એકઠા થયેલા શ્રમિકો પાસેથી ફોન માગ્યો અને પિતાને ફોન કર્યો. ઍમ્બુલન્સ પણ સમયસર આવી જતાં તેનો જીવ બચી ગયો છે."

શિલ્પા પર હુમલો કર્યા બાદ ઘટનાસ્થળ પરથી ફરાર થનારા સંજય અંગે તેઓ જણાવે છે કે, "તે ક્યાંય દૂર ભાગે તે પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તેણે જ આ હુમલો કર્યો છે. તેના પર POCSO ઍક્ટની કલમ હેઠળ બળાત્કાર અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે."

હુમલો કરવા પાછળ તેમનો તર્ક હતો કે, જો તેઓ શિલ્પા સાથે બળજબરીથી શારિરીક સંબંધ બાંધશે, તો શિલ્પાએ તેમની સાથે જ લગ્ન કરવાં પડશે. જોકે, શિલ્પાએ પ્રતિકાર કરતાં તેમણે હુમલો કર્યો હતો.

'મોટાભાગના લોકો ઓછી આવક ધરાવતા વર્ગના'

પોતાને ગમતી યુવતી તાબે ન થતાં તેના પર જીવલેણ હુમલો કરવા પાછળ માનસિક બીમારી કારણભૂત હોવાનું જાણીતા મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી જણાવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "એકતરફી પ્રેમમાં હિંસક હુમલો કરનારા લોકો રીઢા ગુનેગાર નથી હોતા. તે લોકો ભાવનાત્મક રીતે પરેશાન હોય છે. તેમને જે કરવું હોય તે કરવા ન મળતાં તેઓ હિંસક થઈ જાય છે."

તેઓ આગળ કહે છે, "આ પ્રકારના મોટાભાગના લોકો લવ ઓબ્સેશનલ ડિસઑર્ડર અને ઈમ્પલ્સ કંટ્રોલ ડિસઑર્ડરથી પીડાતા જોવા મળે છે. આ લોકો પોતાને ગમતી વ્યક્તિ તેમનું કહેલું ન કરે તો આવેગમાં આવી જાય છે અને તેમની અંદર છુપાયેલી હતાશાને કારણે આક્રમક થઈ જતા હોય છે. આ હતાશા આક્રમકતામાં પરિણમતાં તેઓ મારઝૂડ, ઍસિડ ઍટેક તેમજ ખૂન કરવા સુધી પહોંચી જાય છે."

આ પ્રકારના લોકોની આર્થિક સ્થિતિ વિશે ડૉ. ચોક્સી કહે છે કે, "આમ કરનારા મોટાભાગના લોકો ઓછી આવક ધરાવતા વર્ગના હોય છે. કારણ કે, તેમનાં સપનાં મુજબની જરૂરિયાતો પૂરી ન થતાં તેઓ હતાશ રહેતા હોય છે અને સતત હતાશાને કારણે તેઓ વધારે પડતા આવેગમાં આવી જાય છે અને આક્રમક બની જતા હોય છે. કેટલાક લોકો સેલ્ફ અગ્રેશનના શિકાર થાય છે, તો કેટલાક ખુદને ઈજા પહોંચાડે છે અથવા તો આત્મહત્યા કરે છે. આઉટવર્ડ અગ્રેશનના કિસ્સામાં લોકો પોતાને ગમતી વ્યક્તિ ધાર્યું ન કરે તો તેમના પર હુમલો કરે છે."

ડૉક્ટર ચોક્સી વધુમાં જણાવે છે કે, "આવા લોકો રીઢા ગુનેગાર નથી હોતા. તેમને ખબર છે કે જો ટ્રાફિકનો નિયમ તોડીએ તો દંડ થાય છે, તો ખૂન કરવાથી પણ સજા તો થશે જ, પણ તે સમયે આવેગમાં તેઓ ન કરવાનું કરી બેસે છે."

છેલ્લા એક સપ્તાહમાં બનેલી ઘટનાઓ

એક અઠવાડિયામાં આ પ્રકારની હિંસાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

12 ફેબ્રુઆના રોજ સુરતમાં કથિતપણે એકતરફી પ્રેમી ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી.

ત્યાર બાદ 16 ફેબ્રુઆરીએ રાજકોટમાં પ્રેમીના ત્રાસથી માતાના ઘરે ગયેલી મહિલાને પકડીને પ્રેમીએ તેમનાં વાળ અને નાક કાપી નાખ્યાં હતાં.

અંતે શુક્રવારે ગાંધીનગરમાં બનેલ ઉપરોક્ત ઘટનાએ રાજ્યમાં યુવતીઓ પર થઈ રહેલા અત્યાચારના સિલસિલામાં એક નવો કિસ્સો જોડી દીધો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો